અંગ્રેજી ભાષા અને ડોટ ડેશની ટકટક
આ વાત છે ઇ.સ. ૧૮૫૨ની. અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં ભાગ લેનાર એક અગ્રણીનું ચિત્ર તૈયાર કરવા માટે ન્યુ યોર્ક શહેરે એક જાણીતા ચિત્રકારને રોક્યો હતો. એ જમાનામાં ઘણી મોટી કહેવાય તેવી એક હજાર ડોલરની રકમ ચિત્ર પૂરું થયે ચિત્રકારને મળવાની હતી. એટલે ચિત્રકાર તો કામ પાછળ મંડી પડ્યો હતો. લગભગ અડધું ચિત્ર તૈયાર થયું ત્યાં ચિત્રકારને ગામથી એક ઘોડેસવાર સંદેશો લઈને આવ્યો. ચિત્રકારના પિતાએ ચિઠ્ઠીમાં માત્ર થોડા જ શબ્દો લખ્યા હતા : ‘તારી પત્નીની તબિયત બગડી છે. ઝટ ઘરે આવી જા.’ તરત જ ચિત્ર અધૂરું મૂકી એ ચિત્રકારે પોતાના ગામ ભણી દોટ માંડી. પણ તે ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં ખેલ તો ખતમ થઈ ચૂક્યો હતો. તેની પ્રિય પત્નીની દફનવિધિ પણ થઈ ચૂકી હતી. એ જમાનામાં સંદેશો મોકલવા માટે ઘોડેસવાર એ સૌથી વધુ ઝડપી સાધન હતું એટલે પિતાને દોષ દઈ શકાય એમ નહોતું.
પણ પેલો ચિત્રકાર વિચારે ચડ્યો : સંદેશા મોકલવા માટે વધુ ઝડપી બીજું સાધન કેમ ન હોય? ન હોય તો બનાવવું ન જોઈએ? પણ બીજું કોઈ બનાવે ત્યાં સુધી રાહ જોઇને બેસી રહેવાનું? તેણે ચિત્રકાર તરીકેની કામગીરી મૂકી પડતી અને મચી પડ્યો એવું સાધન શોધવાના કામ પાછળ.
એ ચિત્રકારનું નામ સેમ્યુઅલ મોર્સ. ૧૭૯૧ના એપ્રિલની ૨૭મીએ જન્મ, ૧૮૭૨ના એપ્રિલની બીજી તારીખે અવસાન. ૧૮૩૨માં એક દરિયાઈ મુસાફરી દરમ્યાન સેમ્યુઅલ મોર્સને ઇલેકટ્રો મેગ્નેટીઝમના નિષ્ણાત ચાર્લ્સ થોમસ જેક્સનનો પરિચય થયો. તેના પ્રયોગો જોયા પછી સેમ્યુઅલે સિંગલ વાયર ટેલિગ્રાફ – એક જ તારથી ચાલતી તાર પદ્ધતિ – વિકસાવવાનું ઠરાવ્યું. એ માટેનું સાધન તૈયાર કરીને તેણે પેટન્ટ મેળવવા માટેની અરજી કરી. અરજી સાથે એ સાધન પણ મોકલ્યું હતું. આજે પણ અમેરિકાના વોશિન્ગટન ડી.સી.માં આવેલા સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશનના નેશનલ મ્યુિઝયમ ઓફ અમેરિકન હિસ્ટ્રીમાં માર્સે બનાવેલું એ પહેલવહેલું સાધન જોઈ શકાય છે.
છેવટે ૧૮૩૮ના જાન્યુઆરીની ૧૧મી તારીખે મોર્સે જાહેરમાં સંદેશો મોકલીને આ સાધન પહેલી વાર વાપરી બતાવ્યું. પહેલો સંદેશો માત્ર બે માઈલ દૂર મોકલી શકાયો હતો. મોર્સે અમેરિકન સરકારને ટેલિગ્રાફ માટેની લાઈન નાખી આપવાની વિનંતી કરી, પણ સરકારને ગળે વાત ઉતરી નહિ. એટલે મોર્સે યુરપ તરફ નજર નાખી. પણ ત્યાં તો મોર્સ કરતાં પહેલાં કૂક અને વ્હીટસ્ટોને પોતાની ટેલિગ્રાફ સિસ્ટમ માટે પેટન્ટ મેળવી લીધો હતો. પણ યુરપની આ પદ્ધતિમાં એક કરતાં વધારે તાર વાપરવા પડતા હતા. ૧૮૪૨માં વોશિન્ગ્ટન ડી.સી.ના કેપિટોલની ઈમારતમાં બે કમિટી રૂમ વચ્ચે મોર્સે પોતાની પદ્ધતિથી સંદેશાની આપલે કરી બતાવી. હવે અમેરિકન સરકારને વિશ્વાસ બેઠો. વોશિન્ગ્ટન ડી.સી. અને બાલ્ટીમોર વચ્ચે ૩૮ માઈલ લાંબી તારની લાઈન પ્રાયોગિક ધોરણે નાખવા માટે સરકારે ત્રીસ હજાર ડોલર મંજૂર કર્યા. ૧૮૪૪ના મે મહિનાની ૨૪મી તારીખે આ લાઈન ખુલ્લી મુકાઈ.
પણ અંગ્રેજી આલ્ફાબેટના અક્ષરો વીજળીના તાર દ્વારા મોકલાયા શી રીતે? એ માટે વિકસાવેલી ખાસ પદ્ધતિ આજે પણ ‘મોર્સ કોડ’ તરીકે ઓળખાય છે. માત્ર ડોટ અને ડેશનાં વિવિધ સંયોજનો વડે અંગ્રેજી વર્ણમાલાના બધા અક્ષરોને મોર્સે આવરી લીધા. (તેની વિગતો આ સાથેનો કોઠો જોવાથી મળશે.) આજે તો હવે આપણા દેશમાં પણ ટેલિગ્રાફ સેવા બંધ થઇ ગઈ છે – યુરપ અમેરિકામાં તો ક્યારની બંધ થઈ ગયેલી – પણ લગભગ ૧૫૦ વર્ષ સુધી લેખિત સંદેશો મોકલવા માટે ટેલિગ્રાફ એ સૌથી વધુ ઝડપી સાધન રહ્યું હતું. કમ્પ્યુટર આવ્યાં અને ટેલિગ્રાફનો ઉપયોગ ન રહ્યો. પણ આ મોર્સ કોડે પણ કમ્પ્યુટરના વિકાસમાં આડકતરી રીતે મોટો ફાળો આપ્યો છે. પણ તેની વાત હવે પછી ક્યારેક.
સૌજન્ય : ‘સ્પોટ લાઈટ’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 12 મે 2014