આપણા વડવાઓએ સદીઓ પહેલાં સ્વચ્છતાને લગભગ ધાર્મિક ક્રિયાકાંડ જેવું ઉચ્ચ સ્થાન આપીને સ્વચ્છ આદતોને પોતાના જીવનમાં વાણી લીધેલી જે કાળક્રમે અદ્રશ્ય થવા લાગેલી. 19મી-20મી સદીમાં ફરીથી કેટલાક દીર્ઘદ્રષ્ટા મહાપુરુષોએ વ્યક્તિગત સ્વચ્છતા જ માત્ર નહીં પણ સામૂહિક અને જાહેર સ્થળોની સ્વચ્છતાને આરોગ્ય અને સર્વાંગી વિકાસ સાથે જોડીને તેનું મૂલ્ય ફરીને યાદ અપાવ્યું.
આઝાદ થતાં જ આર્થિક વિકાસની દોડમાં આ સ્વચ્છતાની વાત વિસરાઈ ગઈ, જે ફરી પછી સપાટી પર આવી રહી છે એ આનંદની વાત છે. મહાજનો યેન ગત: સ પંથા: એ ન્યાયે રાજકીય આગેવાનો હાથમાં ઝાડુ લેશે તો સામાન્ય નાગરિકો પણ ઘર, આંગણું અને શેરી ચોખ્ખાં રાખશે એવી અપેક્ષાએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ થયું છે.
રાજકોટ શહેરની સ્વચ્છતાની વાત એ પૂરા ભારતના નખ દર્પણ જેવી ગણી શકાય. વહેલી સવારે કામ પર જતાં કે ફરવા જનારા લોકો વાળીને સાફ કરેલા રસ્તાઓ જોઈને મ્યુિનસિપલ કોર્પોરેશનને જરૂર ધન્યવાદ આપે. એક કલાક બાદ ફરીને આવો ત્યાં કોઈએ ઘરનો કચરો શેરીમાં નાખ્યો હોય, તો કોઈએ વળી આંગણું ધોયું હોય તેના પાણીના ખાબોચિયાં ભરાયાં હોય. સૂરજ ઊંચો ચડતો જાય તેમ તેમ રસ્તા પર થુંકના ગળફા, લીંટ, પાનની પિચકારીઓ અને ગાયના છાણ-મૂત્રના નમૂના ઠેકઠેકાણે નજરે પડે. અમારા ઘરની નજીક આ છબિમાં જોવા પામીએ એવાં દ્રશ્યો તો શહેરમાં ઠેકઠેકાણે હશે, છતાં કોઈ નાગરિક કે મ્યુિનસિપલ કોર્પોરેટરને આવી ગંદકી માટે સૂગ ન ચડે અને તે માટે ‘હું શું કરી શકું’ એવો વિચાર પણ ન આવે એ અત્યંત દુ:ખદ પરિસ્થિતિ છે.
અહીં આપી છબિમાં ત્યાં પ્રસરેલી દુર્ગંધ નથી મૂકી શકાતી અને પાન-થૂંકથી થતી ગંદકીની સાબિતી આપવાનું ઉચિત નથી માનતી, પણ સહુને તેના રોજ રોજ દર્શન થાય છે. એક તરફ રામનું નામ ભીંત પર લખેલું હોય અને બરાબર તેની સામે આવી ભયાનક નર્ક જેવી જગ્યા ઊભી કરવી એ ક્યાંનો ન્યાય?
નાની-મોટી દુકાન ચલાવનારને નિરાંતે પોતાની દુકાનમાંથી પાનની પિચકારી રસ્તા પર નાખીને જાણે કંઈ ખોટું ન કર્યું હોય, તેવા ભાવ સાથે બેઠેલો જોઇને શરમ ઉપજે. કોઈ કારીગર કે દુકાનદારને કશું પૂછો તો હાથ હલાવીને કે ડોકું ધુણાવીને જવાબ આપે કેમ કે મોઢામાં ગુટકાવાળું પાન ભર્યું હોય અને જો બોલીને જવાબ માગો તો તમારી હાજરીમાં થૂંકે એટલું જ નહીં, નારાજગી બતાવો તો કહે, ‘બેન સાઈડમાં થુંઇકો, તમારી હાંમે નયિં.’
લોકો કહે છે, શહેરમાં રખડતાં ઢોર બહુ છે. ખરું પૂછો તો માણસો રખડતાં રખડતાં રાજકોટના આસપાસનાં નાનાં નાનાં ગામડાંઓમાં ઘુસી ગયાં, અને તે પણ ‘વિકાસ’ના નામે. જેને પરિણામે પશુપાલકોના ઢોરની ગમાણો અને ચરાણની જમીન ઓળવાઈ ગઈ. પછી નવા વિસ્તૃત થયેલ શહેરમાં એ લોકો નાની નાની ખોલકીમાં રહે, પોતાના ઢોરને રખડતા મૂકી દે, જે શહેરમાંથી મળતો કચરો ખાઈને પેટ ભરે એમાં શી નવાઈ? થયું છે એવું કે પવિત્ર ગણાતી ‘ગાય માતા’ની રક્ષા અને સુધારણા માટે નહીં પણ વાહન વ્યવહારને અડચણ ન પડે અને શહેરી જનતાને અકસ્માત ન નડે તે ખાતર એવાં ઢોરને રખડતાં બંધ કરવા સરકાર કંઈ કરે એવી લોકોની અપેક્ષા રહે છે, જોઈએ શું થાય છે તે.
માત્ર વાર તહેવારે સાવરણો હાથમાં લીધે ‘સ્વચ્છ ભારત’નું સ્વપ્ન સાકાર નહીં થાય. તે માટે તો તમામ 1.25 કરોડ પ્રજાજનોને નાગરિક તરીકેની ફરજોનું ભાન કરાવવું પડશે અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું વ્રત લેવું પડશે ત્યારે કઇંક ઉધ્ધાર થશે.
ચાલો રાજકોટના નાગરિકો નિર્ણય કરે કે સારાયે ભારતને ઉદાહરણ મળે તેવું સ્વચ્છ શહેર બનાવીએ.
e.mail : 71abuch@gmail.com