ઇ.સ. ૨૦૬૯ની દિવાળીની શાનદાર ઉજવણી, મૂળ ભારતના રહેવાસીઓએ, માન્ચેસ્ટરના અન્ય નાગરિકો સાથે મળીને આનંદે ધમાકા સાથે ઉજવી, જેમાં શહેરની કાઉન્સિલનો પણ નોંધનીય ફાળો હતો. તે નિમિત્તે બહાર પડેલ સિટી કાઉન્સિલનું સામાયિક વાંચવામાં આવ્યું. તેમાં એક લેખ ‘Thanks, but no thanks!’ શીર્ષક હેઠળ લખાયેલો વાંચ્યો, રસપ્રદ લાગ્યો એટલે એની લ્હાણી કરું છું.
એ લેખમાંની વિગતો કાંઇક આ પ્રમાણે છે : ‘કાઉન્સિલના કર્મચારીઓને એમના કામ બદલ વિવિધ પ્રકારના ટોકન અને ભેટ-સોગાદો વળતર રૂપે મળતાં હોય છે જેમ કે વણ જોઈતું કમ્પ્યુટર, ચશ્માંની જોડ કે ઘડિયાળ જેવી ચીજો. એ બધા વળતર પાછળનો હેતુ સારો હોય છે, પરંતુ માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ તેનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવા માગે છે. માટે તમારા કામ બદલ ઉપકારવશ થઈને જે વ્યક્તિ એ ભેટ લાવી હોય, તેને તમે શા માટે તે ન સ્વીકારી શકો તે વિગતે સમજાવીને એ બધી વસ્તુઓ સાભાર પરત કરવી અને ભેટ-સોગાદોની નોંધપોથીમાં તેની નોંધ કરવી, એટલું જ નહીં પણ તમારા ઉપરીને તેની જાણ કરવી. કાઉન્સિલની સેવાઓના લાભાર્થીઓ, કોન્ટ્રાક્ટર કે માલ પૂરો પાડનારાની ભેટ બધા કર્મચારી ગણ કે બહોળા સમૂહને ઉપયોગી થવાને બદલે માત્ર તમને વ્યક્તિગત લાભ આપનારી હોય તો તેનો સાદર અસ્વીકાર કરવો. કાઉન્સિલની નીતિમત્તાની પાદર્શિકતા અને પ્રતિમા જાળવવા વિવેકથી ‘ના’ પાડવી જરૂરી છે. આમ કરવાથી આપણે પોતાની શુદ્ધ છાપ જાળવીને કામ કરી શકીશું અને અયોગ્ય વર્તન કદી ન થાય, તેની કાળજી લઈ શકીશું. મિટીંગમાં અપાતી પેન કે ડાયરી જેવી વસ્તુ સ્વીકારી શકાય, પરંતુ રેસ્ટોરાંમાં જમવા જવાનું કે કોઈ હોટેલમાં રહેવાનું, કોઈ પર્યટન સ્થળે ફરવા જવાનું આમંત્રણ મળે તો ઉચ્ચતમ અધિકારી સાથે વાટાઘાટ કરીને માત્ર કાઉન્સિલનાં કામ માટે અનિવાર્ય હોય તેવો જ પ્રસ્તાવ સ્વીકારવો. ટપાલમાં મોકલેલ કે ટેબલ પર મુકેલ વસ્તુઓ વિષે ઉપરીને જાણ કરો. પાછી ન મોકલી શકાય તેમ હોય તો દાનમાં આપી દેવી અથવા અન્ય સહ કારકારોમાં વહેંચી દેવી.’
પોતાના કર્મચારીઓ માટેની આ સૂચનાઓ વાંચીને હું વિચારોમાં ગરકાવ થઈ ગઈ. આ પ્રકારની સૂચનાઓ આપવી પડે છે તેમાં બે વાત સ્પષ્ટ થાય છે; એક તો એ કે કેટલાક લોકો આવી ભેટ-સોગાદો સ્વીકારે છે અને તેમાંથી ગેરરીતિ પણ પ્રવર્તે છે. પણ બીજો મુદ્દો એ પણ તરી આવે છે કે કાઉન્સિલ આના વિષે જાગૃત છે અને પોતાના સંગઠનના નીતિ નિયમોથી આ વર્તન તદ્દન વિરુદ્ધ હોવાથી અમાન્ય છે એ તદ્દન મક્કમતાથી જાહેર કરે છે.
આમ જોવા જઈએ તો મ્યુિનસિપાલિટીના કર્મચારીઓ સરકારી અને અર્ધસરકારી માળખામાં નીચલા પગથીયે આવનારા ગણી શકાય. એ લોકોને આવી ભેટ-વળતર ન લેવાનું કહેનાર તેમના વડાઓ જો લાંચ-રુશ્વત ન લેતા હોય તો જ આવા હુકમોનું પાલન નાના કર્મચારીઓ કરે. સ્થાનિક કાઉન્સિલ પોતાના નીતિમત્તાના ધોરણો જાળવી રાખે છે એ જોવાનું કામ કેન્દ્ર સરકારનું છે એટલે તેને પણ પોતે સ્વચ્છ વહીવટ પૂરો પાડે છે તેવો આદર્શ પૂરો પાડવો રહ્યો. છતાં ઠેક ઠેકાણે કોઈ ને કોઈ ક્ષેત્રમાં ગોલમાલ, ખાયકી અને રુશ્વતખોરી આ દેશમાં પણ નથી થતી, એવું માની ન જ શકાય. પરંતુ કમસે કમ જે તે સંસ્થા, સંગઠન, સરકારી તંત્ર વગેરે ગોલમાલ, ખાયકી કે રુશ્વતખોરીને પોતાની સર્વ માન્ય નીતિ તરીકે અપનાવી નથી લેતા. કોઈ પણ સંસ્થા, સંગઠન, સરકારી તંત્ર પોતાના કર્મચારીઓ, અધિકારીઓ અને સંચાલકો પાસેથી જે પ્રકારનાં વલણ તથા વર્તનની અપેક્ષા રાખશે તેવું જ તેઓ પૂરું પડશે એ હકીકત છે.
