ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાગલગાટ ત્રીજી વાર મુખ્ય મંત્રી મોદી વિજયી થયા. અગાઉની બેઠકસંખ્યામાં ફક્ત બે જ બેઠકોનો ઘટાડો થયો, જે તેમની જીતની સામે નગણ્ય કહેવાય. રાજનેતાઓ પ્રત્યે લોકોનાં તીવ્ર અવિશ્વાસ, અભાવ અને અણગમાની વચ્ચે સતત ત્રીજી વાર જીત મેળવવી એ મુખ્ય મંત્રીની સિદ્ધિ છે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકામાં બીજા કોઈ મુખ્ય મંત્રી આ કામ કરી શક્યા નથી.
રાજકારણ અને સમાજકારણમાં મુખ્ય મંત્રી મોદી સામસામા છેડાના અભિપ્રાયો અને મતભેદ પેદા કરનાર પાત્ર બની રહ્યા છે. આ સિલસિલાની શરૂઆત ૨૦૦૨થી થઈ, જેનો ઉલ્લેખમાત્ર તેમના ભક્તોને વસમો લાગે છે અને ૧૯૮૪નાં શીખ રમખાણો જેવો કોંગ્રેસ પ્રાયોજિત ઘૃણાસ્પદ હત્યાકાંડ યાદ કરીને, તેની ‘છત્રછાયા’માં ભક્તોને શરણું શોધવું પડે છે. ૨૦૦૨ પછીનાં ૧૦ વર્ષમાં કોમી ઉપરાંતનાં ઘણા મુદ્દા અને પરિબળ ઉમેરાયાં છે. મુખ્ય મંત્રીએ ભારતીય લોકશાહી ઢબે ત્રણ-ત્રણ ચૂંટણીઓમાં મેળવેલી સફળતાનો રંગ પણ તેમાં ભળ્યો છે. એટલે, તેમના વિજયની સિદ્ધિને સંપૂર્ણપણે પ્રમાણ્યા પછી – બાળપણની રમતમાં કહેતા હતા તેમ, એ સિદ્ધિને ‘ગોખલામાં મૂકીને’ – ઠંડા કલેજે ચૂંટણીનાં પરિણામ વિશે વિચારવું જરૂરી છે.
મુખ્ય મંત્રીના ચાહકો માટે તો એ જીતી ગયા એટલે થયું. તેનાથી આગળની ચર્ચા તેમને નિરર્થક બૌદ્ધિક વ્યાયામ અથવા મુખ્ય મંત્રીનું માહત્મ્ય ઘટાડવાની કવાયત લાગી શકે છે. મુખ્ય મંત્રીની ઘણી સફળતાઓમાંની એક એ છે કે થોડા દાયકા પહેલાં સુધી જે ગુજરાતની અસ્મિતામાં ‘બૌદ્ધિક’ હોવું માનભર્યું ગણાતું હતું, એ ગુજરાતના નવા અસ્મિતાભાનમાં ‘બૌદ્ધિક’શબ્દને તેમણે અપશબ્દ બનાવી દીધો છે. તેમની આ બિનસત્તાવાર ઝુંબેશમાં ચિંતાજનક ચિંતકોથી માંડીને સઘન સારવારની જરૂર ધરાવતા મનોવિકૃતોની આખી પલટન હોંશેહોંશે જોડાયેલી છે. ‘બૌદ્ધિક નહીં, હમ બુદ્ધુ હૈં’ એવાં ટી-શર્ટ મુખ્ય મંત્રી તૈયાર કરાવે, તો ગુજરાતમાં એક આખી જમાત ગૌરવભેર તેને પહેરીને ફરવા તલપાપડ હોય.
રાજકીય પક્ષબાજી કે ફેસબુકિયા હુંસાતુંસીમાં પડ્યા વિના, વાસ્તવિકતાની નજીક પહોંચવાનો ઉત્તમ રસ્તો છે નક્કર વિગતો અને આંકડા.
આશ્વાસન નહીં, આંકડા
‘મુખ્ય મંત્રીના ટીકાકારો ગુજરાતવિરોધી અને કોંગ્રેસી છે’ એવા અંધ ઝનૂનથી પ્રભાવિત થયા વિના કે ‘જીત્યા તેમાં શી ધાડ મારી?’ એવી ટીકાખોરી વિના, માત્ર વિગતો અને હકીકતોના પ્રકાશમાં ચૂંટણીનાં પરિણામ શું કહે છે?
