રશિયન દાર્શનિક લિયો ટોલ્સ્ટોયે દાયકાઓ અગાઉ કેટલીક એવી માર્મિક વાતો પોતાના પુસ્તકોમાં રજૂ કરી હતી જે હવે વધારે પ્રસ્તુત થવા માંડી છે. ધનવૈભવ અને સાહ્યબીમાં ઉછરેલા ટોલ્સટોય યુવાનીમાં અચાનક મજૂરી કરવા માંડ્યા હતા. મોસ્કોની ગલીઓમાં દારુણ ગરીબી નિહાળ્યા પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું. તેમને થયેલા વલોપાતને તેમણે 'વોટ શેલ વી ડૂ ધેન?' પુસ્તકમાં ઠાલવ્યો હતો. એ પુસ્તક ઉદારીકરણ અને ઉપભોક્તાવાદના આજના દોરમાં વધારે પ્રસ્તુત છે. માળખાગત હિંસાને વ્યવસ્થાનો ભાગ માની બેઠેલા લોકોનો કાન ખેંચીને ટોલ્સ્ટોય તેમની સામે ટોર્ચ ધરે છે.
રશિયન લેખક લિયો ટોલ્સ્ટોય આ સદીના મહાન સાહિત્યકારોમાંના એક છે. તેમની બે નવલકથાઓ 'વોર એન્ડ પીસ' અને 'એન્ના કેરેનીના' જગતની ઉત્કૃષ્ટ નવલકથાઓમાં સ્થાન પામે છે. ટોલ્સટોય ભરજુવાનીમાં દોમદોમ સાહ્યબી છોડીને મજૂરી કરવા માંડયા હતા. એ વખતે તેમના મનમાં વિચારોનું જે વાવાઝોડું સર્જાયું હતું એ તેમણે 'વોટ શેલ વી ડુ ધેન?' પુસ્તકમાં કેન્દ્રિત કર્યું છે.
પુસ્તક એને કહેવાય જે તમારી ઊંઘ બગાડી નાખે. મગજમાં વિચારોના ઝબકારા ઝગવી દે અને ચેતોવિસ્તાર કરે. અલબત્ત, કોઈ એક પુસ્તકથી કોઈની લાઇફ બદલાતી નથી. એટલું ખરું કે વ્યક્તિના વૈચારિક વિકાસમાં કેટલાંક ચોક્કસ પુસ્તક ચાવીરૂપ ભૂમિકા ભજવતાં હોય છે. વ્યક્તિ સુસંસ્કૃત કે સભ્ય થવામાં બે-ચાર ડગલાં આગળ વધે એમાં કેટલાંક પુસ્તકો ભૂમિકા ભજવતાં હોય છે. માનવસભ્યતા પાંગરી છે. એમાં ઘણાં પુસ્તકોનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ઘણાંમાંનું આવું એક નોંધપાત્ર પુસ્તક એટલે 'વોટ શેલ વી ડુ ધેન?'. એમાં ટોલ્સટોયે રશિયાની સામાજિક સ્થિતિ વિશેનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે મોસ્કોમાં રખડીને ત્યાંની ગરીબી જોઈને જે ચિત્કાર અનુભવ્યો હતો તે પુસ્તકમાં ઠાલવ્યો હતો. રશિયા કે મોસ્કો તો એમાં દૃષ્ટાંતરૂપ હતા, પણ તેમાં જે પરિસ્થિતિ ને સવાલો હતા એના કેન્દ્રમાં જગત સમગ્ર હતું.
એક સદી પહેલાં લખાયેલા એ પુસ્તકમાં જે પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે ઊલટાના વધારે પ્રસ્તુત છે. ૧૯૯૨માં દેશમાં આર્થિક ઉદારીકરણ થયું એ પછી તો આપણા દેશમાં એ પુસ્તક સવાયું પ્રસ્તુત બની ગયું છે.
