– નક્કી કરો, તમે સર્વધર્મસમભાવી, સર્વસમાવેશક ભારત ઇચ્છો છો કે પાકિસ્તાનનું અડધિયું
શુક્રવારે અનાયાસ જ એ એક સૂચક જોગાનુજોગ બની રહ્યો કે આંધ્રપ્રદેશના માનવ અધિકાર પંચે અકબરુદ્દીન ઓવેસીના ઝેરીલાં ભાષણોની તપાસ માટે પોલિસ કમિશનરને પૂછયું હોવાના તેમ જ નવા કેસ વચ્ચે એક જૂના કેસના સિલસિલામાં 'પ્રિઝનર ઈન ટ્રાન્ઝિટ’ની જેમ જેલ અને અદાલત વચ્ચે ઓવેસી ખુદ ફરી રહ્યા હોવાના હેવાલો વચ્ચે ગુજરાતમાં પ્રોફેસર જે. એસ. બંદૂકવાલાને માનવ અધિકાર એવોર્ડ અપાઈ રહ્યો હતો.
આ ઓવેસીએ (જેમણે કયારેક તસલીમા નસરીન સામે ઉપાડો લીધો હતો એમણે) આ દિવસોમાં એક વિધેષવિષાકત વિધાન કર્યું હતું કે એક વાર તમારી પોલિસ ખસેડી લો પછી જુઓ વિપળવારમાં અમે (મુસ્લિમો) બહુમતી હિંદુઓના શા હાલ કરીએ છીએ. વાજબી રીતે જ ઓવેસી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, અને કાયદો કાયદાનું કામ કરશે જ. જે બધા સુષુપ્ત પડેલા કાયદાઓ ગુજરાતમાં નાગરિક ચળવળ પછી દસ વરસે સહસા કાઠું કાઢતા અને ન્યાયિક પ્રક્રિયામાં ગુજરાત ગૌરવનું પુન: સ્થાપન કરતાં માલૂમ પડ્યા છે, તે ત્યાં પણ કામ કરશે. ઓવેસી, આમ તો, એ રઝાકાર પરંપરાના રાજકારણમાંથી આવેલા છે જેણે નિઝામ હસ્તકના હૈદરાબાદમાં હિંસાક્રોમી રાહ લીધો હતો. વલ્લભભાઈ, જનરલ ચૌધરી અને કનૈયાલાલ મુનશીએ આગળ ચાલતા પરિસ્થિતિ સંભાળી લીધી હતી, એ અલબત્ત જાણીતો ઇતિહાસ છે.
રઝાકાર પરંપરાના મજલિસે ઇત્તહાદુલ મુસલમિનના ઓવેસી કદાચ કોલકાતાના 'ડાઇરેક્ટ એક્શન’ ઘરાણાની માનસિકતા ધરાવતા જણાય છે. એથી ઊલટું, બંદૂકવાલાને હંમેશ એમ લાગ્યું છે કે પાકિસ્તાની રચનાના પૂર્વરંગ સમી આવી કારવાઈ કદાપિ ધન્ર્ય નહોતી અને ન હોઈ શકે. ઉદાત સંસ્કૃિત પરંપરામાં 'ધર્મ્ય’ જેવો પ્રયોગ અહીં જાણીબૂઝીને કર્યો છે, કેમ કે, બંદૂકવાલા એક ધર્મભીરુ જણ છે અને વતનને ચાહવું તે પણ ઇમાન છે એવી સમજથી ન્યૂક્લીઅર ફિઝિકસનેડે ક્ષેત્ર ગ્રીનકાર્ડ કારકિર્દીનાં કાગળિયાં ફાડી નાખીને દેશમાં દાયકાઓ પૂર્વે પાછા ફરેલા છે.
કુરાનમાં જે 'રબ’ની વાત આવે છે તે કેવળ મુસ્લમાનોના નહીં સર્વના માલિકીની – એટલે કે અલ્લા અગર ગૉડ કે ભગવાનની – જિકર છે એવી સમજ સાથે કાર્યરત બંદૂકવાલાને પક્ષે છેલ્લા દાયકાઓના વિશિષ્ટ સંજોગોમાં 'મુસ્લિમ-સ્પેિસફિક’ કામગીરીઓ આવી છે અને એમણે ઊંડી ધર્મબુદ્ધિથી બધાં જોખમો વહોરીને તે ચલાવી છે. આ બધું કરતી વેળાએ એમની એક સમજ રહી છે કે છેવટ જતાં પાકિસ્તાનને મુલ્લાઓ, લશ્કર અને અમેરિકાના ખોળામાં ધકેલી દેનાર ઝીણાની મહત્ત્વાકાક્ષાએ નહીં, પણ ગાંધી અને ટાગોરના સ્વપ્નનો ભારતદેશ જ હિંદુ-મુસ્લિમ સૌ નાગરિક ભાઈ-બહેનોનાં હિતમાં છે.
એક આબાદ રજૂઆત તો સાચર સમિતિ સમક્ષ બંદૂકવાલાની એ રહી છે કે મુસ્લિમોને વિશે અનામતની રીતે કૃપા કરીને વિચારશો નહીં. વળતા કોમી દુર્ભાવના દૃઢીકરણનું તો જાણે સમજ્યા, પણ વિશેષ તો આવી જોગવાઈઓ ક્રિમીલેયરમાં અટવાઈ જતી હોય છે અને એથીએ અધિક તો મુસ્લિમોમાં 'જકાત’ અને 'વકફ’ની જે સંભવિત સોઈ છે એને જ આપણે શિક્ષણ અને આરોગ્યમાં કેમ ન વાળી શકીએ, એ એક ધર્મભીરુ જણ હોવાને નાતે એમની મથામણ છે.
બંદૂકવાલા, દેશની વ્યાખ્યા હિંદુ કે મુસ્લિમ એવી કોઈ ધર્મકોમને આધારે ન કરવી જોઈએ એવી ભૂમિકાને ધોરણે 'સેક્યુલર’ જરૂર છે, પણ ઇમાન પરનો એમનો ભાર, વધુ તો, એમને સામાજિક સ્તરે સર્વધર્મસમભાવની ભૂમિકામાં સ્થાપી આપે છે. એ અર્થમાં પશ્ચિમદીધી લિબરલ ડેમોક્રેસીના મેળમાં ગાંધી પરંપરા સાથે એમનું અનુસંધાન જોઈ શકાય.
જ્યાં સુધી રાજકારણનો સવાલ છે, બંદૂકવાલાને મતે સાવરકર અને ગાંધી એ બે વિકલ્પો વચ્ચે ગાંધીમાર્ગ જ એવો છે જેમાં સૌને સાથે લઈ શકાશે. જો કે, મુસ્લિમો મતદાનમાં સર્વધર્મસમભાવી બિનસાંપ્રદાયિક ભૂમિકાએ અવશ્ય સક્રિયતા દાખવે એવું ઇચ્છતે છતે એમને લાગે છે કે હાલના માહોલનાં કોઈ સીધા રાજકીય ભાવિની તલાશને બદલે શૈક્ષણિક અને વ્યાવસાયિક સજ્જતા તેમ જ ઉદ્યોગસાહસિક અભિગમ કેળવવો ઇષ્ટ છે. દેખીતી રીતે જ, મતબેન્કને ધોરણે સામસામા સોદાકડદાની ગણતરીઓને બદલે ભારતીય નાગરિક સમાજના એક અંગ તરીકેનું સશકિતકરણ તેઓ તાકે છે.
ધર્મકોમી મુસ્લિમ રાજકારણ, સાંપ્રદાયિકતાને વિકાસનો ઢોળ ચઢાવી વિચારધારારૂપે સ્થાપતું હિંદુ રાજકારણ, બેઉને આવા વિચારો પલ્લે ન પણ પડે બલકે, નથી જ પડતા. ક્યારેક કોઈક ઝનૂનીઓએ એમને 'વાજિબે કત્લ’ પણ કહ્યાંનું આ લખતી વેળાએ સાંભરે છે. મુદ્દે, આવી ચિંતા અને ચર્ચા ઓવેસી જેવાઓનાં વિધાનો વચ્ચે કોઈ એક વાતે હોય તો તે તમારી ભારતની કલ્પના અને સમજ શું છે તે છે.
શું ઓવેસી, શું તોગડિયા — સૌ 'ધ અધર’ને બાકાત રાખવામાં કે નિશાન બનાવવામાં રમે છે. બંદૂકવાલાની 'મુસ્લિમ-સ્પેિસફિક’ ભૂમિકા ભાતીગળ સર્વસમાવેશી ભારતમાં બરાબરીનો હિસ્સેદારીની ધોરણે હક અને ફરજ બેઉની છે. જણે જણનું સ્વરાજ દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, સ્ત્રીઓ સૌ અનુભવે એ માટે નાગરિક સમાજના વ્યાપક ખયાલ સાથે આવી દેખીતી સીમિત ચળવળોની ચોક્કસ જરૂરત હતી અને છે.
આ આખો પ્રશ્ર ખરું જોતાં કૉંગ્રેસ અને ભાજપ એવી ચર્ચામાં સીમિત ન રહી શકે. અથવા તો, કથિત ત્રીજા મોરચામાં પણ તે બદ્ધ ન રહી શકે. એક સમગ્ર અભિયાન અને અભિગમના વ્યાપક સંદર્ભમાં જ તે ચાલી શકે. ઝીણાને છેડેથી અગર તો એમના હિંદુ અડધિયાઓને છેડેથી વિચારવું તે ભારતવર્ષના ઇતિહાસકર્તવ્યથી વિપરીત અને વિપથગાની બની રહેશે.
[સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19.01.2013]