રમઝાન મહિનો પૂરો થવા આવ્યો અને શ્રાવણ માસ શરૂ થશે. સહુ શ્રદ્ધાળુઓએ રોજા રાખ્યા હશે અને ઈદનો તહેવાર મનાવશે, તો વળી શ્રાવણનો પવિત્ર માસનો પ્રારંભ થયે શિવ પૂજા, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારોની હારમાળા શરૂ થશે. આમ છતાં જાણે દિલમાં ખુશી નથી અનુભવાતી. કારણ કદાચ એ હોઈ શકે કે અત્યારે દુનિયામાં જ્યાં ત્યાં બસ હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું છે.
ખાસ કરીને તાજેતરમાં ઈરાકમાં શિયા અને સુન્ની વચ્ચે જંગ મંડાયો છે અને તેમાં વળી પેલેસ્ટાઈન અને ઈઝરાઈલ વચ્ચેના જૂના ઘાવ દૂઝતા થયા છે તેવે ટાણે મન જરૂર ખિન્ન થાય. જો કે આ સંઘર્ષ માત્ર અમુક દેશોમાં અને એકાદ-બે કોમ વચ્ચે ચાલ્યા કરતા જણાય છે તેથી બીજા દેશોમાં શાંતિ છે અને ત્યાંના નાગરિકો સુમેળથી રહે છે એવા ભ્રમમાં રહેવું ય ઉચિત નથી.
આપણે ભારતનો જ દાખલો લઈએ. ભારતીય જનતા પક્ષની લઘુમતી વિશેની નીતિ અને તેને પરિણામે ભૂતકાળમાં પોષાયેલી કોમી વૈમનસ્યની ભાવનાને પરિણામે એમને બહુમતી નહીં મળે તેવું અનુમાન ખોટું ઠર્યું અને જેમને કપાળે પોતાના રાજ્યની પ્રજાની સમૂહ હત્યાને રોકવાને બદલે તેને ભડકાવવાનો ચાંલ્લો થવો જોઈતો હતો તેને જ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું તિલક થયું ને ? અને એટલે જ તો હાલમાં મુસ્લિમ લોકો ખાસ કેરીને રાજ્કારણમાં આગેવાન એવા મુસ્લિમ લોકોને તેમની ભારતમાંની સલામતી વિષે ચિંતા રહે છે.
આ મુદ્દાના અનુસંધાને 16મી જૂન ‘14ના ‘નિરીક્ષક’ના અંકમાં ઈસ્માઈલ ગાંધીનો લેખ મનમાં વિચારો જગાવી જાય તેવો છે. તેમણે મુસ્લિમ દેશબાંધવો જોગ એક સુંદર સંદેશો આપ્યો છે. ભારતમાં વસતી લઘુમતી કોમની શી હાલત થશે એવી ચિંતા એક રાજકારણીય હેતુ સર ઊભો કરાયેલ પ્રશ્ન હતો, છે અને રહેશે એ હકીકત છે. કોઈ પણ દેશના નિવાસીઓ સૌ પ્રથમ પોતાને જે તે દેશના નાગરિક સમજે અને ત્યાર બાદ પોતાની બીજી બધી ઓળખ પ્રમાણે પોતાની ભાષાનું પોત, ખોરાકનું વૈવિધ્ય, પોશાકની ઢબ, પ્રાર્થના-પૂજાની રીત રસમ, તહેવારોની ઉજવણીની મોજ મજા ભલેને દિલથી જાળવે. એ અબાધિત અધિકાર દરેક નાગરિકને લોકશાહીને અનુસરનાર ભારત વર્ષમાં અપાયેલો છે. સવાલ એ છે કે બહુમતી સમાજ તેમના જ દેશબાંધવોને કેટલા પોતીકા ગણીને સમાજમાં સન્માનનીય સ્થાન આપે છે અને તેઓ નિર્ભયપણે તમામ અધિકારો ભોગવી શકે છે અને સામે પક્ષે લઘુમતી કોમ દેશ પ્રત્યે પૂર્ણ વફાદારી જાળવીને તેના સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. કેમ કે તેના પર દેશમાં કોમી એખલાસ અને સામંજસ્યનો આધાર રહેલો છે.
