તારીખ ૨૯-૧૨-૨૦૧૨ની ઢળતી સાંજે ઉમાશંકર જોશી સ્મૃિત વ્યાખ્યાન ‘સોમનાથ ઃ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’નું આયોજન ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે થયું હતું. વક્તા હતા – જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હીના ઇતિહાસના ભૂતપૂર્વ પ્રોફેસર રોમિલા થાપર. ભારતીય ઇતિહાસકારોમાં રોમિલા થાપરનું ઐતિહાસિકો-બિનઐતિહાસિકોમાં ઘણું આકર્ષણ છે. પ્રોફેસર એ. એલ. બાશમ (Wonder that was Indiaના કર્તા)ના માર્ગદર્શનમાં School of Oriental and African Study, University of London U.K.માં ‘Ashoka and Decline of Maurya Empire’ પર ડૉક્ટરેટ (૧૯૫૮)થી શરૂ થયેલી તેમની સંશોધનયાત્રા Ancient Indian Social History, from Lineage to State, Culture Past, Shankuntal : Texts, Readings, Histories, Somnath : The Many Voices of History જેવા ૧૭ જેટલાં ગ્રંથો અને અનેક લેખો સુધી વિસ્તરી છે. એ દ્વારા તેમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનને રળિયાત કર્યું છે. બબ્બે વખતે તેમણે પદ્મશ્રીના નામવંતા ઇલકાબને વિવેકપૂર્ણ નકાર્યો છે. આવા કદાવર ઇતિહાસકારનું અમદાવાદમાં વ્યાખ્યાનનું આયોજન એટલે અમદાવાદના શૈક્ષણિક ઇતિહાસની એક મોટી ઘટના બનવી જોઈતી હતી, પણ ગુજરાતી સમાચારપત્રો લગભગ ચૂપ… રા.વિ. પાઠક સભાખંડમાં અંદાજે ૩૦૦ જેટલા શ્રોતાઓની શાંતિપૂર્ણ ઉપસ્થિતિ એ વ્યાખ્યાનની મહત્ત્વપૂર્ણ સફળતા. વ્યાખ્યાન પછી તેમની સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરવાની અને ફોટા પડાવવાની તો જાણે હોડ મચી હતી. કોણ કહે છે કે ભારતમાં ઇતિહાસકાર ‘હીરો’ નથી? (વર્ષો પહેલા બક્ષી (ચંદ્રકાંત) એ ભારતીય સમાજમાં ઇતિહાસકાર હીરો નહીં હોવાનું વિધાન કરેલું, તેઓએ ગુજરાતી ઇતિહાસકારોની સ્થિતિને મદ્દેનજર રાખી આવું વિધાન કર્યું હશે એવું મારું અંગત મંતવ્ય છે.)
રોમિલા થાપરે તેમના ઊંડાણપૂર્વકનાં સંશોધન અને ગજબની અર્થઘટન શક્તિના બળે વિશ્વ ઇતિહાસ લેખનમાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. (એટલે જ માર્ક્સવાદી એરિક હોબ્સબેમે તેમના ૯૫મા જન્મદિવસે તેમને નોતર્યા હતા.) પ્રોફેસર થાપરનો પ્રબળ માર્ક્સવાદી અભિગમ ફેન્ડામેન્ટાલીસ્ટોને તો ખરો જ, રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને પણ માફક નથી આવ્યો, આમ પણ સમગ્ર માર્ક્સવાદી ઇતિહાસલેખન પદ્ધતિ પણ ઘણાને માફક નથી આવતી. માર્ક્સવાદી ઇતિહાસચિંતનની લાખ ટીકા કરવામાં આવે તોપણ એ વાત તો જગજાહેર છે કે ભારતીય ઇતિહાસલેખનવિધાને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાનું કાર્ય આ શાખાના ઇતિહાસકારોએ કર્યું છે. ડી.ડી. કૌશમ્બી, રજની પામદત્ત, આર.એસ. શર્મા, નરૂલ હસન, રોમિલા થાપર, ઇરફાન હબીબ, બિપીનચંદ્ર, સુમિત સરકાર, સતીષ ચંદ્રા, હરબન્સ મુખીયા, વરુણ ડે … કેટલાં નામો ગણાવવાં?
