હમણાં અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં વિશાળ શ્રોતાગણની ઉપસ્થિતિમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના ડાબેરી ઇતિહાસકાર પ્રા. રોમિલા થાપરે સોમનાથ વિષયક વ્યાખ્યાન ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીમાં આપ્યું. સંઘપરિવાર અને હિંદુનિષ્ઠ ઇતિહાસકારોમાં રોમિલા ભણી સૂગ અને એમના તર્કને સાંભળ્યા વિના જ એમના પ્રત્યે ભાંડણલીલાથી સુપેરે પરિચિત આ લેખકને ગુજરાતમાં ઘણા લાંબા સમય પછી ડિબેટિંગ સોસાયટી પુનર્જીવિત થયાનો અનુભવ થયો. વિશેષતઃ સોમનાથનો ઇતિહાસ અમારા રસનો વિષય રહ્યો અને શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’ને સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવાને કારણે સોમનાથ અને મહંમદ ગઝની કે મહમૂદ ગઝનવીનાં આક્રમણોને માત્ર કાલ્પનિક દૃષ્ટિએ જોવાને બદલે ઐતિહાસિક દૃષ્ટિએ જોવાની સ્વાભાવિક ઇચ્છા-અપેક્ષા રહી છે. રોમિલા થાપરનું વ્યાખ્યાન સાંભળવા અમે જાતે પોતે ઉપસ્થિત રહ્યા પછી પત્રકારત્વમાં અમારા ગુરુમાંથી મુખ્યમંત્રીઓના ‘ખેપિયા’ (શંકરસિંહ વાઘેલાથી લઈને નરેન્દ્ર મોદી લગી) તરીકેની છાપ ધરાવતા સરકારી ઇતિહાસકાર નામે વિષ્ણુ પંડ્યાએ જ્યારે ‘દિવ્ય ભાસ્કર’માં સોમનાથ અને રોમિલા થાપર વિશે શંભુપ્રસાદના ગ્રંથના ખોટા નામે અર્ધસત્યનું ઉચ્ચારણ કર્યું ત્યારે સ્વાભાવિક રીતે કલમ ઉઠાવવાનો સળવળાટ થયો. શંભુપ્રસાદના ગ્રંથનું નામ ‘પાટણ અને સોમનાથ’ નહીં, પણ ‘પ્રભાસ અને સોમનાથ’ છે એ જરા જાગૃત વાચકની જાણ સારુ. એ ગ્રંથની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન ઇ.સ.૧૯૯૮ વિ.સં. ૨૦૫૪માં શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યું છે. ક્યારેક સ્વતંત્ર ટ્રસ્ટ હતું એ શ્રી સોમનાથ ટ્રસ્ટ આજે સરકારી ટ્રસ્ટના વાઘા ચઢાવી ચૂક્યું છે, જ્યાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ મુખ્ય સચિવ શ્રી પ્રવીણ ક. લહેરી જેવા ટ્રસ્ટીપદે બિરાજમાન છે અને એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારી એનો વહીવટ કરે છે. આટલી પાર્શ્વભૂ પછી સોમનાથના ઇતિહાસની વિકૃતિઓ અને અર્ધસત્યની વાત.
સોમનાથને લૂંટવા અને ભાંગવા માટે મુસ્લિમ આક્રમણોને જ જવાબદાર ગણાવીને ભારતીય ઇતિહાસને હિંદુ-મુસ્લિમ કે બ્રિટિશ ઇતિહાસમાં વિભાજિત કરવાનો પ્રયાસ કરનારાઓ ભગવી સત્તાના ટેકે ઇતિહાસને વિકૃત કરવાનો એવો જ પ્રયાસ કરે છે જેવો પ્રયાસ નેહરુ-ઇન્દિરા-રાજીવ અને અન્ય કૉંગ્રેસી સલ્તનતોના ટેકે ડાબેરી ઇતિહાસકારોએ સેક્યુલરી વાઘા સજીને ઇતિહાસને વિકૃત કરવાની કોશિશો કરી છે. કમનસીબે ડાબેરી અને ભગવાભાઈઓના ઇતિહાસનાં સ્ખલનો વચ્ચે પ્રાથમિકથી લઈને અનુસ્નાતક કક્ષા સુધીનો વિદ્યાર્થી પીસાતો રહ્યો છે. ડિબેટની પરંપરા લુપ્ત થતાં અને ‘હમ કહે સો સત્ય બાકી સબ હિંદુસ્તાન યા ગુજરાત વિરોધી અપપ્રચાર’ની ભૂમિકાએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો કચ્ચરઘાણ વાળ્યો છે.
