બાળપણમાં, જેને ઇંગ્લિશમાં ટંગ ટ્વીસ્ટર કહે છે એવું કશુંક બોલતાં એ યાદ આવે છે, જે કંઈક આ પ્રમાણે હતું : “સૂપડામાં સાની વાની, વાની મૂકી સાની ખાઉં.” જે વાચકો પ્રાદેશિક વિભિન્નતાઓને કારણે અથવા વર્ષોથી ભાષાના આ સ્વરૂપથી છેટા પડી ગયા હોય તેમને યાદ અપાવવા સાની અને વાનીના અર્થ સ્પષ્ટ કરું તો ક્ષમા કરશો. તલમાંથી તેલ કાઢયા પછી જે બાકી રહે તેને ખોળ કહે, જે માણસ માટે ખાદ્ય ન રહે પરંતુ ઢોરને એ ખોરાક તરીકે આપી શકાય. જ્યારે તલમાંથી એકદમ તેલ નીચોવી ન લેવામાં આવે, તેવા કચરેલા તલમાં ગોળ કે ખાંડ, કાજુ, બદામ અને દ્રાક્ષ નાખીને વાનગી બનાવે તેને સાની કહેવાય. કોલસાની રાખનો પર્યાય શબ્દ તે વાની.
આ શબ્દ રમતમાં સૂપડામાં સાની અને વાની હોય ત્યારે રાખ મુકીને તલની સાની લઈ લેવાની વાત છે. વારંવાર બોલવાને કારણે જે રમનાર ‘સાની મૂકી વાની ખાઉં’ એમ બોલે તે આઉટ ગણાતું.
તાજેતરમાં ભારતમાં થયેલ સામાન્ય ચૂંટણીના જંગમાં જે ખેલ ખેલાયો તે જોઈને લોકો જાણે એમ બોલતા સંભળાય છે, “સુપડામાં કોમી એખલાસ, કોમવાદ : શું લઉં ને શું છોડું?” એમાંના મોટાભાગના પોતાના અંતર આત્માનો અવાજ સાંભળે ત્યારે કહે છે, “કોમવાદ મૂકી કોમી એખલાસ લઉં”. પણ જયારે અગણિત રાજકીય પક્ષો દ્વારા થતા અતિ ઘોંઘાટ ભર્યા પ્રચારને વારંવાર પોતાના મનમાં વાગોળ્યા કરે ત્યારે તેઓ પણ “કોમી એખલાસ મૂકી કોમવાદ લઉં.” એમ બોલવા લાગે છે.
જેમણે 50, 60 અને 70ના દાયકાઓમાં લડાયેલી ચૂંટણીઓ જોઈ હશે તેમને જરૂર વિમાસણ થતી હશે કે આ વખતની ચૂંટણી શા માટે આટલી બધી કોમી મુદ્દાઓને આધારે લડવામાં આવી? ભારતવર્ષ વધુને વધુ કોમી માનસ ધરાવતો થયો છે તેનો આ પુરાવો છે કે બીજું કંઈ ?
કોમી એખલાસની સગડ કાઢતાં હું જરા ઇતિહાસનાં પાછલાં પાનાંઓ પર નજર ફેરવતી હતી. ભારતીય સંસ્કૃિતના ઉષાકાળે વેદિક તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. અહીં નોંધ લેવી ઘટે કે એ એક અતિ ઉમદા અને આધ્યાત્મિકતાથી ભરપૂર વિચારધારા હતી જેણે તત્કાલીન સમાજને માનવ શરીર, તેનું મન, તેની આસપાસની પ્રકૃતિ અને માનવ જાત સાથેનો તેનો સંબંધ તથા તમામ જીવસૃષ્ટિ સાથેના માનવીનું પરસ્પરાવલંબન સમજવાનો માર્ગ બતાવ્યો. તે વખતે લોકો પરસ્પર આધારિત જીવન જીવતા. કાળક્રમે જેમ જેમ ખેતીવાડી અને તેને સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ થયો તેમ તેમ માનવ જાત એક જગ્યાએ સ્થાયી વસવાટ કરવા લાગી અને એક સુવવ્યસ્થિત સમાજની રચના થઈ. એવા સમાજને સુગઠિત રાખવા ન્યાયી રાજ્યવ્યવસ્થા અને પ્રતિપળ વિકસતી અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તેની હારોહાર એક ધર્મની વિભાવના ઉદ્દભવી જેણે પ્રજાને વેદાંત અને ઉપનિષદ જેવા ગ્રંથોની ભેટ આપીને એક સુંદર જીવન પદ્ધતિનો રાહ બતાવ્યો. પ્રકૃતિને હવે ઈશ્વરનું નામ આપીને વિધિવત્ પૂજવાની પ્રથા શરુ થઈ. આજે આપણે તેને ‘સનાતન ધર્મ’ અથવા ‘હિંદુ ધર્મ’ને નામે ઓળખીએ છીએ.
સમજવા જેવી વાત એ છે કે વેદિક કાળમાં જ શ્રમ વિભાજનની જરૂરિયાત જણાતાં વર્ણાશ્રમ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. પરંતુ એ વ્યવસ્થા માત્ર સમાજને સુચારુ રૂપે સંચાલિત રાખવાના ઉદ્દેશ્યથી જ રચાઈ હતી જેમાં એક વર્ણમાં જન્મ લેવા છતાં બીજા વ્યવસાય કરવાની પૂરેપૂરી ગુંજાઈશ રહેતી. નહીં તો શુદ્ર જાતિના ઋષિઓની કલમે વેદોની કેટલીક ઋચાઓ ન રચાઈ હોત. તેવું જ વિદુષીઓએ પણ વેદની ઋચાઓની રચનામાં એટલો જ હિસ્સો લીધો છે જે દર્શાવે છે કે સ્ત્રીઓને વેદાભ્યાસની સમાન તકો હતી. એ સમયે અલગ અલગ જીવન પદ્ધતિ, માન્યતાઓ અને આધ્યાત્મિક વિચારધારાઓ ધરાવતા લોકો વચ્ચે સંવાદી જીવન જીવાતું હતું એમ કહી શકાય. વેદિક તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો એ જાણે હિંદુ ધર્મની કરોડરજ્જુ સમાન રહ્યા અને એટલે જ તો વર્ણવ્યવસ્થાનું જ્યારે જ્ઞાતિ પ્રથામાં રૂપાંતર થયું ત્યારે એ પ્રથા દરેક જ્ઞાતિના સભ્યોને માન્ય હતી અને તેમાં પણ અભ્યાસ, રહેઠાણ, વ્યવસાય તથા લગ્નની બાબતોમાં પ્રવાહીપણું જોવા મળે છે. વળી તે દરમ્યાન હિંદુ ધર્મના દર્શનમાં જ અનેકાનેક વિચારધારાઓ ફૂટી નીકળી, પણ વેદનો મંત્ર ‘એકમ સત વિપ્રા બહુધા વદન્તિ’ એ કેન્દ્રમાં રહ્યો અને અદ્વૈતવાદી હો કે દ્વૈતવાદી, એકેશ્વરવાદમાં માનતા હો કે અનેકેશ્વાર્વાદમાં, શિવ પંથી હો કે વૈશ્નવ પંથી, બ્રાહ્મણ હો કે વૈશ્ય સહુ પોત પોતાના વ્યવસાય અને પૂજાપાઠને અનુસરતા અને એમ સમાજ બહુધા સરળતાથી ચાલતો. અલબત્ત, જેમ જેમ ધર્મ વધુને વધુ સંસ્થાકીય માળખામાં જકડાવા લાગ્યો અને ઉચ્ચ જ્ઞાતિઓ પોતાના સ્થાપિત હિતની રક્ષા કાજે જ્ઞાતિ પ્રથાને વધુ જડ બનાવતા ગયા, તેમ તેમ પંથ અને જ્ઞાતિ વચ્ચેનો સંવાદી સુર બેસુરો થવા લાગ્યો. અને ઇતિહાસના આ તબક્કે કદાચ સમાજના જુદા જુદા વર્ણો, પંથો અને જ્ઞાતિઓ વચ્ચે એખલાસને બદલે ઉચ્ચ-નીચ અને ભેદાભેદની ભાવનાઓ દ્રઢ બની એમ ભાસે છે. છતાં ગણાતીને નામે સમાજમાં સામૂહિક અત્યાચાર કે રમખાણો થયાની નોંધ જોવા નથી મળતી.
