Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9385101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારાયણ દેસાઈ

સુદર્શન આયંગાર|Profile|17 August 2015

“ટુમોરો વી વિલ પિક અપ સૉલ્ટ”, નવમી ડિસેમ્બરે વહેલી સવારે આઠેક વાગે તેમના વ્યાખ્યાનના અંતિમ શબ્દો હતા. વિદેશી જિજ્ઞાસુઓ માટે ‘ગાંધીજીની અહિંસા અને પ્રયોગ’ નામક ચાર મહિનાના અભ્યાસક્રમનો પ્રારંભ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૨૦૧૦થી થયો છે. પ્રતિવર્ષ આ અભ્યાસક્રમમાં જોડાયેલું જૂથ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીમાં નારાયણભાઈની નિશ્રામાં બે સપ્તાહના શિબિરમાં જોડાય. રોજના કાર્યક્રમમાં નારાયણભાઈનું એક વ્યાખ્યાન સવારે સાતથી આઠ દરમિયાન અચૂક થાય. શિબિરાર્થીઓ વ્યાખ્યાન સાંભળવા આતુર હોય. ૨૦૧૪ના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું જૂથ પહેલી ડિસેમ્બરેથી વેડછી પહોંચ્યું હતું. નવમી ડિસેમ્બરને સવારે નારાયણભાઈએ કાર્યક્રમ પ્રમાણે સવારનો વર્ગ લીધો. બધું સામાન્ય રીતે ચાલતું હતું. સ્વાસ્થ્ય સ્થિર અને તબીબ દીકરી સંઘમિત્રાની નજરે બરાબર હતું.

દસમી ડિસેમ્બરના રોજ કુટુંબની એક દીકરી, જે મળવા આવેલી, તે અમેરિકા જવા નીકળી. સંઘમિત્રાબહેન તેને મૂકવા મળસ્કે ૩.૩૦ વાગે સુરત સ્ટેશન જવાં નીકળ્યાં અને ૬.૩૦ વાગે પાછાં આવ્યાં. દીકરો નચિકેતા, નાની બહેન સંજુક્તા, ગૂજરાત વિદ્યાપીઠના ગાંધીદર્શન વિભાગના વડા પુષ્પાબહેન મોતિયાની અમદાવાદ જવા નિકળ્યાં. નારાયણભાઈ સામાન્ય રીતે સવારે ૫ અને ૬ની વચ્ચે ઊઠી જાય. વર્ગ-વ્યાખ્યાન દરમિયાન કૉફી પીને તૈયાર રહે. વિદ્યાપીઠમાં ચારેક વર્ષથી અભ્યાસ કરતી જાપાની દીકરી કાઓરી નારાયણભાઈની લાકડી થયેલી. દસમીની સવારે નારાયણભાઈને લેવા ગઈ અને જોયું તો નારાયણભાઈ હજી સૂતા જ હતા. સંઘમિત્રાબહેનને જાણ કરી. સંઘમિત્રાબહેન બહાર જવા નિકળ્યા ત્યારે પિતાજી સારી રીતે ઊંઘતા હતા, શ્વાસ લયબદ્ધ હતો. પરિણામે સંઘમિત્રાબહેને તેમને આરામ કરવા દેવા માટે જણાવ્યું. સવારના નવ વાગ્યા છતાં નારાયણભાઈ ન ઊઠ્યા ત્યારે ઉઠાડવાની કોશિશ કરી પણ તેઓ ન ઊઠ્યા. તરત એમ્બ્યુલન્સ બોલાવી બારડોલીની હોસ્પિટલમાં દાખલ કર્યા, નિદાન થયું કે નારાયણભાઈને ઊંઘમાં સ્ટ્રોક થયો હતો. દસમીની સવારે નારાયણભાઈ ગાંધીજીના મીઠા સત્યાગ્રહ વિશે વ્યાખ્યાન ન આપી શક્યા – ‘દ સાલ્ટ વાઝ નોટ પિક્ડ અપ’. નવમીનું તેમનું વ્યાખ્યાન આખરી હતું. ૧૯૪૬માં સેવાગ્રામથી ગાંધીજીની નિશ્રા છોડી ‘નઈ તાલીમનો શિક્ષક થઈશ’ એવું જણાવીને નીકળેલા અને ૧૯૪૭માં વેડછી આવીને નઈ તાલીમના શિક્ષક તરીકે કામ શરૂ કરનારા નારાયણ દેસાઈનું સ્વસ્થ શરીરે છેલ્લા દિવસનું કામ પણ વર્ગ લેવાનું જ રહ્યું હતું. પદ્ધતિ નઈ તાલીમની જ હતી અને દર્શન ગાંધીજીની અહિંસા અને પ્રયોગ.

છેલ્લા કેટલા ય સમયથી તબીબ દીકરી સંઘમિત્રા પિતાજીની ખૂબ કાળજી લેતી હતી. નારાયણભાઈએ તો ગાંધીકથામાં પોતાના સ્વાસ્થ્યને જોયું હતું. પિતા-પુત્રીમાં કોઈ વાર આ મુદ્દે ગંભીર ચર્ચા થાય, મતભેદ થાય. દીકરી કહે કે જીવવાનો સબબ ભલે ગાંધીકથા હોય પણ શરીરની મર્યાદાઓ પણ એનું કામ કરે અને સરવાળે શરીર ક્ષીણ થાય અને પટકાય. આ ચર્ચાઓમાં મોટા ભાગે નારાયણભાઈની ઇચ્છા નિર્ણયમાં પરિણમે અને બહેન સંઘમિત્રા કચવાતે મને નારાયણભાઈને કાર્યક્રમ કરવા કે કાર્યક્રમમાં ભળવા વેડછીની બહાર જવા દે. આ દોર ઠીક-ઠીક લાંબો ચાલ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૫માં હૈદ્રાબાદમાં ગાંધીકથા કરવાનો નિશ્ચય એમણે કર્યો હતો અને સંઘમિત્રાબહેને પણ તે માટે સ્વીકૃતિ આપી હતી. ૨૪ ડિસેંબરે નારાયણભાઈનો નિકટ અને બહોળો પરિવાર તેમને ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરવા માટે શુભેચ્છા આપવા વેડછી એકત્રિત થવાનો હતો. દસમીની બપોરે જ સુરત મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા. તમામ પરીક્ષણો બાદ તબીબોએ ૪૮ કલાકની અનિશ્ચિતતા બાદ પણ કોમામાંથી બહાર આવવા અંગે કહી શકવામાં અસમર્થતા વ્યક્ત કરી. ઊંઘમાં જ સ્ટ્રોક થયો હોવાને લીધે સારવારમાં થયેલા વિલંબનાં કારણે પણ અસર ગંભીર થઈ હતી.

