સૌરાષ્ટ્રના સાત દાયકાના અણિશુદ્ધ ગાંધીવાદી જાહેરજીવનનો એક મહત્ત્વનો મણકો એવા જયાબહેન વજુભાઈ શાહની વિદાય
• જવાહરલાલથી માંડીને મોરારજીભાઈ દેસાઈ અને જયપ્રકાશ નારાયણથી માંડીને વિનોબા ભાવે સાથે ગાઢ સંપર્કમાં સેવાકાર્ય કર્યુ.
• સ્વતંત્ર કટારલેખક, પત્રકાર, સંપાદક તેમ જ “સ્વરાજધર્મ”નાં તંત્રી તરીકે સેંકડો ઉત્તમ લેખો અને મૌલિક ચિંતનો આપ્યાં.
• ખાદી – નશાબંધી – ગ્રામોદ્યોગ – ગૌસેવા – હિંદી પ્રચાર જેવા અનેક ક્ષેત્રોમાં સંસ્થાઓ રચી ‘ગાંધી સ્મૃિત', ‘રચનાત્મક સમિતિ', લોકભારતી, વિકાસ વિદ્યાલયો જેવી અનેક સંસ્થાઓમાં સ્થાપના કાળથી વિકાસ સુધીની યાત્રામાં પથદર્શક.
• રચનાત્મક ક્ષેત્રના અનેક કાર્યકરોના ઘડતરમાં વજુભાઈના સહયોગી રહ્યાં.
• ખાદીગ્રામોદ્યોગ બોર્ડના, નશાબંધી મંડળના નિયામક તરીકે પણ ઉત્તમ યોગદાન આપ્યું.
• સતત ત્રણ વાર સાંસદ તરીકે ઉત્તમ કામગીરી કરી જયાબહેને વજુભાઈની વિદાય પછી ૩૨ વર્ષ અવિરત સમાજ સેવા કરેલ
સૌરાષ્ટ્રના સાત દાયકાના અણિશુદ્ધ ગાંધીવાદી જાહેરજીવનનાં એક અત્યંત પ્રભાવક વ્યકિતત્વ એવાં જયાબહેન શાહનો ૯૩ વર્ષની વયે અસ્ત થયો. સૌરાષ્ટ્રના રચનાત્મક, ખાદી, સહકારી, ગ્રામોદ્યોગ, ડેરી, હિન્દી પ્રચાર, નશાબંધી, ગૌસેવા, નિસર્ગોપચાર એવાં અનેકવિધ ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરનાર એવા સ્વ. વજુભાઈ શાહના ધર્મપત્ની અને તેમની પ્રવૃત્તિઓના સાચા સહધર્મચારિણી એવાં જયાબહેને પોતાની સામાજિક સેવા યુવાન વયે શરૂ કરી ત્યારથી આજ સુધી મૂલ્યનિષ્ઠ સમાજકારણ કેવું હોય તે દર્શાવવામાં જીવંત જીવતું જાગતું ઉદાહરણ હતું. તેમની વિદાયથી સૌરાષ્ટ્રના રાજકારણ તેમ જ લોકકારણનું એક પ્રકરણ સમાપ્ત થાય છે.
ભાવનગર ખાતે ૧ ઓક્ટોબર ૧૯૨૨માં જન્મેલાં જયાબહેને પોલિટિકલ સાયન્સમાં અને અર્થશાષામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ૧૯૪૫માં વજુભાઈ શાહ સાથે લગ્નગ્રંથિથી બંધાયાં પછી, સૌરાષ્ટ્રના જાહેરજીવન અને સેવાયજ્ઞમાં કયાં ય પાછી પાની કરી નથી.
૧૯૪૯માં સૌરાષ્ટૃ બંધારણ સભાનાં સભ્ય તરીકે અને ૧૯૫૨માં સૌરાષ્ટૃ વિધાનસભામાં ચૂંટાયાં ત્યારથી તેમણે, સૌરાષ્ટ્રના ત્યારના ઢેબરભાઈના મુખ્યમંત્રી પદે રચાયેલી સરકારમાં, શિક્ષણમંત્રી તરીકે ખૂબ ઉત્તમ કામગીરી કરી. સૌરાષ્ટ્રના ગામોમાં પ્રાથમિક શાળાઓ ઊભી કરવા, નિરક્ષરોને સાક્ષર બનાવવા અને મહિલાઓ માટે મહિલા મંડળો તેમ જ વિકાસગૃહો અનેક શહેરોમાં સ્થથાપવા તેમનો ઉત્તમ ફાળો રહ્યો હતો.
