૨૦૧૪ની શરૂઆત થતાં જ ભારતમાં સામાન્ય ચૂંટણીનાં નગારાં વાગવાં માંડ્યાં છે, અને સહેજે નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સ્થાન ન મળે તે માટે તેમની વિરુદ્ધ ૨૦૦૨ના કોમી રમખાણો દરમ્યાનની તેમની બેજવાબદાર નીતિને આગળ ધરવામાં આવે છે, અને એ યોગ્ય જ છે. તે વિશેના આક્ષેપો-પ્રત્યાક્ષેપ સાંભળતા સહેજે વિચાર આવે કે સ્વતંત્રતા મળ્યાને ૬૫ વર્ષ થયાં, તો પણ હજુ કોમી એખલાસનો સૂરજ કાં ક્ષિતિજમાં ય ડોકાતો નથી ?
એક માન્યતા એવી છે કે પહેલાં હિન્દુ-મુસ્લિમ કોમ તો સંપીને રહેતી હતી, અંગ્રેજ શાસકોએ ‘ડીવાઈડ એન્ડ રૂલ’ની નીતિથી હિંદુ-મુસ્લિમોને અળગા પાડ્યા. એટલે જ તો જુઓને ૧૮૫૭માં કેવા ભેળા મળીને લડેલા ?
બીજી માન્યતા ધરાવનારની દલીલ એ છે કે નારે ના, અંગ્રેજો આવ્યા તે પહેલાંના, ૨૦૦ વર્ષના મુસ્લિમોનાં શાસન દરમ્યાન હિંદુઓ કેવા પ્રગતિ કરતા રહ્યા અને મુસલમાનો ક્યાં ય પછવાડે રહી ગયા તે અમથું બન્યું હશે ? આ બે કોમ વચ્ચેનું વૈમનસ્ય જોઈને જ અંગ્રેજોને પોતાના શાસનની લાકડીથી આ બે પાણીને જુદા કરવાની મજ્જો આવી ગઈ. એમાં અંગ્રેજોનો વાંક નથી.
એક મિનીટ, જરા થોભો અને મુસ્લિમ અને અંગ્રેજ શાસન દરમ્યાન શા માટે મુસ્લિમ પ્રજા જ બૌદ્ધિક અને આર્થિક ક્ષેત્રે પછાત રહી એ તો પૂછો. કદાચ ભારતમાં વસતા મોટા ભાગના મુસ્લિમો હિંદુ સમાજના ઉપેક્ષિત અને અવગણના પામેલ વંચિતો જ ધર્મ પરિવર્તન કરેલ હતા એટલે બંને ધર્મ તરફથી એમની ઘોર અવજ્ઞા થઈ હોય એવું તો નહીં બન્યું હોય ? કહેવાનો મતલબ એ છે કે સ્વતંત્રતા મેળવ્યા બાદ પણ બંને ધર્મનાં માળખાંમાં પોત પોતાના દેશમાં આર્થિક અને સામાજિક રીતે પ્રગતિની જાળમાંથી અવગતિની ઊંડી ગર્તામાં પડી ગયેલાને ઉઠાવવાની કોઈ જોગવાઈ નથી, નહીં તો હિંદુ બહુમતી ધરાવતા ભારત દેશમાં દલિતો તથા આદિવાસીઓ (જેનો ધર્મ હિંદુ છે છતાં) અને મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ગરીબોનો (જેઓ ઇસ્લામ ધર્મ પાળે છે છતાં) ઉધ્ધાર છ છ દાયકાઓના સ્વ શાસન છતાં કેમ થયો નથી? એની પાછળ જે તે ધર્મની પોતાના જ અનુયાયીઓ પ્રત્યે અનુકંપાનો અભાવ કારણભૂત છે કે બંને દેશની અસમાન અર્થ વ્યવસ્થા, લાંચ-રૂશ્વતથી ખરડાયેલી રાજ્ય વ્યવસ્થા અને કહેવાતા ધર્મ અને આધુનિકતાના કોહવાટ વચ્ચે સડતી સમાજ વ્યવસ્થા જવાબદાર છે ?
ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર, ઇતિહાસવિદ્દ અને અત્યંત સ્વચ્છ રાજનીતિજ્ઞ સ્વ. મનુભાઈ પંચોળીએ (દર્શક) કહેલું કે ઇતિહાસકારના બે મુખ્ય કર્તવ્ય છે, એક તો હકીકતોનું નિરૂપણ કરવું અને બીજું તેનું અર્થઘટન કરવું. મોગલ સામ્રાજ્ય દરમ્યાન હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે કેવો મનમેળ કે મનભેદ હતો અને બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાન એ બંનેમાં શાનો કેટલો વધારો-ઘટાડો થયો એ હકીકતનું ઐતિહાસિક સંશોધન થાય અને તેનું તટસ્થ રીતે વ્યાપક શિક્ષણ અપાય તો ભાગલા પહેલાં અને પછીની બે કોમ વચ્ચેના સંબંધો, ભાગલાના કારણો, વિભાજન કેવી રીતે કરવામાં આવ્યું તથા તેની રાજકીય અને સામાજિક અસરો વગેરે વિષે સ્પષ્ટ જ્ઞાન મળી શકે.
