ઉત્તમ અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક શરીફા વીજળીવાળા સુરતની એમટીબી કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. મેડિકલમાં સાત માર્ક ઓછા પડતાં એન્જિનીયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. એમને તો આર્કિટેક્ટ બનવું હતું પણ અધધ ખર્ચ પોસાય એમ નહોતો એટલે બી.ફાર્મ કર્યું અને પાંચ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી. પરંતુ, ઘર મેળવવાની તકલીફને લીધે હોસ્ટેલના રેક્ટરની જવાબદારી સ્વીકારી અને હોંશે હોંશે બાર વર્ષ નિભાવી. અભ્યાસકાળ દરમ્યાન ઘર ન હોવાથી હોસ્ટેલમાં રહેવા મળે એટલે જ ગુજરાતી અને મેથ્સ સાથે બી.એ. કરવાનું નક્કી કર્યું. ગુજરાતી વિષયમાં રસ વધતો ગયો ને પછી એમ.એ., બી.એડ. અને પી.એચડી પણ કર્યું. તમે માનશો, એફ.વાય.બી.એ.થી એમ.એ. સુધી એકેય વાર ક્લાસ અટેન્ડ ન કરવા છતાં હંમેશાં તેઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યાં છે. વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૨૫ ગુજરાતી પુસ્તકોમાં એમનું પુસ્તક ‘શતરૂપા’ સ્થાન પામ્યું છે. સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે છેલ્લાં વીસ વર્ષથી ચોવીસે કલાક પીઠની પીડા સહન કરતાં શરીફાબહેનનો જુસ્સો અને લેખન પ્રત્યેનો ઉત્સાહ આજેય બરકરાર છે, કારણકે તે કહે છે કે ‘હું શરીરથી ક્યાં જીવું છું, મનથી જ જીવું છું.’’ સાહિત્ય પરિષદ, સાહિત્ય અદાદમી સહિત અનેક પારિતોષિકો મેળવી ચુકેલાં આવાં મનસ્વી તપસ્વિની શરીફાબહેન અહીં તેમનાં અંગત રસ-રૂચિ શેર કરે છે.
મુખ્ય શોખ
વાંચવું, લખવું, ઓફબીટ સિનેમા જોવી, ગમતાં લોકો સાથે ગપ્પાં મારવાં અને ક્રિકેટ જોવાનો ભારે શોખ. કોઈ પણ દેશ રમતો હોય તોય આ બંદા ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ની જેમ હરખાય અને પોરસાય!
પ્રિય લેખકો
પન્નાલાલ પટેલ, જયંત ખત્રી અને કવિ-સર્જક-વિવેચક તરીકે દ્વિરેફ સૌથી વધુ ગમે. એ મને હંમેશાં સમય કરતાં ૩૦-૪૦ વર્ષ આગળ લાગ્યા છે. લોકપ્રિય સાહિત્યકારો ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ અને વિનોદ ભટ્ટ પણ એટલા જ પ્રિય. પણ ક.મા. મુનશી શિરમોર. સાહિત્યમાં વાર્તા સ્વરૂપ અને આત્મકથા સૌથી વધુ ગમે તેથી દરેક ઉત્તમ વાર્તાકાર મને ગમે. મન્ટો, ઈસમત ચુગતાઈનો જવાબ નહીં. કુર્રેતુલૈન હૈદર, ક્રિશ્ના સોબતી, રાહી માસુમ રઝા, ઈન્તીઝાર હુસૈન અને વિદેશી લેખકોમાં અર્નેસ્ટ હેમિંગ્વે, આર્થર મિલર, શેક્સપિયર તો ખરા જ અને નાટ્યલેખક તરીકે ઈબ્સન.
પ્રિય કવિ
કાવ્યોની હું બહુ ચાહક નથી છતાં નાનપણથી વાચનની શોખીન એટલે એ વખતે વાંચેલાં કાવ્યોમાં કાન્ત સૌથી વધુ ગમતા, યુવાનવયે હરિવંશરાય બચ્ચનની કવિતા પણ ગમતી. એ પછી પ્રહલાદ પારેખ, ઉશનસ, રા.વિ. પાઠક, ઉમાશંકર જોષી, સુંદરમ અને રમેશ પારેખ ખૂબ ગમ્યા છે. આધુનિકતામાં ઓછી ચાંચ ડૂબે છતાં સિતાંશુનાં સર્જનો ઘણાં ગમે. હિન્દીમાં ગુલઝાર, અશોક બાજપાઈ અને દુષ્યંતકુમાર.