તો બીજી બાજુ ૧૯૫૭થી ૧૯૭૦ એમ સતત ત્રણ વાર સૌરાષ્ટ્રની અમરેલી સીટ પરથી સંસદસભ્ય તરીકે ચુંટાઈને, તેમણે ૧૩ વર્ષ સુધી, ભારતની પાર્લામેન્ટમાં રહીને, ખૂબ જ સક્રિય કામગીરી બજાવી હતી અને તેમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે સંસદની ઘણી કમિટિઓમાં રહીને તેમાં પોતાનું યોગદાન આપ્યું હતું. વિદેશોમાં કમિટિઓમાં સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું.
જયાબહેન પોતાનાં જાહેરજીવનમાં અને સેવાક્ષેત્રે પ્રદાનનો સંપૂર્ણ યશ વજુભાઈને આપે છે અને તેથી જ વજુભાઈના ૧૯૮૨માં દેહાવસાન પછી, તેમનાં ૩૨ વર્ષની વજુભાઈની વિદાય પછીની જાહેર જીવનની કામગીરી એટલી જ મહત્ત્વની રહી છે, જે તેમણે જે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં તેની જયાબહેનનાં નેતૃત્વ નીચે થયેલા વિકાસ પરથી ફલિત થઈ શકે છે.
જયાબહેન પોતાના આત્મીયજનોમાં કહેતાં કે, મારા જીવન ઘડતરમાં જે લોકોએ પ્રત્યક્ષ ફાળો આપ્યો છે તેમાં દરબાર ગોપાળદાસ દેસાઈ, ભકિતબા, મોરારજીભાઈ દેસાઈ, લોકસેવક બબલભાઈ મહેતા, રવિશંકર મહારાજ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા, લોકનાયક જયપ્રકાશ નારાયણ, લલ્લુભાઈ શેઠ વગેરેનો જુદા-જુદા તબક્કે ખૂબ માર્ગદર્શન મળેલું છે.
જયાબહેન સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં અતિ સ્પષ્ટ વકતા ગણાતાં. ૧૯૭૦ સુધી તેઓ કોંગ્રેસના સાંસદ રહ્યાં. ૧૯૬૯માં કોંગ્રેસના વિભાજન વખતે તેમણે અનેક પ્રલોભનો સામે મોરારજીભાઈ દેસાઈને પડખે છેવટ સુધી અડીખમ સાથ આપ્યો. રાજકારણ છોડ્યું, લોકકારણ ચાલુ રાખ્યું પણ કયારેય મૂલ્યોની સોદાબાજી કરી નહિ.
વજુભાઈ શાહનું કુટુંબ અને જયાબહેન પોતાના આતિથ્ય સત્કાર માટે અતિ જાણીતું. રાજકોટમાં ઢેબરભાઈ સાથે રૂમનું સેનેટોરિયમ હોય કે અમદાવાદનું તેમનુ ઘર હોય મનુભાઈ પંચોળી, બાલુભાઈ વૈદ્ય, મોહનભાઇ મહેતા ‘સોપાન’, લાભુબહેન જેવાં દાયકાઓ જૂનાં મિત્રો તેમને ત્યાં જ ઉતારો રાખે. અને મોરારજીભાઈ પણ વડાપ્રધાન પદે હતા ત્યારે અમદાવાદ આવ્યા હોય ત્યારે વજુભાઈની ખબર કાઢવી અને જયાબહેનના હાથની રસોઈ જમવી એ વ્યસ્ત રોકાણોમાંનો એક મનપસંદ કાર્યક્રમ.
સૌરાષ્ટ્રના જાહેર જીવનમાંના અગ્રેસર સેવારત રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી, લલ્લુભાઈ શેઠ, રતિભાઈ ગોંધિયા, દેવેન્દ્રભાઈ દેસાઈ, પ્રસન્નવદન મહેતા અને તદ્દ ઉપરાંત અનેકવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથેનો જયાબહેનનો નાતો અતૂટ રહ્યો અને અનેક સંસ્થાઓને તેમનું માર્ગદર્શન મળ્યું હતું.
ઘણા લોકોને ખબર નહિ હોય, પણ આઝાદી પછી, દ્વારકાના મંદિર પ્રવેશ હરિજનો માટે પણ થાય, તે માટે જયાબહેને દ્વારકાશીધના મંદિર પર હરિજનોના પ્રવેશ માટે ‘સત્યાગ્રહ' કર્યો હતો અને તેમને ‘રૂઢિચુસ્તો'ના પથ્થરોથી લોહી પણ નીકળ્યું હતું.
