થોડા દિવસ પહેલાં મુંબઈમાં દામુ ઝવેરીનાં પત્ની માલતીબહેન ઝવેરીનું અવસાન થયું અને હમણાં અમદાવાદમાં નીમુબહેન કહેતા નિર્મળાબહેન દેસાઈનું. મોટાભાગના લોકો કદાચ આ નામથી અપરિચિત હોય એવું બને. પણ જો હમણાં કહું કે દામુભાઈનાં પત્ની માલતીબહેન અને નીરુ દેસાઈનાં પત્ની નિર્મળાબહેન, તો કદાચ થોડા વધુ પરિચિત ચહેરા મળે. કેવી વાસ્તવિકતા! આજે આપણે જે સ્વતંત્રતાને માણી રહ્યાં છીએ અને જે સેવાભાવી સમાજને જોયો તેનું મૂળ ગાંધીજી હતાં. ત્રણ અક્ષરનું નામ ‘ગાંધીજી’ એક સમયે આખા દેશ-સમાજમાં ઘડતર અને સંગઠન માટે બહુ જ પ્રભાવી ગણાતું હતું. એક નામ માત્રથી યુવાવર્ગ પોતાનું જીવન સમર્પિત કરી દેતો અને પોતાના જીવનની દિશા નિશ્ચિત કરતો હતો. આજે તો મહાત્માને જન્મ જયંતી કે નિર્વાણ દિવસે યાદ કરવાનો ચીલો છે, આમે ય તેમનું પ્રદાન સમજવામાં આપણી સમજ ઓછી પડે છે. ગાંધીજીથી પ્રભાવિત પેઢી અત્યારે ઢળતી વયમાં છે અનેક દીવડાઓ બુઝાઈ ગયા છે અને કેટલાંક બુઝાવવાની દિશામાં છે. એમને યાદ કરવાની એક નૈતિક જવાબદારી રૂપે આપણે નિર્મળાબહેનને યાદ કરવાં જોઈએ.
કોઈ જ ઘોંઘાટ વગરનો અસલ નારીવાદી અવાજ. ‘સ્ત્રીઓ સમાજના આધાર છે અને માટે સ્ત્રીઓની એવી કેળવણી થવી જોઈએ તે ખોટું કામ તો ન જ કરે અને કોઈને કરવા પણ ન દે.’ આ શબ્દો નિર્મળાબહેનના. ૧૯૧૪માં જન્મેલાં નિર્મળાબહેનના પિતા કાપડના વેપાર સાથે જોડાયેલા હતા. નાનપણમાં ભણવાની બિલકુલ ઇચ્છા ન ધરાવતાં નિર્મળાબહેને સ્કૂલે જવાની ના પાડી દીધી હતી અને લાડકી દીકરીનું માતા-પિતાએ સાંભળ્યું પણ હતું પણ પછી ગાંધીજીની હાકલથી ભણવાનું નક્કી કર્યું અને ઘરે શિક્ષક રાખી ભણ્યાં અને એ ભણતર પછી કૉલેજ સુધી પહોંચ્યું હતું. બીજો નિર્ણય આજીવન ખાદી પહેરવાનો.
‘ઘર સારું તો કુટુંબ સારું અને કુટુંબ સારું તો સમાજ સારો અને સમાજ સારો તો દેશ સારો.’ આ વિચાર નિર્મળાબહેન સહુ સુધી પહોંચાડવા માંગતાં હતાં. કૉલેજના ભણતર પછી જ્યોતિસંઘમાં જોડાવાનો એમનો નિર્ણય એટલો અડગ હતો કે સ્કૂલની નોકરીમાં મળતા વધુ પૈસા એમને લલચાવી ન શક્યા. યુવાનીમાં દેશના કાર્યનો પણ એટલો પ્રભાવ હતો કે યુવાન વયે જ લગ્ન ન કરવાની જિદ્દ પણ તેઓ જાળવી શક્યાં હતાં. કૉલેજ દરમિયાન જ એમને ‘જ્યોતિસંઘ’ના કાર્ય માટે પસંદ કરી લેવાયાં હતાં અને પછી મૃદુલાબહેનની આગેવાનીમાં તૈયાર થયાં. ‘જ્યોતિસંઘ’નું કાર્ય સ્ત્રીઓને તૈયાર કરી, પગભર કરવી. એ અંતર્ગત તેઓ શિક્ષણ, ટાઇપિંગ, ચિત્રણ, સીવણ વગેરે જેવાં કાર્યો શીખવતાં. અહીં બહેનો તૈયાર થતી અને નિર્મળાબહેન આગળ જતાં અહીં શિક્ષણમંત્રી બન્યાં. નિર્મળાબહેન નાનપણથી પોતાના વિચારો પ્રત્યે ખૂબ જ સ્પષ્ટ હતાં અને તેથી જ યુવાનીમાં જાણીતા કોઈ કિકેટર સાથેનાં લગ્ન કે એ સમયે જેનું આકર્ષણ હતું, એવી જૉર્જેટની સાડી તેમને લલચાવી ન શકી. પોતાના વિચારો પર ગાંધીજીની અસર એટલી હતી કે એમણે એ સમયે ક્રિકેટર યુવકને પણ ગાંધીજીના કાર્ય તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો, આવું આગવું અને ટોળામાં ન ભળી જાય એવું વ્યક્તિત્વ આ શાંત સન્નારીનું હતું.
