હૈયાને દરબાર
કેટલાંક ગીતો સાંભળવાની મજા કોરસમાં જ આવે. ખાસ કરીને એ ગીત રાષ્ટ્ર ભક્તિનું, શાળા, કોલેજ, કોઈ સંસ્થા કે પ્રદેશ માટે લખાયું હોય ત્યારે એ સમૂહગાનની અસર દીર્ઘજીવી હોય છે. ગુજરાત પ્રદેશ અને ગુજરાતી ભાષા માટે પણ કેટલાંક ઉત્તમ ગીતો રચાયાં છે, જેમાં ગુજરાત મોરી મોરી રે, જય જય ગરવી ગુજરાત ગીતો લગભગ બધાને ખબર છે. ઉમાશંકર જોશીએ લખેલું માતૃભાષા સંબંધી ગીત, સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી … અદ્ભુત કવિતા છે.
ઉમાશંકર જોશીની કવિતાઓ વિશે એટલું કહી શકાય કે એમનું કાવ્યવિશ્વ અનેક ભાવવિશ્વથી ભરેલું છે. તેઓ જણાવે છે કે બાળપણમાં એક એક શબ્દ આપણે શીખીએ છીએ. તે આપણી ચેતનાને સતત ઊર્ઘ્વગામી બનાવે છે. બાળપણના એ પ્રથમ ભાષાશિક્ષણનું મૂલ્ય અપાર છે.
તુષાર શુક્લ રચિત ભાષા મારી ગુજરાતી પણ સરસ ગીત છે. આ જ પ્રકારનું એક સુંદર ગીત એટલે નમું તને હું ગુર્જરી. કવિ જયન્ત પંડ્યા લિખિત આ ગીતમાં ગુજરાત અને ગુજરાતી ભાષાના ગૌરવની વાત સરસ રીતે આલેખાઈ છે. ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, ધર્મ-કર્મ, જાતિનાં લક્ષણો વર્ણવતું આ ગીત દસેક વર્ષ પહેલાં સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કર્યું અને કોરસમાં રજૂ થયું ત્યારથી એ મન પર હાવી થઈ ગયું હતું. આ ગીતના રચયિતા તથા માતૃભાષાના ચાહક, સંવર્ધક જયન્ત પંડ્યા વિશે સાહિત્યકાર ચંદ્રકાન્ત શેઠે જણાવ્યું હતું કે, ‘જયન્તભાઈ કવિતા અને સાહિત્યના જીવ. કવિતાના શબ્દને લયાકર્ષણે ઓળખતાં કવિતાની છંદોમયી વાણીના રસ રહસ્યને પામી ગયેલા કવિ હતા.’ કવિ સુરેશ દલાલે જેમના ‘મેઘદૂત’ના સમશ્લોકી ગુજરાતી અનુવાદને ભરપૂર બિરદાવ્યો હતો એ જયન્ત પંડ્યા ભાવક્ષણોને બરાબર પકડીને શુદ્ધ ગુજરાતી સાહિત્ય સર્જન કરનાર કવિ-લેખક હતા.
આ માતૃભાષાનું જતન કરનારાઓની આખી એક પેઢી સામે આજે એક એવી જમાત પણ છે જેને ભાષા જોડે કશી લેવાદેવા નથી. એ વિશેે લખવું એટલે જરૂરી છે કે અત્યારે જ્યારે ફરીથી ગુજરાતી ભાષામાં સંગીત અને ફિલ્મ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે કેેટલાંક દૂૂષણથી દૂૂર રહેવું જરૂરી છે.