૨૦૦૨નાં ગુજરાતના કોમી રમખાણોથી હચમચી જઈને ગુજરાતની એક પનોતી પુત્રી અને સિદ્ધહસ્ત લેખિકા શરીફા વીજળીવાળાએ અખંડ હિન્દુસ્તાનના ભાગલા પાછળનાં કારણો અને ત્યારની પરિસ્થિતિ તથા તેની માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃિતક ક્ષેત્રે થયેલી માઠી અસરો વિષે ખરું ચિત્ર ઉપસાવવા, આઠ વર્ષ સુધી ઐતિહાસિક પુરાવાઓનો અભ્યાસ કર્યો અને તેની સાથે સાથે મૌખિક ઇતિહાસ અને તે વખતે બનેલ ઘટનાઓ પરથી લખાયેલ કાલ્પનિક સાહિત્યનો પણ અભ્યાસ કર્યો, જેનું તારણ શરીફા વીજળીવાળાનાં જ શબ્દોમાં તાજેતરમાં “ભૂમિપુત્ર”ના અંકોમાં વાંચવા મળ્યું. થોડા વખતમાં વિભાજન વિષયક વાર્તાઓના અનુવાદો, તેના ઉપરથી લખાયેલ નવલકથાઓ અને ફિલ્મો વિશેના લેખો અને ભાગલાનો ભોગ બનેલા હિંદુ-મુસ્લિમ બંને કોમના લોકો વિષે વિચારનારા-લખનારા લોકોની મુલાકાતો વિશેનું પુસ્તક પ્રકાશિત થવામાં છે જેનું વાંચન રસપ્રદ થશે અને સરહદની આ પાર અને પેલી પારની આમ જનતાના ઘણા ખોટા ખ્યાલોનું નિરસન થશે તે નિ:શંક છે. એ અભ્યાસનો સારાંશ માત્ર વાંચવાથી સવાલ ઊઠ્યો કે ખરેખર અખંડ હિન્દુસ્તાનના ભાગલા પાછળ હિંદુ-મુસ્લિમ વચ્ચેનું સદીઓ જૂનું વૈમનસ્ય કારણભૂત હતું અને તેનો લાભ અંગ્રેજોએ ‘ભાગલા કરો અને રાજ કરો’ એ નીતિ અપનાવીને લીધો હોય એ હકીકત સાચી હોય તો પણ હવે તો એ વાતને પણ છ છ દાયકાઓના વહાણા વાઈ ગયાં.
રૂપલાએ તો આંખે પાટા બાંધીને જગલાના ઘરમાંથી જમીન, પર્વત, નદી-નાળાં, જંગલો, અરે ખેતર અને વ્યક્તિગત જાયદાદના આડેધડ ભાગલા કરી ભગલાને આપીને પાટલૂનનો પટ્ટો છૂટી જાય તે પહેલાં આબરૂ બચાવવા ચાલતી પકડી એ સમજ્યા. પણ બાપ અન્યાય કરીને પોતાના બે છોકરાને ધોલ-ધપાટ કરીને છુટ્ટા પાડે તો પછી એ બે ભાઈઓ સમજીને સમાધાન કરી એક થઈ જાય એમાં જ બંનેનું હિત છે ને? આમ ક્યાં સુધી જગલો અને ભગલો રૂપલાને હિંદુ-મુસ્લિમ વચ્ચેની તિરાડ માટે જવાબદાર ઠેરવ્યા કરીને પોતે એ માટેનો શાંતિમય ઉપાય શોધવાની જવાબદારીમાંથી છટકી જશે? હજુ કેટલી પેઢીઓને હિંદુ-મુસ્લિમ રમખાણોની પીડા ભોગવવાની રહેશે? વાચકો કદાચ જાણતા હશે કે પાકિસ્તાનમાં હિંદુ-મુસ્લિમ રમખાણોની સંખ્યા નહીંવત છે એટલે ખરું પૂછો તો ભારતે જ આ બાબતને પ્રાથમિકતા આપવાની રહે છે.
જે કોઈ પક્ષ આ પ્રશ્નનો શાંતિપૂર્ણ ન્યાયી ઉકેલ બે વર્ષમાં આપવાનું વચન આપે તેને ચૂંટવો અને જો એ વચનભંગ કરે તો તરત બીજાને ગાદીએ બેસાડવો એ જ ખરો રસ્તો દેખાય છે. હવે રૂપલો (બ્રિટન) જગલાને (ભારતને) ભગલાએ (પાકિસ્તાને) પચાવી પાડેલ કાશ્મીરનો ભાગ જતો કરી, શાંતિ કરારો કરીને પાળવા માટે સમજાવવા નહીં આવે, એ કામ આ બે દેશના વડાઓએ જ કરવાનું છે. એનાથી પણ મોટી વાતતો દેશની અંદર બે કોમ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો વિકસે એ મોટું કામ કરવાનું છે.
બોલો, એને માટે કોંગ્રેસ તૈયાર છે કે બી.જે.પી?
e.mail : 71abuch@gmail.com