સંઘમિત્રાબહેન તબીબ ઉપરાંત દીકરી તરીકે પણ મનનાં મક્કમ. તેમને વિશ્વાસ હતો કે નારાયણભાઈ કોમામાંથી બહાર આવશે અને આવ્યા. સાતમે કે આઠમે દિવસે દોહિત્રી ચારૂસ્મિતાને પાણી આપવા કહ્યું. દીકરી અને દીકરાઓને ઓળખવા ઉપરાંત ધીમે-ધીમે અન્યોને પણ ઓળખતા થયા. એમ.આર.આઈ. (મસ્તિષ્કની છબિઓનું પરીક્ષણ અને અંકન)ના રિપોર્ટ જોઈને તો ડૉક્ટરો જરા પણ આશાજનક નહોતા. પણ નારાયણભાઈએ જીવનની અંતિમ લડાઈ ઇચ્છાશક્તિની જોરે લડી અને ભાનમાં આવ્યા. નાના દીકરા અફલાતૂને ગીતો ગાયા અને તેની તાલ પર નારાયણભાઈએ તાલ આપ્યો. બધું સમજે પણ બોલી શકે નહીં. સાંભળતા થયા. અસ્પષ્ટ સાદ પણ નીકળતો, સંઘમિત્રા સૌથી વધુ સમજી શક્યાં. હૃદયરોગના તબીબ અને નારાયણભાઈના ડૉ. રમેશ કાપડિયાને ઓળખ્યા, વાતો કરવાની કોશિશ પણ કરી. ડૉક્ટરે આશીર્વાદ માંગ્યા તો માથે હાથ મૂક્યો. ઑક્સીજન પર રહ્યા. રાઈસ ટ્યુબ દ્વારા જ પાણી અને પોષણ મેળવતા. જીવન-મૃત્યુની આ લડાઈમાં એક વખત તો એવું લાગ્યું કે સારી રીતે જ બહાર આવી જશે, પણ સંઘર્ષ લાંબો ચાલ્યો. ઓક્સીજનની જરૂરિયાત નહોતી રહી પણ રાઈલ્સ ટ્યુબ સાથે ૨૫મી ફેબ્રુઆરીના રોજ વેડછી પાછા આવ્યા. એ વાતનો એમને ઘણો સંતોષ હતો. સંઘમિત્રાબહેને પણ થોડી રાહત અનુભવી. દસ ડિસેંબર ૨૦૧૪ની સવારથી ૨૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી જે એક વ્યક્તિ નારાયણભાઈ સાથે સતત રહી હોય તો તે દીકરી સંઘમિત્રા. ઘરે લાવ્યા પછી હરવા-ફરવા જેટલા સ્વસ્થ થઈ જશે તેમ લાગ્યું. જે મળવા જાય તેને ઓળખે, વાતો સાંભળે અને બોલવાની કોશિશ પણ કરે.

હોસ્પિટલમાં બે ત્રણ વાર રેંટિયો કાંતવાની કોશિશ પણ કરી. ૮૪ વર્ષના મહાવરાને શરીરની મર્યાદા નડતી. એટલે અજંપો પણ થયો હશે. શારીરિક મર્યાદાના લીધે પણ ખૂબ અકળાતા હશે, પણ દીકરી અને બીજા દેખરેખ રાખનારા દુઃખી થશે એમ માનીને અભિવ્યક્ત કરતા ન હતા. વેડછી આવ્યા બાદ એક પ્રકારની શાંતિ અનુભવી હશે અને કદાચ પામી ગયા હતા કે હવે પરમધામ સમીપે છે તેથી લાંબુ ન રહ્યા. જતી વેળાએ પરમ શાંતિમાં ગયા. ૧૪ માર્ચની રાત્રે શાંતિથી ઊંઘ્યા હતા. રાત્રે અઢી વાગે સંઘમિત્રાબહેને નિયમિત ચાલતો શ્વાસ અને શાંત ચિત્તે નિદ્રાધીન નારાયણભાઈને જોયા. સવારે સાડા ચારે દીકરા અફલાતૂને બહેનને બોલાવ્યા, ત્યારે સંઘમિત્રાબહેનને થયું કે કફ કાઢવા બોલાવે છે. પણ ભાઈએ કશુંક અલગ હોવાનું જણાવ્યું. બહેન જોવા ગયાં તો શરીર ગરમ હતું પણ જીવ ન હતો. કોઈ કષ્ટ થયું હોય કે તરફડ્યા હોય એવું કશું ન હતું. ચહેરો શાંત અને શરીર નિદ્રાની મુદ્રામાં સહજ હતા. ૨૪-૧૨-૧૯૨૪ના રોજ જન્મેલો જીવ ૧૫-૦૩-૨૦૧૫ના રોજ દેહમાંથી ચાલ્યો ગયો.

નારાયણભાઈ આપણી વચ્ચેથી વિદાય થયા તે પૂર્વે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી મુક્ત થઈ ગયા હતા. મૂળે પરંપરા તોડનાર. તેથી તો ગાંધીજીને પણ ૨૨ વર્ષની ઉંમરે કહી શક્યા હતા કે સેવાગ્રામમાં કચેરીમાં કામ કરતા તેમનો વિકાસ અટકી ગયો હોવાથી તેમનો વિકાસ થાય તેવું કાર્ય કરવા માગે છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થાય ત્યારે તેમની ઉંમર ૮૩ વર્ષની. અમને કહે કે ‘મને મારવા માટેનું તમારું આ કાવતરું છે. વિદ્યાપીઠના કુલપતિઓ મૃત્યુપર્યંત હોદ્દા પર કાયમ રહે છે. મારે આ પરંપરા તોડવી છે. મને મારી હયાતીમાં જ કુલપતિપદેથી મુક્ત કરજો'. આ વાત એ ભૂલી ન ગયા હતા. બે વર્ષ પહેલાં જ, ‘હું ક્યારે મુક્ત થાઉં, મને ક્યારે મુક્ત કરો છે’ એવું પૂછતા. ૬ઠી ડિસેંબરના રોજ હું એમને મળવા વેડછી ગયો હતો. સંઘમિત્રાબહેન અને મને બોલાવીને કહ્યું કે વિદ્યાપીઠવાળા કઈં કરતા નથી અને તેમણે એવો નિર્ણય કરી લીધો છે કે તેઓ જાતે મુક્ત થાય છે. ૨૪-૧૨-૨૧૦૪ના રોજ તેમના એકાણુમાં જન્મદિવસે તેઓ જાહેર કરી દેશે. હું અમદાવાદ માટે નીકળતો હતો ત્યારે કુલસચિવ માટે એક પરબીડિયું આપ્યું. પરબીડિયું ખુલ્લું જ હતું, પણ ઘણી વાર હું એવો ટપાલી થયેલો. મેં પણ એ અંગે બહુ વિચાર ન કર્યો અને અંદર શું છે તેનું કૌતુક પણ થયું નહી. પાછળથી કુલસચિવ રાજેન્દ્રભાઈએ જાણ કરી હતી કે એ પરબીડિયામાં વિદ્યાપીઠને ઉદ્દેશીને નારાયણભાઈએ કુલપતિપદેથી પોતાની મુક્તિ અંગે જાણ કરી હતી. એવું લાગે છે કે વિધિએ એમની ટેક રખાવવા ૬ ડિસેંબરના જ પત્ર લખાવીને મોકલી અપાવ્યો. ઔપચારિક રીતે તો માર્ચની સાતમીએ મુક્ત થયા. તે દિવસે વિદ્યાપીઠના મંડળે સુશ્રી ઇલાબહેન ભટ્ટને નવા કુલપતિ તરીકે વર્યા. બીજા જ દિવસે એટલે ૮મીએ મેં એમને રૂબરૂ મળીને જાણ કરી કે તેઓ ઔપચારિક રીતે પણ કુલપતિના પદભારથી મુક્ત થઈ ગયા હતા. એમના ભાવ પરથી હું એવું સમજ્યો કે ઔપચારિકતામાં એમને કોઈ રસ ન હતો. તેમના મને તો તેઓ ૬ઠી ડિસેંબરના જ મુક્ત થઈ ગયા હતા. પણ નિયતિએ તેમની ટેક રાખી અને મૃત્યુના આઠ દિવસ પૂર્વે ઔપચારિક રીતે પણ તેઓ કુલપતિ રહ્યા ન હતા. વિદાય લીધેલી સહસ્ત્રાબ્દીના છેલ્લા અર્ધદશક અને નવી સહસ્ત્રાબ્દીના પહેલા દાયકામાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવાની અત્યાતુરતા કઈંક વ્યક્તિઓમાં જોઈ અને થવા માટેના પ્રયાસોનો હું સાક્ષી રહ્યો. થયા બાદની વિહ્વળ ગદ્ગદતા પણ નીરખી ચૂક્યો છું. નારાયણભાઈ પદની શોભા અને ગરિમા રાખવાળાઓ પૈકી વિશેષ હોવા છતાં ઘણી મુશ્કેલીથી પદ સ્વીકારવા તૈયાર થયા હતા અને તે પણ આજીવન તો નહીં જ.