પ્રિય સાહિત્યિક કૃતિ
જુલે વર્નની ‘સાહસિકોની સૃષ્ટિ’. પચાસવાર તો મેં એ વાંચી જ છે. એ પછી ગુજરાતનો નાથ, સોક્રેટિસ, માનવીની ભવાઈ, સળગતાં સુરજમુખી, ચુગતાઈની આત્મકથા અને તેમની નવલકથા ‘ટેઢી લકીર’. થાકી હોઉં ત્યારે હળવાશ અનુભવવા વિનોદ ભટ્ટનુું પુસ્તક ‘મારી નજરે’ અવશ્ય વાંચું. ‘અ ડોલ્સ હાઉસ’ અને ‘ધ ગ્રેપ્સ ઓફ રૉથ’ પણ સર્વપ્રિય.
પ્રિય ફિલ્મો
ફિલ્મ જોવાનો જબરજસ્ત શોખ. દર રવિવારે સાંજે મૂવી જોવાનો નિયમ ૧૭ વર્ષથી બરકરાર છે. જોકે મને હળવી, રોમેન્ટિક અને જરા હટ કે પ્રકારની ફિલ્મો જ ગમે. એકશન ફિલ્મો જરાય ન ગમે. મુગલ-એ-આઝમ એટલી પ્રિય કે બધા સંવાદો સાથે બોલી શકું. કાગઝ કે ફૂલ, પ્યાસા અને તીસરી કસમ મોર્બિડ કહેવાતી હોવા છતાં મારી ફેવરિટ ફિલ્મો. માતૃભૂમિ અને થ્રી ઈડિયટ્સ જેવી મેઈનસ્ટ્રીમ ફિલ્મો ઉપરાંત ‘ખામોશ પાની’, ‘ખુદા કે લિયે’ અને ‘બોલ’ બહુ જ ગમી હતી. ઈરાનીયન ફિલ્મોમાં બાળકો પાસેથી જે અદ્ભુત કામ લેવાય છે અને જે સુંદર સંગીત હોય છે એ નવાઈ ઉપજાવે.
મનપસંદ વાનગી?
ખીચડી. સાચું કહું તો એને મેં મારી ફેવરિટ વાનગી જ બનાવી દીધી છે કેમકે રાંધવાની હું ભારે આળસુ છું. રસોઈના બેસ્ટ શોર્ટકટ મારી પાસેથી શીખી શકાય (હસીને કહે છે).
પ્રેમ એટલે શું?
વ્યાખ્યાયિત કરવો અઘરો. પણ મને લાગે છે કે જેને માટે બધું જતું કરવાની ઈચ્છા થાય, લેવા કરતાં આપવાની દાનત વધુ હોય અને લડ્યા પછી તરત ભેગા થઈ જવાનું મન થાય એ લાગણી પ્રેમ હોઈ શકે.
જીવનસાથી કેવો ગમે?
મળ્યો જ નથી તો શું કહું? હા, એક સમયે ‘મિલ્સ એન્ડ બુન્સ’ના નાયક જેવા જીવનસાથીની કલ્પના કરી હતી, કારણકે મોટાભાગના જુવાનિયાઓની જેમ અંગ્રેજી નવલકથા વાંચવાની શરૂઆત તો મેં એનાથી જ કરી હતી. જોકે, ન મળ્યાનો અફસોસ કે ખોટ ક્યારેય લાગ્યાં નથી, સિવાય કે માર્ચ મહિનામાં ઈન્કમટેક્સની ગણતરી કરવાની આવે. એવું બોરિંગ કામ કે એ વખતે થાય કે કોક હોત તો સારું થાત! મને લાગે છે કે જ્યાં ‘હું’ અને ‘તું’ ઓગળી જાય અને એકબીજા સાથે નિર્ભાર થઈને જીવી શકાય એવો જીવનસાથી શ્રેષ્ઠ.
પ્રિય સંગીત અને સંગીતકાર
હળવું ક્લાસિકલ અને હિન્દી ફિલ્મીગીતો. આજકાલ મને રાશીદખાનનું જબરું ઘેલું લાગ્યું છે. ફિલ્મી ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, મોહમ્મદ રફી અને ભૂપેન હઝારિકા.
તમારા માટે સ્ટ્રેસ બસ્ટર શું?
અનુવાદ. જ્યારે મારા અનુવાદો પ્રગટ થવા માંડે ત્યારે મિત્રો સમજી જાય કે જિંદગીમાં પીડા વધી ગઈ હશે. તાજેતરમાં જ મેં ‘જિન્હે લાહૌર નહીં દેખા’નો ગુજરાતી અનુવાદ કર્યો અને હમણાં ‘સુખા બર્ગદ’ (વડનું ઝાડ)નો કરી રહી છું. અનુવાદ કરતી વખતે હું આખી દુનિયા ભૂલી જાઉં અને સાહિત્યમાં ઓતપ્રોત થઈ જાઉં.