ફેસબુક ‘રાઈટર્સ’ની એક મોટી જમાત ઊભી થઈ છે. બ્લોગર્સ નહીં! એ તો થોડા સિરિયસ હોય પણ આ જે ‘પંચાતિયા’ઓ ભેગા થઈને ભાષાની ખૂનામરકી કરે છે એ જોઈને પેલું બાજીરાવ મસ્તાનીનું ગીત જ યાદ આવે, વાટ લાવલી. છેલ્લા એક જ અઠવાડિયાના ઓબ્ઝર્વેશનમાં જોયું કે સામાન્ય લોકો કેટલું ખરાબ ગુજરાતી લખે છે. એક ભાઈની પોસ્ટમાં એમણે લખ્યું, ‘ગેરેઝમાંથી પંદર દાડે ગાડી નિકાડી.’ ભાઈ પાછા ગુજરાતમાં જ રહે છે તો ય આવું ફારસ. એક બહેનની એક સૂફિયાણી પોસ્ટમાં ભાષાના એટલા બધા છબરડા (અહો આશ્ચર્યમ્) કે ના પૂછો વાત. ઉચ્ચ જ્ઞાતિનું નામ બોળ્યું કહેવાય. એમણે આ પોસ્ટ મુકી હતી, "આપડે ઘણી વખત આપડા હાથમાંથી છૂટી જતી વ્યક્તિ કે આપડી ભૂલોને પકડવા માટે ધમપછાડા કરી નાખતા હોઈએ છીએ .. એનું કારણ આપડો ઈગો ઘવાયો છે એમ જ કહી શકાય .. ભગવાન છે કે નથી એ આપડા વિશ્વાસ ઉપર આધાર રાખે છે .. પણ જો ક્યારેક આપડા જીવનની પેટર્ન જોઈએ તો કોઈક આપડને હંમેશાં સાચા માર્ગે દોરતું જ હોય છે .. એવો સમય પણ આવે છે જ્યારે આપડને આપડી ભૂલ સુધારવાનો મોકો મળતો હોય છે .. પણ એ ભૂલ ને તમે એવી વડગાડી દીધી હોય છે કે તમે એમ માનો છો કે એ ભૂલ પણ ફક્ત મારી જ છે .. અને તમે એ મોકો ચૂકી જતાં હોવ છો .. જીવન ઘણી વખત ફરી જીવવાનો મોકો આપતો જ હોય છે જે આપડા ઉપર છે કે એ મોકા ને જીવવો કે તમારા ઇગોની સાથે તમારી ભૂલોને જીવવી? આ ફકરો ’આપડ’વાણીને લીધે એટલો કઠે કે માથું ભીંતે પછાડવાનું મન થાય.
એક જણે ગીત મૂક્યું, ‘કાડજા કેરો કડકો મારો …’ ‘છોગાડા તારા’ તો બહુ જ કોમન. ‘ળ’ ને બદલે આ ‘ડ’ લખવાનું ડહાપણ ડ્હોળવાની શરૂઆત કોણ જાણે ક્યારથી શરૂ થઈ પણ નવી પેઢીના લહિયાઓ ‘ળ’ ને બદલે ‘ડ’ જ લખે છે. લહિયાઓને દર થોડા દિવસે ખરજવું થયું હોય એમ લખવાની ખૂજલી ઉપડે. પણ, ભાઇઓ અને બહેનો, લખવું ખાંડાની ધાર પર જીવવા જેવું છે, વર્બલ ડાયેરિયા નથી જ. અત્યારે તો લખવું એ જાણે સામાજિક સ્વીકૃતિ પામેલો સ્કિઝોફ્રેનિયા છે.
બોલ્શેવિક સિંગર નામના નોબલ પારિતોષિક વિજેતા લેખકે એક સ્થાને કહ્યું છે, ‘વેસ્ટ પેપર બાસ્કેટ ઈઝ અ રાઈટર્સ બેસ્ટ ફ્રેન્ડ.’ સમકાલીનના તંત્રી હસમુખ ગાંધીના હાથ નીચે જે પત્રકારોએ કામ કર્યું છે એમને આ બરાબર ખબર છે. એ હંમેશાં ’વાચકરાજા’ શબ્દ પ્રયોજતા. આજે વાચક પ્રત્યેની પ્રતિબદ્ધતા કેટલામાં છે? માર્ક ટ્વેઇનનું વાક્ય યાદ રાખજો : કોઈ તમને વળતર આપે ત્યાં સુધી મફતમાં લખવાનું ચાલુ રાખજો. જો ત્રણ વર્ષ સુધીમાં કોઈ તમને વળતર ચૂકવવા ન તૈયાર થાય તો તમારે માટે શ્રેષ્ઠ ધંધો લાકડાં કાપવાનો છે. સંગીત જેમ સાધના છે એમ લેખન પણ સાધના છે. જો કે, ક્રીએટિવ રાઈટિંગ, કમર્શિયલ રાઈટિંગ, પ્રોફેશનલ રાઈટિંગ અને ફેસબુક રાઈટિંગ તદ્દન ભિન્ન છે પણ આ નવી જે ફેસબુક જમાત ઊભી થઈ છે એ જમાતની ઓલાદો શું શીખશે ભગવાન જાણે!