ટોલ્સ્ટોય મૂળે જમીનદાર પરિવારના હતા. પૈસેટકે એકદમ સંપન્ન હતા. જીવનના એક તબક્કે તેઓ પોતાના તમામ વૈભવી ઠાઠ અને એશઆરામને ખંખેરીને મજૂરી કરવા લાગ્યા હતા. તેમણે લાઇફમાં આમૂલ પરિવર્તન શા માટે કર્યું એનાં કારણ તેમણે એ પુસ્તકમાં દર્શાવ્યાં છે. મોસ્કોની ગલીઓમાં દારુણ ગરીબી જોયા પછી તેમને થયું કે આના માટે હું પણ ક્યાંક જવાબદાર છું. તેમને લાગ્યું કે લોકો ગરીબીમાં સબડે છે એનું કારણ અમીરોની વૈભવલાલસા છે. તેઓ લખે છે, "મારી બુદ્ધિથી કે હૃદયથી નહીં પણ મારા પરમાણુથી સમજ્યો કે મોસ્કોમાં આવા હજારો માણસો હોય અને હું મારા જેવા સેંકડોની સાથે માલમસાલા ઉડાવતો રહું, મારા ઘરની ભોંય પર ભરતકામવાળી જાજમો હું બિછાવું ને મારા ઘોડાઓ પર ભભકાદાર સામાન ચડાવું એ ગુનો છે. ભલે જગતના ડાહ્યા માણસો આવી અસમાનતાની આવશ્યકતા વિશે મને મોટાં મોટાં વ્યાખ્યાનો સંભળાવે. આ ગુનો એક જ વાર થઈને અટકતો નથી, પણ નિરંતર થતો જ રહે છે. એ ગુનો હું કેવળ સાંખી લઉં છું એમ નથી, પણ મારા મોજશોખો વડે તેમાં હું સીધો ભાગ ભજવું છું. જ્યાં સુધી મારી પાસે વધારાનું ખાવાનું છે અને બીજા કોઈક પાસે જરાયે નથી, જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે ને બીજા કોઈક પાસે એકેય નથી ત્યાં સુધી નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર છું."
ઉદારીકરણ પછી દેશમાં ઉપભોક્તાવાદ ફૂલ્યોફાલ્યો છે. માણસ બજારમાંથી વસ્તુઓ ખરીદે છે કે બજાર માણસની બોલી લગાવે છે એ ખબર પડતી નથી. આધુનિક ઉપભોક્તા-ભદ્ર સમાજ એટલે એવા લોકો જે પોતાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છે. માનવીય બાબતોનાં ધારાધોરણ જળવાઈ રહે એ માટે સહયોગ તેમ જ પ્રસંગ પડયે સક્રિય વિરોધ એ તેમનો સ્વભાવ નથી. સમાજમાં 'સ્ટેટસ'ની બોલબાલા છે. સોસાયટીમાં ફલાણી રીતે જ રહેવાનું, કોઈની અંગત બાબતમાં માથું નહીં મારવાનું, બાજુના ફ્લેટમાં ઝઘડો ચાલતો હોય તો નહીં જ જવાનું, પછી ભલે પતિ પત્નીને મારતો હોય. લોકો જીવે છે કે એક પ્રકારની ઇમેજ મેઇન્ટેઇન કરે છે એ જ ખબર નથી પડતી. એક પ્રકારનું ચોક્કસ વર્તુળ બની જાય અને લોકો એને જ વફાદાર રહે છે. એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. જેના પર ટોલ્સ્ટોયે આંજી નાખે એવી ટોર્ચ ફેંકી છે.
જેની તમામ સગવડ સચવાતી હોય અને ઘરમાં વૈભવલાલસા પથરાયેલા હોય એવો વર્ગ દરેક ગામ અને શહેરમાં અત્યંત ઓછો જ હોવાનો. નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબોની સંખ્યા પ્રમાણમાં ખાસ્સી હોવાની. એક દાખલો લઈએ. શહેર અને ગામની બહાર ક્યારેક અચાનક ઊભી થયેલી વસ્તી તમને જોવા મળશે. વણઝારા જેવા એ લોકો સપરિવાર ઝૂંપડાં બાંધીને થોડા દિવસો કામચલાઉ ધોરણે રહે છે. એ વસ્તીનાં બહેનો અને ભાઈઓ સવારે ઊઠે ત્યારથી મજૂરીએ લાગી જાય છે. ગધેડાં પર રેતી સારવી. બિલ્ડિંગો બનતી હોય ત્યાં તગારાં ભરીને ચોથે-પાંચમે માળે પહોંચાડવાં, રસ્તાઓ ખોદવા, ડામર પાથરવા જેવાં કામો તેઓ કરે છે. ત્યાં સ્ત્રી-પુરુષ સમાનતા પણ જોવા મળે છે. મહિલાઓ પણ આ મજૂરીમાં જોતરાયેલી હોય છે. તેમનાં બાળકો રઝળપાટમાં મોટાં થાય છે. મજૂરી કરતાં એક વર્ગના લોકોનો આ એક દાખલો થયો.
