થોડા વખત પહેલાં પદ્મપુરસ્કાર એનાયત કરવાના સમારંભનો ભાગ બીજો યોજાઇ ગયો. હવે દેશનાં મંત્રીમંડળોની જેમ પદ્મપુરસ્કૃતોની સંખ્યા એટલી વધી ગઇ છે કે જનરલ નોલેજમાં તેમનાં નામ ગોખાતાં નથી. કેટકેટલાં યાદ રાખવાં! જેને પૂરતા પ્રમાણમાં જાહેરખબરો મળતી હોય એવાં છાપાં પુરસ્કારવિજેતાઓની આખી યાદી સુદ્ધાં છાપતાં નથી. આ એક વાત.
બીજી અને મુખ્ય વાતઃ ‘પદ્મભૂષણ’થી સન્માનિત અને દિલ્હીના સમારંભમાં ઉપસ્થિત રહીને સન્માન સ્વીકારનાર વડોદરાના મ્યુઝિકોલોજિસ્ટ આર.સી.મહેતાને બીજા દિવસે બીરેન (કોઠારી) મળ્યો હતો.
મહેતાસાહેબનું નામ પદ્મ-યાદીમાં જાહેર થયું ત્યારની પોસ્ટ
http://urvishkothari-gujarati.blogspot.com/2009/01/blog-post_9911.html
તેમની સાથેની વાતચીતમાંથી બીરેનને જાણવા મળ્યું કે પદ્મપુરસ્કારોનો સમારંભ યોજાય તેના આગલા દિવસે આખા સમારંભનું ‘ડ્રેસ રીહર્સલ’ યોજાય છે. (‘ડ્રેસ રીહર્સલ મારો શબ્દ છે) તમામ પુરસ્કાર-વિજેતાઓએ ફક્ત સમારભમાં જ નહીં, રીહર્સલમાં આવવું પણ ફરજિયાત છે. તેમાં ગેરહાજર રહેવા માટે ઘણા સમય પહેલાં અને યોગ્ય કારણ આપીને જાણ કરવી પડે. નકલી સમારંભમાં સન્માનનીય પુરસ્કૃતોને શીખવવામાં આવે છે કે રાષ્ટ્રપતિ સમક્ષ કેવી રીતે પેશ આવવું, ક્યાંથી ચાલીને જવું, ક્યાં વળવું… નકલી સમારંભમાં રાષ્ટ્રપતિની જગ્યાએ બીજો કોઇ અફસર બેઠો હોય.
બાકાયદા સન્માનિતોનાં નામ જાહેર થાય, બ્યુગલ વાગે, રાષ્ટ્રપતિની જગ્યાએ બેઠેલા ‘ડુપ્લીકેટ’ અસલી મેડલની પ્રતિકૃતિ સન્માનિતોને પહેરાવે…(રીહર્સલમાં વપરાતી મેડલની પ્રતિકૃતિનો ફોટો આ સાથે મુક્યો છે) આ બધી નાટકબાજી ‘વ્યવસ્થા અને આયોજન’ના તથા રાષ્ટ્રપતિની ગરીમા જાળવવાના નામે!
દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ આદરણીય છે, પણ એ રાજા કે વાઇસરોય નથી. એ પ્રભુના નહીં, પ્રજાના પ્રતિનિધિ છે. તેમની ગરીમાની આટલી બધી ચિંતા હોય, તો પોતાના પ્રદાન બદલ સન્માનિત થવા આવેલા લોકોની ગરીમાનું શું? રાષ્ટ્રપતિ સમક્ષ કેમ લળવું ને કેમ વળવું એ શીખવ્યા વિના તેમને જરૂરી હોય એટલી સૂચનાઓ અંગત રીતે કે ફોન પર આપીને સીધા સમારંભમાં બોલાવી ન શકાય?
અંગ્રેજોના જમાનામાં મોટે ભાગે લોર્ડ કર્ઝને ૧૯૦૫માં દિલ્હી દરબાર ભર્યો હતો ત્યારે આવા બધા નિયમો હતાઃ વાઇસરોય સામે કેવી રીતે જવું, કેવી રીતે લળવું, કેવી રીતે પાછા ફરવું, પીઠ ન દેખાડવી…અંગ્રેજો ગયા, પણ સન્માન પાછળની માનસિકતા, કમ સે કમ સમારંભના મુદ્દે બદલાઇ હોય એવું લાગતું નથી.