અમેરિકાસ્થિત બાબુ સુથાર નામના એક ભાષાશાસ્ત્રીએ ફેસબુક પર એક કવિતા મુકી હતી એ વાંચવા જેવી છે :
ભાષાને શું વળગે ભૂર?
(એક ગુજરાતી લેખકનું અછાંદસ ગીત)
લોકો કહે છે કે અમે ભાષામાં ભૂલો કરીએ છીએ.
તો શું થઈ ગયું?
એમ તો ઈશ્વર ક્યાં ભૂલો નથી કરતો?
લોકો કહે છે કે અમને અનુસ્વાર બરાબર વાપરતાં નથી આવડતું.
શું છે આ અનુસ્વાર નામની બલા?
અમે તો ક્યાંય જોઈ નથી.
પૂરી રાખો એને વ્યાકરણની ચોપડીઓમાં.
લોકો કહે છે કે અમને હૃસ્વદીર્ઘ બરાબર વાપરતાં નથી આવડતું.
તો શું થઈ ગયું?
લોકોને સમજાય છે ને?
રસાનુભવ થાય છે ને?
લોકો Like મારે છે ને?
બાપુ અમારાં લખાણે ટાંકે છે ને?
પરિષદનાં શ્રેષ્ઠ વાર્તા કવિતામાં ચોપડામાં અમારાં લખાણ પૂજાય છે ને?
પાઠ્યપુસ્તકોમાં અમારાં લખાણો નથી આવતાં?
લોકો કહે છે કે અમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ બરાબર નથી આવડતું.
તો કાંઈ વાંધો નહીં.
અખોએ તો કહ્યું છે : ભાષાને શું વળગે ભૂર
રણમાં જીતે તે શૂર.
અમે જીતીએ છીએને?
લોકો કહે છે કે અમને poeticsની ખબર નથી.
તે ક્યાંથી હોય?
અમે પેન લઈને બેસીએ
ઝાડ પરથી પાંદડું પડે
એમાં અમને ભાતભાતનું દેખાય
પ્રિયતમાનાં સ્તન પણ દેખાય
ને પાડોશણના કેશ પણ
ને દુકાનનો ગલ્લો પણ.
આ બધી પ્રેરણાનું શું?
આ લોકોનો એક જ પ્રોબ્લેમ છે સાહેબ
એ લોકો ભાષાને જૂએ છે ને
અમારાં કપડાંને તો જોતા જ નથી.
આ સૂરવાલ
આ ઝભ્ભો
આ ઉપરની બંડી
બધાંય ય રેશમનાં
અને સાહેબ નાડું પણ રેશમનું
એ બધું તો એમને દેખાતું નથી
હવે અમે જાહેર કરીએ છીએ કે અમે સાહિત્યકાર થઈ ગયા છીએ.
જે અમારી ભાષાની ટીકા કરશે એને અમે અવળેગધેડે બેસાડીને
સાહિત્યના જગતમાંથી બહાર મોકલી દેશું.
કાવ્યશાસ્ત્ર : મુર્દાબાદ
ભાષા : મુર્દાબાદ
જોડણી : મુર્દાબાદ
વ્યાકરણ : મુર્દાબાદ
હું અને અમે
જિંદાબાદ.
− બા.સુ.
વેલ, આ તો વાત થઈ ગુજરાતી ભાષાની ખૂનામરકીની. પરંતુ, એવા પણ કેટલાક સવાયા ગુજરાતીઓ છે જે ભાષાના જતન-સંવર્ધન માટે વિદેશમાં પણ ધૂણી ધખાવીને બેઠા છે.
ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.
આ પંચશીલ સૂત્રોના પ્રણેતા વિપુલ કલ્યાણી એટલે ગુજરાતી માતૃભાષાના જતન માટે જીવતા અને જીવવાની પ્રેરણા આપતા વિદેશમાં વસતા સવાયા ગુજરાતી.