હવે તેમના વ્યાખ્યાન પર આવીએ ગુજરાતી લેખકો (રત્નમણિરાવ જોટે – સોમનાથ, શંભુપ્રસાદ દેશાઈ, પ્રભાસ અને સોમનાથ) અને અંગ્રેજી (કૃષ્ણાકુમારી વીરજી, હિસ્ટરી ઑફ કાઠિયાવાર, ગેઝેટિયર ઑફ દ બૉમ્બે પ્રેસીડેન્સી (કાઠિયાવાર) જેવા ગ્રંથોમાં સોમનાથના ઇતિહાસ પર ફોકસ થયું છે. પરંતુ ૨૯મીના વ્યાખ્યાનમાં (અને તેમના ગ્રંથમાં) પ્રોફેસર થાપરે જે રીતે વ્યાપક ફલક પર, વૈવિધ્યપૂર્ણ સામગ્રીના સથવારે, માહિતીસ્રોતોનું અર્થઘટન કરી આ ઇતિહાસને જોયો છે તેવું પૂર્વે બન્યું નથી. તેમણે ઇ.સ. ૧૦૨૬માં બનેલી સોમનાથ મંદિરધ્વંસની ઘટનાને તેના મૂળરૂપમાં પ્રગટાવવા માટે અંદાજે એક હજાર વર્ષ સુધી સર્જાયેલી માહિતી સામગ્રીના હવાલા આપ્યા. ઉ.દા. દાખલ તુર્કી સુલતાનો પ્રેરિત-પ્રર્શિયન તવારીખો (તેમના શબ્દોમાં ભાટાઈ), અભિલેખો, સોલંકીકાલીન જૈન પ્રબંધો, સંસ્કૃત ગ્રંથો જેવા સમકાલીન સ્રોતો ઉપરાંત ૧૯મા સૈકામાં સોમનાથ મુદ્દે બ્રિટિશ સંસદમાં થયેલી ચર્ચાનોંધો વગેરે. (આપણે ત્યાં સંદર્ભસૂચિનાંય ઠેકાણાં હોતાં નથી) આ દ્વારા તેમનો હેતુ એ છે કે ઇતિહાસકારોએ કદી પણ એકપક્ષીય પુરાવાઓ પર નિર્ભર રહેવું ન જોઈએ. રોમિલા થાપરના વ્યાખ્યાનમાંથી ગુજરાતના ઇતિહાસકારો(?)એ આ શીખવા જેવું છે; કારણ કે આપણે ત્યાં ઇતિહાસલેખનનું ૯૦ ટકા કામકાજ એકપક્ષીય સ્રોતોને આધારે થાય છે છતાં તેઓ મૂળ, અસલ સ્રોતોનો ઉપયોગ કર્યા બદલ મુસ્કરાય છે અને પોતાની જાતને અભિનંદે છે. એટલે ‘ભલે થોડું લખાય, ઓછું લખવાની કોઈ સજા ન હોય, અધકચરું લખવાની હોઈ શકે!’ એ તેમના વ્યાખ્યાનનો આપણને વણમાંગ્યો બોધ.
રોમિલા થાપરના વ્યાખ્યાનનો સમકાલીન સંદર્ભ પણ મહત્ત્વનો છે. આ ઘટના મુસ્લિમ સરદારનું હિંદુ મંદિર પરનું આક્રમણ હોવા છતાં એ તાત્કાલિક ધોરણે તો કોમી પ્રશ્ન બન્યો જ ન હતો. તેમણે સમકાલીન અનુકાલીન સ્રોતસામગ્રીને આધારે મંદિર, ધ્વંસ પછી પણ બે સદી પૂજાતું રહ્યું હોવાનું સિદ્ધ કર્યું છે. એટલે મંદિરધ્વંસની ઘટનાને કોમી રંગ કયા નવલકથાકારે આપ્યો? અને અડવાણીજીની રથયાત્રાના પ્રેરણાબિંદુની તપાસ કરવી રહી. આ લખતી વખતે પંજાબી કવિ સુરજીત પાતરીની એક કવિતા મસ્તિષ્ક પર સવાર થયેલી છે ઃ
‘ઇતિહાસ તો હર પીઢી લિખેગી,
બાર બાર પેશ હોંગે મરે હુએ,
જિંદો કી અદાલત મેં હાર પહનને કે લિયે,
કભી ફૂલો કે કભી કાંટો કે,
સમય કી કોઈ આખરી અદાલત નહીં હોતી,
ઔર ઇતિહાસ કભી આખરી બાર લિખા નહીં જાતા.’