આ સિવાય ગામ કે શહેરમાં રહેતાં ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગના લોકો મોટા પાયે રહે છે અને રોજ સંઘર્ષમાંથી જ પસાર થાય છે. દેશમાં ૪૦ ટકા કરતાં વધુ લોકો ગરીબી રેખા તળે જીવે છે ત્યારે તમારે સમજી જવાનું કે દેશમાં લોકો કેવી રીતે જીવે છે. સપનાં, મહત્ત્વાકાંક્ષા જેવા શબ્દો તેમના માટે અજાણ્યા ગ્રહના છે. માત્ર 'ટકી રહેવું' એવા દીવા જેવા સ્પષ્ટ ઉદ્દેશ સાથે તેઓ જીવતા હોય છે. જાણીતી ગઝલનો એક શેર છે, 'ચંદ સાંસેં ખરીદને કે લિયે, રોજ થોડી સી ઝિંદગી બેચી'. રોજ કેટલાંક શ્વાસ મળી રહે એ માટે જીવનનો એક મોટો ટુકડો રોજી કમાવા ખાતર પાણીના ભાવે વેચતા લોકોની સંખ્યા કરોડોમાં છે. એ લોકોને શિંગડાં કે પૂંછડાં નથી. એ લોકો માણસો જ છે, પણ તેમને માણસ ગણવામાં આવતા નથી. ઉદારીકરણ-ગ્લોબલાઇઝેશનનો સમાજના અમુક વર્ગને જ લાભ મળ્યો છે. દેશનો મોટો વર્ગ એવો છે કે એનાથી વંચિત છે. એ લોકો અલગ છે એવી એક અદૃશ્ય છતાં સ્પષ્ટ એવી ભેદરેખા સમાજે દોરી છે અને તેમને પણ એ ખબર હોય છે. તેમના પ્રત્યે સમાજને સહાનુભૂતિ હોય છે. દાયકાઓ થયા છતાં સમાજની સહાનુભૂતિ એટલી સક્રિય નથી બની કે તેમને તેમના હકનો રોટલો મળે. તેઓ માત્ર ટકી રહે એવું નહીં, પણ તેમને જીવવા જેવું લાગે એવું જીવન મળે.
દેશનો વંચિત અને ગરીબ વર્ગ એ સમાજે કરેલી પ્રચંડ પ્રગતિ સામે ઊભા થયેલા સવાલો છે. વંચિત માત્ર એ નથી જેને તક મળી નથી, વંચિત એ પણ છે જેનામાં લાયકાત હોવા છતાં તક મળી નથી. તેની તક અન્યને મળી ગઈ છે, જરૂરી નથી કે એ મેળવનારમાં આવડત હોય જ. કોઈ એક વ્યક્તિ નાના સેન્ટરમાં રહે છે અને આવડત હોવા છતાં આગળ આવી શકતી નથી અને કોઈ વ્યક્તિ ઓછી આવડત છતાં એટલા માટે આગળ આવી જાય છે કે તે મોટા સેન્ટરમાં રહે છે, તો એ એક પ્રકારની હિંસા કહેવાય. એક વ્યક્તિ જ્યાં છે અને જ્યાં પહોંચી શકે એમ છે, છતાં ત્યાં નથી પહોંચી શકતી એનું નામ જ માળખાગત હિંસા. દેશની ગરીબી અને વંચિતતાનાં મૂળિયાં આ માળખાગત હિંસામાં છે. માળખાગત રીતે જે પ્રગતિ કહેવાય છે કે ધનિકોના જે મોજમજાના મુકામો છે એમાં ગરીબો-વંચિતોની મૂંગી અકળામણ રોપાયેલી હોય છે, જેના તરફ સમાજના ધનિક તેમ જ ધ ગ્રેટ ઇન્ડિયન મિડલ ક્લાસે હંમેશાં આંખ આડા કાન કર્યા છે. ટોલ્સ્ટોયનું પુસ્તક તેમને દીવો ધરે છે. એ લોકોનો કાન ખેંચીને વંચિત લોકોની અકળામણ તરફ મોં ધરે છે.
ટોલ્સ્ટોય લખે છે, "આપણે એમ ધારીએ છીએ કે આ બધું ગરીબ લોકોને સ્વાભાવિક જણાતું હશે. કેટલાંક એવા ઉસ્તાદો પણ પડેલા છે જેઓ ગંભીરતાપૂર્વક કહે છે કે આપણા મોજશોખમાંથી ગરીબોને રોજી મળે છે અને તેથી ગરીબો આપણો અહેસાન માને છે, પણ ગરીબ (વંચિત) લોકો ગરીબ છે એટલા માટે તેમનામાં સાધારણ અક્કલ પણ નથી તેવું તો નથી જ. તેઓ પણ આપણી માફક વિચારી શકે છે. જેમ કોઈ માણસને જુગારમાં કે બીજી રીતે દસ-વીસ હજાર રૂબલ (રશિયાનું નાણું) ગુમાવ્યાનું સાંભળીને આપણને તત્ક્ષણ જ એમ લાગે છે, "કેવો મૂરખ! આટલી મોટી રકમ નકામી ગુમાવી! મારા જેવા પાસે એટલી રકમ હોય તો હું તેનો કેવો સદુપયોગ કરું? મારું મકાન કેટલાંક વખતથી સમારકામ કરાવવાનું છે તો એ કરાવું. બીજું ઘણું કરું." પોતાની આસપાસ ધનને વગર વિચાર્યે ઉડાવાતું જોઈને ગરીબ લોકોને પણ એ જ પ્રમાણે વિચાર વધારે આવે છે, કારણ કે તેમને ધનની જરૂર પોતાનો કોઈ શોખ પૂરો કરવા માટે નહીં પણ પોતાની તાકીદની જરૂરિયાતો પૂરી કરવા માટે હોય છે. એક વર્ગ કાયમ આરામ જ કરે અને માલમલીદા ઉડાવે અને બીજો વર્ગ રોજ મહેનત કરે તથા ભૂખે મરે એ યોગ્ય છે એવું તે લોકોએ ક્યારે ય સ્વાકાર્યું જ નથી અને કદી સ્વીકારવાના નથી."
ટોલ્સ્ટોય પોતાના જીવનને તપાસવા લાગ્યા હતા તેમ તેમ તેમની ગુનાઇત ભાવના વધુ ને વધુ બળવત્તર થતી હતી અને રસ્તો જડતો ન હતો. તેઓ લખે છે, "પછી અમારું જીવન હું વધારે તપાસવા લાગ્યો તો મને જણાયું કે આ લોકો સાથે ગાઢા સંબંધમાં આવવું એ અમારે માટે મુશ્કેલ હતું. તે કોઈ આકસ્મિક કારણને લીધે નહીં, પણ અમે ઇરાદાપૂર્વક અમારું જીવન જ એવું ગોઠવ્યું હતું કે આવો સંબંધ બંધાઈ જ ન શકે. અમારા શ્રીમંતોના જીવનને એક બીજી જ બાજુથી તપાસતાં મને જણાયું કે, અમારા જીવનમાં જે બધું સારું ગણાય છે તે તમામ ગરીબોથી અમને બને તેટલા અળગા રાખનારું છે. ખરેખર અમારો શ્રીમંતોનો બધો પ્રયાસ, અમારું ખાવું, પહેરવું, ઓઢવું, રહેવું, કેળવણી – બધામાં મુખ્ય હેતુ ગરીબોથી અળગા રહેવાનો હોય છે."
ટોલ્સ્ટોયને હાલના સંદર્ભમાં વિચારવાની જરૂર છે. ટોલ્સ્ટોયે એ જ વાત કહી છે જે રવિશંકર મહારાજે અને પ્રકાશ બાબા આમ્ટેએ જીવી બતાવી છે. ટોલ્સ્ટોયનાં થોથાંને એક જ વાક્યમાં કહેવું હોય તો રવિશંકર મહારાજના શબ્દોમાં જ કહી શકાય. 'ઘસાઈને ઊજળા થઈએ'.
લિયો ટોલ્સ્ટોયે લખેલું એ પુસ્તક માનવજાત સામે મહત્ત્વપૂર્ણ સવાલો ઉઠાવે છે. ગુજરાતીમાં એ 'ત્યારે કરીશું શું?' નામે અનુદિત થયું છે. નરહરિ દ્વારકાદાસ પરીખે એનો આત્મા પકડીને બેનમૂન અનુવાદ કર્યો છે. અનુવાદ કેવો હોવો જોઈએ એ સમજવા માટે પણ એ વાંચવું જોઈએ. મહેન્દ્ર મેઘાણીએ એનો સંક્ષેપ પણ તૈયાર કર્યો છે. ટોલ્સ્ટોયનું એ પુસ્તક સમજવામાં ભારેખમ છે. ધીરજના ધજાગરા ઉડાવી દે એવું છે, પણ એક વખત તેમાંથી પસાર થાવ એટલે બુદ્ધની ગુફામાંથી જ્ઞાન મેળવીને બહાર આવ્યા હોઈએ એવું લાગે.