સાહિત્યની સેવા કરતા લંડન સ્થિત સાહિત્યકાર વિપુલ કલ્યાણીએ એક સ્થાને સરસ વાત કરી હતી. તેમણે લખ્યું હતું, ‘કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત અભ્યાસો પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં ૧૯૭૦ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે.’
મુંબઈમાં સાહિત્ય સંસદનું સંવર્ધન કરતાં કનુભાઈ સૂચકે એનો ફેલાવો અમેરિકા પણ કરીને ઉત્તમ કામ કર્યું છે.
મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે! માતૃભાષા આપણો વારસો છે અને તે આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. તેથી જ ડૉ. ગુણવંત શાહ કહે છે કે, માતૃભાષા એ મા છે, અંગ્રેજી માસી છે. માસી ક્યારે ય માની તોલે ના આવી શકે.
આવી માતૃભાષાનાં આ ગીત વિશે સંગીતકાર સુરેશ જોશી કહે છે, "ગુર્જરી વિશે લખાયેલાં ગીતોમાં ગીત એ રીતે જુદું પડે છે કે એમાં સમગ્ર ગુજરાતી સંસ્કૃતિનો પડઘો પડે છે. અન્ય રચનાઓ તમે વાંચી હશે તો તમે સરખામણી કરી શકશો કે આ ગીતમાં ગુજરાતીપણું, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિનો વૈભવ અભિપ્રેત છે. જયન્ત પંડ્યાની આ રચના મને મળી ત્યારે એના છંદનો ઉઘાડ મને બહુ સ્પર્શી ગયો હતો. એમાં સામૂહિક ચેતના હોવાથી ઘણી જગ્યાએ આ ગીત મેં સમૂહ ગાન તરીકે ગવડાવ્યું અને હજુ પણ સમૂહગાન તરીકે જ પ્રસ્તુત થાય છે.’
અન્ય કવિઓની રચનાઓ સાથે હકપૂર્વક બેસી શકે એવું આ ગીત છે. સાંભળવાની તમને મજા આવશે
——————————————-
સમુદ્રના તટે પટે, પ્રલંબ મારી આ ભૂમિ
જને વને ફળે ફૂલે, વિહંગ મેં હરી ભરી
અનેક વર્ણ જાતિનાં સુલક્ષણો કુલક્ષણો
નિભાવીને રહી હસી, નમું તને હું ગુર્જરી!
વનો કહીંક સાગના, અલક્ષ્ય નાદ ક્યાંકના
સિંહોની ત્રાડ ભૂમિગંધ, સંભરી બધું લઈ
અદીઠ તેજ પુણ્યવંત, લોકનું ઉરે ભરી
પીયૂષ પાન અર્પતી, નમું તને હું ગુર્જરી!
શ્રીકૃષ્ણનું વિરામ ધામ, જ્યોતિર્લિંગ શંભુનું
ચબૂતરો નૃસિંહનો, અશોક લેખ પ્રેમનો
દેવદેવી થાનકો, સજાવી ડુંગરે ખીણે
બધાંનું હીર પોષતી, નમું તને હું ગુર્જરી!
ગુરુજને કવિજને, મહાજને મળી રચી
પરંપરા અહીં રુડી, અનોખી પ્રાંત પ્રાંતથી,
સમન્વિતા પરંપરા, એ તેજ વર્તુળો બની
રહી સદા સુહાવતી, નમું તને હું ગુર્જરી!
વિરાટ વિશ્વભાગમાં, લઘુક તું રહી ભલે
પરંતુ, પ્રેમપંથની મળેલ સંપદા તને
કૃષ્ણ ઘેલી કો મીરાં, નૃસિંહ હેમચંદ્ર ને
પ્રબોધતી તું ગાંધીને, નમું તને હું ગુર્જરી!
ન સાંકડાં બને મનો, ન ચિત્ત ધ્વંસકારી હો
અમી રસેલ આંખનાં, બને કદાપિ રૂક્ષ ના
દાન પુણ્ય હેત પ્રીત, વિશ્વવ્યાપ્ત પૃથ્વીનાં
વહાવતી રહો સદા હું પ્રાર્થું માત ગુર્જરી!
• કવિ : જયન્ત પંડ્યા • સંગીતકાર : સુરેશ જોશી
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 31 ઑક્ટોબર 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=602091