નારાયણ મહાદેવ દેસાઈ સક્ષમ અને સ્વાવલંબી સાક્ષર હતા. મોટા ગજાના માનવી ખરા. પિતાની તરફથી સાક્ષર થવા માટેના ગુણો તો મળ્યા જ હતા. તેથી પણ વિશેષ હતું એ વાતાવરણ કે જેમાં એ ઘડાઈ શક્યા. ગૂજરાત વિદ્યાપીઠના વિનયમંદિરનું ધોરણ પાંચ એમનું સંપૂર્ણ ઔપચારિક શિક્ષણ હતું. ૧૧-૧૨ વર્ષની વયે નિશાળમાં ન ભણવાનો સ્વયં નિર્ણય લેનાર બાળક સામાન્ય ન ગણાય. તેમાં બાળકના વ્યક્તિત્વની મૌલિકતા જેટલી જ એ મૌલિકતાને વિકસવા દેવા માટેની તક સાબરમતી આશ્રમમાં ચિ. બાબલા(હુલામણા નામે ગાંધીજી પણ એમને ઓળખતા)ને મળી હતી. સ્વ-શિક્ષણ અને સ્વાધ્યાય દ્વારા શિક્ષણ અઘરું તો હોય છે, પણ તેમાંથી સફળતાપૂર્વક નીકળનારા વિશિષ્ટ યોગ્યતા ધરાવનારા હોય છે. સ્વશિક્ષણનું એક દૃષ્ટાંત. સેવાગ્રામમાં બાપુના મંત્રાલયમાં ચિ. નારાયણ પિતાજીનો અને પછી પ્યારેલાલનો મદદનીશ. એ સમય દરમિયાન એક ભાઈને ખૂબ આગ્રહ પછી બાપુએ બે મિનિટનો મળવા માટે સમય આપ્યો. ચિ. નારાયણને માત્ર બે મિનિટ માટે બાપુને મળવા આવનાર વ્યક્તિ અંગે જિજ્ઞાસા થઈ. આ જિજ્ઞાસાપૂર્તિ માટે તેણે આ વ્યક્તિ પાસેથી આ અંગે જાણવાનું નક્કી કર્યું. બાપુને મળીને એ વ્યક્તિ બહાર આવી અને ચિ. નારાયણના પ્રશ્ન ઉત્તરમાં તે વ્યક્તિએ કહ્યું કે ‘બાપુએ બે મિનિટ પૂરેપૂરો મારી વાત પર જ ધ્યાન આપ્યો, તે બે મિનિટ માટે તેમનું લક્ષ્ય હું અને મારી વાત જ હતી, મને પૂરેપૂરો સંતોષ થયો છે’. ચિ. નારાયણ શીખ્યો કે આપણે સામેવાળી વ્યક્તિની વિશ્વસ્નીયતા મેળવવા તેમની અને તેમના વાત તરફ અખંડ ધ્યાન આપવું જોઈએ !

પિતાજી સરસ લખતા. ધ્યાન એવું કે ચાર કે પાંચ વ્યક્તિઓની બેઠક ચાલતી હોય તો દરેક વ્યક્તિએ શું કહ્યું તેની નોંધ તેઓ રાખી શકતા. અનુવાદના તો ઉસ્તાદ. અંગ્રેજી ઉત્તમ. વિદેશી ખબરસેવા રોયટરના ખબરપત્રી પણ હતા. પ્યારેલાલ ઇતિહાસના વિદ્વાન અને સારા લેખક. બાપુના આ બે સચિવો વાંચે પણ પુષ્કળ. નારાયણભાઈને વાંચનનું માર્ગદર્શન અતિ ઉત્તમ મળ્યું હશે. આ ઘડતર, સ્વાધ્યાય અને સ્વશિક્ષણ દ્વારા એ સાક્ષર બન્યા. બાપુ જોડે રહી એમનું જ કામ કરવામાં મહાદેવભાઈ મૌલિક સર્જન ઓછું કરી શક્યા પણ નારાયણભાઈએ કસર પૂરી કરી. ૫૦ ઉપર પુસ્તકો લખ્યા. તેમાંના કેટલાક  સાહિત્ય માટે નિર્દિષ્ટ થયેલા ઉચ્ચ પુરસ્કારોથી પુરસ્કૃત થયા. સાક્ષરતાની યાત્રા અવિરત રહી. કેટલાંક પુસ્તકો :

• ‘સંત સેવતા સુકૃત વાધે’ : ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૬૭ ઉપરાંત અંગ્રેજી સહિત દેશની દસ ભાષાઓમાં અનુવાદ.

• ‘સોનાર બાંગલા’ : ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૭૩. હિંદીમાં પણ અનુદિત.

• ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ : દર્શન પ્રતિષ્ઠાન પુરસ્કાર ૧૯૯૨. ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૯૩, અને કાકા કાલેલકર પુરસ્કાર ૧૯૯૪.

• ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે નર્મદ સુવર્ણચન્દ્રક ૧૯૯૫, સ્વામી સચ્ચિદાનંદ સમ્માન ૧૯૯૮, રણજિતરામ સુવર્ણચન્દ્રક ૨૦૦૧, ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર ૨૦૦૩.  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રથમ સવ્યસાચી પુરસ્કાર ૨૦૧૨.

• ‘મારું જીવન એ જ મારી વાણી’ : મૂર્તિદેવી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ૨૦૦૪.

• હિન્દીસર્જન  ‘વિશ્વ કી તરુણાઈ’ અને અંગ્રેજી ‘My Gandhi’ ઉલ્લેખનીય છે.