તે પછીનો ગાળો આવે છે બૌદ્ધ અને જૈન ધર્મના પ્રાદુર્ભાવનો. વેદિક અને હિંદુ ધર્મના મૂળ તત્ત્વને અવળી રીતે સમજી, સમજાવીને ધર્મની બાગડોર જેમના હાથમાં હતી તે ઉચ્ચ વર્ણના લોકોએ અંધશ્રદ્ધા, કુરિવાજો અને સામાજિક અસમાનતાને જન્મ આપ્યો. જેના પ્રતિભાવ રૂપે બૌદ્ધ અને જૈન ધર્મ પ્રચલિત થયા. ઘણા હિંદુ ધર્મના અનુયાયીઓએ એ બંને ધર્મોનું અનુસરણ કર્યું, પણ એ ધર્મોનો પ્રચાર માત્ર પ્રજાને પોતાના સિદ્ધાંતો સમજાવીને કરવામાં આવતો અને શ્રોતાઓની પૂર્ણ સહમતીથી સ્વેચ્છાએ જ બૌદ્ધ અને જૈન ધર્મમાં પ્રવેશ આપવામાં આવતો. વળી એ બંને ધર્મોએ વેદિક અને સનાતન ધર્મના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જેવા કે પ્રેમ, સત્ય, અહિંસા અને કરુણા વગેરેને અકબંધ રાખીને જ નવા ધર્મની રજુઆત કરી. આને પરિણામે એ ત્રણેય મુખ્ય ધર્મના અનુયાયીઓ વચ્ચે ધર્મ ચર્ચા થતી પણ પરસ્પર વેરભાવ પેદા ન થયો. આ જ વાત સીખ ધર્મ અને અન્ય અનેક પંથો જેવા કે સ્વામીનારાયણ સાથેના મુખ્ય ધર્મો અને પંથોના સંબંધોને લાગુ પડે છે. હા, ભારત અનેક ધર્મો અને પંથો-વાડાઓનો દેશ બની ગયો પણ તે છતાં તેની સહિષ્ણુતા જાણે ટકી રહેવા પામી.
આ તો થઇ વેદિક સમયથી માંડીને બૌદ્ધ-જૈન અને સીખ ધર્મના યુગમાં ધર્મ અને જ્ઞાતિના પરસ્પરના એખલાસભર્યા સંબંધની વાત. કોઈ એમ કહી શકે કે એ બધા છેવટ એક ભૂમિ પર ઉછરેલા, એક વેદિક સંસ્કૃિતનાં બચોળિયાં જેવા ફાંટા છે એટલે તેમની વચ્ચે સામંજસ્ય હોય જ ને? ભારત માટે ખરી તકલીફ ઊભી થઈ જેને આજે ‘એબ્રાહામિક ફેઈથ’ તરીકે ઓળખવામાં આવે છે તે જુડાઈઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામના આગમનથી એવું કેટલાક લોકોનું માનવું છે. તો એ ધર્મના અનુયાયીઓના ભારતમાંના આગમન અને શાસનની નોંધ તપાસતાં જણાય છે કે જુઇશ, ક્રિશ્ચિયન અને ઇસ્લામ ધર્મ સાથે સહુ પ્રથમ સંપર્ક જે તે ધર્મના સંતોના આગમન અને તેમની હિંદુ ધર્મ વિશેની જિજ્ઞાસા સંતોષવાને પરિણામે થયેલો. તે પછી વેપાર અર્થે ભારતના સોદાગરો દૂર દેશ ગયેલા અને ત્યાંથી અહીં આવેલ વેપારીઓને કારણે જેમ તેમની ભાષા, ખોરાક અને જીવન પદ્ધતિનો પરિચય થયો તેમ તેમના ધાર્મિક આચાર-વિચારોની પણ અસર થઈ. અન્ય દેશના રાજાઓ કે સરકારોની ભારત પરની ચડાઈ એ માત્ર રાજકીય હેતુસર થયેલી એ પણ અહીં નોંધવું જરૂરી છે. હા, અન્ય ધર્મોએ હિંદુ ધર્મના લોકોનું ધર્માંતરણ જરૂર કરેલું એ પણ હકીકત છે જેને માટે તેમની પોતાના ધર્મને પ્રસરાવવાની ઘેલછા જેટલું જ હિંદુ ધર્મમાં પ્રવર્તતી સામાજિક અને આર્થિક અસમાનતા પણ એક મહત્ત્વનું પરિબળ હતું એ નકારી શકાય તેમ નથી.
