વંશપરંપરાની દૃષ્ટિએ એમની ઓળખાણ આપવી હોય તો તેઓ હતા ઝવેરચંદ મેઘાણીના પુત્ર. અભ્યાસની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો હતા સાયન્સના ગ્રેજ્યુએટ. વ્યવસાયની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો તેઓ હતા પુસ્તક વિક્રેતા. પણ વૃત્તિની દૃષ્ટિએ – અને સાચી દૃષ્ટિએ – તેમની ઓળખાણ આપવી હોય તો કહેવું જોઈએ કે તેઓ હતા એક અઠંગ પુસ્તકપ્રેમી. નામ હતું નાનક મેઘાણી. પુસ્તક વેચાય એના કરતાં વધુ આનંદ એમને કોઈ સાચા પુસ્તકપ્રેમી સાથે પોતાનો અને પુસ્તકનો મેળાપ થાય તેમાં આવતો. ૮૨ વર્ષના આયુષ્યમાંથી પાંચ દાયકા જેટલો લાંબો સમય તેઓ પુસ્તક વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૬૧માં રાજકોટમાં ‘સાહિત્ય-મિલાપ’ની સ્થાપના કરી અને ૧૯૭૭માં અમદાવાદ ખાતે ‘ગ્રંથાગાર’ શરૂ કર્યું. ઉત્તમ પુસ્તકો વાચકો સુધી, અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમને માટે આજીવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ. પછીથી ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં ‘ગ્રંથાગાર’ ખસેડાયેલું. પણ બે-એક વર્ષ પહેલાં નબળી તબિયતને કારણે તેમ જ નબળા પ્રતિસાદને કારણે નાનકભાઈએ સ્વેચ્છાએ તેને સમેટી લીધું હતું. મોટા ભાઈ અને પુસ્તક-મહર્ષિ મહેન્દ્ર મેઘાણી સાથે મળીને નાનકભાઈએ ‘કોન-ટિકિ’ અને ‘તળાવડીને આરે’ જેવાં પુસ્તકોના અનુવાદ પણ આપ્યા હતા. મહેન્દ્રભાઈ, નાનકભાઈ અને જયંતભાઈ મેઘાણી જેવી પુસ્તકપ્રેમી ત્રિમૂર્તિ આપણી ભાષામાં જ નહિ, દેશની બીજી ભાષાઓમાં પણ વિરલ હશે.
સૌજન્ય : િટૃબ્યૂટ, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2014