‘અગ્નિકુંડમા ઊગેલું ગુલાબ’ મહાદેવ દેસાઈની જીવની છે. વિશ્વમાં પુત્રે પિતાની જીવની લખી હોય તેવું બહુ ઓછું એવું બન્યું હશે. ઝવેરચંદ મેઘાણી જેવા અત્યંત સંવેદનશીલ લોકસાહિત્યકારે મહાદેવભાઈ માટે આવી ઉપયુક્ત સંજ્ઞા પરથી આ શીર્ષક આવ્યું. પણ લેખક માટે શીર્ષકને સાર્થક કરવાનો પડકાર હતો. પુસ્તકને મળેલા આવકાર અને પુરસ્કારોએ પૂરવાર કરી આપ્યું કે નારાયણભાઈએ પિતા વિશે એક સિદ્ધહસ્ત જીવનીકાર તરીકે લખ્યું. પરિણામે ગાંધીવિચારના જાણીતા વિદ્વાન અને ‘ગાંધીચરિત’ના રચયિતા ચી.ના. પટેલે જાહેરમાં નારાયણભાઈ પાસેથી ગાંધીજીવનીની આશા જણાવી. નારાયણભાઈએ ઝીલી લીધેલા આ પડકારના કારણે ગુજરાતને અને દેશને ‘મારું જીવન એ જ મારી વાણી’ મળ્યું. નારાયણભાઈનું એ ‘મૅગ્નમ ઓપસ’ ગણાય. અદ્દભુત અનુશાસનના માણસ. સવારે ઊઠે અને રાત્રે ઊંઘે તે દરમિયાનના કલાકો સરસ વહેંચાયેલા. તેમાં કોઈ વિક્ષેપ સહન ન કરે. ૫,૫૦૦ પાનાં લખવાં એ કપરું કામ અને આ જીવની માત્ર શબ્દોનો સંગ્રહ નહીં, પણ  વિશ્લેષ્ણાત્મક છે. લેખકને જીવનીના પાત્ર સાથે ૨૨ વર્ષનો રહેવાનો નિજી અનુભવ તથા ગાંધીજી સાથે રહીને કામ કરી ચૂકેલી વ્યક્તિઓનો પરિચય તથા તેમની પાસેથી મળેલી માહિતીઓ, ઘટનાઓ અને વિશ્લેષણો સાથે મૌલિક સર્જનશક્તિ. પરિણામે આ ‘મૅગ્નમ ઓપસ’ સર્જાયું. મૂર્તિદેવી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એ આ કાર્યની યોગ્ય ઓળખ છે.     

સાક્ષર તો ખરા પણ સાથે સર્જનની વિવિધતા પણ ઘણી. ગીતો લખ્યાં અને તાલબદ્ધ પણ કર્યા. ૮૮ વર્ષની વયે કસ્તૂરબા અને લોકનાયક જયપ્રકાશ નારાયણ પર નાટક લખ્યાં.

વાણી અને વ્યવહારમાં એકરૂપતા લાવવા પ્રયાસો ઘણા કર્યા. ગાંધીજીએ પણ સ્વીકાર્યું હતું કે આ દિશામાં તેમનો પણ નમ્ર પ્રયાસ જ હતો. ગાંધીજી વાણીવ્યવહારની એકરૂપતામાં બહુ ઊંચી કક્ષાએ પહોચ્યા હતા. નારાયણભાઈએ પણ પ્રયાસ તો કર્યા. નારાયણ દેસાઈનું જીવન જે રહ્યું તેના કરતા જુદું થઈ શક્યું હોત. આઝાદી પછી જો તેઓ અન્ય નેતાઓની જેમ કોંગ્રેસમાં જોડાઈને રહ્યા હોત તો મોટા કદના રાષ્ટ્રીય નેતા બન્યા હોત. તે સમયના બધા શીર્ષ નેતાઓ તેમને નજીકથી ઓળખે. પરિણામે રાજનીતિ સિવાયના કોઈ મોટા કામમાં મહત્ત્વના પદે તેઓ બિરાજમાન થઈ શક્યા હોત. એવી કોઈ મહત્ત્વાકાંક્ષા નારાયણભાઈમાં જોવા મળી નથી. આઝાદી વખતે જુગતરામ દવે સાથે વેડછી રહી પ્રાથમિક કક્ષાએ નઈ તાલીમના શિક્ષક રહ્યા અને તે કામ છોડ્યું તો વિનોબા સાથે ભૂદાનમાં જોડાયા. સમાજપરિવર્તન એ જ એમનું લક્ષ્ય અને તે માટે જ મથ્યા. ગાંધીદર્શનાધારિત સમાજરચના કરવા માટે વ્યક્તિની ભૂમિકા શું? તે તો સ્વયંસેવકની જ. આવો સ્વયંસેવક સમાજ પાસેથી શું લઈ શકે? તેની આજીવિકા માટે જરૂરી એટલી સહાય જ. સમગ્ર જીવન સ્વયંસેવકની ટેક રાખી. ખપ પૂરતું જ લીધું. નોંધવા યોગ્ય છે કે પુરસ્કારની કેટલીક રકમ અને અમેરિકાથી તેમને વ્યક્તિગત મળેલાં નાણાં વિદ્યાપીઠમાં કુલપતિ ફંડમાં જમા કરાવ્યાં અને અનુવાદ માટેની સંસ્થા કરવા પાછળ વાપરવા જણાવ્યું.

