ટીવી ચેનલો ફ્લીપ કરતો હતો, ત્યાં નિર્મલ બાબા સ્ક્રીન પર આવી ગયા .., બાબા કોઈક શ્રધ્ધાળુ (કે અંધશ્રધ્ધાળુ ?) એક શ્રોતા બહેનના પ્રશ્નના જવાબમાં .., બાળક થતું નોં'તું એનો ઉપચાર બતાવતા હતા .., ‘करेला खाना शुरु करो .., बच्चों कि लाईन लग जायेगी!’
મને મારો સદાબહાર રમૂજી દેશી એમ્પ્લોઈ બંટી યાદ આવી ગયો … એના મગજમાં હંમેશાં કઈંક તુક્કાઓ ચાલતા હોય … એના રમૂજી અને ટૉકેટીવ સ્વભાવને લીધે મેં એને લૉટરી કાઉન્ટરનો ચાર્જ સોંપેલો … કન્વીનિયન્ટ સ્ટોરના બીઝનેસનો આધાર લૉટરી સેલ પર બહુ રહે … લૉટરી વધારે વેચાય તો સ્ટોર બીઝનેસ પણ વધે ! અને એથી જ વાણિયા બુદ્ધિ વાપરીને મેં એને લૉટરી કાઉન્ટર પર રાખેલો.
અમેરિકામાં રિટાયર્ડ, ઘરડા લોકો લૉટરી બહુ રમે … એમની સોસિયલ સિક્યુરિટી, પેન્શન, વેલ્ફેર વગેરેમાંની અડધી આવક તો આ લૉટરી, કસીનો, બીંગો અને ગેંમ્બલીંગમાં જતી રહેતી હશે! એમાં ડોસીઓ તો વધારે રમે! આ ડોસીઓ દરરોજની કસ્ટમર. સ્ટોર ખૂલ્યો નથી કે લૉટરી નંબરનું મોટું લીસ્ટ લઈને આવી જાય … ને પચાસ, સો ડૉલરની લૉટરી ટિકીટ તો ફેંકી દેતાં રમી નાખે ! દરરોજ એક જ નંબરવાળા નંબર રમે. ડોસી મેરી હજુ સ્ટોરમાં દાખલ પણ થઈ ના હોય, નંબરનું લીસ્ટ બંટીના હાથમાં પાસ પણ ના કર્યું હોય, ત્યાં તો બંટી ફટાફટ એના બધા જ નંબર્સ રમીને ટિકીટો એના હાથમાં ધરી દે ! આમ પણ હાર્ડ વર્કીંગ, સ્માર્ટનેસ અને ગુડ સર્વીસને લીધે દેશીઓ પ્રત્યે અમેરિકન્સને માન. અને એમાં વળી બંટી જેવો એમ્પ્લોઈ ફટાફટ નંબર રમી કાઢે એટલે મેરી જેવી ડોસી તો એની પર ફીદા ! બંટીને ગ્રાન્ડ સનની માફક ટ્રીટ કરે. લૉટરી જીતે તો એને ટીપ પણ સારી એવી આપે ! જેવી બંટીએ પચાસેક ટિકીટો મેરીના હાથમાં મૂકી, કે મેરી એવી તો અચંબામાં પડી ગઈ ને એનાથી ‘Wow!’ બોલાઈ ગયું. ‘Bunty .., how did you do this? remembering all my numbers? I didn't even handover my list to you .., and you already played all fifty numbers!’
‘Eat okra, Merry .. okra sharpens your memory, you can remember everything!"’
કોણ જાણે ક્યાંથી બંટીના મગજમાં સ્પોન્ટેિનયસલી ભીંડા આવી ગયા, અને મેરીને ભીંડા ખાવાની સલાહ આપીને કહ્યું એનાથી યાદશક્તિ વધી જશે ! બીજા દિવસે બંટીએ આપેલ ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરનું સરનામું લઈ, મેરી બસમાં જઈ, બે પાઉંડ ભીંડા ખરીદી લાવી !
કોણ જાણે ભીંડા ખાવાથી મેરીની યાદશક્તિ વધી કે એની મેમરી-લૉસમાં વધારો થયો એ તો ખબર નથી, પણ એની એક લૉટરી ટિકીટ લાગી, ને એ ૫૦,૦૦૦ હજાર ડૉલર જીતી! બંટીને સારી એવી ટીપ તો આપી. સાથે સાથે એને રોલ મૉડેલ માનવા લાગી!
Now, here is the trick .., દરરોજના લૉટરી રમવાવાળા નિયમિત કસ્ટમર્સ હંમેશાં ૨૫-૩૦-૫૦ એક જ નંબર્સ રમતા હોય, દરરોજ એ જ નંબર્સનું લીસ્ટ લઈને રમવા આવે! બંટી નંબર્સ રમીને નંબર્સનું પ્રીન્ટઆઉટ કાઢીને જે તેનું નામ એ પર લખીને બાજુમાં મૂકી રાખે, બૉબ, મેરી, કેથી, નેન્સી વગેરે વગેરે … જે લૉટરી રમવા આવે, એના નામવાળાનું પ્રીન્ટઆઉટ કાઢીને એડવાન્સમાં નંબર રમવા મંડી પડે! જેવી મેરી સ્ટોરમાં દાખલ થાય એવો જ બંટી મેરીનું લીસ્ટ કાઢીને નંબર્સ રમવા માંડે, ને મેરી નંબર્સનું લીસ્ટ આપે એ પહેલાં એના અડધા નંબર્સ તો રમાઈ ગયા હોય! મેરીને તો એમ જ લાગે કે બંટીને મારા બધા જ નંબર્સ યાદ છે !
હવે .., તમે જ કહો .., નિર્મલબાબા સારા કે અમારો બંટી ?
e.mail : mahendraaruna1@gmail.com