પથ્થર યુગથી માંડીને આધુનિક સમયના ઇતિહાસ પર નજર નાખીએ તો માલુમ પડે છે કે દુનિયામાં મુખ્યત્વે હિંદુ, બૌદ્ધ, સીખ, જુઇશ, ખ્રિસ્તી, અને ઇસ્લામ ધર્મ પ્રચલિત છે જેમાંના પહેલા ત્રણના મૂળ સનાતન હિંદુ ધર્મમાં અને બાકીના ત્રણ જેને આજે એબ્રાહીમિક ફેઈથ તરીકે ઓળખવામાં આવે છે તેના ફાંટા છે. વેદિક તત્ત્વજ્ઞાનનું કાળક્રમે હિંદુ ધર્મ અને સંસ્કૃિતમાં સંક્રમણ થયું જેમાં એ બંને વચ્ચે કોઈ વિરોધાભાસ કે સંઘર્ષ હોવાનું નોંધાયું નથી. તેવું જ હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના માળખા પર છતાં તેમની વર્ણ વ્યવસ્થા અને ધાર્મિક ક્રિયાકાંડોને છાંડીને બૌદ્ધ અને જૈન એવી બે નવી વિચારધારાઓ ફૂટી પરંતુ તેવે વખતે પણ ફરજિયાત ધર્મ પરિવર્તન, ધર્મ યુદ્ધો કે બે ધર્મના અનુયાયીઓ વચ્ચે સામૂહિક હત્યાના બનાવો બન્યા નથી. હા, રાજકીય કારણોસર લડાઈઓ થઈ ત્યારે અલગ અલગ ધર્મના લોકો સામસામે લડ્યા હોય તે સંભવ છે. એ હકીકત ગૌરવ સાથે નોંધવા લાયક છે કે આ ત્રણેય ધર્મના લોકો ભારતમાં અને વિદેશોમાં સામાન્ય રીતે હળી મળીને રહે છે સિવાય કે તેમને રાજકારણીય હેતુસર ઉશ્કેરવામાં આવે. વળી એ ધર્મોનો પ્રસાર-પ્રચાર અન્ય દેશોમાં થયો છે પણ ક્યારે ય એ કારણસર બીજા દેશો પર આક્રમણ કર્યાનો કે અન્ય દેશો પર રાજ્ય કર્યાનો ઇતિહાસ સાક્ષી નથી. એ પણ એક નોંધપાત્ર બીના ગણાવી શકાય. જો કે પોતાના જ ધર્મ બંધુઓ માટે ઉચ્ચ-નીચની માન્યતા ધરાવીને તેમને અન્યાય કરી રહેલા લોકોને માનવ અધિકારનું રક્ષણ ન કરવા માટે જવાબદાર ઠેરવી શકાય.
જે ધર્મોના મૂળભૂત સિદ્ધાંતો અને ખુદ પયગંબરોમાં સારું એવું સામ્ય હોય તો તેમની વચ્ચે એક પ્રકારની અતૂટ ગાંઠસાંઠ જ હોઈ શકે એમ આપણે માનીએ. પરંતુ યહૂદીઓની સામૂહિક હત્યા થઈ હોવાનો અને યહૂદીઓ તથા આરબ પ્રજા વચ્ચે જમાના જૂનું વૈમનસ્ય ચાલુ રહ્યું હોવાનો ઇતિહાસ સાક્ષી છે. આજે પેલેસ્ટાઈન અને ઈઝરાઈલ વર્ષોથી રાજકીય કાવાદાવામાં સપડાઈને એક જ ભૂમિના ટુકડા પર પોત પોતાનો માલિકી અધિકાર જમાવવા લડે છે જેમાં બે અદ્દભુત ધર્મ અને સંસ્કૃિતનો સર્વનાશ થતો જોઈએ છીએ. તો ઈરાક હોય કે અન્ય દેશ, શિયા અને સુન્ની વચ્ચે ચાલતી હિંસા હવે અસહ્ય લાગે છે. તો એવી જ રીતે ઠેક ઠેકાણે પ્રોટેસ્ટન્ટ અને કેથલિક વચ્ચે પણ ક્યાં ઓછી ટકરામણ થયા કરે છે? તેમાં વળી ભારત અને પાકિસ્તાન પણ રાજકીય અને ધાર્મિક મુદ્દાસર કાયમી સંઘર્ષની સ્થિતિ ઊભી કરવા માટે ઓછા જવાબદાર નથી એવું સાબિત કરી રહ્યા છે. બે ધર્મો વચ્ચે અસહિષ્ણુતા અને વેરભાવ હોય તે ય નથી સમજાતું તો એક જ ધર્મના અનુયાયીઓ સાંપ્રદાયિક માનસ ધરાવતા હોવાને કારણે અંદર અંદર શા માટે લડતા ઝઘડતા રહે છે તે કોઈ રીતે ગળે ઉતરે એવી વાત નથી. પેલેસ્ટીનિયન પિતા પોતાનાં સંતાનોને કહેતો હશે કે બેટા, આપણે ઈઝરાઈલ પર રોકેટ્સ નાખીએ છીએ કેમ કે એમણે આપણી જમીન પચાવી પાડી છે અને એ યહૂદીઓના દેશને આપણે માન્યતા નથી આપી. આપણી બે કોમ વચ્ચે તો સદીઓથી અણબનાવ ચાલતો આવ્યો છે. જ્યારે એ જ સંતાનો પોતાના પિતાને શિયા-સુન્ની વચ્ચે ચાલતી ખૂનામરકી પાછળના ઉદ્દેશ વિષે પૂછે ત્યારે એમને શું જવાબ દેતો હશે એ પિતા?
કેટલાક ધર્મો પાસે ભાઈચારો અને સમાનતાની વાતો શીખવા જેવી છે તો બીજા ધર્મો પાસેથી પરસ્પર વચ્ચેની વિવિધતા માટે સહિષ્ણુતા અને અહિંસાનો સંદેશ અપનાવવા લાયક છે. આથી જ તો બીજાં કોઈ વ્રતોનું પાલન કરીએ કે ન કરીએ પણ તમામ માનવ જાત જો સત્યાચરણ કરવાનું અને પરસ્પરને માટે પ્રેમ તથા કરુણા જગાવવાનું વ્રત લે તો કૈંક શાતા વળશે એમ ભાસે છે.
અત્યારના અશાંતિ ભર્યા સમયમાં મનમાં લેટિન ભાષામાં ગવાયેલ સ્તુિત ગુંજે છે તે ટપકાવીને વિરમું :
ડોના નોબીસ પાચેમ પાચેમ
ડોના નોબીસ પાચેમ
હે પ્રભુ અમ સહુને શાંતિ આપ
e.mail : 71abuch@gmail.com