નારાયણભાઈએ જીવવા માટેની ન્યૂનતમ જરૂરિયાત સિવાય સમાજ પાસેથી ક્યારે પણ વધારે લીધું નહીં. સંઘમિત્રાબહેન કોલકાટાની મેડિકલ કૉલેજમાં ભણ્યાં ત્યારે તેમની પાસે બે જ સારી સાડીઓ. એમના મા ઉત્તરાબહેનને ખૂબ ચીવટ, કાળજી અને કરકસરથી ઘર ચલાવ્યું હતું. ઉત્તરાબહેન પણ એવા સ્વયંસેવી કુટુંબની પુત્રી. પિતા નબકૃષ્ણ ચૌધરી ગાંધીવિચારના અગ્રણી અને આઝાદીની લડાઈના લડવૈયા અને પાછળથી ઓડીસાના મુખ્યપ્રધાન થયા હતા, પણ પોતાને આંગણે સર્વોદય સમ્મેલન રાખ્યું ત્યારે બસમાંથી ઊતરતા સમ્મેલનના ભાગીદારનો સામાન માથે ઊંચકીને ચાલેલા. તેમની પત્ની માલતીદેવી ચૌધરી તો ક્રાંતિકારી મહિલા. જીવનના છેલ્લા શ્વાસ સુધી આદિવાસીઓના હકો અને કલ્યાણ માટે લડ્યાં અને મથ્યાં. આ યુગલની દીકરી ઉત્તરાબહેનના સથવારે સ્વયંસેવક નારાયણ દેસાઈને ફકીરીમાં કોઈ વાંધો જણાયો નહીં. આઝાદીના ૨૫ વર્ષ બાદ દેશની કોઈ એવી યુનિવર્સિટી ભાગ્યે જ હશે જેના કુલપતિ ગામડામાં ઝૂંપડીસમા ઘરમાં રહી મોજથી જીવન ગાળતા હોય. અપવાદ હતા નારાયણ દેસાઈ. એમની કેટલીક પુરસ્કૃત રચનાઓ વેડછીના ઘરે જ રચાઈ. સર્જનની મોજ માણવા આરસપહાણ જડેલો ફર્શ અને વાતાનુકલનની સગવડની જરૂર જરા ય ન પડી. સંદર્ભે નોંધવા જેવું ખરૂં કે અનિવાર્ય સંજોગો અને વિદેશની મુસાફરી સિવાય નારાયણભાઈ રેલવેમાં જ ફર્યા અને ૮૦ વર્ષની વય સુધી વગર આરક્ષણે પણ રેલવેની મુસાફરી કરી. સાબરમતી અને સેવાગ્રામ આશ્રમમાં શરૂઆતનું જીવન અને ખાદી અપનાવવાના લીધે જીવનમાં સાદાઈ આપમેળે પ્રવેશી હશે. આશરે ૬ વર્ષની ઉંમરથી આરંભાયેલી કાંતણયાત્રા છેલ્લી માંદગીના ત્રણ મહિનામાં અટકી. આજીવન કાંતેલું પહેર્યું. વસ્ત્રસ્વાલંબનનો પાઠ બરાબર ભણ્યા અને જીવનમાં પણ ઉતાર્યો. આમ, સ્વદેશી અને જાતમહેનતનાં વ્રત સરળતાથી પળાયાં. સ્વાવલંબી હોવાને લીધે અસ્તેય અને અપરિગ્રહ વ્રતોનું પાલન પણ સહજ થઈ પડ્યું. વિદ્યાપીઠના આજના શિક્ષકોમાંના કેટલાક વેડછીની મૈત્રીશિબિરમાં જોડાયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં રહ્યા. મને કોઈવાર કુતૂહલ થાય છે કે કુલપતિની આવી સાદી રહેણી-કરણી જોઈને શિક્ષકોના મનમાં શું ભાવ થયા હશે?  આઝાદીની વેળાએ ગાંધીજીને દેશના બુદ્ધિજીવીઓની સંવેદનહીનતા સૌથી મોટી સમસ્યા લાગી હતી અને કદાચ આજે પણ તે એટલી જ સાચી હોવા પ્રેરાવું છું.

સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય પૈકી સત્ય અને બ્રહ્મચર્ય એકદમ અંગત મૂલ્યાંકનમાં જ જોઈ શકાય તેવા વ્રતો છે. અહિંસાના વ્રતનું પાલન અન્ય લોકો પણ સારી રીતે જોઈ-અનુભવી શકે. નારાયણભાઈએ એક નવો શબ્દ આપ્યો અહિંસાસમાજ. અહિંસક સમાજ એવી સામાન્ય વિભાવના સામે આ એક નવી વિભાવના થઈ. મારી સમજ અનુસાર અહિંસક સમાજ પ્રકટ હિંસામાં ન માનનારો, યુદ્ધવિરોધી અને નિઃશસ્ત્રીકરણના પ્રયાસ આદરનાર અને તેવા સમાજોનું સન્માન કરનાર હોય. આવી માનસિકતા સમાજોની અને દેશોની ન હોય, પણ ઘણા જૂથોની છે. અહિંસાસમાજમાં સમાજના બધા જ નાગરિકો જીવનના તમામ વ્યવહારમાં અહિંસાના સિદ્ધાંત અને પદ્ધતિમાં શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોય અને નિષ્ઠાપૂર્વક તે માર્ગે ચાલવાનો પ્રયાસ આદરતા હોય. જીવનશૈલી માત્રમાં અહિંસા તે અહિંસાસમાજની અનિવાર્ય શરત છે. સત્યની આરાધનાનો માર્ગ અહિંસાજીવનશૈલી દ્વારા જ પ્રશસ્ત બની શકે તેવી ગાંધીજી મક્કમ માન્યતા ‘મંગળપ્રભાત’માં આ અહિંસા વ્રત દ્વારા પણ વ્યક્ત થાત છે. મન, વાણી અને કર્મમાં અહિંસાનો પ્રયાસ આદર્શ ખરો, પણ એ માટેનો માર્ગ પ્રેમ અને ત્યાગ. મન અને વાચામાં વ્યક્તિની અહિંસા વ્યક્તિગત મૂલ્યાંકનનો વિષય થાય છે. નારાયણ દેસાઈનું કર્મ અહિંસાસમાજના નિર્માણ પરત્વેનું હતો. નારાયણભાઈએ ૧૯૪૭થી ૧૯૫૨ સુધી નઈ તાલીમના શિક્ષક તરીકે કામ કર્યા પછી નીકળ્યા ભૂદાન યાત્રાએ. તેમાં તેમણે અહિંસાસમાજની રચના તરફના નક્કર પગલાં અને કાર્યક્રમ નિહાળ્યા. પોતાની જમીનની માલિકી પ્રત્યે ત્યાગભાવના અને જમીનવિહોણા પ્રત્યે પ્રેમ મળીને અહિંસા દ્વારા સમાજપરિવર્તનની ભૂમિકા બને છે. નારાયણભાઈએ ૧૯૫૨થી ૧૯૬૦ સુધી ગુજરાતમાં પદયાત્રાઓ કરી અને ૩,૦૦૦ એકર જમીન જમીનવિહોણાઓ માટે મેળવીને વિતરિત કરવામાં મદદરૂપ થયા.