પ્રિય પ્રવાસસ્થળ
જ્યારે શરીર સાજું-સારું હતું ત્યારે પૈસા નહોતા અને હવે પૈસા ભેગા કર્યાં છે ત્યારે શરીર સાથ નથી આપી રહ્યું. ભારત બહાર તો ક્યાંય ગઈ નથી, પણ ભારતમાં હિમાલય સૌથી વધુ ગમે. જુદા જુદા એંગલથી એને નિહાળવાની ખ્વાહિશ છે.
મનગમતી સાંજ એટલે શું?
દુનિયાથી જુદી જ છે મારી સાંજ. ઘરમાં અંધારું કરીને ઊંઘી જવું એ મારી બેસ્ટ ઈવનિંગ. સવારે નવથી સાડા પાંચની નોકરી કરીને આવ્યા પછી ઢગલો થઈ જાઉં એટલે દોઢેક કલાક ઊંઘી જાઉં અને પછી રાત્રે દોઢ-બે વાગ્યા સુધી લખું.
વીકએન્ડ કઈ રીતે વિતાવવો ગમે?
રવિવાર બહુ મહત્ત્વનો. આરામથી ઊઠું અને વળી પાછો બપોરે બાર વાગ્યાથી તો ઊંઘવાનો જ વિચાર આવે. તેથી ફક્ત આરામ, લેખન-વાચન અને સાંજની ફિલ્મ તો ખરી જ.
જિંદગીમાં સૌથી મૂલ્યવાન શું?
પ્રામાણિકતા. મેં નક્કી કરેલા સિદ્ધાંતોમાં કોઈ સમાધાન ન કરું. મૂલ્યોથી વધુ મહત્વનું કંઈ નહીં!
લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે?
લોકો ગાંધીજીને ભૂલી ગયા છે તો મને શું યાદ રાખવાના?
લોકોની કઈ બાબત ગમતી નથી?
જે દેશે દુનિયાને સર્વોદયની ભાવના આપી તે જ દેશના પ્રજાજન અતિશય સ્વાર્થી બની ગયા છે, સ્વકેન્દ્રીતા વધતી ગઈ છે. અપ્રામાણિકતા, કામચોરીના માહોલમાં બદલાવની શરૂઆત જાતથી કરવાની જરૂર છે.
કોઈ ધ્યેય?
આત્મકથા લખીને જ જવું છે દુનિયામાંથી.
કોઈ ડર?
ના. હું બહુ બિન્દાસ એટલે મારી મા મને હંમેશાં કહેતી કે તું તો ભૂતના પેટની છું. આમ છતાં, તમે માનશો? હોરર ફિલ્મો હું જોઈ શકતી નથી. એનો ડર લાગે.
પુનર્જન્મ હોય તો શું બનવું પસંદ કરો?
શરીફા જ. પણ જે જગ્યાએ મને મારા નામની સજા ન મળતી હોય એવા સ્થળે જન્મ લેવો છે. હું ભારતપ્રેમી છું, આ દેશ મને અતિશય પ્રિય છે, છતાં ઈતિહાસની સજા મને શા માટે? ઔરંગઝેબે મંદિર તોડ્યાં એમાં મારો શો વાંક? જિંદગી આખી ખભેથી ઈતિહાસ ખંખેરવામાં જ ગઈ તોય ધર્મના ‘રખેવાળો’એ બમણા વજનથી ઈતિહાસ મારા પર થોપ્યો. સામાન્ય લોકોની વસાહતમાં ઘર ન મળવાને કારણે ૨૯ વર્ષ મેં હોસ્ટેલમાં કાઢ્યાં. ૬૪ બિલ્ડરોએ ના પાડી હતી. શા માટે? જો હું ભારતીય હોઉં તો મારો પોતાનો ‘અલગ’ વિસ્તાર કેવી રીતે હોય? જો હું મુસ્લિમ બનવા તૈયાર થાત તો મને મુસ્લિમ વિસ્તારમાં અને હિંદુ બનવા તૈયાર હોત તો મને હિન્દુ વિસ્તારમાં ઘર મળ્યું હોત. મારી મથામણ માણસ બનવાની હતી. માણસ થવા ગઈ એની સજા મળી. માણસને એકબીજા સામે પ્રશ્નો નથી હોતા, ટોળાંને જ હોય છે. પરંતુ, માનવતા મરી પરવારી નથી. માણસજાત પ્રત્યેની શ્રદ્ધાને કારણે ૧૮ વર્ષે મને છેવટે મારું ઘર મળ્યું છે, મારા ઈચ્છિત વિસ્તારમાં જ. મને આશા છે કે, વો સુબહ જરૂર આયેગી, જ્યારે ધર્મ-કોમ-પ્રદેશવાદથી પર થઈને માણસ પોતાના ‘મનુષ્યત્વ’ને સાર્થક કરશે, માણસ માત્ર ‘માણસ’ને શોધશે.
(સૌજન્ય : લેખિકાનો 'ચિટચેટ' નામે સ્થંભ, “મુંબઈ સમાચાર”)