‘પ્રભાસ અને સોમનાથ’માં નિવૃત્ત આઇએએસ તેમજ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ રહેલા નામાંકિત ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈએ નોંધ્યું છે કે સોમનાથ પર મહમૂદ ગઝનવીની ચડાઈ વખતે તેનો સેનાપતિ ટિળક નામનો હિંદુ નાઈ હતો અને એની સેનામાં જાટ હિંદુ મોટી સંખ્યામાં હતા. મહમૂદની આક્રમણ સવારીઓ સોમનાથના ખજાનાને લૂંટવા માટે હતી. મહમૂદના બૌદ્ધ કે આર્ય કે હિંદુમાંથી મુસ્લિમ થયેલા અને ગુલામમાંથી રાજવી બનેલા પિતા સબક્તગીન થકી પણ મહમૂદને અન્યાય થયો અને એણે આપબળે સત્તાનો અધિકાર પોતાના લઘુ બંધુ ઇસ્માઇલ કનેથી છીનવી લીધો.
આ પાર્શ્વભૂની સાથે જ સોમનાથ પર મહમૂદની ચઢાઈનો પ્રતિકાર કરવાને બદલે પાટણપતિ ભીમદેવ પહેલાએ અલાહિલવાડ પાટણની પ્રજાને ‘જીવતો નર ભદ્ર પામે’ એ ન્યાયે પાટણને ઊઘાડું મૂકી ગુપ્ત માર્ગે પોતાનું પાટનગર પરદેશી સૈન્યોની દયા ઉપર છોડી પલાયન થઈ જવાનું યોગ્ય ધાર્યું (પાનું ઃ ૧૫૭) હતું. શંભુપ્રસાદ વધુમાં નોંધે છે ઃ ‘મહમૂદનો માર્ગ મોકળો થયો. જે રાજાની તેને બીક હતી તેણે સામેથી જ મહમૂદની શક્તિ અને સમય બચાવી દીધાં હતાં. હવે સોમનાથના માર્ગમાં તેને કોઈ અંતરાય હતો નહીં.’ બીજા હિંદુ રાજાઓના આપસી સંઘર્ષો, સોમનાથ જેવાં મંદિરોની સંપત્તિ લૂંટવા પરનો એમનો ડોળો અને વિદેશીને નોતરવાની વૃત્તિ-પ્રવૃત્તિથી ભારતીય ઇતિહાસ ફાટફાટ થતો હોય ત્યારે મહમૂદના આક્રમણને માત્ર ઇસ્લામના ધર્મઝનૂનીનું નામ આપવું યોગ્ય નથી.
શંભુપ્રસાદે નોંધ્યું છે એ મુજબ ‘આશરે દસ કરોડ દીનારની કિંમતનું દ્રવ્ય મહમૂદના હાથમાં પડ્યું. તેમાં પાંચમો ભાગ એટલે બે કરોડ દીનાર કિંમતનું દ્રવ્ય મહમૂદને મળ્યું’ (પાનું ઃ ૧૬૭) દસ કરોડ દીનાર એટલે એકવીસ કરોડ રૂપિયા. ઇબ્ન અસીર આ આંકડો રૂપિયા સાડા સાત કરોડનો આપે છે. શંભુપ્રસાદના ગ્રંથમાં વર્ણવાયેલી હિંદુ રાજાઓની ‘કાયરતા અને નિર્માલ્યતાની કથા’ (પાનું ઃ ૧૬૮) અને મહમૂદનું ‘યુદ્ધ કૌશલ્ય ખરેખર ભારતીય રાજાઓ કરતાં ચઢિયાતું હતું’ (પાનું ઃ ૧૬૯) એ ભણી વર્તમાન ભગવા સરકારી ઇતિહાસકારોની નજર જાય નહીં એ સ્વાભાવિક છે.
ભારતીય ઇતિહાસમાં શંભુપ્રસાદ જેમ ‘ભારતીય રાજાઓ’ શબ્દ પ્રયોગ કરે છે એ રીતે ભારતીય રાજાઓ અને આક્રમણખોર રાજાના ઉલ્લેખને બદલે હિંદુ રાજા અને મુસ્લિમ આક્રમણખોર સેના જેવા શબ્દપ્રયોગો થકી સમગ્ર ઇતિહાસ વિકૃત થતો રહ્યો છે. ઘરઆંગણે જ ટીપુ સુલતાનને વટાળપ્રવૃત્તિના પ્રણેતા તરીકે ચીતરનારા એ વાતને વીસરી જાય છે કે મરાઠાઓએ (હિંદુઓએ) પવિત્ર શૃંગેરીનાં મંદિરો ભાંગ્યા ત્યારે શંકરાચાર્યે ટીપુને એ મંદિરોનો જિર્ણોધ્ધાર કરાવવા કહ્યું હતું અને ટીપુ સુલતાને શૃંગેરીનાં એ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. ટીપુ સુલતાન અને શંકરાચાર્ય વચ્ચે સંસ્કૃતમાં થયેલો ૩૦ પત્રોનો પત્રવ્યવહાર હજુ મોજૂદ છે.
ભગવા સરકારી ઇતિહાસકારોએ વધુ સંશોધન કરવાની જરૂર છે એ મુદ્દો તો દિલ્હી યુનિવર્સિટીનાં ઇતિહાસકાર પ્રા. શાંતા પાંડેએ પડકારરૂપ આગળ ધર્યો છે ઃ ‘ગઝનવીના સમયે તેમની દરબારી ભાષા સંસ્કૃત હતી.’ સંસ્કૃતમાં જ મહમૂદે સિક્કાઓ પર કુર્રાનની આયાતો અંકિત કરાવી હતી. એના રાજ્યમાં હિંદુઓનાં મંદિરોમાં તેમને પૂજાવિધિની છૂટ હતી. પ્રા. શાંતા પાંડે નોંધે છે ઃ ‘જો ગઝનવી ધર્માંધ મુસલમાન હોત તો પોતાની સેનામાં એ હિંદુ જાટોની ભરતી ક્યારેય ના કરત. તિલક નામના બ્રાહ્મણ (શંભુપ્રસાદ એને નાઈ કહે છે)ને એ પોતાની સેનાનો સેનાપતિ ક્યારેય ના બનાવત. ઇસ્લામી મુલક હોય કે ગૈરઇસ્લામી તેનું (મહમૂદનું) એકમાત્ર લક્ષ ધન એકત્રિત કરવાનું જ હતું.’
પ્રા. શાંતા પાડેએ ભારતવાણી (શ્રીમતી ઇન્દિરા ગાંધી અબિનંદન ગ્રંથ)માં ઉપરોક્ત બાબતો નોંધી છે. એનું શીર્ષક છે ઃ ‘મધ્યકાલીન ભારત ઃ એક સમ્યક્ દૃષ્ટિ’ સંપાદક મંડળમાં મહાદેવી વર્મા, હજારીપ્રસાદ દ્વિવેદી, કૃશન ચંદર, સુમિત્રાનંદન પંત, સતીશ ચંદ્ર જેવાં નામ છે. ૧૯૭૫માં પ્રકાશિત આ ગ્રંથમાં મુસ્લિમ શાસકો તથા આક્રમણખોરો વિશે થયેલી વાતો વિચારણીય અને ગહન સંશોધન ભણી આગળ વધવાની ડાબેરી કે ભગવા ઇતિહાસકારોને પ્રેરણા જરૂર પૂરી પાડે છે.
રોમિલા થાપરના સોમનાથ પરના વ્યાખ્યાનનું ઉમાશંકર-પુત્રી પ્રા. સ્વાતિ જોશીએ આયોજન કરીને ગુજરાતમાં લગભગ કુંઠિત બનેલી ડિબેટિંગ સોસાયટીને પુનર્જીવિત કરવાની દિશામાં એક પ્રેરક ધક્કો માર્યો એ બદલ એમના અને ગંગોત્રી ટ્રસ્ટના આ પ્રયાસને અભિનંદન આપવા પડે અને આવી ચર્ચા ચાલુ રહેલી ઘટે. રોમિલાલિખિત ગ્રંથ ‘સોમનાથ’ના અધ્યયન સાથે જ શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’ની તુલનાત્મક અધ્યયનવૃત્તિ પણ આપણે દાખવીએ એ અનિવાર્ય છે. રોમિલાનું એક કથન ખૂબ જ સૂચક હતું ઃ ‘આપણે ઘણીવાર કલ્પનો (મિથ)ને ઇતિહાસ માની લઈએ છીએ એ ભૂલ ના કરીએ’ ઐતિહાસિક નવલકથાઓ, પછી કે તે ક.મા. મુનશીએ લખી હોય કે દિનકર જોશીએ, એ ઇતિહાસ નથી એ વાતને ગૂંજે બાંધવાની સવિશેષ જરૂર છે.
(નિયામક અને પ્રાધ્યાપક, સેરલિપ)
સીવીએમ બંગલો-૧૧, ભાઈકાકા સ્ટેચ્યૂ પાસે, વલ્લભ વિદ્યાનગર ૩૮૮ ૧૨૦
(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.20130