વિનોબાએ ત્યાં સુધી તો ‘જય જગત્’નો નારો ગૂંજવી દીધો હતો. જગતની જય કરવા રાહ શાંતિની હતી. તેમણે શાંતિ સેનાની રચનાનો વિચાર અમલમાં મૂક્યો. 'સેના' શબ્દને કેટલાકે યુદ્ધના સંદર્ભે શિસ્તબદ્ધ થયેલા સમૂહ માટે વપરાતા શબ્દ તરીકે ઓળખાવ્યો. વિનોબાના મતે સેના એક નિશ્ચિત ધ્યેય માટે મક્કમ અને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમો ઘડીને અમલી બનાવવા હોઈ શકે, માત્ર હિંસક યુદ્ધના અર્થમાં નહીં. શાંતિ સેનાની તાલીમની જવાબદારી નારાયણભાઈને શિરે આવી. નારાયણભાઈ સર્વ સેવા સંઘના વારાણસી સ્થિત મુખ્યાલય ગયા. ૧૯૬૨માં જયપ્રકાશ નારાયણને શાંતિ સેનાના પ્રમુખ થવાનું સૂચન થયું, તેઓએ નારાયણના મહામંત્રી થવાની શરત સાથે પ્રમુખપદ સ્વીકાર્યું. મહામંત્રી થયા બાદ નારાયણભાઈ બે દાયકા સુધી દેશ અને વિદેશમાં શાંતિના પ્રયાસોમાં જોડાયા. અહિંસાસમાજની રચના માટે આવશ્યક તેવા સંઘર્ષાત્મક અને રચનાત્મક  કાર્યક્રમો કરતા રહ્યા. પંડિત જવાહરલાલ નેહરુએ પૂરો વિશ્વાસ મૂકીને એકલા મોકલેલા યુવા નારાયણે આની યુવાઓને સાથે મળી અરુણાચલ પ્રદેશ જે એન.ઈ.એફ.એ. (નેફા – નોર્થ ઈસ્ટ ફ્ર્રંટીઅર એરિયા) તરીકે ઓળખાતો, ત્યાંના લોકો અહિંસક રીતે દેશ સાથે એક થાય તે માટે ઉમદા પ્રયાસ કર્યો.  જયપ્રકાશ નારાયણે નાગાલૅન્ડમાં શાંતિ માટેના કરેલા ગંભીર પ્રયાસોમાં પણ નારાયણભાઈની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ૧૯૬૯માં અમદાવાદના હિંસક કોમી અશાંતિની વેળાએ શાંતિ સૈનિકો સાથે શાંતિ માટે પ્રંશસનીય કામ કર્યું. એ જ અરસામાં કસ્તૂરભાઈ શેઠે નારાયણભાઈને સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મૃિત ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે આમંત્રણ આપ્યું હતું. સાબરમતી ટ્રસ્ટના તેઓ આજીવન ટ્રસ્ટી રહ્યા. અમદાવાદ ઉપરાંત વડોદરા, ભિવંડી અને સુરતની કોમી અશાંતિમાં શાંતિ સૈનિકો સાથે રહી સુલેહ-શાંતિ માટે કામ કર્યું. હિંસક લોકોના પથ્થરમારા અને પોલીસના ગોળીબાર વચ્ચે જોખમ ખેડીને પણ પ્રયાસો કર્યા. બાબરી મસ્જિદના વિધ્વંસ સમયે ઉપવાસ કર્યા તે સમયે અસામાજિક તત્ત્વો દ્વારા શારીરિક ઈજા પણ સહન કરી.

શાંતિ સેનાનું કામ વૈશ્વિક બન્યું. ૧૯૬૨માં લેબનાનમાં વર્લ્ડ પીસ બ્રિગેડની સ્થાપના થઈ હતી. શાંતિ સેનાને બ્રિગેડના લોકોને આમંત્રણ આપ્યું અને બ્રિગેડે આંતરરાષ્ટ્રીય એવી દિલ્હી-પિકિંગ (આજનું બેઇજિંગ) કૂચનું આયોજન કર્યું. આ કૂચ બર્મા(આજના મ્યાનમાર)ની હદ સુધી જઈ શકી હતી. ત્યાર બાદ પરવાનગીના અભાવે થંભાવી દેવી પડી. સાઇપ્રસ અને ટર્કી(તુર્કિસ્તાન)ના યુદ્ધે મોટી સંખ્યામાં લોકોને નિરાશ્રિત બનાવ્યા. તેમના પુન:વાસ માટે સાઇપ્રસ પુન:વસવાટ પ્રાયોજના બની, જેના સ્થાપકોમાંના એક નારાયણભાઈ હતા. આ પ્રયાસના પરિણામે ટર્કી તરફના સાઇપ્રસવાસીઓ અને સ્થાનિક લોકોએ યુદ્ધના સ્થાને વાટાઘાટોનો માર્ગ લીધો. જયપ્રકાશ નારાયણની સાથે નારાયણભાઈએ શાંતિ સ્થાપના માટે નિઃશસ્ત્ર સેના બનાવવાની દરખાસ્ત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મૂકી હતી. (આપણને વિદિત છે યુ.એન. પીસ કીપીંગ ફોર્સ છે જ, જેમાં જુદા-જુદા દેશોની સૈન્ય ટુકડિયો જતી હોય છે.) શાંતિ સેનાની આ દરખાસ્ત અલબત્ત, સ્વીકારાઈ નહિ, પણ વિશ્વસ્તરે આ પ્રયાસ નોંધપાત્ર હતો. ‘અહિંસા, શાંતિ અને ગાંધી’ના વિષયો પર વ્યાખ્યાનો માટે એશિયા, યુરોપ, અને અમેરિકાના દેશોએ તેમને આમંત્રણ આપ્યા હતા. ૧૯૮૧માં કૅનૅડાના ગ્લૅડ્સ્ટોન આઇલેંડમાં પીસ બ્રિગેડ ઇંટરનૅશનલના પ્રારંભે નારાયણ દેસાઈ પહેલા પાંચ નિયામકો પૈકી એક હતા. ૧૯૮૯માં વૉર રેસિસ્ટર્સ ઇંટરનૅશનલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. તેના ભાગ રૂપે તેમણે લૅટિન અમેરિકાના ૧૨ દેશોની યાત્રા કરી હતી. ૧૯૯૫માં નોન-વાયોલેંસ ઇંટરનૅશનલ દ્વારા વૉશિંગ્ટન ડી.સી.માં ‘આંતરરાષ્ટ્રીય સંઘર્ષની પરિસ્થિતિઓમાં નિઃશસ્ત્ર શાંતિ દળોની કામગીરી’ વિષય પર આયોજિત ચર્ચા-બેઠકમાં નિષ્ણાત તરીકે તેમને આમંત્રવામાં આવ્યા હતા.

શાંતિ સેનાના કાર્યમાં નારાયણભાઈનો અન્ય નોંધપાત્ર ફાળો 'તરુણ શાંતિ સેના'ની સ્થાપનાનો  હતો. ભારત-ચીનની સરહદના વિસ્તારોમાં તરુણ શાંતિ સૈનિકોના સમાજસેવા કેન્દ્ર સ્થપાયેલા. સમગ્ર દેશમાં તરુણો માટે શિબિરો ગોઠવી યુવામાનસને અહિંસાસમાજની રચના માટે સમજ આપી પ્રેરિત કરાતા હતા. તરુણ શાંતિ સેનાએ વર્ષ ૧૯૭૨-૭૩ના દેશવ્યાપી દુષ્કાળના સમયે દેશ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું. રાષ્ટ્રીય આયોજન પંચ સાથે રહી ‘દુષ્કાળ સામે તરુણ’ની યોજનાના તેઓ એક ઘડવૈયા હતા. દેશભરના વિશ્વવિદ્યાલયો અને કૉલેજોના ૬૫,૦૦૦ તરુણો અને યુવાઓ દેશના જુદા જુદા ગામોમાં જઈ દુષ્કાળરાહત અને નિવારણની શિબિરોમાં જોડાયા હતા. આઝાદી બાદ તરુણો અને યુવાઓનું આટલું મોટું સંગઠન ભાગ્યે જ થયું હતું. ઉચ્ચ શિક્ષણના ત્રણ મુખ્ય ધ્યેય પૈકી એક ધ્યેય વિસ્તરણ અને સમાજ સાથેના અનુબંધનો છે. નારાયણભાઈ અને તરુણ શાંતિ સેનાના તરુણ અને યુવા નેતાઓએ વિશ્વવિદ્યાલયો અને કૉલેજના યુવાઓને ગ્રામસમાજ સાથે  જોડવાનું અદ્વિતીય કાર્ય કર્યું હતું.      