હવે આ નિયમાવલીની ભારતમમાં પ્રવર્તતી પરિસ્થિતિની સાથે સરખામણી કરીએ તો શું મળશે તે અનુમાન કરવું અઘરું નથી. શિક્ષણ ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓની વાત લઈએ. ભારતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળાઓમાં તેના ક્લાર્ક, શિક્ષકો કે આચાર્યોને આવી આચાર સંહિતા આપવામાં આવે એવી કોઈ શક્યતા ખરી? શાળામાં પ્રવેશ માટે જનાર મા-બાપ પાસે શાળાનો ક્લાર્ક પ્રવેશ માટેનું ફોર્મ માત્ર આપવા માટે સો-બસો રૂપિયા માગે. તેનાથી આગળ વધો તો પ્રિન્સીપાલ ‘દાન’ રૂપે વાર્ષિક ફીઝ ઉપરાંત પાંચ આંકડાની માંગણી કરે. દર વર્ષે પોતાના સુપુત્ર કે સુપુત્રીને પરીક્ષામાં પાસ જાહેર કરવા માટે શિક્ષકો દક્ષિણાની અપેક્ષા રાખે. શાળાના સંચાલકો શિક્ષણ ખાતા પાસેથી પૂરતી ગ્રાન્ટ મેળવવા અરજી કરે ત્યારે શિક્ષણ પ્રધાનને કાર ખરીદવા કે પ્રવાસ પર જવાની સગવડ કરી આપે ત્યારે કામ બને. જ્યાં શિક્ષણ પ્રધાન પોતે જ કેઇક ઉપર આઇસિંગ ઇચ્છે ત્યાં શાળાના કારકુનને રોટલા પર ઘીનું દડબું માગવાનો અધિકાર ખરો કે નહીં ? જ્યાં ખુદ ઉપરી અમલદારો જ લાલચુ અને ભિખારી વૃત્તિના હોય ત્યાં કોણ કોની પાસે આવા નિયમોના પાલનનો આગ્રહ સેવી શકે કે તેનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરી શકે?
ભારતમાં તો આજે એવી દશા છે કે આવા વળતર કે ભેટ-સોગાદો અપાય નહીં ત્યાં સુધી કોઈ કામ આગળ ન વધે; એટલું જ નહીં, સામેથી તેવી માંગણી કરવામાં આવે. યુનાઇટેડ કિંગ્ડમ જેવા દેશોમાં આવી તરફેણ, ભેટ કે આડકતરી મહેમાનગતિ સ્વીકારનારની પ્રતિષ્ઠાના ધજાગરા ઊડે અને કેટલાક કિસ્સામાં એમની રોજગારી ઝુંટવાઈ જાય, જ્યારે ભરતમાં તો જાણે આ પ્રકારની લેણદેણ સર્વ સ્વીકાર્ય વર્તનની રીતભાત લેખાવા લાગી છે. જો કેન્દ્ર સરકારના મંત્રીઓ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, ધર્મગુરુઓ અને સમાજના ગણમાન્ય નેતાઓ સર્વ સત્તાધીશ ગણાતા હોય, તેઓ આપણા આદર્શ કહેવાતા હોય તો એમના ભ્રષ્ટ વ્યવહારનું અનુસરણ આમ પ્રજા કરે અને આખો સમાજ સંસ્થાકીય ભ્રષ્ટાચારને અનિવાર્ય અનિષ્ટ ગણીને કમને પણ સ્વીકારતો થઈ જાય તેમાં શી નવાઈ ?
આજે નીતિમત્તાના મૂલ્યોનો કેટલી હદે હ્રાસ થઈ ગયો છે તે જોવા ખાતર પણ ભારતની એકાદ શાળા કે મ્યુિનસિપાલિટીના કર્મચારીઓ માટે આવી અચાર સંહિતા લખી મોકલવાની હિંમત કરવા જેવી ખરી. જો તેનું પાલન જે તે સંસ્થા-સંગઠનના કર્મચારીઓ કરે તો તેની જાહેરાત જોરશોરથી કરી તેમને ધન્યવાદ આપવા અને જો ન કરે તો પણ તેની જાણ જોરશોરથી જાહેર માધ્યમો દ્વારા સહુને કરવી અને જાહેરમાં તેમની નામોશી કરવી એ પ્રયોગ કરવા જેવો છે. કદાચ સરકારી માળખામાં સહુથી નિમ્ન કક્ષાના ગણાતા કર્મચારીઓને તેમના ખાતામાં દરેક ધોરણના કર્મચારીઓ અને ઉપરીઓ માટે આવી સૂચનાઓ લખવાની અને તેના પાલનની જવાબદારી સોંપવામાં આવે તો સંભવ છે કે લાંચ-રૂશ્વતને તડીપાર કરી શકાય.
આવું સોનેરી સ્વપ્ન આવે તે માટે સહુને શુભરાત્રી!
e.mail : 71abuch@gmail.com