આ ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું, પણ દેખીતું છે કે તે એકતરફી મોજું ન હતું. આ વાતની સાદી સાબિતી ભાજપ-કોંગ્રેસને મળેલા મતની ટકાવારી પરથી મળે છે. ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપને કુલ મતમાંથી ૪૯.૮૫ ટકા મત મળ્યા હતા. ૨૦૦૭ની ચૂંટણીમાં એ પ્રમાણ ૪૯.૧૨ ટકા હતું અને ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપનો મતહિસ્સો ૪૮.૩૦ ટકા થયો.
એટલે કે, ૫૦ ટકાથી પણ વધારે મત ભાજપની વિરુદ્ધમાં પડ્યા, એવી આંકડાકીય દલીલ થઈ શકે. પણ ભારતની ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ (જે સૌથી આગળ તે વિજેતા) પ્રકારની ચૂંટણી પદ્ધતિમાં એ દલીલનું કશું મહત્ત્વ નથી. ઉપરાંત, ભાજપનો ૪૮.૩૦ ટકા મતહિસ્સો કોઈ પણ દૃષ્ટિએ મજબૂત કહેવાય.
કોંગ્રેસ ભાજપના મતહિસ્સામાં થયેલા મામૂલી ઘટાડાનો સંતોષ લે તો એ ઠાલું આશ્વાસન ગણાય, પરંતુ કેવળ અભ્યાસની રીતે વિચારતાં, આ ચૂંટણીમાં ૬ કરોડ ગુજરાતીઓએ કોંગ્રેસને જાકારો આપ્યો ને ભાજપને ચૂંટી કાઢ્યો એવું કહી શકાય?
આંકડા ઘ્યાનમાં રાખતાં, જવાબ છે ઃ ના. ૨૦૦૨માં કુલ મતદાનમાંથી કોંગ્રેસને ૩૯.૨૮ ટકા મત મળ્યા હતા. ૨૦૦૭માં તે ઘટીને ૩૮ ટકા થયા અને આ ચૂંટણીમાં ભારે મતદાન છતાં કોંગ્રેસનો મતહિસ્સો વધીને ૪૦.૮૧ ટકા થયો. આગળ જણાવ્યું તેમ, કોંગ્રેસે આવા આંકડાથી આશ્વાસન લેવાપણું ન હોય, પણ સમીક્ષકો-વિશ્લેષકો આ આંકડા નજરઅંદાજ કરી શકે નહીં.
છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ વખતે સૌથી વધારે મતદાન થયું. સરેરાશ કરતાં દસેક ટકા વધારે. તેમાં ‘યુવા મતદારો, મહિલા મતદારો અને શહેરી મતદારોએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા, એટલે ભાજપની જીત થઈ’ એવું કહેવાય છે. તેના બે અર્થ થાય ઃ
૧) મતદાન અગાઉના જેટલું જ થયું હોત તો, ભાજપનો મતહિસ્સો ઘટ્યો હોત અને તેને થોડી તકલીફ પડત. વધારાના દસ ટકા મતદાનમાંથી મોટા ભાગનું ભાજપની તરફેણમાં થતાં, સાઠેક ટકા મતદાનમાં ભાજપને પડેલી ખોટ સરભર થઈ ગઈ.
૨) મતદાનની ટકાવારી સાઠ ટકા હોય કે સિત્તેર ટકા, મતદારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાયેલા જ રહ્યા. નવા દસ ટકા મતદારોમાં પણ ભાજપ પ્રત્યેનો ધારવામાં આવે છે એવો વિશેષ ઝુકાવ જોવા ન મળ્યો.
ઉપરની બન્ને પરિસ્થિતિ પરથી સ્પષ્ટ છે કે મતસંખ્યામાં દસેક ટકાનો વધારો થયો, તેમ ફક્ત ભાજપના જ નહીં, કોંગ્રેસના મત પણ સમપ્રમાણમાં વઘ્યા. એટલે બન્ને વચ્ચેનો તફાવત જળવાઈ રહ્યો ને કોંગ્રેસ હારી. ધારો કે કોંગ્રેસને મળેલા મતની સંખ્યામાં દસેક ટકાના હિસાબે વધારો ન થયો હોત તો? કોંગ્રેસનો મતહિસ્સો ઘટત અને કદાચ તેની વધારે આકરી હાર થઈ હોત.
