Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9385103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રહ્લાદ-આહ્લાદ

અનિલ વ્યાસ|Opinion - Literature|10 May 2013

કેટલાં વરસ પાછળ જવું પડે ? છત્રીસ, પાંત્રીસ?  ના, પૂરાં સાડત્રીસ.

વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,
આવ, આણ દિશાએથી સૂર એ કર્ણ આવતો.

એ સૂરના સગડ શોધતો, વર્ષોની બંધ બારીને ઉઘાડું છું, તો સામે છે સફેદ ખમીસ અને ખાખી ચડ્ડી પહેરેલો એક છોકરો. ગુજરાતી વિષયમાં વધારે માર્ક લાવી, ટકાવારી વધારવા ચોપડીમાં મોં ખોસીને બેઠો છે. એ નોંધે છે આઈ.એમ.પી. અને મોસ્ટ આઈ.એમ.પી. સવાલો …

‘બનાવટી ફૂલોને’ કાવ્યમાં, કવિ ‘બનાવટી ફૂલોને’ શું સંદેશ આપે છે ?

‘બનાવટી ફૂલોને’ કવિતામાં વ્યકત થતો ત્યાગ અને આનંદનો મહિમા વર્ણવો.

અથવા રોકડિયા માર્ક માટે જોડકાં :

‘બનાવટી ફૂલોને’ – પ્રહ્લાદ પારેખ. ના, પ્રહ્લાદ જેઠાલાલ પારેખ. જન્મ તારીખ ૨૨/૧૦/૧૯૧૧ : સમયગાળો : ૧૯૧૧થી ૧૯૬૨. આઝાદીની ચળવળના લડવૈયા, દક્ષિણામૂર્તિ અને શાંતિનિકેતનમાં અભ્યાસ. ગાંધીયુગના નોંધપાત્ર કવિઓમાંના એક.

આટલી પ્રાથમિક વિગતો પછી હવે તૈયાર કરવાના કવિની કવિતાના સવાલોના જવાબ.

એ વખતે કવિતા વાંચી અર્થ તારવતા, એ સ્થિતિ અને આજની ગુજરાતી ભાષાના વિશિષ્ટ કવિઓ ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી, અને પ્રહ્લાદ પારેખની જન્મ શતાબ્દીની ઊજવણી ટાણેની સ્થિતિમાં ફરક એટલો જ કે નવમાં ધોરણમાં પેલા ખાખી ચડ્ડીવાળા છોકરાને, એટલે કે મારે જે ગોખીને યાદ કરવું પડતુ હતુ, એ આજે અનાયાસ યાદ રહી જાય છે.

ભાવનગરના પોરવાડ વણિક જ્ઞાતિના આ કવિની કવિતામાં, એવું તો શું છે કે એનાં કાવ્યો પર નજર ઠરતાંની સાથે સુગંધ સૂર સૌંર્દય એવું સ્પર્શે છે, કે આપણી પાંચે ય ઇન્દ્રિયો અપાર ઔત્સુક્યથી એને માણતી જ રહે છે. પછી થાય ….

મેં ય પીધી રજનીકરથી લઈને  એક  પ્યાલી,
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી.
તો ય સૌનો, ઉર મહીં સુણું આવ આવનો એક સાદ
ના બારી, ના ઘર મહીં રહું, જાઉં એ સર્વ સાથ.

૧૯૩૧થી ૧૯૪૦નો દાયકો ગુજરાતી કવિતાનો દાયકો; ઉમાશંકર જોશી લખે છે એમ કેવા કેવા દિગ્ગજો … ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર, ખબરદાર, અને  શેષ ! વળી મેઘાણી, સ્નેહરશ્મિ આદિ તો ખરા જ. પણ એ દાયકો સર કર્યો : મનસુખલાલ ઝવેરી, ઇન્દુલાલ ગાંધી, સુંદરજી બેટાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, કરસનદાસસ માણેક, રામપ્રસાદ શુક્લ અને ઉમાશંકર જોશી. .. આ દાયકાના બીજા  નોંધપાત્ર કવિ એટલે પ્રહ્લાદ પારેખ. અહીં કવિના પ્રથમ સંગ્રહ બારી બહાર વિષે વાત કરવા ધાર્યું છે. પ્રહ્લાદ પારેખને જ્યારે જ્યારે વાંચુ છું ત્યારે ત્યારે મોટા રહી શકાતું જ નથી. વળી વળીને પહોંચી જવાય છે એ ચડ્ડી—ખમીસની વયમાં. ખબર નહિ એમની કવિતાઓમાં, સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા શબ્દો નથી, એટલે કે કવિતામાં એવા શબ્દો કાનને રુચતા નહિ હોય એટલે ? હા, એ વાત નક્કી કે પ્રહ્લાદ પારેખ આઝાદીના લડવૈયા હોવાં છતાં, સ્વાતંત્ર્યની ભાવનાઓનું દર્શન એમની કવિતોમાં કયાં ય થતું નથી.

ઉમાશંકર જોશી આ વાત ઉપરાંત નોંધે છે : પ્રહ્લાદ પારેખમાં નવિન પ્રયોગો ખાસ તો બહિરંગમાં નવકવિઓ દ્વારા  થયેલા પ્રયત્નો પણ નથી કે નથી સોનેટ લખવાનો અભરખો.

તો એવું તો બળ્યું શું છે આ કવિની કવિતાઓમાં ? લ્યો, આ લાભશંકર ઠાકર જેવા વિદ્વાન કવિ પણ ગમતી કવિતા બાળપણથી ગણગણે છે તે ….

સાદ કરે છે, દિલ હરે છે.
રે,મને એ સાદ કરે છે.
સાદના આવે કાન તમારે,
શોર બકોરે જગ ભરે છે …… સાદ કરે છે.

ને સાદ પણ કેવો ? …

ભણવા ટાણે સાદ કરે છે, નાનકું એક તળાવ.
કામની વેળા રોજ બોલાવે  એક છે એવો ઢાળ … સાદ કરે છે ..

આ સરળતા ને લોકલયના કવિને મન તો કવિતા છે શ્લોકબધ્ધ પ્રવાહી પદ્ય! રસની ગહનતા જ એમના કાવ્ય નિર્માણનું અંગ, નહિ કે માત્ર છંદ પ્રયોગ. નથી શૈલીનાલટકા કે ભાષાના કાંગરા.

પ્રહ્લાદ પારેખની કવિતામાં માનવ હૃદયની ગૂઢ ઉત્સુકતા, તીવ્ર વેદના, નિસ્તલ નિરાશા અને અમોધ મુદિતા ઉમાશંકરજીને સહજમાં શબ્દસ્થ થતી પમાઈ છે. પ્રહ્લાદ પારેખની કવિતામાં મને કોઈ વિવેચકની રીતે રસ નથી પડતો કે નથી નિષ્ણાતની ઢબે કવિની સર્જન પ્રક્રિયા તપાસવાની ક્ષમતા. હા, કાવ્ય પ્રવાહમાં વહેતા જેમ નદીમાં ચાલતાં જેમ પાણીનો સ્પર્શ અનુભવાય, તણાતાં આવતાં ફૂલ, પાંદડાં, રેતકણ અડકીને પસાર થતાં જાય, પાણીનું તાણ પમાતું આવે ને માછલીઓની મીઠી કરડ રવરવાવે એમ કવિતાઓની વિવિધ ક્ષણ કે મર્મ પકડાય છે. સાથો સાથ કવિની કેટલીક લાક્ષણિકતાઓ પણ ઉઘડે છે.

એમની કવિતાઓમાં ગાંધી વિચાર કે આઝાદીની ચળવળ બહુ રીસ્પોન્ડ થતાં નથી, એમ કદાચ લાગે, પણ એમણે ગાંધીજીના મૂળ અપેક્ષા છેવાડાના મનુષ્યનો વિચાર કર્યો છે. અદના માણસને તાક્યો છે. 

વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા,
ખાણના  ખોદનારા  છઈએ;
-એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો,
એક  મહેનતના હાથને  ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

અને એ ‘અન ટુ ધીસ લાસ્ટ’નું જ્યાં જતન થાય છે, એ આપણી ધરા અને પ્રકૃતિના ઉષા, સંધ્યા, રાત્રી, પ્રભાત, વર્ષા, વનસ્પતિ અને પુષ્પનાં કેવાં કેવાં સરસ ગીતો આપ્યાં છે, કવિવરે. અનાયાસ વણાતી આવતી પ્રાસ યોજના અને લયાત્મકતાનુ એવું બળુંકું કામણ કે આ ગીતો સાંભળતાં કે : ગાતાં બેઠા હોઈએ તો ઠેક અને ઊભાં હોઈએ તો ઠેકો લીધા વગર રહેવાય નહિ. વૈશાખથી વર્ષા વિદાય સુધીની કાવ્ય ‘સરવાણી’ કેવી સરળ લોકગીતની વેલ્યમાં ઉતરી આવે છે.

– દિલ હરી લેતાં દિલચશ્પ ગીતોમાં એક જાતની ઋજુતા છે. બાળસહજતા છે. આ મુલાયમ ભાવો અનુભવવા બારી બહાર સંગ્રહમાં ખાબકવું પડે. ત્યારે ‘માનવકંઠ’, ‘તારો ઈતબાર’, ‘અવધૂતનું ગાન’, ‘મારારે હૈયાને તેનું પારખું’,  ‘આજ’, ‘અંધ’, અને ‘આવશે’ એ ગીતોનો સ્વાદ ચાખવા મળશે.

આ ચાખવું એટલે ઇન્દ્રયગ્રાહ્ય થયું તો, પ્રહ્લાદ પારેખની કવિતાઓ છે પંચેન્દ્રિયે પામવાની કલા ! એક બે દાખલા થકી વાત અંકે કરી લઈએ.

અને દિન અમાસને વિધુ વિહિન સિંધુ હસે.
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય.
ભરી મૂઠી વર્ષા વિવિધ તહીં રંગો ઉડાવતી.
ને નાચી રે ત્યાં ગગન ભરીને વિદ્યુત નદી.

કવિ કઈ રીતે ગંધ પાસે વાણીનું કામ લે છે, એ સમજવા આ પંક્તિ બસ થશે.

શ્રવણ કદી જો વાત પડશે શ્વાસે

તો કહેશે સકલ કથની એ અનિલને.

ભરી ભરી પ્રસન્નતાની ક્ષણો કેવી ખૂબીથી પકડે છે કવિ ? અજાણી બાળાને જોઈને જાગતો ભાવ સહેજ વાંચીએ, ત્યારે કવિએ ક્યાં ય ન ઉલ્લેખેલો મંદ મલકાટ હોઠને ખૂણે આવી જાય  છે.

બારી પાસે મુજ થઈ જતી, ક્યાંક રોજ સવારે

નાની પાડી પગલી મુખડું રાખતી કૈંક ભારે.

બીજી એક સરસ પળ :

એક વાર અમે બન્ને સામ સામે હસ્યાં અને,
પિછાન પૂર્ણ એ લાગી, અમારા બેઉના મને.

પ્રહ્લાદ પારેખની કવિતાનું બીજું લક્ષણ તરવાયું : સરળતા, સાદગી સભર મર્મસ્પર્શિતા.

એક લંગોટી,  એક  ભંભોટી,  હાથમાં  છે  એકતારો;
એક  હરિનું  નામ  છે  હોઠે,  ગાનનો  એક   ફુવારો;

સાધુનું કેવું લસરકે આવેલું સચોટ તાદ્શ્યીકરણ ?

ઉરે હતી વાત હજાર કે’વા, કિંતુ નહીં ઓષ્ટ જરી ય ઉઘડ્યા
મળી મળી નેન વળી જતાં ફરી, અકથ્ય શબ્દે વદ્યી વાત ઉરની.

અબોલ રહી વ્યકત થતાં હૈયાંની વાત કેટલી સહજતાથી નિરૂપાઈ છે. તો અંધ માણસની વાતાવરણને પામી આગળ વધવાની ક્ષણ ..

ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડા કેરો હાર
સૌરભ કેરો આવતો તાજો ઉર સુધી મુજ તાર.
ઝાલીને તાર  એ તારો, માંડુ છું પાય હું મારો.

ઇન્દ્રિયગ્રાહ્યતા, સરળ તાદ્રશીકરણ સાથે વ્યત્યયને કેમ વિસરાય ? જો કે વ્યત્યય એટલે શું ? એ ઉમાશંકર જોશી જેવું કોણ સમજાવી શકે?

કવિની મોટી મુશ્કેલી એ છે કે પોતાની કલ્પનાને સહુ કોઈને સરળતાથી સમજાય એવી વાસ્તવિક રીતે લખવી. અર્થાત્ પોતાના મનોગતના હવાઈ સ્વરૂપને ઇન્દ્રિયગ્રાહ્ય, સ્પર્શક્ષમ અને ઘન કઈ રીતે બનાવવું ?

જે સ્વ-ભાવમય છે તેને સામાના ભાવ પ્રદેશમાં પહોંચાડવું તો છે, પણ એમ કરવાનો માર્ગ એક જ છે ઘનીકરણ. આથી કંઈ કવિનું ભાવવસ્તુ પાર્થિવ બની જતું નથી. પાર્થિવતા તો સાધન, વાહન અને વિવર્તમાત્ર છે. જે એક જણમાં ભાવમય છે તે પાર્થિવરૂપે પ્રગટ થઈ, પાછું અન્યમાં ભાવમય બની કૃતકૃત્ય થાય છે. આ વચલી લીલા એટલે કે વ્યત્યયનો આશરો લે છે. સાદી રીતે કહીએ તો આંખનો વિષય જોવાનો છે, છતાં આંખથી સુંઘવાનું અને કાનથી જોવાનું કહે તે વ્યત્યય.

-એ ગાતું કુસુમ. (બારીબહાર)

-ગાનનો ગેરૂ રંગ. (અવધૂતનું ગાન)

-તારલાને છે તેજની વાણી, ફૂલની વાણી છે ગંધ.

આ એકને વાને બીજું મૂકવાની મશે કવિએ જાણે પોતાના બધાં ગીતો કાનથી રચ્યાં હોય એમ થાય છે. એ આડ લાગણીને વેગળી ઠેલી આવીએ મૂળ વાત પર. એમની કવિતાઓમાં ઉડીને આંખે વળગે છે, એમની સૌરભપ્રીતિ. ઠેકઠેકાણે આ ખુશ્બૂથી મઘમઘતા ભાવો પેલા વ્યત્યયને વણાઈને મનને આહ્લાદે છે.

ઉપરાંત મને જે ગમે છે: જેમ ટૂંકી વાર્તામાં ભાવ નિરૂપણ, દ્રશ્ય નિરૂપણ જોવા મળે એમ એમનાં કાવ્યોમાં ગદ્યની જેમ એ મળે છે. વિદ્વાનો આને કદાચ મર્યાદા લેખે. દાખલા રૂપે :

ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર
પછી રે હૈયાં બેઉં ખોલીયાં, જેમાં દુનિયા હજાર.

પ્રવાહ બે મળે અને મળી ભળી વહી રહે,
પ્રવાહ એકથી કદી વહેણ બે થઈ વહે
તેમ આપણે મળ્યાં, ભળ્યાં અને વહી રહ્યાં
પ્રવાહ એકના પછી, વહેણ બે સમાં થયાં

પ્રહ્લાદજી રેર કહેવાય એવી ક્ષણોને પકડે છે. આ જવલ્લે સાંપડતી ક્ષણની વાત કવિ કરે, ત્યારે મજા એ કે એ ક્ષણ મોટાભાગનાને પોતાની જ હોય એમ અનુભવાય. જુઓ બારી બહારમાં આવતી ક્ષણો :

સિંધુની મોજ ચૂમી, વને વને ઘૂમી ફૂલોની સુગંધ લઈ વાતો વાયુ, ઘાસમાં છુપાઈ વીણેલા ઝાકળબિંદુ, પથ પરની ધૂળનું આલિંગવું, લળી લળી સાદ પાડતાં ડૂંડા, અહાલેકની બૂમ પાડી વહી જતો સાધુ, ધીમે ડગે ફૂલ કને પતંગિયું પકડવા જતું બાળક ..

એ સિવાય જુઓ આ ક્ષણ ..

કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં.
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.
-ના બારી ના ઘર મહીં રહું જાઉં એ સર્વ સાથ .. 
-હૈયાંની જાણો છો જાત કે’વી હોયે કંઈએ વાત
તોય કે’વીને ના કે’વી બન્ને કરવાં એકી સાથ.

આવા સરલ સહજ લોકલયી અભિવ્યક્તિ અને સાવ ઓછી અલંકૃતતા સાથે કોમળ ભાવપમરાટ એ મનને  મોહી લે છે. પ્રહ્લાદ પારેખે પ્રેમ જેવા બહુ જૂનાં વિષય પર, પ્રકૃતિના સહવાસથી, જે એકલવાયાપણાની અકથ્ય વેદનાને ઝીલી છે તે કાબિલે દાદ છે.

પ્રેમ, એકલતા, પ્રકૃતિ અને સાવ અદના આદમીની કવિતાઓના કસબીને ઝૂકીને હા, વળી, ઝૂકી ઝૂકી ને છે અમારી સલામ.

● ● ●

સંદર્ભ : બારી બહાર – પ્રહ્લાદ પારેખ

          ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૫ ગાંધી યુગીન કવિઓ નોંધો – રમેશ ર. દવે

e.mail : anilnvyas@yahoo.co.uk

(સૌજન્ય : છબિકાર – જગન મહેતા, 'ગુજરાતી સાહિત્ય પરિષદ' વેબસાઇટ)

Loading

10 May 2013 અનિલ વ્યાસ
← ‘ — ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.’
સામાજિક પ્રશ્નનો ભારતીય ઢબે ઉકેલ : જાજરૂ બંધાવો ! →

Search by

Opinion

  • ગૃહસ્થ સંન્યાસ
  • અભી બોલા અભી ફોક
  • માણસ, આજે (૨૯)  
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૫
  • પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવું એ જાત પ્રત્યેની ફરજ છે 

Diaspora

  • આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !
  • ‘માઉન્ટ રશમોર’ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચે શું તફાવત છે?
  • ખરાબાનો નેશનલ પાર્ક !
  • કુદરત પ્રદૂષણ કરતી નથી, માણસ જ પ્રદૂષણ કરે છે !
  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

Gandhiana

  • સેનાપતિ
  • ભગતસિંહ અને ગાંધીજી
  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ

Poetry

  • સાત હાઈકુ
  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved