માત્ર માણસ જ નહીં કેટલાંક શહેરના પણ બે વ્યક્તિત્વ હોય છે. નાનું હોય કે મોટું દરેક શહેર ટેભા ફાડીને વિસ્તરી રહ્યું છે. નગરની ફરતે નવાં શહેર ઊગી રહ્યાં છે. આ પરિવર્તનમાં સ્થાપત્ય, ઓળખ, લાક્ષણિકતા અને સોસાયટીમાં શું ફેરફાર આવી રહ્યા છે એ જોવાનો પ્રયાસ કરીએ
"આપકો લગતા હૈ કી હમને અતીત કો પકડ કે રખા હૈ,
દુઃખ કે સાથ.
આપ ગલત સોચતે હૈં, હમ ખુશી કો પકડ કે રખતે હૈં.
છોટી છોટી ખુશીયોં કોં."
૨૦૧૧-૧૨માં 'પતંગ-ધ કાઇટ' ફિલ્મ કેટલાંક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ થઈ હતી અને વાહવાહી મેળવી હતી. ફિલ્મમાં સીમા વિશ્વાસ અને નવાઝુદ્દીન સિદ્દિકી હતાં. સમગ્ર ફિલ્મ સાંકડી ગલીઓ એટલે કે પોળવાળા જૂના અમદાવાદ પર હતી. એ ફિલ્મ છએક મહિના અગાઉ દૂરદર્શન પર રિલીઝ થઈ હતી. કહાણી એવી હતી કે પોળમાં એક મા-દીકરો રહેતાં હોય છે. ઘણાં ય લોકો પોળ છોડીને નવા વિકસેલા અમદાવાદમાં રહેવા ચાલ્યા જાય છે, પણ એ પરિવાર પોળ અને પોતાના ઘરને વળગેલો છે. તેમના જ પરિવારનો કે પડોશનો એક માણસ દિલ્હીથી ઉત્તરાયણ નિમિત્તે આવે છે. તેની અડધી જિંદગી પોળમાં વીતી હોય છે. તે મા-દીકરાના એ પરિવારને સમજાવવા આવ્યો હોય છે કે તમે હવે પોળ છોડીને બીજે રહેવા ચાલ્યા જાવ. હવે અહીં કંઈ રાખ્યું નથી. મકાનનો સોદો કરી નાખીએ. ત્યારે સીમા વિશ્વાસ તેને ઉપર લખેલો ડાયલોગ સંભળાવે છે.
દરમ્યાન દિલ્હીથી આવેલી તેની દીકરીને પોળ ખૂબ પસંદ પડે છે. તે પોળમાં રખડયા કરે છે. પતંગથી રંગાયેલા આસમાનને જોઈને અને ઘર છોડીને અગાસીએ ચઢેલા લોકોને જોઈને તે નાચી ઊઠે છે. તેને લાગે છે કે જીવન તો અહીંયાં જ છે. ફિલ્મમાં જૂનું અમદાવાદ આબેહૂબ ઝિલાયું છે. પોળની સાપસીડીની રમત જેવી ગલીઓ, ગલીમાં માણસોની વચ્ચેથી પસાર થતાં ગાય-કૂતરાં અને ઉત્તરાયણની ધમાલ જેવા રંગો ઝિલાયા છે. ફિલ્મનું આર્ટ ડિરેક્શન એટલું અદ્દભુત છે કે જૂના અમદાવાદના રંગો નિહાળવા હોય તો એ ફિલ્મ ખરેખર નિહાળવા જેવી છે.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ
એક માણસમાં બે વ્યક્તિત્વ હોય એવાં ઘણાં નર-નારી તમે જોયાં હશે. આવું માત્ર માણસોને જ લાગુ નથી પડતું, શહેરોને પણ લાગુ પડે છે. અમદાવાદ જોશો તો તમને એક જ શહેરમાં બે શહેર દેખાશે. હવે સાબરમતી રિવરફ્રન્ટ તરીકે ઓળખાતી સાબરમતી નદીની પૂર્વ તરફનું જૂનું અમદાવાદ અને પશ્ચિમે સેટેલાઇટ વિસ્તાર તેમ જ હાઇવેની આસપાસ વિસ્તરેલું નવું અમદાવાદ. જૂના અદાવાદમાં સાંકડી શેરીઓ, ગીચ બજારો, બેઠા ઘાટનાં મકાનો. ઉંબરાવાળાં મકાનો અને ઉંબરાની બહાર ઓટલા જોવા મળે છે. મોટા ભાગના ચોક પર ચબૂતરો છે. આ તમામ બાબતો અમદાવાદની પરંપરા છે. એ શહેર તરીકે અમદાવાદને ઓળખ આપે છે. ઉપરાંત, જૂના નગર દરવાજાઓ, ભદ્રનો કિલ્લો, કેટલાંક મંદિર, મસ્જિદ અને મિનારા એ પણ આ જૂના અમદાવાદની પારંપરિક ઓળખ છે.
હવે નવા અમદાવાદની વાત કરીએ. નવા અમદાવાદમાં પહોળા રસ્તાઓ છે. બહુમાળી એટલે કે હાઇરાઇસ ઇમારતો છે. મોલ અને મલ્ટિપ્લેક્સ છે. સાયન્સ સિટી તેમ જ મહાત્મા મંદિર જેવાં મોડર્ન સંકુલ છે. નવા શહેરની ઓળખ છે.
તળ મુંબઈ અને પરાંમાં વસતું મુંબઈ
હવે મુંબઈ તરફ જઈએ. મુંબઈમાં તળ મુંબઈ અને ઉપનગરીય-પરાવાળું મુંબઈ એટલે કે સાઉથ મુંબઈ અને સબર્બન મુંબઈ એવા બે ભાગ છે. મુંબઈમાં કોલાબાથી વેસ્ટર્ન લાઇનમાં માહિમ કોઝવે સુધીનો તેમ જ સેન્ટ્રલ લાઇનમાં સાયન સુધીનો ઇલાકો તળ મુંબઈ એટલે કે મૂળ મુંબઈ કહેવાય છે. એ પછી જે પરાં જે શરૂ થાય છે એ ઉપનગરીય મુંબઈ કહેવાય છે. જેમાં સાંતાક્રુઝ, અંધેરી, બોરિવલી, દહીંસર, ડોમ્બીવલી વગેરેનો સમાવેશ થાય છે. મુબઈની ઓળખ સમાન જે ચાલી રહેણાકો છે એ ઉપનગરીય મુંબઈ કરતાં તળ મુંબઈમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત, ગોથિક શૈલીનાં મકાનો, રેલવે સ્ટેશનો, ઓફિસ, લાઇબ્રેરી વગેરે તળ મુંબઈને આગવી ઓળખ આપે છે. જે સબર્બન મુંબઈ પાસે નથી. સબર્બન મુંબઈમાં હાઇરાઇસ ઇમારતો છે. મોલ અને મલ્ટિપ્લેક્સ છે. બાંદરા – વર્લી સિ લિન્ક, બોરિવલીમાં આવેલું પેગોડા વિપશ્યના ધ્યાનકેન્દ્ર વગેરે કેટલાંક સંકુલો સબર્બન મુંબઈની નવી ઓળખ છે.
ગોથિક શૈલીનો ઉપલક પરિચય મેળવી લઈએ. ગોથિક શૈલીનાં મકાનો અંગ્રેજ શાસન દરમ્યાન મુંબઈમાં તૈયાર થયાં હતાં. ૧૨મી સદીમાં ફ્રાન્સમાં ડેવલપ થયેલી ગોથિક વાસ્તુકળા મધ્યકાલીન દોરમાં યુરોપમાં પ્રચલિત બની હતી. ૧૨થી ૧૬મી સદી દરમ્યાન એ પોપ્યુલર હતી. તળ મુંબઈમાં રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસ, રાજાબાઈ ટાવર, બોમ્બે હાઇકોર્ટનું બિલ્ડિંગ, મુંબઈ સુધરાઈની ઇમારત તેમ જ કેટલી ય ઓફિસો ગોથિક શૈલીની છે.
અમદાવાદ અને મુંબઈ એવાં બંને નગરોમાં જૂના શહેરની બહાર ટેભા ફાડીને વિકસેલા નવા શહેરમાં લઘુતમ સાધારણ અવયવ જો કાઢીએ તો પહોળા રસ્તા, હાઇરાઇસ બિલ્ડિંગો અને મોલ-મલ્ટિપ્લેક્સીસ છે. હાઇરાઇસ બિલ્ડિંગોની સ્થાપત્ય-વાસ્તુકળાની દૃષ્ટિએ કોઈ આગવી વિશેષતા નથી. એ શહેરને કોઈ વિશેષ ઓળખ આપતાં નથી. સ્ટ્રક્ચર તરીકે જે રીતે પોળમાં ગલીથી લઈને મકાન-દરવાજાની બાંધણી સુધીની વિશેષતા પારંપરિક કે સાંસ્કૃિતક ઓળખ ઊભી કરે છે એવી કોઈ ઓળખ નવા વિસ્તારની બિલ્ડિંગો કે અન્ય બાંધકામ ઊભી કરતા નથી. એ પોતે કોઈ 'મોડર્ન આગવી ઓળખ' પણ ઊભી કરતા નથી. પૂર્વ અમદાવાદ કે તળ મુંબઈની ગીચ બજારો પણ શહેરનો એક મિજાજ પ્રર્દિશત કરે છે. એવો વૈભવ એ શહેરોના નવા ઇલાકા પાસે નથી. આ વાત થોડી બારીક છે, તેથી આ ફકરા પાસે અટકીને બે ઘડી પોરો ખાઈને વિચારીને આગળ વધો એવી વિનંતી.
બદલા હુઆ બનારસ
વાત માત્ર આ બે શહેરોને જ લાગુ પડતી નથી. જૂનાગઢ, જામનગર, સુરત, વડોદરા, બનારસ, ઇન્દૌર વગેરે શહેરોમાં પણ વિકસેલા-વિસ્તરેલા નવા વિસ્તારોને આ વાત લાગુ પડે છે. શહેરની ફરતે નવું શહેર વિકસે છે.
બનારસની ઓળખ ગંગા ઉપરાંત ત્યાંની સાંકડી ગલીઓ અને ગલીને કાંઠે વિકસેલાં જૂની ઢબનાં મકાનો છે. સત્યજિત રેએ અપ્પુ ટ્રીલજીની ફિલ્મમાં બનારસની એ ગલીઓ અને તેમાં ચીતરેલાં પેઇન્ટિંગ્સ સરસ રીતે દર્શાવ્યાં છે. બનારસની ગલીઓની બહાર એક બીજું નવું બનારસ ઊભું થયું છે. જ્યાં મોલ-મલ્ટિપ્લેક્સ અને બહુમાળી બિલ્ડિંગ્સ છે. આ નવું બનારસ છે એ કોઈ પણ નવા બનેલા કે વિકસેલા શહેર જેવું લાગે છે. એ જોઈને એમ ન કહી શકાય કે આ બનારસ છે. એમાં બનારસની આગવી મોહર નથી. બનારસ વિશે એવું કહેવાય છે કે એ ઇતિહાસ કરતાં ય જૂની નગરી છે. નગરની બહાર જે શહેર બની રહ્યું છે એનો કોઈ સ્થાપત્ય ઇતિહાસ જ કદાચ નહીં હોય. નવી વ્યવસ્થાઓ, ઊંચી બિલ્ડિંગ્સ, અદ્યતન બાંધકામ થાય એની સામે કોઈને વાંધો હોઈ ન શકે. એ તો આવકાર્ય બાબત છે. મુદ્દો એ છે કે એના નિર્માણમાં કોઈક એવી ખાસિયત ઊભરતી હોવી જોઈએ કે જે તે નગરને પોતાની આગવી ઓળખ આપે. દિલ્લી, મુંબઈ કે અમદાવાદ, સુરત કે બનારસના નવા વિસ્તરતા વિસ્તારો એક સરખા જ લાગે એ વિશેષતા નહીં વિટંબણા કહેવાય.
મોડર્ન એટલે?
મોડર્ન બાંધકામો સાથે પણ એક સ્થાપત્ય, શૈલીની ઓળખ ઊભી થઈ શકે છે, પણ એવું ભારતના મોટા ભાગનાં શહેરોમાં થતું નથી. અમદાવાદની પારંપરિક ઓળખ તો ત્યારથી જ ઓસરવા માંડી હતી જ્યારથી નદીના બીજા છેડે આશ્રમ રોડ પર મોડર્ન બાંધકામ થવા માંડયાં. આશ્રમ રોડ પર કેટલાંક પારંપરિક મકાન, સ્થાપત્યો છે, પણ એની સરખામણીએ મોડર્ન બાંધકામો વધુ છે. કોઈ પણ શહેરની ઓળખ તેનું જૂનું નગર હોય છે. 'કાઇપો છે'માં જે અમદાવાદ બતાવાયું છે કે 'પતંગ'માં જે અમદાવાદ છે એ પોળવાળું અમદાવાદ દર્શાવાયું છે. એ નવું વિકસેલું પશ્ચિમી અમદાવાદ નથી.
જૂના શહેરમાં ઉત્સવનો ઉત્સાહ નવા શહેર કરતાં વધુ જોવા મળે છે. અમદાવાદમાં પોળની ઉત્તરાયણ વખણાય છે, નહીં કે સેટેલાઇટ કે વસ્ત્રાપુરની. અલબત્ત, સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં પણ સરસ ઉત્તરાયણ ઊજવાય છે પણ એની ઇન્ટેિન્સટી પોળ જેવી નથી હોતી.
જૂના નગરમાં ઓટલા હતા. ફ્લેટ સિસ્ટમનાં જે મકાનો બને છે એમાં ઓટલાનો છેદ ઊડી ગયો છે. પોળ નિહાળવા તો વિદેશીઓ સ્પેશ્યલી અમદાવાદ આવે છે. ધામા નાખીને ફોટા પાડે છે અને રિસર્ચ કરે છે. વક્રતા એ છે કે નવા અમદાવાદની નવી પેઢીમાં એવા ય લોકો મળી આવશે જેણે પોળ ન જોઈ હોય! પશ્ચિમમાં વસેલા નવા અમદાવાદમાં કોઈ પિતાએ તેમના બાળકને ઓટલો અને ઉંબરો શું છે એ સમજાવવું હશે તો બાળકને પોળમાં લઈ જવું પડશે. બદલતો સિનારિયો એ છે કે શહેરના જૂના વિસ્તારો ખાલી થઈ રહ્યા છે. લોકો નવા વિસ્તારોમાં રહેવા જઈ રહ્યા છે. મુંબઈ અને અમદાવાદમાં એ પ્રમાણ નોંધપાત્ર રીતે દેખાઈ રહ્યું છે. સાઉથ મુંબઈ અને પોળમાંથી લોકો પશ્ચિમી અમદાવાદમાં તેમ જ ઉપનગરીય મુંબઈ તરફ જઈ રહ્યા છે.
જૂનું એટલું સોનું એ વાત ખોટી છે
જૂનું એટલું સારું અને નવું એટલું નકામું કે નબળું કહેવાનો લગીરેય ઇરાદો નથી. આ તો સમય સાથે પરિવર્તન પામતાં શહેર અને તેની તાસીરને જોવા જાણવાનો પ્રયાસ છે. નવા જે વિસ્તારો વિકસે છે એની પણ ઊજળી બાજુ છે જ. શહેરના જૂના કરતાં નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં પાણીની વિતરણ વ્યવસ્થા સારી હોય છે. રસોડામાં ફ્રીઝ મૂકવું હોય કે વોશરૂમમાં વોશિંગ મશીન મૂકવું હોય એ માટેની ચોક્કસ જગ્યા હોય છે. એ માટેના વીજળીના પોઇન્ટ નવાં મકાનોમાં સગવડભર્યા હોય છે. કોઈ પણ ચીજ ખરીદવી હોય તો એના વધુ વિકલ્પો નવા શહેરી ઇલાકામાં વધારે ઉપલબ્ધ હોય છે.
જૂનાં અને નવાં શહેરોની પોતપોતાની વિશેષતા હોય છે, પોતપોતાના પ્રશ્નો પણ હોય છે. એક એવી ચર્ચા છે કે પોળવાળા અમદાવાદમાં કે તળ મુંબઈમાં કે જૂની દિલ્હીમાં રહેતો છોકરો ખૂબ ભણેલ-ગણેલ અને સેટ થયેલ હોય તો પણ એને છોકરી મેળવવામાં તકલીફ થાય છે. શહેરના જૂના વિસ્તારોમાં રહેતા ઘણા પરિવારો ખાસ દીકરાને પરણાવવા માટે પણ શહેરના નવા વિસ્તારમાં ફ્લેટ વસાવે છે. મુંબઈમાં ચાલી રહેણાકોમાં તો આખા મહોલ્લાનું કોમન સંડાસ હોય છે, તેથી પણ ઘણાં દીકરી દેતા ખચકાય છે.
'ક' કોસ્મોપોલિટનીઝમનો ક
વાસ્તુકલાના ગેરફાયદાથી હટીને જોઈએ તો મોટાં શહેરોના નવા વિસ્તારોમાં જે કોસ્મોપોલિટન ક્રાઉડ ઊભું થઈ રહ્યું છે એના ઘણા ફાયદા છે. નવા વિસ્તારોમાં એક કરતાં વધુ ભાષા બોલતા લોકો સાથે વ્યવહાર વિકસે છે. જેને લીધે એક નવું જગત ઊઘડે છે. શહેરની ફરતે વિકસેલાં નવાં શહેરો કોસ્મોપોલિટન ટચ આપે છે. અમદાવાદ, સુરત, વડોદરા, પૂણે, હૈદરાબાદ, બેંગલોર વગેરેમાં નવા જે વિસ્તારો ડેવલપ થયા છે ત્યાં કોસ્મોપોલિટન ક્લેવર ઊભું થયું છે. મોડર્ન કન્ટેસ્ટમાં કોઈ પણ શહેર એ વિકસતું ત્યારે કહેવાય છે ત્યાં કોસ્મોપોલિટન પ્રજાનો વસવાટ વધે. શહેરમાં એ શહેર અને રાજ્યની બહારના લોકોનો વસવાટ વધે એને લીધે એને કોસ્મોપોલિટન ક્લેવર મળે છે. જે શિક્ષણ, સમજદારી, સેલિબ્રેશનના નવા વ્યાપ ઉઘાડે છે, કારણ કે ત્યાં એક જ સંસ્કૃિત કે ભાષાના લોકો નથી વસતાં પણ બહુભાષી અને બહુસાંસ્કૃિતક લોકો વસે છે. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં કોસ્મોપોલિટન માહોલ વિકસ્યો છે. અમદાવાદ, સુરત, પૂણે, હૈદરાબાદ, બેંગલોર વગેરે શહેરોમાં અન્ય પ્રાંત કે અન્ય શહેરોના લોકોની વસતી ખાસ્સી વધી છે, પણ કોસ્મોપોલિટન માહોલ ઊભો નથી થયો. કોસ્મોપોલિટન ઘેટ્ટો ઊભા થયા છે. આ વાત થોડા વિસ્તારથી સમજીએ. મુંબઈમાં એક જ બિલ્ડિંગ કે મહોલ્લામાં મરાઠી સાથે તમિલ, ગુજરાતી, મરાઠી, મારવાડી વગેરે સાથે રહેતા જોવા મળે છે. બિલ્ડિંગની નીચે મૂકેલી નેમપ્લેટ વાંચો એટલે આ અંદાજ આવી જાય છે. અમદાવાદ, સુરત જેવાં શહેરોમાં મારવાડી, મરાઠી, બંગાળી, સાઉથ ઇન્ડિયન લોકોનો નોંધપાત્ર વસવાટ છે. તેઓ પ્રાદેશિક પ્રજા સાથે એક જ સેક્ટરમાં કોસ્મોપોલિટન શહેરની જેમ વસેલા જોવા મળતા નથી. તેઓ નોન-ગુજરાતી તરીકે અલગ અલગ સેક્ટરમાં વસેલા જોવા મળે છે. ટૂંકમાં, ગુજરાતમાં વસતો સાઉથ ઇન્ડિયન ગુજરાતમાં વસતા બંગાળી સાથે નેચરલ કનેક્ટ અનુભવે છે, કારણ કે આ બંને જણાને લાગે છે કે પોતે પરપ્રાંતીય છે. તેઓ સ્થાનિક પ્રજા સાથે થોડું અંતર અનુભવે છે. આવું સ્થાનિક પ્રજા પણ સમજે છે. આ કોઈ વાંક કે દોષ નથી. બે અજાણ્યા માણસો શરૂઆતમાં નિકટ આવતા થોડા ખચકાય એ સ્વાભાવિક વાત છે. એકબીજા સાથે ઔપચારિક ઓળખ પછી ટયુનિંગ ધીમે ધીમે જામે છે, તેથી દરેક રાજ્યમાં કોસ્મોપોલિટન પ્રજાનો જે સ્થાનિક પ્રજા સાથેનો ભેદ હોય છે એ તેમની બીજી-ત્રીજી પેઢીએ ભેદ ખરી પડે છે. પછી ગુજરાતમાં વસતો બંગાળી પણ પછી ગુજરાતી જ કહેવાય છે. તે આઇડેન્ટિટી ક્રાઇસિસ અનુભવતો નથી, તેથી મેગાસિટીમાં કોસ્મોપોલિટન વર્તુળો બન્યાં છે, સર્વાંગી માહોલ નથી ઊભો થયો. એના માટે થોડાં વર્ષો થશે. એ માહોલ ઊભો થશે એટલું નક્કી છે. મુંબઈમાં ત્યાંની મૂળ વસતી કરતાં માઇગ્રન્ટ્સ લોકોની વસતી વધુ છે, તેથી કોસ્મોપોલિટન માહોલ શહેરમાં સર્વાંગી રીતે વિકસ્યો છે. જે ભારતનાં અન્ય મેટ્રો શહેરમાં પણ સંપૂર્ણપણે વિકસી શક્યો નથી. અમદાવાદ પણ કોસ્મોપોલિટન ઘેટ્ટોમાંથી કલ્ચર બનતા તરફ આગળ વધી રહ્યું છે, જે સામાજિક તંદુરસ્તી માટે સારી વાત છે.
પ્રાઇવસી એટલે શું?
જૂનાં અને નવાં શહેરોની કેટલીક લાક્ષણિક બાબતોમાં પણ ભેદ હોય છે. જેમ કે, તળ વિસ્તારમાં એટલે કે વોલ્ડ સિટીમાં સેન્સ ઓફ પ્રાઇવસી હોતી નથી. પ્રાઇવસી એ કોસ્મોપોલિટન કન્સેપ્ટ છે, કલ્ચરલ કન્સેપ્ટ નથી. ગામમાં તેમ જ જૂના શહેરમાં કે શહેરના જૂના ઇલાકાના રહેવાસી ઇલાકામાં લોકો વચ્ચેનો મેળાપ કે હળવામળવાનો ભાવ વધુ હોય છે. નવા વિકસેલા શહેરના ફ્લેટ રહેણાકોમાં એ ઓછું જોવા મળે છે. ત્રીજે માળે રહેતા માણસને ચોથે માળે કોણ રહે છે એની ખબર ઘણી વખત નથી હોતી. જ્યારે કે જૂના નગરમાં તો દરેક રહેવાસી માટે આખો મહોલ્લો એ પરિવાર જેવો હોય છે. પાડોશી સાથે પરિવારના સભ્ય જેટલી નિકટતા હોય છે, તેથી પ્રાઇવસી નામનો શબ્દ જ ત્યાંના શબ્દકોશમાં અજાણ્યો છે. આનું કારણ કદાચ એ હોઈ શકે કે જૂના નગરમાં સંયુક્ત કુટુંબની સંખ્યા ખાસ્સી હોય છે, નવાં શહેરોમાં સંયુક્ત કુટુંબની સંખ્યા ઓછી હોય છે. પોળવાળા જૂના અમદાવાદમાં હવેલી ટાઇપનાં મકાનો ઘણાં છે જે જૂની દિલ્હીમાં પણ જોવા મળે છે. હવેલી ટાઇપનાં મકાનો એ સંયુક્ત કુટુંબની જરૂરિયાત અને ઓળખ છે. શહેરની બહાર વિકસેલા નવા શહેરમાં મોટે ભાગે વિભક્ત કુટુંબ જોવા મળે છે. જેમાં પતિ-પત્ની અને તેમનું બાળક હોય છે. જ્યાં પરિવારની સભ્યસંખ્યા મોટે ભાગે પાંચ કરતાં વધુ હોતી નથી. ત્યાં વન કે ટુ બેડરૂમ હોલ કિચનના ફ્લેટનું ચલણ વધારે જોવા મળે છે. વિભક્ત કુટુંબ એ નવા શહેરી જીવનની ઓળખ છે. જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતાં કોઈ પેરેન્ટ્સને એક કે બે કરતાં વધુ સંતાન પોસાતાં નથી, તેથી વિભક્ત કુટુંબ એ નવા શહેરી જીવનનો તકાદો છે. એની ટીકા કરવી યોગ્ય નથી.