સાર એટલો કે ભાજપે કોંગ્રેસ સાથેના મતહિસ્સાનો નિર્ણાયક તફાવત જાળવી રાખ્યો, પણ કોંગ્રેસનું એક પક્ષ તરીકે લોકોએ ધોવાણ કરી નાખ્યું એવું કહેવું અઘરું છે. કોંગ્રેસ માટે શરમજનક હોય તો તેની ટોચની નેતાગીરીની હાર. અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ – સૌ પોતપોતાની રીતે પોતપોતાને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણતા ને ખાનગી રાહે કદાચ ગણાવતા પણ હશે. આ ચૂંટણીમાં તે ફક્ત પોતે જીતવા ઉપરાંત પક્ષને જીતાડે એવી તેમના પક્ષની અપેક્ષા હશે. અગાઉ જોયું તેમ, કોઇના તરફી મોજા વિના ભારે મતદાન થયું. છતાં, ટોચના ત્રણ નેતાઓ નવા નિશાળિયાની જેમ હારી ગયા.
આંતરિક વ્યૂહરચનાના અને જમીની સંપર્કના નામે તેમના ખાતે કેવું મોટું મીંડું હશે? સ્થાનિક પરિબળો અને જ્ઞાતિનાં પરિબળો ગણતરીમાં લઈએ તો પણ, મુખ્ય મંત્રીપદના સંભવિત ઉમેદવાર જેવા નેતાઓ વિધાનસભામાં ન પહોંચી શકે તે કોઠીમાં મોં નાખ્યા પછી, એ કોઠી રસ્તા વચ્ચે લાવીને રડવા જેવી વાત કહેવાય.
ગુજરાતમાં ભારે મતદાન થવા છતાં, તે અગાઉની જૂની સરેરાશ પ્રમાણે કોઈ એક પક્ષની તરફેણમાં નહીં, પણ વહેંચાયેલું રહ્યું તેનો બીજો નક્કર પુરાવો ઃ ભાજપના સાત મંત્રીઓ અને પ્રદેશપ્રમુખ હારી ગયા. વરસાદની જેમ ચૂંટણીનાં પરિણામ પર અનેક પરિબળોની એવી ઓછીવત્તી અસર હોય છે કે તેમાં એક ને એક બે જેવું ગણિત શક્ય બનતું નથી. છતાં, એ લોકોની હારથી એટલું તો સ્પષ્ટ છે કે આ ચૂંટણીમાં થયેલું મતદાન કોઈ એક પક્ષના વિજયવાવટા કે પરાજયવાવટા ખોડવા માટેનું ન હતું.
વિકલ્પના વાંધા
ચૂંટણીનાં પરિણામો પછી સાવ સાદું નાગરિકશાસ્ત્ર પણ કેવું ભૂલાઈ જાય તેનો નમૂનો ઃ એક દલીલ એવી થઈ કે ‘અમિત શાહને કોઈ મોટા ગુનેગાર હોય એમ ચિતરનાર એક જૂથે અમિત શાહને મળેલા જનાદેશને ઘ્યાને લેવો જરૂરી બની ગયો છે.’
અમિત શાહને સાંકળતા કેસની ચર્ચા અહીં અસ્થાને છે, પરંતુ એક તરફ રાજકારણના અપરાધીકરણ વિશે અને અપરાધી ભૂતકાળ-વર્તમાનકાળ ધરાવનારા ઉમેદવારો વિશે કકળાટ ચાલતો હોય, ત્યારે કોઈ આરોપી કેવળ ચૂંટણી જીતી જાય એટલે તેની સામેના આરોપ જાણે મોળા પડી ગયા હોય એવું અર્થઘટન કેટલું સગવડિયું અને ઉપરચોટિયું ગણાય? દૂરના ભૂતકાળમાં અમદાવાદનો ગુંડો લતીફ મ્યુિનસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક સાથે પાંચ-પાંચ બેઠકો પરથી જીત્યો હતો. આગળ કરાયેલી દલીલ માનીએ તો, જીત પછી લતીફને ગુંડો કહેતાં પહેલાં પણ તેને મળેલા જનાદેશને ઘ્યાને લેવો જરૂરી ન બની જાય?