અહિંસાસમાજની રચના તરફ જતા બે અન્ય કાર્યો પણ નોંધપાત્ર છે. ચંબલ વિસ્તારના ડાકુઓનું રાજ્યને આત્મસમપર્ણ સ્વતંત્ર ભારતની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભૂદાનનો અનોખો પ્રયોગ જોઈ ડાકુઓએ વિનોબાને હિંસાનો માર્ગ છોડવાની તૈયારી બતાવી હતી. ડાકુઓની સમસ્યાના મૂળમાં પણ જમીનદારોના જમીનવિહોણા અને ખેડનારાઓ પ્રત્યેના અન્યાય અને રાજ્યની તે અન્યાય સામેની આંખમિચામણી હતી. વિનોબાએ તેમને આ મુદ્દે તેજસ્વી નેતા જયપ્રકાશ નારાયણને મળવા જણાવ્યું. કુખ્યાત ડાકૂ માધોસિંઘ ગુપ્ત વેશે બિહાર જઈ જયપ્રકાશ નારાયણને મળ્યા હતા. સુવિદિત છે કે માધોસિંઘ સહિત ડાકુઓએ મોટી સંખ્યામાં આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ પ્રવૃત્તિ અને પ્રક્રિયામાં શાંતિ સેનાના નારાયણભાઈએ સક્રિય ભાગ લીધો હતો.

૧૯૭૧ની ભારત-પાકિસ્તાન યુદ્ધ પૂર્વે અને દરમિયાન હજારોની સંખ્યામાં પૂર્વ પાકિસ્તાનથી (જે વિસ્તાર પાકિસ્તાનથી અલગ પડી બાંગ્લાદેશ તરીકે ઓળખાયો) શરણાર્થીઓ હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા. શાંતિ સેનાએ ૨૩ કૅમ્પમાં વહેંચાયેલા ૮૦,૦૦૦ જેટલા શરણાર્થીઓ સાથે પુનર્વસન માટે કામ કર્યું. આ શરણાર્થીઓને લઈને નારાયણભાઈના નેતૃત્વમાં બાંગ્લાદેશના સીમાડેથી કાનપુર ‘વિશ્વ વિવેક જાગરણ' પદયાત્રા નીકળી હતી. આ યાત્રાથી ઉદ્દભવેલી સંવેદનાના પરિણામસ્વરૂપે ભારતે બાંગ્લાદેશની સ્વતંત્ર દેશ તરીકેની ઓળખને સ્વીકારી.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ પ્રયાસો અને રચનાત્મક કાર્યો માટે નારાયણભાઈને ‘નાગરદાસ જોશી પુરસ્કાર, કોમી એખલાસ માટે ‘હાર્મની એવૉર્ડ’, ‘જમનાલાલ બજાજ પુરસ્કાર’ (૧૯૯૯), યુનેસ્કોનું અહિંસા અને સહનશીલતા માટે ‘મદનજીતસિંઘ પુરસ્કાર’(૧૯૯૮), અને ‘ફ્રેન્ડ્સ ઑફ બાંગ્લાદેશ લિબરેશન વૉર ઑનર’ (૨૦૧૨) પુરસ્કારો અને સન્માન મળ્યાં હતાં.

અહિંસાની રાહે ચાલનારા અને અહિંસાસમાજ માટે સંઘર્ષ કરનારા માટે અભયવ્રતનું પાલન પૂર્વશરત છે. નારાયણભાઈએ અભયવ્રતનું પાલન કર્મશીલ અને સાહિત્યકારની ભૂમિકામાં કર્યું હતું. જીવનના અંતિમ પર્વમાં જ્યારે તેમણે ગાંધીકથા શરૂ કરી ત્યારે અભયવ્રતને લઈને એક સુંદર ગીતની રચના કરી, ‘અમે કોઈથી ડરીએ ના, અમે કોઈને ડરાવીએના’. આ વ્રતનું પાલન સ્વયં નારાયણભાઈએ જાહેરજીવનમાં ઠીક-ઠીક કરેલું જોઈ શકાય છે. 

ત્રણ મૂલ્યો પ્રત્યેની તેમની નિસ્બત મૃત્યુપર્યંત રહી. સમાનતા, બંધુતા અને લોકતંત્ર. આ મૂલ્યો દેશના બંધારણમાં ટંકાયેલાં જ છે. રાજ્યની નાગરિક પરત્વેની આ પાયાની ફરજ છે, પણ રાજ્ય તેના પાલનમાં કાયમ ઊણું ઉતર્યું છે. બજાર આધારિત અર્થતંત્રને પ્રાધાન્ય આપ્યા બાદ તો ઉપરોક્ત ત્રણ મૂલ્યો વધુ ઘવાયાં કરે છે. અસ્પૃશ્યતાનિવારણ અને સર્વધર્મસમભાવ માટે નારાયણભાઈ સંપૂર્ણ કટિબદ્ધ હતા. ૨૦૦૨ના ગુજરાતના હિંસક કોમી રમખાણોથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા. તેઓ વયમાં પરિપક્વ થયા હતા. કર્મશીલ તો ખરા પણ, મૂળે સાક્ષર અને શિક્ષક. અહિંસાસમાજની રચનાની તૈયારી રૂપે વિચારપ્રબોધનને નારાયણભાઈએ વિશિષ્ટ સ્થાન આપ્યું હતું. જીવનના અંતિમ પર્વમાં પોતાના માટે એ જ જવાબદારી યોગ્ય સમજી અને નિભાવી. પણ આ કાર્યમાં પણ એક તાજગીભરી નવીનતા સાથે સમાજ સમક્ષ આવ્યા. ગાંધીવિચારપ્રબોધન માટે તેમણે ગાંધીકથા શરૂ કરી. આપણા દેશની સંસ્કૃિતમાં કથા એ જાણીતું માધ્યમ છે, પણ તે પુરાણોની વાર્તા-કથા સુધી મર્યાદિત રહી છે. હાલના ભારતમાં યુગપુરુષ ગાંધીજી અર્વાચીન પુરાણ માટેના ઉત્કૃષ્ટ પાત્ર છે. દેશની આજની સામાજિક, આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિમાં હજી માત્ર ૧૫૦ વર્ષ પૂર્વે જન્મીને જીવી ગયેલી મહાન આત્માની વાર્તા ખૂબ પ્રસ્તુત અને પ્રેરક થાય એમ છે. આ વાત લઈને નારાયણભાઈ દેશમાં અને વિદેશમાં ફર્યા. સૌથી વધારે કથાઓ ગુજરાતીમાં જ કરી, ઉપરાંત હિંદી અને વિદેશમાં અંગ્રેજીમાં પણ. ગાંધીજીનું સમગ્ર જીવન માનવમાત્ર વચ્ચેની સમાનતા (રાજનૈતિક, આર્થિક અને સામજિક) અને બંધુતા માટે ગયું, તેઓ એના માટે જીવ્યા, લડ્યા અને શહીદ થયા. સમાજમાં લોકને પ્રબોધન કરવું તે લોકશિક્ષણનું કાર્ય થાય. નારાયણભાઈ લોકશિક્ષક થયા. શિક્ષક તો તેઓ નખશિખ હતા. નારાયણભાઈને વર્ગ લેવાનો હોય, કથા કરવી હોય કે જાહેરમાં સંબોધન કરવાનું હોય, તેઓ તૈયારી વગર ક્યારે ય ન હોય. તૈયારીમાં વાંચન અને નોંધ  કરવાનાં હોય જ. વિદ્યાપીઠના શિક્ષકોએ શિક્ષકના આ અતિ આવશ્યક ગુણને અનુસરવું ઇચ્છનીય.  