એક વખતની આપણી શ્રમપ્રધાન કાર્યસંસ્કૃિત દિવસે ને દિવસે આળસપ્રધાન થતી જાય છે. કોઈ પણ લાભ આપણે ઓછી મહેનતે કેમ મેળવી શકીએ એ જ જીવનનું લક્ષ્ય બનવા માંડયો છે. પૈસા કમાવા એ કોઈ ટીકાપાત્ર બાબત છે જ નહીં, મુદ્દો એ છે કે ગમે તે ભોગે પૈસા કમાવા એ હિંસા છે. બધાની ખેવના માત્ર પૈસા કમાવાની નથી, પણ ઓછી મહેનતે વધુ પૈસા મેળવવાની છે. બધાં પાપની શરૂઆત આ ઓછી મહેનતની વૃત્તિમાંથી શરૂ થાય છે. પૈસા બનાવવા માટે મૂલ્યોનો હ્રાસ થાય તો એને મેનેજમેન્ટ, ટાર્ગેટ, બિઝનેસ સ્ટ્રેટેજી એવાં રૂપકડાં નામ આપવામાં આવે છે. એક માણસ બીજા માણસને ટોપી કેમ પહેરાવી દે એને આવડત ગણવામાં આવે છે! બીજી તરફ એક એવો મોટો વર્ગ છે જેને પોતાના હકનું ય નથી મળતું. માણસ પશુમાંથી માણસ થયો ત્યારે કહેવાયો જ્યારે એની ચેતના અને વિવેકબુદ્ધિએ વિકાસ કર્યો. સમાજ સ્થાપનાનો ઉદ્દેશ જ એ છે કે વ્યક્તિમાં ઉત્તરોત્તર સારપ કેળવાય અને ભેદ મટે, પણ અફસોસ કે જે રીતે ચિત્ર ઊભું થયું છે એ જોતાં કહી શકાય કે માણસ ફરી રિવર્સ ગિયરમાં પશુ જ બની રહ્યો છે. ફરક એટલો છે કે એ સોફેસ્ટિકેટેડ પશુ થઈ રહ્યો છે.
પૈસો પૈસાને ખેંચે અને માણસને?
એક વર્ગના લોકો બીજા વર્ગના લોકોને ગુલામીમાં જકડી રાખે છે, તેનું કારણ પૈસો જ છે. એક માણસ બીજાના માટે આખો દિવસ વૈતરું કરે, પેટપૂરતું ખાવાનું પણ ના પામે, પોતાના બાળબચ્ચાંને પણ સખત કામમાં જોતરે, પોતાની જમીન ખોઈ બેસે અને આખી જિંદગી કંટાળાભરેલી તથા પોતાને જે વસ્તુની જરૂર ન હોય એવી વસ્તુઓ તૈયાર કરવાની મજૂરી કરવામાં ગાળે, કારણ કે તેને જીવન ટકાવવા માટે સમાજ અને સરકારે નક્કી કરેલા વિનિમયનાં સાધન એટલે કે પૈસાની જરૂર છે. એકંદરે નિર્દોષ લાગતું આ સાધન જાલીમોનું શસ્ત્ર છે, કારણ કે જેમની પાસે પૈસા છે તેઓને પૈસા વગરના લોકોને નિચોવવાનો અને તેમનું તેલ કાઢવાનો હક મળી જતો હોય છે.
– ટોલ્સટોય
દૂધમાં ખારો કાંકરો
કાકા કાલેલકરે એ ટોલ્સ્ટોયના પુસ્તક 'વોટ શેલ વી ડુ ધેન? – ત્યારે કરીશું શું?' કાકા કાલેલકરે એ પુસ્તક વિશે કહ્યું છે કે, "એ ચોપડી નથી પણ એક અત્યંત સમભાવી હૃદયનો વલોપાત છે. જીવનશુદ્ધિની રહસ્યભેદી શોધ છે અને મહાવીરને છાજે એવો આર્યસંકલ્પ છે. ટૂંકમાં કહીએ તો કારુણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને માધુર્યનું એ એક ઓજસ્વી રસાયણ છે. એનો પરિચય ન અપાય, એની ઉપાસના થાય, એનું સેવન થાય."
કાકા કાલેલકર આગળ લખે છે, "એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગૃત કરે છે, અસ્વસ્થ કરે છે, ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમજાના દૂધમાં પશ્ચાત્તાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.
e.mail : tejas.vd@gmail.com
સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની સાપ્તાહિકી કોલમ, “સંદેશ”, 19 અૉગસ્ટ 2015
http://www.sandesh.com/article.aspx?newsid=3113145