ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.
તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
હુંય એનો ઉતાર શોધું છું.
ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
પહેલાં ધાવણની ધાર શોધું છું.
લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.
જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.
જામ ભાષાનો છલોછલ છે ‘અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.
− 'અદમ' ટંકારવી