જયાબહેનનું વ્યકિતત્વ સામાન્ય રીતે અત્યંત સ્પષ્ટ વકતાનું રહ્યું છે. ‘તડ' અને ‘ફડ' કહેવું. જેમાં માનતાં હોય તે બાબતે બધા સમજી શકે તેવી રીતે ‘ફોડ' પાડીને જ બોલવું, તે તેમની ખાસિયત હતી અને તેને કારણે જ તેમણે રચનાત્મક સંસ્થાઓમાં ઘણાં નિર્ણયો ઉત્તમ રીતે લેવડાવ્યાં.
જયાબહેને કઈ કઈ સંસ્થાઓમાં તેના ફળો આપ્યો છે તેની જો યાદિ તૈયાર કરવામાં આવે, તો બહુ મોટી થાય. પણ તો પણ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, ગાંધી-સ્મૃિત (ભાવનગર), કબા ગાંધીનો ડેલો, વિકાસ વિદ્યાલયો, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ હસ્તકનાં ખાદી કેન્દ્રો, ખાદી ભવનો, ભંગીકષ્ટ મુકિત, ગ્રામ સ્વરાજ મંડપ – પારડી, સર્વોદય સેવા સંઘ, વાંકાનેર, ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા (મહારાષ્ટ્ર), લોકભારતી (સણોસરા), વગેરેમાં અત્યંત જવાબદારીપૂર્વક કામગીરી કરી મનુભાઈ પંચોળી અને નાનાભાઈ ભટ્ટની લોકભારતીને ખોટમાંથી બહાર કાઢવા તેમણે સમગ્ર દેશમાં અનેક લોકોને અપીલ કરીને તેને માટે ૭૮ વર્ષની જૈફ વયે પણ કરોડો રૂા.ની સખાવત મેળવી સંસ્થાનો પાયો મજબૂત બનાવ્યો હતો.
વજુભાઈની વિદાય પછી, ગુજરાતના જાહેરજીવનના બે બંધુઓ સમા ઢેબરભાઈ તેમ જ વજુભાઈનાં નામ સાથે સ્વચ્છ જાહેર જીવન અને સેવા પ્રવૃત્તિઓને વરેલાં લોકોને એવોર્ડ દ્વારા દ૨ વર્ષે સન્માન કરવાનો એક સિલસિલો શરૂ કર્યો હતો. પણ જ્યારે તેમને લાગ્યું કે હવે એવોર્ડ આપવાનું ‘બંધ' કરવામાં આવે, તે જ યોગ્ય છે. ત્યારે તેનો અમલ પણ ત્વરિત રીતે કર્યો. આવી ક્રાંતિકારી ઘટના જવલ્લે જ જોવા મળે ! સમય, સ્થળ અને સમાજના પરિવર્તનો તેમણે સ્વીકાર્યાં !!
જયાબહેન માત્ર લોકસેવિકા ન હતાં. તેઓ પોતે સ્વતંત્ર લેખક, સંપાદક-વિચારક હતાં. ખૂબ જ વાંચન ૯૩ વર્ષની વયે પણ કરતાં. સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસેનાનીઓની કોઈ સુવ્યવસ્થિત નોંધ અને ટૂંકી જીવન ઝરમર કયાંયથી સુપ્રાપ્ય નહોતી. જયાબહેનને એ વાત ઘણી ખુંચતી. ભવિષ્યની પેઢીને માટે તેમણે સૌરાષ્ટ્રના એક એક સ્વાતંત્ર્ય સૈનિકની માહિતી-તસ્વીર એકત્ર કરીને ગ્રંથસ્થ કરી આપી. તેમણે તે ઉપરાંત અનેક નામી-અનામી શહીદોની ખાસ કરીને ભારતના ક્રાંતિકારીઓ ઉપરની એક લેખની શ્રેણી “ફૂલછાબ”માં લખી અને જે આઝાદીના આશકો એવા ભગતસિંહ, ચંદ્રશેખર, બિસ્મીલ જેવાઓને વિશે સુંદર લેખો આપ્યા હતાં. હજુ ૯ર વર્ષની વયે, તેમને વિચાર આવ્યો કે, મહાત્મા ગાંધી વિશે અનેક પુસ્તતકો લખાયાં છે, પણ શાળાનાં વિદ્યાર્થીઓ અને બાળકોને માત્ર થોડા જ શબ્દોમાં ગાંધીજીના માર્ગદર્શકો તેમ જ ગાંધીજીના અંતેવાસીઓ અંગે ર૦૧૩માં ‘નાનકડો ગ્રંથ પણ બનાવે.
