જ્યારે જ્યારે સતનું સ્વાગત થાય છે ત્યારે … • ચંદ્રકાન્ત શેઠ
જ્યારે જ્યારે સતનું સ્વાગત થાય છે ત્યારે ત્યારે
મનેય લાગે છે મારું સ્વાગત થતું !
ક્યાંય પણ કોઈનીયે સ્નેહવર્ષા દ્વેષાગ્નિને ઠારે છે ત્યારે,
મને લાગે મારી ભીતર કશુંક શીળું મીઠું વિસ્તરતું !
નિંદા ને નફરતના ખીલા કોઈના હાથપગમાં ભોંકાય છે ત્યારે
મારાયે ઘરના થાંભલા ને મોભ થાય છે લોહિયાળ;
જુઠ્ઠી ને દંભી ગાજવીજ નિર્મળ આકાશને ઘેરી વળે છે ત્યારે,
મારી અંદરનું સોનપંખી કરી ઊઠે છે ચિત્કાર;
જ્યારે કોઈની ભલી ને ભાવભરી ઉપસ્થિતિ
બની રહે છે અનાથની ઓથ,
ત્યારે કંઈક ઠરીઠામ થયાની રાહત અનુભવાય છે મને !
સાંકડી ને આંધળી ગલીની
સ્વાર્થી ને સત્તાની હવસખોર ડમરીઓ,
જ્યારે લપેટમાં લે છે ભલી ભદ્રિક્તાને પદભ્રષ્ટ કરવા,
ત્યારે મારામાં ફાટું ફાટું થાય છે એક જ્વાલામુખી,
ભય ને લાલચની ભુતાવળ
શેરડીના સાંઠાની જેમ ધરતીનાં રસકસ ખેંચી લેવા
જ્યારે ઝનૂનપૂર્વક ચઢી છે ચકરાવે ત્યારે,
કોઈની દિલાવરીનો હાથ જ
બની રહે છે બધી રીતે નિઃસહાયનો સધિયારો
અને ત્યારે જ મજબૂત થાય છે મારી હસ્તી થડ-મૂળથી, ફૂલ-ફળથી.
વળી કોઈની અમીનજરના સંસ્પર્શે
મારામાં કોઈ લીલાછમ ઉઘાડની રૂડપ ઊભરાઈને ફરી વળતી માણું છું.
शुभની આંખ જ્યારે ખૂલ છે
ત્યારે જ लाभનાં બારણાં ઊઘડે છે
ને ત્યારે જ ભીતરની ભોંયમાંથી ઝળહળતા પ્રગટ થાય છે પ્રસન્નતાના હિરણ્યમય ચરુ !
૧-૧૨-૨૦૧૪ની આ કૃતિ, કવિનું જિગરનામું, ૨૦૧૫માં પ્રવેશતાં, વાચકોની સેવામાં –
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પહેલું પાન