ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચા પ્રધાનપદ માટેના ઉમેદવારની થાય છે. ન કોંગ્રેસ કે ન ભાજપ પોતાના પીએમ પદના ઉમેદવાર અંગે કોઈ નિર્ણય કરી શક્યાં છે. સર્વસ્વીકૃત નેતૃત્વના અભાવની આ નિશાની છે, પણ આપણે અત્યારે ભારતીય રાજકારણથી બહુ દૂરની અને ઊંચા સ્તરના નેતૃત્વની વાત કરવી છે. નેતૃત્વ એક એવો વિષય છે, જે વર્ગખંડથી લઈને વડાપ્રધાનની પસંદગી સુધી અસર કરે છે. નેતૃત્વ આગવી ખાસિયતો અને ખૂબીઓ માગી લે છે. નેતૃત્વ કળા પણ છે અને કૌશલ્ય પણ છે. દુનિયાએ હિટલરથી માંડીને મહાત્મા ગાંધી, ઓસામાથી લઈને આંગ સાન સૂ કી, આઇન્સ્ટાઇનથી લઈને અણ્ણા હજારે, શંકારાચાર્યથી લઈને દયાનંદ સરસ્વતી, જે.આર.ડી. તાતાથી લઈને ધીરૂભાઈ અંબાણી જેવા અનેક નેતાઓ જોયા છે, જેણે પોતપોતાની સ્ટાઇલમાં નેતૃત્વ પૂરું પાડયું છે અને ઇતિહાસ બદલ્યો છે. સમર્થ નેતા વિના કોઈ સમૂહ-સમુદાય કે રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. નેતૃત્વની ચર્ચા માંડવાનું કારણ છે, દુનિયાના એક મોટા ગજાના નેતાની ચિરવિદાય. ગત ૮મી એપ્રિલ, ૨૦૧૩ને સોમવારે આપણે પૃથ્વી પરના એક મોટા નેતાને ગુમાવ્યાં છે, એ મહિલા નેતાનું નામ છે – માર્ગારેટ થેચર.
માર્ગારેટ થેચરને દુનિયા આયર્ન લેડી – લોખંડી મહિલા તરીકે જાણે છે. સ્પષ્ટ નીતિ, મક્કમ નિર્ણયશક્તિ અને કોઈની શેહમાં આવ્યા વિના ધડાધડ અને ધારદાર નિર્ણય કરવાની હિંમતને કારણે તેઓ માત્ર બ્રિટનના જ નહીં પરંતુ વિશ્વના મહાન નેતાઓમાં સ્થાન પામ્યાં છે. ૧૮મી સદીથી બ્રિટનમાં વડાપ્રધાનનું પદ ઊભું થયું છે. બ્રિટનને કેટલાક બાહોશ વડાપ્રધાન મળ્યા – વિલિયમ પિટ્ટ, વિલિયમ એવાર્ટ ગ્લેડસ્ટોન, બેન્જામીન ડિઝરાયલી, ડેવિડ લોયડ જ્યોર્જ અને ચર્ચિલ … આ અમર યાદીમાં બ્રિટનના પ્રથમ મહિલા વડાંપ્રધાન માર્ગારેટ થેચરનું નામ પણ સામેલ કરવું જ પડે.
લોખંડી નેતૃત્વ ધરાવતા માર્ગારેટ થેચરમાં આ નક્કરતા-પોલાદીપણું આવ્યું ક્યાંથી? સીધો અને સ્પષ્ટ જવાબ છે – તેમના ઘડતરમાંથી. માર્ગારેટના ઘડતરમાં તેમના પિતાની ભૂમિકા પાયાની અને મહત્ત્વપૂર્ણ છે, છતાં તેમણે પોતે જ પોતાની જાતને ઘડી હતી. અને બ્રિટનના સદ્દનસીબ કે આ નારીએ માત્ર પોતાની જાત ઘડીને સંતોષ ન માન્યો, પરંતુ પોતાના દેશના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન પણ આપ્યું. મહાન વ્યક્તિઓના ગુણોનાં મૂળ જોવા હોય તો તેમનું બાળપણ તપાસવું પડે. માર્ગારેટનું બાળપણ આર્થિક રીતે બિલકુલ સારું કહી શકાય એવું નહોતું. લેંકશરના ગ્રાન્થમ નામના ગામમાં ૧૩ ઓક્ટોબર, ૧૯૨૫ના રોજ તેમનો જન્મ આલ્ફ્રેડ રોબર્ટ્સ નામના કરિયાણાની દુકાન ચલાવનારાને ત્યાં થયેલો. ઘરની સ્થિતિ એટલી તંગ હતી કે તેમના ઘરમાં ગરમ પાણીનો નળ નહોતો, એટલું જ નહીં ટોયલેટ પણ નહોતું. માર્ગારેટ પિતા આલ્ફ્રેડની બીજી દીકરી હતાં. માતા-પિતાએ દીકરાની આશા રાખી હતી, પણ દીકરી જન્મેલી અને કદાચ એટલે માતા-પિતાએ તેનો ઉછેર દીકરી તરીકે નહીં પણ દીકરા તરીકે જ કરેલો. આવા ઉછેરને કારણે જ માર્ગારેટ મોટાં થઈને પુરુષના પ્રભુત્વવાળા રાજકારણના ક્ષેત્રમાં વટભેર સ્થાન ઊભું કરી શકેલાં. તેમની ખુમારી દર્શાવતો એક નાનપણનો પ્રસંગ જોઈએ તો તેઓ દસ વર્ષનાં હતાં ત્યારે શાળામાં કવિતા પઠનમાં તેમનો પ્રથમ ક્રમ આવેલો. તેમની શિક્ષિકાએ અભિનંદન આપતા કહ્યું કે 'દીકરી તું કેટલી ભાગ્યશાળી છે કે આ સ્પર્ધા તે જીતી લીધી.' માર્ગારેટે ત્યારે એક જ વાક્યમાં જવાબ આપેલો, 'હું ભાગ્યશાળી નહીં, આ માટે લાયક હતી.' લાયકાત કેળવવી એ લોખંડના ચણા ચાવવાથી ઓછું કપરું નથી હોતું અને માર્ગારેટે એ કરી બતાવ્યું, જીવી બતાવ્યું હતું.
માર્ગારેટ થેચરે રાજકીય ક્ષેત્રે ઇતિહાસ સર્જેલો અને ૧૯૭૯માં તેઓ બ્રિટનનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન બનેલાં. ૨૦મી સદીમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમણે પોતાના પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીને સળંગ ત્રણ ચૂંટણીઓમાં (૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૮૭) વિજય અપાવીને અગિયાર-અગિયાર વર્ષ સુધી વડાપ્રધાન પદ શોભાવેલું. ૧૯૯૦માં તેમણે પોતાના જ પક્ષના આંતરિક વિરોધને પગલે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડેલું, પણ તેમના નેતૃત્વ વિના પક્ષ ફરી સત્તા પર આવી શકેલો નહીં. પોતાના પક્ષને ફરી સત્તાસ્થાને જોવાનું માર્ગારેટનું સપનું છેલ્લે છેક વર્ષ ૨૦૧૦માં ડેવિડ કેમરૂનના (વર્તમાન વડાપ્રધાન) નેતૃત્વમાં સાકાર થઈ શક્યું છે. આમ, માર્ગારેટ લીલી વાડી જોઈને ગયાં છે!
માર્ગારેટ થેચર જ્યારે સત્તા પર આવ્યા ત્યારે બ્રિટનની હાલત અત્યંત ગંભીર હતી. દેશ મોંઘવારી અને બેરોજગારીના વિષચક્રમાં ફસાયેલો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટનને પતી ગયેલી પાર્ટી (દેશ) ગણવાની શરૂઆત થઈ ચૂકી હતી. દેશમાં કહેવા માટે તો ચૂંટાયેલી સરકાર કાર્યરત હતી, પણ દેશમાં ધાર્યું તો ટ્રેડ યુનિયનના નેતાઓનું જ થતું હતું. મજૂર નેતાઓની દાદાગીરીને કારણે ઔદ્યોગિક એકમો મરવા પડયાં હતાં. સપ્તાહમાં માંડ બે-ત્રણ દિવસ કામ થતું હોવાથી ઉત્પાદનના આંકડા ગબડી રહ્યા હતા. લંડન સહિતનાં શહેરોમાં કચરાના ઢગલા થઈ જતા હતા પણ કોઈ ઉપાડનાર નહોતું. બ્રિટન ખાડે જઈ રહ્યું હતું. યુદ્ધમાં જીત મેળવવી હજુ આસાન હોય છે પણ આર્થિક પડકારોને પહોંચી વળવું મુશ્કેલ હોય છે. પણ આ તો માર્ગારેટ થેચર, જેણે સાનુકૂળ ડહાપણ ડહોળવાને બદલે નક્કર પગલાં ભરવાનું શરૂ કર્યું. દેશમાં સામ્યવાદીઓના વર્ચસ્ છતાં તેમણે ખાનગીકરણ અને ઉદારીકરણનો માર્ગ અખત્યાર કર્યો. મૂડીવાદને છૂટો દોર આપવા માટે મુક્ત બજારોની જોરદાર તરફેણ કરતી નીતિઓ અમલી બનાવીને અને ઔદ્યોગિક સાહસોનું મોટા પાયે ખાનગીકરણ હાથ ધર્યું. વિરોધ થવો સ્વાભાવિક હતો. (તેમના મૃત્યુ પછી પણ વિરોધ-આક્રોશ જોવા મળે છે) પણ, માર્ગારેટની નીતિ અમીર-ઉમરાવો તરફી નહીં પણ મધ્મય અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોના હિતમાં હતી અને તેથી જ તેમને પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. માર્ગારેટ થેચરને શ્રદ્ધાંજલિ આપતા બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરૂને સાચું જ કહ્યું છે કે 'ઘુંટણિયે પડી ગયેલા દેશને માર્ગારેટે માથું ઊંચું કરીને ઊભો રહેતો કર્યો હતો. તેમણે અમારા દેશને માત્ર નેતૃત્વ પૂરું પાડયું નથી બલકે તેમણે દેશના તારણહારની ભૂમિકા ભજવેલી છે.' માર્ગારેટ થેચર પર 'ધ આયર્ન લેડી' નામની ફિલ્મ બની છે. તેમણે પોતાની સ્મરણકથા પણ લખેલી છે, જેનું મૂળ નામ 'અણનમ' હતું, જે તેમના પડકારો સામે ઝઝૂમવાની વૃત્તિ ને વ્યક્તિત્વને બંધબેસતું હતું.
શીત યુદ્ધનો અંત આણવામાં અને સોવિયત રશિયાના વિખંડનમાં અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગનની સાથે સાથે માર્ગારેટની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ હતી. સોવિયત યુનિયનના પૂર્વ પ્રમુખ મિખાઇલ ગોર્બોચેવે પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં બહુ સરસ વાત કરી હતી, 'માર્ગારેટ એક એવા રાજકારણી હતાં, જેમના શબ્દોનું વજન પડતું હતું.' આપણા જુઠ્ઠાણાં ફેલાવતા અને છીછરાં નિવેદન કરતાં નેતાઓ આ નેતૃત્વના 'અણનમ' રોલમોડલ એવાં માર્ગારેટ થેચર પાસેથી કોઈ શીખ લેવાની લાયકાત કેળવે તો કેવું સારું !
——
"જે મહિલા પોતાના ઘરની સમસ્યાઓ સારી રીતે સમજી શકે છે તે એક રાષ્ટ્રની સમસ્યાઓને પણ સારી રીતે સમજી શકે છે અને આસાનીથી દેશ ચલાવી શકે છે."
– માર્ગારેટ થેચર
સૌજન્ય : સમય-સંકેત, 'સંસ્કાર' પૂર્તિ, "સંદેશ", 14 અૅપ્રિલ 2013