સમજ્યા વિના મુખ્ય મંત્રીની ટીકા કરનારા કેટલાક તેમની ત્રીજી વારની જીતથી અચાનક તેમની સિદ્ધિઓનાં ગુણગાન ગાવાની મુદ્રામાં આવી ગયા. લાગલગાટ ત્રણ વાર ચૂંટણી જીતવી એ જાણે ભારતવર્ષમાં કોઇ નેતાએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ હોય એવી અંજલિઓ તેમણે આપી. સળંગ ત્રણ વાર જીતનો ભાજપમાં અને ગુજરાતમાં આ પહેલો બનાવ હોવાથી, તે ચોક્કસ નોંધપાત્ર અને મોટી સિદ્ધિ છે, પરંતુ ગુજરાતને બદલે સમગ્ર રાજકારણની વાત થતી હોય ત્યારે દિલ્હીમાં શીલા દીક્ષિતની હેટ ટ્રિક અને પશ્ચિમ બંગાળમાં હવે ઉખડી ગયેલું, પણ લગભગ સાડા ત્રણ દાયકા સુધી ચાલેલું ડાબેરી શાસન યાદ કરવું પડે.
આ જાતના વિક્રમો માટે કેવળ જનાદેશ કે લોકોનો પ્રેમ જવાબદાર હોતા નથી. મહાન કે આદર્શ નહીં તો પણ, ધોરણસરના વિકલ્પ તરીકે ઉભરવામાં નિષ્ફળ ગયેલો વિરોધપક્ષ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. ગુજરાતમાં ૨૦૦૨ની હિંસાથી ભાજપની ‘બી-ટીમ’ જેવી બની ગયેલી કોંગ્રેસ આટલી દિશાશૂન્ય અને પરાધીન હોવા છતાં, તેને ભાજપના ૧ કરોડ ૩૧ લાખ મતની સરખામણીમાં ૧ કરોડ ૬ લાખ મત મળ્યા છે. તો ગુજરાત કોંગ્રેસમાં કોઈ સબળ નેતૃત્વ ઊભું થાય, દલિતો-મુસ્લિમોને ગુમાવેલી વોટબેન્ક તરીકે જોવાને બદલે, કોંગ્રેસ તેમની મૂળભૂત સમસ્યાઓ ઓળખે અને તેના ઉકેલની દિશામાં કામ કરે, પ્રગતિશીલ મુસ્લિમ નેતાગીરીનું સંવર્ધન કરે અને તેને ઉત્તેજન આપે, હિંદુ તરીકે ખપવાની લ્હાયમાં રાજકીય હિંદુત્વ ભણી વળ્યા પછી પણ ઠેરના ઠેર રહેલા દલિતોને તેમના નાગરિક અધિકાર માટેની લડતમાં ટેકો આપે, થાનગઢ જેવા હત્યાકાંડ વખતે એક યા બીજી વોટબેન્ક નારાજ થશે તેની પરવા કર્યા વિના ન્યાય માટેની લડતમાં જોડાય .. આ દિશામાં કોંગ્રેસ આગળ વધે તો તે ધોરણસરનો વિકલ્પ બની શકે.
કોંગ્રેસ આક્ષેપબાજી કરવાને બદલે આત્મખોજ કરે અને ભાજપની નબળાઈઓ શોધીને બેસી રહેવાને બદલે પોતાની તાકાત વધારવામાં ઘ્યાન આપે, તો આશરે ૨.૭૧ કરોડ મતદાતાઓમાંથી ૧.૦૬ કરોડ જેટલા ગુજરાતી મતદાતાઓ હજુ એક યા બીજા કારણસર, કોંગ્રેસ પ્રત્યેના પ્રેમને લીધે કે સત્તાવિરોધી લાગણીને કારણે કે ભાજપ-મુખ્ય મંત્રી પ્રત્યેની ફરિયાદને લીધે કે વ્યવસ્થિત ત્રીજો વિકલ્પ ન હોવાને કારણે કોંગ્રેસને મત આપે છે. તેમણે કોંગ્રેસના નામનું નાહી નાખ્યું નથી. કોંગ્રેસના નેતાઓની મનોદશા એવી હોય તો જુદી વાત છે.
સદ્દભાવ : http://urvishkothari-gujarati.blogspot.co.uk/