જાણીતા ક્રિકેટર સાથેનાં લગ્નના મોહમાં પડ્યા વગર એ લગ્નને બદલે પોતાના આદર્શ અનુસાર સેવાકાર્ય કરવું, એવો નિર્ણય એ સમયે તેઓ લઈ શક્યાં અને પિતાને સમજાવી પોતાનામાં શ્રદ્ધા જન્માવી શક્યાં. તેઓ માનતાં હતાં કે આઝાદી તો મળી જશે પછી એમનાં જેવાં બહેનોની જવાબદારી વધી જશે. સમાજમાં ઉપયોગી બને એવી સ્ત્રીઓને તૈયાર કરવી અને આદર્શયુક્ત સમાજ માટે સતત પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા રહેવાની જ છે. તેઓ કહેતાં કે આજે સ્ત્રીઓ ટીવીમાં ઘરેણાંની જાહેરખબરોમાં ખોવાઈ જાય છે, પરંતુ ખરેખર તો સ્ત્રીઓએ સત્તા અને પૈસાના મોહમાંથી છૂટવું જોઈએ. તેમને કોઈ સામે ફરિયાદ નહોતી પણ આજે જે જીવનનો અર્થ બદલાઈ ગયો છે, તેની વેદના હતી. ૧૯૪૨ના સમયમાં આઝાદી માટેના સરઘસમાં ભાગ લેવાનું તો તેમના માટે સ્વાભાવિક હતું જ અને એ કારણે પકડાઈને જેલમાં પુરાયાં. લગ્ન ન કરેલી દીકરીને છોડાવવા પિતા આવ્યા છે અને જેમ સહુ જામીનના પૈસા ભરતા તેમ તેમના પિતા પણ ભરવા તૈયાર હતા, પરંતુ નિર્મળાબહેને ના પાડી અને છ મહિનાની જેલ સ્વીકારી.
આ દરમિયાન જાણીતા પત્રકાર અને ગાંધીવિચારધારાના નીરુભાઈ સાથે પરિચય થયો. બંને જુદી જ્ઞાતિના પણ સમાન વિચારધારા ધરાવતાં વ્યક્તિત્વો. લગ્ન કરવાનું નક્કી કર્યું અને દેશ આઝાદ થશે એવી ખાતરી થતાં બંનેએ લગ્ન કર્યાં. એ સમયે અનેક યુવાનોને આઝાદી પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન પછી મૃદુલાબહેનના આગ્રહથી જ્યોતિસંઘનું કાર્ય ચાલુ રાખ્યું. અનેક બહેનોને જીવનના સંઘર્ષમાંથી ઉકેલ શોધી આપી રાહ દેખાડવાનું કાર્ય તેમને ‘જ્યોતિસંઘ’ મારફત કર્યું.
નીરુભાઈના સાચા સાથી તો ખરાં જ, પરંતુ પોતાના આદર્શયુક્ત વિચારોને કારણે એમનું એક આગવું વ્યક્તિત્વ ઊપસી આવ્યું હતું. સરદાર પટેલ અને ગાંધીજીને મળવાનો તથા બીજી અનેક રાજકીય પ્રતિભાઓને પણ મળવાનો મોકો એમને મળ્યો હતો, પરંતુ જ્યારે નામ પૂછ્યાં તો કહે મને તો માત્ર ગાંધીજીને જ મળવાનો આનંદ અને ગૌરવ છે, બાકી બધું તો ઠીક.
એક સશક્ત નારી સૂર અને આદર્શવાદી. બહુ ઘોંઘાટ ન કરવાની આદતને કારણે અનેક અવાજોમાં એમના વિચારો આપણા સુધી સંભળાતા નથી, બાકી અત્યારે પણ એમનો અવાજ ગુંજી રહ્યો છે કે અત્યારે જે ભ્રષ્ટાચાર વધ્યો છે, એમાં બહેનોનો ફાળો કંઈ ઓછો નથી, બહેનોએ કહેવું જોઈએ કે અમારાં ઘરમાં ખોટો પૈસો નહિ ચાલે, તો પછી આ બધું જ અટકી જાય પણ …!
નિર્મળાબહેનને સલામ.
e.mail : sej_5874@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2015, પૃ. 18