અર્થ = અનર્થ
ઃ મને તો બહુ ચિંતા થાય છે. ઊંઘ હરામ થઈ છે ! આ રૂપિયાનું હવે શું થશે ?
ઃ રૂપિયાનું થઈથઈને શું થવાનું છે ? તમે તો, યાર, અમથા-અમથા જ પરેશાન થઈ જાવ છો ! આપણા જેવાઓને હતું શું, ને ગયું શું જેવો તાલ, કરોડોની ધમાલવાળાઓને માથાકૂટ, આપણે તો તીરે ઊભા તમાશો …
ઃ એવું નથી ભઈ, આ વાજતું-ગાજતું તમારે બારણે આવ્યું જાણો ! લોકો કેવી રીતે જીવે છે તે જરા જોઈ આવો, તો ખબર પડે. જે ચીજ પર હાથ મૂકો એ મોંઘીદાટ, દાઝી જવાય એવી. ખેંચાઈ જશો જીવવામાં !
ઃ તમને ખબર છે આ રૂપિયાના પતનની ઘટનાનું રહસ્ય ?
ઃ ના, મને અર્થશાસ્ત્ર નથી આવડતું. બચી ગયો છું બાલબાલ, તમને ખબર છે ?
ઃ છે, તેમાં તો તમને પૂછું છું. એમાં આપણી પ્રાચીન પરંપરા અને અસાધારણ જ્ઞાનને જાળવી રાખવાની એક અપૂર્વ યોજના રહેલી છે. એમાં ભારતીય જીવનશૈલીનો આદર કરવાની ઉચ્ચ ભાવના છે.
ઃ બકવાસ ! રસ્તા પર આવો કશો બબડાટ કરશો, તો માર ખાશો ક્યારેક !
ઃ એ જ, એ જ બાબત છે. આ માર મારવાની ઉગ્રતા, આ બેફામ દુરાચાર, આ અમર્યાદ ભ્રષ્ટાચાર, બધું ક્યાંથી આવે છે ? આપણે આપણી જીવનશૈલી બગાડી મૂકી છે. એ ગંદીગોબરી ઢબમાંથી જ બધો ગંદવાડ ફેલાય છે.
ઃ વારુ, તો કઈ જીવનશૈલીની તમે હિમાયત કરો છો ? તમે, એટલે કે તમારા કહેવા મુજબ સરકાર જે શિખવાડવા ધારે છે તે જીવનશૈલી ?
ઃ શંકરાચાર્યવાળી, પ્રાચીન સંતો-મહાનુભાવોએ પ્રબોધેલી. કરતલ ભિક્ષા, તરુતલ વાસ, એ જ જીવનની શ્રેષ્ઠ પદ્ધતિ છે. આપણે એ ભૂલી ગયાં છીએ, અને એને સ્મરવાનો આ ઉત્તમ અવસર છે. એથી પ્રાચીન વૈભવ પુનઃ પ્રાપ્ત થશે. જોજો ! નોંધી લેજો, આ તારીખ અને મારું વચન …
ઃ તે ભારતની મોટી વસ્તી આમ નથી કરતી શું ? કરતલ ભિક્ષાવાળો જથ્થો તો બહુ મોટો છે અને તેમાં અપવાદરૂપ તો સાવ મુઠ્ઠીભર કહેવાય એવું નથી ?
ઃ ના, હું તો પેલા સંસ્કૃત સુભાષિતોની કથા દોહરાવું છું. અહીં અમે વલ્કલથી તુષ્ટ છીએ, અને તમે લક્ષ્મીથી તુષ્ટ છો. હકીકતમાં ભિખારી તો એ છે, જેની તૃષ્ણા વિશાળ છે, જો તમે મનથી સંતુષ્ટ છો, તો ધનવાન કોણ અને દરિદ્ર કોણ ?
ઃ એટલે કોઈ વંચિતો નથી, એમ સાબિત કરો છો તમે ?
ઃ પાકે પાયે. ‘નથી’ એમ વિચારવું એ માત્ર મનની દશા છે. જે ક્ષણે આ સુંદર ભાવ મનમાં પેઠો, તે દિવસથી આઠે પ્રહર ઉત્સવ. સરકાર આપણી ગુરુ. કૌન બતાવે બાટ, ગુરુ બિન ?
ઃ એટલે રૂપિયો ભોંય પર ચપ્પટ થયો. એ બાબત આખેઆખી નકારવાની ?
ઃ એમ જ કરવાનું, દૃઢતાપૂર્વક, અર્થ અનર્થ છે, એ ભાવ ઘૂંટો, ઘૂંટતા જ રહો, તમામ ભયનું મૂળ અર્થ છે, તમામ શંકાનું મૂળ અર્થ છે, તમામ ગોટાળાનું મૂળ અર્થ છે, તમામ પીડાનું મૂળ અર્થ છે, તમામ …
ઃ બસ, બસ, હવે પમાય છે સરકારના આ ચમત્કારનું રહસ્ય. જો મૂળ નથી, તો શાખા નથી, તો ક્યાંયે લટકવાનું નથી ! જો રૂપિયો નથી, તો એનું પતન પણ નથી … જે છે જ નહીં, તે ગગડે શી રીતે ?
ઃ સાધુ ! સાધુ ! તમે આજથી જ્ઞાતા થયા, પ્રસાર કરો આ જ્ઞાનનો સત્વર, અને દોડો કોઈ ટીવી ચૅનલ પર !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2014