જોવાની વાત એ છે કે એક જ શહેરના બે છેડાના નાગરિકોની ભિન્નતા તેમના વ્યવહાર અને લાઇફસ્ટાઇલમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે. ક્યારેક એમ થાય કે નવું અને જૂનું શહેર એ રેલવેના સમાંતર ચાલતા પાટા જેવું હોય છે. બંને સાથે ચાલે છે પણ ક્યારે ય ભેગા નથી મળતા. જૂના શહેરમાંથી માઇગ્રન્ટ થઈને નવા શહેરમાં વસવા ગયેલા માણસને મૂળ સ્થાન માટે ખૂબ આદર હોય છે. જૂના અને નવા બંને શહેરને એક બીજા પ્રત્યે થોડો છૂપો અણગમો પણ હોય છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી, પૂનામાં આ ભેદ નોંધી શકાય છે. આ વાત મોટાં શહેરોને લાગુ પડે છે. નાનાં શહેરોમાં આવો ભેદ હજી નથી ઊભો થયો જે સારું છે.
નવી ઓળખ પણ આગવી શા માટે ન હોઈ શકે? એક વાત દેખીતી છે કે સામાન્ય નગરરચનામાંથી કલાતત્ત્વ ઓછું થઈ રહ્યું છે. ગામ કે શહેરની બહાર મોટો નગર દરવાજો હોય એ પરંપરા સદીઓ પુરાણી છે. આજે પણ પરંપરા જળવાઈ રહી છે. કેટલાં ય ગામ કે શહેરની બહાર નવા નગર દરવાજા બની રહ્યા છે. જે ખરેખર આનંદની વાત છે. ખેદની વાત એ છે કે નવા જે દરવાજા નિર્માણ પામે છે એની કલાકોતરણીમાં એવું ઊંડાણ કે બારીકાઈ નથી જે વર્ષો અગાઉ બનેલા દરવાજામાં જોવા મળતી હતી. આજે પણ કેટલાંક શહેરોમાં સદીઓ જૂના એ દરવાજા ઊભા છે. એ જૂના અને નવા દરવાજા જોશો તો એમાં રહેલો કલા-ફરક તરત સમજાઈ જશે.
કોઈ શહેરે ક્યારે ય એટલો વિકાસ ન કરવો જોઈએ કે એ પોતાની ઓળખ જ ગુમાવી બેસે. એમ પણ કહી શકાય કે વિકાસ એને કહેવાય જેમાં પરિવર્તન તો આવે પણ ઓળખ જળવાઈ રહે. જૂનવાણી જેટલું સારું છે એમાંનું કંઈક જળવાય અને નવું એની સાથે અનુસંધાન કરે એવી જુગલબંદી રચાય એમ કહેવાનો આશય છે.
e.mail : tejas.vd@gmail.com
સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 29 અૅપ્રિલ 2015
http://www.sandesh.com/article.aspx?newsid=3069820