જીવનના અંતિમ પર્વમાં નારાયણભાઈ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ થયા. લોકશિક્ષકને એક તક મળી. કુલપતિ તરીકે એમની યોગ્યતા નઈ તાલીમના મર્મજ્ઞ તરીકેની હતી. વિદ્યાપીઠને મૂળ તરફ લઈ જવાનો એમનો પ્રયાસ સંનિષ્ઠ હતો. વિદ્યાપીઠના બદલાયેલાં સ્વરૂપ માટે તેઓ ખિન્નતા અનુભવતા હતા. દુનિયા ભલે બીજી દિશા જાય. પણ આ યુનિવર્સિટીની સ્થાપનાનો ગાંધીજીનો ઉદ્દેશ્ય તો અહિંસાસમાજની રચના માટે યોગ્ય અને પ્રતિબદ્ધ કાર્યકર તૈયાર કરવાનો હતો. પણ 'કૂવામાં હોય તે જ હવેડામાં આવે'ના ભાવે સ્વતંત્ર ભારતના બદલાયેલા સમાજના પ્રતિનિધિઓએ ક્રમશ: વિદ્યાપીઠમાં પ્રવેશ કરી વિદ્યાપીઠને જ બદલી. એમાંના કેટલાક તો એમ પણ માને છે કે બદલાયેલા સમય અને સમાજમાં ગાંધીજીના વિચારવાળી યુનિવર્સિટીની જરૂર રહી નથી અને વિદ્યાપીઠે બદલાયેલી સ્થિતિ પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ. નારાયણભાઈ કુલપતિ તરીકે ફરી એક વાર વિદ્યાપીઠને તેનાં મૂળ ધ્યેયો તરફ વાળવા માંગતા હતા, પણ ઘડિયાળના કાંટા પાછા ધકેલીને નહિ. માનવીની ખીલી ઊઠેલી અને નિત નવી રીતે ખીલી રહેલી જ્ઞાનધારાના ક્ષિતિજો પર વિદ્યાપીઠના શિક્ષકો વિહરે તેવી અપેક્ષા આ કુલપતિની હતી. અલબત્ત, પગ તો ધરાતલ પર હોય તેવું તેઓ મક્કમ માને. તેમની મનઃસ્થિતિનો ચિતાર અનાયાસે વિશ્વકક્ષાના એક વિદ્વાનના મુખે પ્રગટ થયો છે. પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ધ ઇકોનોમિસ્ટ’ના ૨૮ માર્ચ ૨૦૧૫ના અંકમાં ‘યુનિવર્સિટિસ’ શીર્ષકથી આપેલા વિશેષ હેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વ બૅન્કના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી અને હાલમાં બેઈજિંગ યુનિવર્સિટીના ‘ચાઇના સેંટર ફૉર ઇકોનોમિક રિસર્ચ'ના નિયામક પ્રો. જસ્ટિન લિનને શંકા છે કે જો ‘વર્લ્ડ-ક્લાસ’ યુનિવર્સિટીની પરિભાષા પશ્ચિમ દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા સંશોધન એજેન્ડાને પ્રકાશિત કરનાર સંશોધન પત્રિકાઓમાં શિક્ષકો દ્વારા પ્રકાશિત સંશોધન પ્રપત્રોની સંખ્યા પર આધારિત હોય, તો  ચીને ‘વર્લ્ડ-ક્લાસ’ યુનિવર્સિટી બનાવવાની હોડમાં રહેવું જોઈએ? લિન પૂછે છે: વર્લ્ડ-કલાસ રિસર્ચની કોણ પરવા કરે, જો એ સંશોધન તમે જે પરિસ્થિતિમાં છો તેને લાગુ ન પડે? વિદ્યાપીઠના કુલપતિ નારાયણ દેસાઈ આવું જ માનતા. જ્ઞાનધારાની ક્ષિતિજો પર ફરવાની સાથે દેશની સંસ્કૃિતધારા અને લોકજ્ઞાનધારાનું સંકલન કરીને બૌદ્ધિક શિક્ષણ ન અપાય, તો એ શિક્ષણ બીજી સભ્યતાઓની નકલ કરનાર સમાજ જ રચશે. ગાંધીજીની વિદ્યાપીઠ સ્થાપવાની નેમ પોતાનામાં શ્રેષ્ઠ યુનિવર્સિટી (ક્લાસ ઇન ઇટ્સેલ્ફ) બનાવવાની હતી. એના માટે ગાંધીજીનું અહિંસાસમાજનું દર્શન અને એમની જીવનશૈલી વિદ્યાપીઠમાં શાળાથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસક્રમોમાં દાખલ કરવાની મથામણમાં નારાયણભાઈ હતા. એમના મને અહિંસાસમાજ રચવા માટેની પ્રયોગશાળા એ વિદ્યાપીઠ. શિક્ષણમાં આ વિભાવનાનું દર્શન અને પદ્ધતિ એટલે જ નઈ તાલીમ. ગૂજરાત વિદ્યાપીઠના આદ્યકુલપતિ ગાંધીજીનો આગ્રહ વિદ્યાપીઠના શિક્ષણ માટે એ જ રહ્યો જે તેમના ‘કુલપતિજીના વ્યાખ્યાનો’માંથી નિષ્પન્ન થાય છે. તેમના બાદ એ જ વિચારધારાના હિમાયતી નારાયણ દેસાઈ હતા. વિદ્યાપીઠને ગાંધીવિચાર અને દર્શનમાં આટલા દૃઢ અને ચુસ્ત કુલપતિ બીજા આવે તે અઘરું જણાય છે.

e.mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “વિદ્યાપીઠ”

Loading

17 August 2015 સુદર્શન આયંગાર
← Saluting Courage: Memorial for Vasant Rajab
What did Colonialism do to India ? →

Search by

Opinion

  • ગૃહસ્થ સંન્યાસ
  • અભી બોલા અભી ફોક
  • માણસ, આજે (૨૯)  
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૫
  • પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવું એ જાત પ્રત્યેની ફરજ છે 

Diaspora

  • આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !
  • ‘માઉન્ટ રશમોર’ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચે શું તફાવત છે?
  • ખરાબાનો નેશનલ પાર્ક !
  • કુદરત પ્રદૂષણ કરતી નથી, માણસ જ પ્રદૂષણ કરે છે !
  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

Gandhiana

  • સેનાપતિ
  • ભગતસિંહ અને ગાંધીજી
  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ

Poetry

  • સાત હાઈકુ
  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved