અમેરિકાના મશીને સાબરમતી નદીમાંથી ૧૦ હજાર નારિયેળ કાઢ્યાં .. (સમાચાર)
પણ અમેરિકાની નદીમાં એક દેશીએ નાખેલ નારિયેળની વાર્તા વાંચો !
મારા મિત્રના દીકરાને કૉલેજમાં એડમિશન મળ્યું એની ખુશાલીમાં, તથા એમની પત્નીએ રાખેલ બાધા નિમિત્તે, મિત્રો સગાંવહાલાંને આમંત્રી, વીકએન્ડમાં કથાનું મિત્ર દંપતીએ આયોજન કરેલ. કથા પછીની બીજી સવારે, મિત્ર પત્નીએ કથામાં વપરાયેલ ફૂલ, ચોખા, શ્રીફળ, ફળ, કંકુ, નરાસળી વગેરે વપરાયેલ પૂજાપાની સામગ્રીને લાલ કપડામાં બાંધી, મારા મિત્રને નોકરી પર જતાં, રસ્તામાં આવતો Sixth Street Bridge ક્રોસ કરતી વખતે ગાડી ઊભી રાખી, પુલ પરથી આ લાલ કપડાનું પોટલું ઓહાયો નદીમાં નાખવાની સૂચના આપી, પોટકું આપ્યું.
વહેલી સવારે ટ્રાફિક ઓછો. એટલે પુલની અધવચ્ચે, ગાડી સર્વીસ લેનમાં પૂલ-આઉટ કરી, પાર્ક કરી, કાન્તિભાઈ નદીમાં નાખવા જાય છે. પોટકું જેવું નદીમાં નાખ્યું નથી ને કારનો દરવાજો ખોલી ગાડીમાં બેઠા પણ નથી, ત્યાં તો ત્રણ ચાર પોલિસની ગાડીઓ, આખા પીટ્સબર્ગ ગામને સાયરનનો અવાજ સંભળાય એવા મોટા અવાજ સાથે, હાઈ સ્પીડમાં તથા લાલ વાદળી બ્લીંકીગ લાઈટો સાથે, મિત્રની ગાડીને આંતરી ઊભી રહી ગઈ!
પોલિસકારમાંથી એક પછી એક પોલિસો ઉતરવા માંડ્યા!
હવે થયેલ એવું કે છેલ્લા થોડાક દિવસોમાં, નદીમાં ન્યુ બોર્ન, અનબોર્ન બેબીઝનાં એક બે શબ તરતાં મળી આવેલ. અને સીટી પોલિસે પુલની આસપાસ, ૨૪ કલાકની સર્વેલન્સ સાથે, ગુનેગારને પકડવા ચાંપતી દેખરેખ રાખેલ. મારા મિત્ર કાન્તિભાઈ વગર લેવાદેવે, આ એપીસોડમાં ફસાઈ ગયા ! જેવું પોલિસોએ લાલ કપડાંનું પોટલું અને આજુંબાજું લાલ રંગનું પાણી નદીના પ્રવાહ સાથે ઊંચું નીચું થતું તરતું જોયું કે એમની શંકા દૃઢ બનતી ગઈ .., જરૂર આ બીજું ન્યુ બોર્ન બેબી છે ! … કાન્તિભાઈનું આવી બન્યું !
અમેરિકા આવ્યે કાન્તિભાઈને બે વર્ષ પૂરાં પણ થયેલ નહીં .., મેટૃિક પાસ. ભાઈએ ફાઈલ કરી એમના ફેમિલીને અમેરિકા બોલાવેલ. … અંગ્રેજી બોલવાનો મહાવરો નહીં. બ્રોકન ઇંગ્લિશમાં જરૂર પડતું કોમ્યુિનકેશન કરી શકે. નસીબ જોગે, ઘરથી પાંચેક માઈલ દૂર, નદીની બીજી સાઈડે, ફેક્ટરીમાં એસેમ્બલી લાઈનમાં નોકરી મળેલી, જેમાં અંગ્રેજીમાં બોલવાનું જવલ્લે જ હોય. સુપરવાઈઝર એક વાર કામ આપી દે તે દિવસના અંતે પૂરું કરી આપી દેવાનું.
હવે પોલિસે કાન્તિભાઈને બાજુમાં લઈ જઈ, એક પછી એક પ્રશ્નોનો મારો શરૂ કરી દીધો. અને કાન્તિભાઈ એમના બ્રોકન ઇંગ્લિશ મોડમાં, ટેન્શન સહિત જવાબ આપવા માંડ્યા !
Police : What did you throw in the river? What you are doing here in early morning? You know you cannot park at middle of the bridge? વગેરે વગેરે ..
કાન્તિભાઈનું એક્ષ્પ્લેનેશન આ પ્રમાણે હતું : You know my wife has બાધા this Sunday and we had કથા at my house for my son's admission in college.
પોલિસને સમજ ના પડી અને સંતોષ પણ ના થયો … તરતાં લાલ પોટકાંનું વધારે ક્લેરીફીકેશન માગ્યું. કાન્તિભાઈ પરસેવે રેબઝેબ થઈ ગયા. પણ છૂટવા માટે એક્ષ્પ્લેનેશન ચાલું રાખ્યું. After કથા we throw leftover સામાન of કંકુ, rice, flower, શ્રીફળ in river.
પોલિસ પૂછે એ પ્રમાણે બ્રોકન ઇંગ્લિશમાં કહેલ દરેક વસ્તુનો અર્થ તથા શું છે તે બ્રોકન ઇંગ્લિશમાં સમજાવવા માંડ્યા. What is શ્રીફળ? તો કહે ટોપરું! What is ટોપરું? તો કહે નારિયેળ! કાન્તિભાઈને એમની નિર્દોષતા સાબિત કરતાં કરતાં અડધો કલાક ઉપર નીકળી ગયો .. ! છતાં ય પોલિસને તો સંતોષ થયો નહીં.
પણ છેવટે પૂરાવાના આભાવે, તથા એમના ચહેરા પરની નિર્દોષતાને ધ્યાનમાં રાખી, એમને જવા દીધા !
ત્યારથી કાન્તિભાઈએ હવે એમની પત્નીની બદલીમાં પોતે બાધા લીધી કે એમના બીજા દીકરાના કોલેજ ઍડમિશન નિમિત્તે કથા રાખવી નહીં, અને નોકરીએ જતાં રસ્તામાં પુલની અધવચ્ચે ગાડી ઊભી રાખી ચોખા, શ્રીફળ, કંકુ, નરાસળીવાળું લાલ રંગનાં કપડાંમાં બાંધેલ પોટકું, સોમવારની વહેલી સવારે, નદીમાં નાખવું નહીં !!
e.mail : mahendraaruna1@gmail.com