સત્તરમી અને અઢારમી સદી સુધીમાં ભારત ભૂખંડ પર અનેક રાજાઓએ ચડાઈ કરી. એ બધા જ આપણી ધન-સંપત્તિ લૂંટવા આવેલા એવું આપણને હંમેશ કહેવામાં આવ્યું છે, પરંતુ એ વિષય પરના સંશોધનો અને અભ્યાસો પરથી જણાય છે કે એવી લૂંટફાટ કરીને જતા રહેનારા રાજાઓ સંખ્યામાં ઓછા હતા અને એમણે તો પોતાના ધર્મના જ બીજા રાજાઓને પણ એટલી જ નિર્દયતાથી કચડી મારેલા એટલે કે તેમના આક્રમણો પાછળ વિધર્મીને પરાસ્ત કરવાની મહેચ્છા કરતાં અન્ય કોઈ પણ રાજ્યની સંપત્તિ ઝૂંટવીને માલેતુજાર થવાની લાલચ વધુ કારણભૂત હતી. આર્યોથી માંડીને શક, હુણ, કુષાણ અને અન્ય અનેક જાતિઓ ભારતમાં આવી, કેટલાક રાજ્યોને જીત્યાં અને સંઘર્ષ પૂરો થયે અહીં જ સ્થાઈ થઈને રહ્યા એટલું જ નહીં પણ જીતેલા રાજ્યોમાં સારો વહીવટ આપ્યો, વેપાર, શિક્ષણ, કળા-સ્થાપત્યમાં અદ્દભુત પ્રદાન કર્યું અને પ્રજા પણ એકમેક સાથે હળી મળીને રહેવા લાગી. આપણે જેને સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ એ બધાના રાજ્ય્કુળો એક સમયે હિંદની બહારની સરહદમાંથી આવેલ પણ પછી આ દેશને પોતાનું ઘર બનાવીને રહ્યા એમાના જ હતા. આ સ્થિતિ છેક મોગલોના રાજ્ય અમલ સુધી રહેવા પામી. મોગલો પણ ભારતમાં ચડાઈ કરીને આવ્યા, પણ અહીં જ સ્થાયી થયા અને જીવનના તમામે તમામ ક્ષેત્રમાં અનોખું પ્રદાન કર્યું. હિંદુ લોકોના મનમાં એક વાત જે ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે એ તે છે કે મુસ્લિમોએ હિંદુઓ પર ચડાઈ કરી, તેમનું ધર્મ પરિવર્તન કર્યું, એમને લૂંટીને બેહાલ કરી દીધા અને હવે કાયમના દુશ્મન બની બેઠા છે. ખરું પૂછો તો મોગલોના શાસન દરમ્યાન અકબરે સ્થાપેલ દિને ઈલાહીના અનુસરણથી આપણા ઘણા પવિત્ર ગ્રંથોના અનુવાદો આરાબીક અને ફારસી ભાષામાં થયા અને બંને ધર્મો વચ્ચે ખરા અર્થમાં આદાન-પ્રદાન થયું. એવી જ રીતે ધર્માંતરણનો એક તબક્કો પૂરો થયા પછી બન્ને પ્રજાઓ મુખ્યત્વે શાંતિથી રહેવા લાગી. એકબીજા પાસેથી સંગીત, નાટ્ય, કાંતણ, વણાટ, ભરત-ગુંથણ, છપાઈ, શિલ્પ-સ્થાપત્ય જેવી કલાઓથી માંડીને રાજ્ય વહીવટ અને દેશવિદેશ સાથેના વેપારની ક્ષમતા શીખી અને એક સમૃદ્ધ સામ્રાજ્યનું નિર્માણ થયું. હા, તેમ છતાં ક્યારેક બે કોમ વચ્ચે વિખવાદ અને મારામારી થઈ જતી, પણ સામૂહિક ધોરણે જેને આજે ‘રમખાણો’ કહે છે તે વીસમી સદી પહેલાં નોંધાયેલા નથી.
અઢાર અને ઓગણીસમી સદી એક નવો જ રાજ્ય પલટો લઈને આવી. હવે રાજકીય કે ધાર્મિક કારણોસર અન્ય દેશ પર ચડાઈ કરીને પારકી ભૂમિમાં રાજ્ય કે મહારાજ્ય સ્થાપવું એ ખ્યાલ જુનો થયો અને વેપાર-વાણિજ્ય વધારીને અન્ય દેશોને પોતાના તાબામાં રાખવામાં વધુ ફાયદો જણાવા લાગ્યો. અન્ય દેશો પર રાજ્ય કરવું અને ત્યાની સંપત્તિ પોતાના દેશમાં ઘસડી જઈ તેમને પાયમાલ કરી એ દેશોના હિતને ભોગે પોતે માલામાલ થઈ જવું એ યુરોપના કેટલાક દેશોને ફાવી ગયું. વેપારી કુશળતાને પગલે પગલે રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા દેશોએ સંસ્થાનવાદને જન્મ આપ્યો. કારણકે સંસ્થાનવાદી દેશો પારકા દેશ ઉપર પોતાના વહીવટી ઉચ્ચાધિકારીઓ, અમલદારો અને સૈન્યના વડાઓ અલ્પ સંખ્યામાં શાસિત દેશમાં મોકલતા અને ત્યાની ધન-સંપત્તિ સ્વદેશ ઘસડી જઈને એશ આરામથી જીવતા જેને પરિણામે તેમને એ શાસિત દેશની પ્રજા પર જુલમ કરતાં થડકારો ન થતો એટલું જ નહીં પણ પોતાનું સામ્રાજ્ય અખંડ રાખવા જે તે દેશની પ્રજામાં ફાટફૂટ પડાવવાની નીતિ જ તેમને માફક આવી ગઈ.
ઓગણીસમી અને વીસમી સદી દરમ્યાન ભારત પરના વિદેશી શાસન કાળ દરમ્યાન લોકો માત્ર પોતાની ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃિતક વારસાની ઓળખને જાળવવા વધુ જાગૃત બન્યા એવું નથી પરંતુ એ રાજ્ય પદ્ધતિની સ્થિરતા અને સલામતી શાસિત પ્રજાને ધર્મને આધારે વિભાજીત કરવામાં જ સમાયેલી છે એવું શાસકોને સમજાતાં હિંદુ અને મુસ્લિમ કોમ વચ્ચે એક બીજા માટે ભય ઊભો કરીને તેમની વચ્ચે વધુને વધુ પદ્ધતિસરનું ધ્રુવીકરણ કરવામાં આવ્યું. એની ચરમ સીમા એ એક અખંડ દેશના ધર્મના મુદ્દા પર થયેલ ભાગલા છે જેનો ઇતિહાસ સાક્ષી છે. આ સમય ગાળામાં કોમી એખલાસ જાણે દરિયા પાર થઈ ગયો અને તેનું સ્થાન કોમવાદે લીધું એમ કહી શકાય.
હશે ભાઈ, વિદેશી શાસકોએ સ્વાર્થી મનોવૃત્તિને વશ વર્તીને બે કોમ વચ્ચે વૈમનસ્ય પોષ્યું, પણ રાજકીય સ્વતંત્રતા મેળવ્યા પછી ભારત અને પાકિસ્તાનના રાજ્યકર્તાઓએ પણ એ જ નીતિ અમલમાં મુકીને બે દેશ વચ્ચે જૂની વેર ભાવના વકરાવી મારી અને ભારતમાં તો એક જ દેશના નાગરિકો એવી બે કોમ વચ્ચે પારાવાર ફાટફૂટ પડે તેવી નીતિઓ અપનાવવામાં જરા ય પાછી પાની કરી નથી. આમાં વિદેશી શાસન ભૂંડું કે પોતાની ચૂંટેલી સરકાર ભૂંડી? વિદેશી શાસનકર્તાઓને તો પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા આપણા દેશના ઉદ્યોગ-ધંધાઓનું ગળું ટૂંપવું પડ્યું અને બે મુખ્ય ધર્મીઓ વચ્ચે અંતર વધારવાના તમામ રસ્તાઓ અપનાવવા પડ્યા એટલું જ નહીં હિંદુ ધર્મને પણ વિઘટિત કરવા અછૂતોને જુદો મતાધિકાર આપવા લલચાવેલા એ સમજી શકાય પરંતુ આપણા જ દેશની સરકારોને મોટા ઉદ્યોગપતિઓની ધનલાલસા પોષવા ખેતી અને નાના ઉદ્યોગોની આહુતિ આપવાનું પ્રયોજન શું હોઈ શકે? આજે હવે હિંદુ-મુસ્લિમો વચ્ચે વેર ભાવના વધારીને કયું સામ્રાજ્ય ટકાવવાનું રહે છે? વિકાસના નામે આદિવાસીઓ, કહેવાતી નીચલી જ્ઞાતિના લોકો, સ્ત્રીઓ જેવી લઘુમતી કોમને નજર અંદાજ કરી ખીચડીમાં લીટો તાણી બધું ઘી ચંદ કરોડોપતિ તરફ વહેવડાવવા પાછળ કોનું ભલું થાય છે?
આજે જ્યારે ભારતની પ્રજાએ ભારતીય જનતા પક્ષને સત્તારૂઢ કર્યો છે અને એક પણ વિરોધી પક્ષનું અસ્તિત્વ નથી રહેવા પામ્યું ત્યારે જાગૃત બનેલ આમ જનતાએ પોતાની સામે સૂપડામાં કોમી એખલાસ અને કોમવાદ લઈને વિજેતા રાજકારણીઓ આવશે ત્યારે તેમણે કોમવાદ છોડી કોમી એખલાસ પર પસંદગી ઉતારીને દેશની આંતરિક શાંતિ, સ્થિરતા, વિકાસને અંકે કરવાની અને વિદેશમાંની ભારતની છબીને ઉજળી કરી બતાવવાની છે.
e.mail : 71abuch@gmail.com