સંસ્થાનવાદી ઇતિહાસલેખનને પડકારનારા મહત્ત્વના ઇતિહાસકારો પૈકીના એક પ્રોફેસર થાપર છે. સંસ્થાનવાદી સામ્રાજ્યવાદી ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસને માત્ર તોડ્યો-મરોડ્યો જ નથી, ભારતીય પ્રજાની ઇતિહાસની સમજને ધરમૂળથી બદલવાનો પ્રયાસ પણ કર્યો હતો, અને એમાં ખાસ્સી સફળતા પણ હાંસલ થઈ હતી. સૌ પ્રથમ તો તેમણે ભારતના લાંબા ઇતિહાસમાં એવાં ઘટનાક્રમો શોધી કાઢ્યા કે જેનાથી બ્રિટિશ સામ્રાજ્યવાદને પોષણ મળે, તેને વાજબી ઠરાવી શકાય. ઉ.દા. તરીકે વી.એ. સ્મિથે ગ્રીક સિકંદરના ભારત પરના આક્રમણને વિશે લખતા History of Ancient Indiaમાં સિકંદરના આક્રમણને નિરૂપવા માટે ૭૨ પાનાંઓ રોક્યા છે. એક અધ્યાપકની ભાષામાં કહું તો ભારતના ઇતિહાસમાં સિકંદરનું આક્રમણ એ ટૂંકનોંધ કરતાં મોટો બનાવ નથી. પણ પરાધીન ભારતમાં આવા લેખન દ્વારા એક જ મુદ્દાનો કાર્યક્રમ, અને તે ‘ભારતીય પ્રજા સદીઓથી વિદેશી ગુલામી હેઠળ કચડાતી રહી છે તે દર્શાવવાનો’! આવા જ સંવેદનશીલ ઇતિહાસપ્રશ્નો – આર્ય-અનાર્ય, ભારતીય ઇતિહાસનું કાલવિભાજન, ભારત રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય આંદોલનને પડકાર (વી.શિરોલ, બેલી દંપતી, અનિલ સીલ, ગેલાધર વગેરે) હિંદનો કોમી ત્રિકોણ વગેરે સંસ્થાનવાદી ઇતિહાસલેખનની જ દેન છે. આ લાંબી સંસ્થાનવાદી ઇતિહાસકેન્દ્રી રમતોના હવાલાઓ દ્વારા તેની કેડી ક્યાંથી કંડારાઈ તે તેમણે ચીંધ્યું હતું.
કોઈપણ વ્યાખ્યાન, લેખ, પુસ્તક વાચક, શ્રોતાને અવળું-સવળું વિચારવા ન પ્રેરે તો અર્થહીન છે. મને થયેલા કેટલાક પ્રશ્નો (૧) સરદાર પટેલે ૧૨ નવે. ૧૯૪૭ની સોમનાથની મુલાકાત પછી મંદિર પુનઃનિર્માણનો હુકમ કર્યો તેની લગીરેય જીકર કેમ ન થઈ? (૨) ઐતિહાસિક ઘટના ગમે તેટલી જૂની કેમ ન હોય તેનાં મૂળિયાં મૌખિક પરંપરામાં અવશ્ય હોય છે. આવી મોટી ઘટના પછી તે પરંપરા, લોકગીતો, દુહા-છંદ, ભજનોમાં કેવી રીતે ઝીલાઈ છે તેનો ઉલ્લેખ થવો જોઈતો હતો. કારણ કે ઓરલ ટ્રેડિશનનો પોતાનો આગવો ઇતિહાસ મિજાજ હોય છે. પ્રોફે. થાપર વૈવિધ્યસભર ઇતિહાસસામગ્રીની વાત કરતાં હતા ત્યારે ઓરલ ટ્રેડિશન પણ મહત્ત્વનો માહિતી સ્રોત હોવાના નાતે આવી અપેક્ષા અસંગત નથી. (મારું નમ્ર મંતવ્ય છે કે તેમણે સોમનાથ કેન્દ્રી નવલકથાઓ વાંચવામાં સમય ખર્ચ્યો એના સ્થાને ક્ષેત્રકાર્ય કરી મૌખિક ઇતિહાસમાં ગયા હોત તો વધુ ફળદાયી રહ્યું હોત!)
છેલ્લે, આ વ્યાખ્યાન ઉપસ્થિતો અને તેનો ટૂંકસાર વાંચનારાઓની ઇતિહાસસમજ અને ઇતિહાસ સંશોધનની સમજ વિસ્તારનારું તો છે જ. ગુજરાતની બધી કેટેગરી (માત્ર નવોદિતો નહીં)ના ઇતિહાસકારોને દિશા ચીંધનારું છે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતમાં ગુજરાતમાં આજે ઇતિહાસ લેખન-સંશોધનની સ્થિતિ ઘણી કફોડી છે, ઇતિહાસકાર શબ્દ સંદિગ્ધ બનતો ચાલ્યો છે, અમે ઇતિહાસકારો ઇ.સ. ઇ.સ.પૂ.માં રાચ્યા કરીએ છીએ. જૂની મૂડી પર વ્યાપાર અને ઘેન ચડે એવાં લખાણો લખવાના અમે આદી બની ગયા છીએ, સરવાળે ગુજરાતના ઇતિહાસલેખનની આવતીકાલ ધૂંધળી ભાસે છે તે સંજોગોમાં આવાં વ્યાખ્યાનો, પુસ્તકો દ્વારા ‘પાકા ઘડે ભલે કાંઠા ન ચડે’ પણ આવનારી પેઢીમાં
ઇતિહાસ અને ઇતિહાસ સંશોધનમાં ચોક્કસ રસ પેદા થશે.
ઇતિહાસ વિભાગ, ગુજરાત યુનિ. સમાજવિદ્યા ભવન, અમદાવાદ ૯
(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)