વજુભાઈએ સ્વરાજ આવ્યા પછી, અનેકવિધ વિષયો પર પોતાના મૌલિક ચિંતન ધરાવતાં લેખો “સ્વરાજધર્મ” વિચાર પત્રમાં છાપ્યા હતા. જેમાં ગાંધી, વિનોબા અને સ્વરાજના સાચા અમલીકરણના ગહન અવલોકનો હતા. જયાબહેને તેમનું સંપાદન કરીને “સ્વરાજધર્મ”ના એ લેખોનો ઉત્તમ સંગ્રહ ‘આપણો સમાજધર્મ' નામે આપીને, વજુભાઈના મૌલિક વિચારો અને ગાંધી ચિંતન નવી પેઢીને માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
એ ઉલ્લેખનીય છે કે જયાબહેન ૯૩ વર્ષની વયે પણ કુશાગ્ર બુદ્ધિમત્તા ધરાવતાં હતાં; અને વજુભાઈ તેમ જ મનુભાઈ પંચોળી પછી, “સ્વરાજધર્મ” પુનઃ પ્રકાશિત થયું, ત્યારથી, તેના તંત્રી તરીકે પોતાના સ્વતંત્ર વિચારો રજૂ કરતાં રહ્યા હતાં. તેમનો છેલ્લો લેખ ર૦૧૪ની ચૂંટણીના લોકશાહી પર્વ પરનો હતો જે માર્ચના અંકમાં છપાયો હતો.
જયાબહેનની ૯૩ વર્ષે વિદાય સૌરાષ્ટ્રના તાલુકા તેમ જ શહેરોમાં, વર્ષોથી રહીને સમાજ સેવા કરી રહેલાં એવા અનેક કાર્યકરોની જૂની નવી પેઢી માટે એક વજ્રાઘાત સમાન છે. વ્યક્તિગત જીવનમાં નાનામાં નાના કાર્યકર તેમ જ તેના કુટુંબની તકલીફોમાં સદા યે સહભાગી થનાર જયાબહેનની વિદાયે કેટલાય કાર્યકરોએ છાને ખૂણે આંસુ સાર્યાં હશે.
છેલ્લા કેટલાક સમયથી, વિવિધ બિમારીઓનો ભોગ બનેલાં જયાબહેન માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ અને પરંપરા વિરોધી હતાં. તેમણે વર્ષો પૂર્વે સંકલ્પ કરેલો અને તે અંગે તેમણે લખેલું છે કે ‘મારું દેહદાન કરવું. મારી વિદાય પાછળ કોઈ શોક કરવો નહીં. મારી સાથે સંકળાયેલી સંસ્થાઓમાં રજા રાખવી નહીં. સહુએ જ્યાં હોય ત્યાં પ્રભુ પ્રાર્થના કરવી.'
જીવનમાં સાદાઈ અને અણીશુદ્ધ ખાદીનો પહેરવેશ. બોલવામાં સ્પષ્ટ અને મુદ્દાસર વાતો સાથેનું સંભાષણ. જાહેર સંસ્થાઓ ચલાવવા માટે સ્પષ્ટ નીતિ અને માર્ગદર્શન. − આ બધું જયાબહેનનાં ૭૦ વર્ષનાં સેવા જીવનમાં વણાઈ ગયેલું હતું.
વજુભાઈ – જયાબહેનને બે સંતાનોમાં અક્ષયભાઈ સપત્ની અમેરિકામાં વસ્યા છે. અક્ષયભાઈ પી.એચડી. થયા બાદ ત્યાં જ રહ્યા છે. તેમના બન્ને સંતાનો આકાશ – અનિકેત જાહેર સેવા પ્રવૃતિઓ તેમ જ લેખનનો શોખ ધરાવે છે. તેમના પુત્રી, અમીતાબહેન ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચનાં નિયામક અને કૃષિ-અર્થશાસ્ત્રનાં નિષ્ણાત છે. અને તેમના જમાઈ દિનેશ અવસ્થી એન્ટરપ્રીન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેકટર તરીકે સેવાઓ આપે છે. જયાબહેનના અવસાન સમયે રચનાત્મક અગ્રણી દેવેન્દ્રભાઈ દેસાઈ અને ખાદી ક્ષેત્રના અગ્રણીઓ તેમ જ કુટુંબીજનો ઉપસ્થિત હતાં.
નવી પેઢીને તેમના જીવનમાં પ્રેરણા મળે તેવી અભ્યર્થતના.
સૌજન્ય : “અકિલા”, Tuesday, 15th April, 2014
http://www.akilanews.com/15042014/rajkot-news/1397549981-24162