= = = = જીવનની અર્થહીનતાને ઓળખી લઈએ, એનો સરળ મનથી અને ખુલ્લા દિલથી સ્વીકાર કરી લઈએ, અને જીવનની દરેક ક્ષણને અર્થ આપવાની કોશિશ કરવા માંડીએ. તે માટે આસપાસનાં ભ્રાન્ત તન્ત્રોનો વિરોધ કરીએ, વિદ્રોહ કરીએ, બલકે વિદ્રોહમૂર્તિ બનીને ખુદ્દારીભર્યું અધિકૃત – ઑથેન્ટિક – જીવન જીવીએ. = = = =
આ કોરોનાકાળમાં આજકાલ એક શબ્દ બહુ ઊછળ્યો છે – આત્મનિર્ભર. હકીકત એ છે કે કોઈ, કોઈને આત્મનિર્ભર ન કરી શકે. આત્મનિર્ભર જાતે થવાનું હોય છે. વ્યક્તિ જાતે કહી શકે કે – આઈ ઍમ સૅલ્ફરિલાયન્ટ પર્સન, હું આત્મનિર્ભર છું, પણ સાચા આત્મનિર્ભરો એવી બડાશ પણ નથી મારતા.
પણ એટલું ઊંડું કોઈ વિચારતું નથી. નહિતર ખબર પડે કે આત્મનિર્ભરતા માટે આત્મબળ અને આત્મબળ માટે આત્મનિરીક્ષણની હંમેશાં જરૂર પડે છે.
આત્મનિરીક્ષણ કરતી વ્યક્તિ ક્યારેક પોતાના આત્માને પૂછે અને આત્મા જવાબ આપે. ક્યારેક આત્મા પૂછે છે ને વ્યક્તિ જવાબ આપે. આમ, વ્યક્તિ અને આત્મા એકબીજા જોડે વાતો કરતાં હોય. એક આત્મસંવાદ રચાતો હોય. પણ એટલું લાંબું કોઈ વિચારતું નથી.
બાકી, આ મુશ્કેલ સમયમાં, જાત-અલગાવના દિવસોમાં, આત્મસંવાદની ઘણી તકો મળી શકે એમ છે. એવી ક્ષણોમાં માણસને આત્મા પૂછે – તું ત્યારે કેટલું જૂઠું બોલેલો? ને એ કબૂલે. પૂછે – તેં કેટલી છેતરપિંડીઓ કરેલી? ને એ કબૂલે. પૂછે – તેં કેટલા પ્રપંચ કરેલા? ને એ કબૂલે. પૂછે – તું ઘણું ખોખલું જીવ્યો? ને એ ડોકું ધુણાવીને 'હા' ભણે.
મોટે ભાગે આપણે સૌ એક યા બીજી રીતે ખોખલું જ જીવતાં હોઈએ છીએ. આ ખોખલા જીવનની વાતે પણ આલ્બેર કામૂ મને હંમેશાં યાદ આવે.
બીજું, આ કોરોનાકાળમાં આજકાલ લોકો ધરમકરમ, સેવા અને નીતિસદાચારની વાતો પણ બહુ ચગાવે છે. નીતિસદાચારની વાતે પણ મને આલ્બેર કામૂ હંમેશાં યાદ આવે.
કામૂ કહેતા કે નીતિસદાચાર વિનાનો માણસ સંસારમાં છોડી મૂકાયેલું બેલગામ જાનવર છે. છતાં એમણે એક વાર કહેલું – મને જો કોઈ નીતિમત્તા વિશે લખવા કહે તો લખું ખરો પણ એ પુસ્તક ૧૦૦ પાનનું હશે અને એનાં ૯૯ પાનાં કોરાં હશે ! અને એના છેલ્લા પાના પર લખીશ કે – મને આ દુનિયામાં પ્રેમ કરવા સિવાયનું એકેય જીવનકર્તવ્ય દેખાયું નથી; બાકી બધા વિશે, હું નન્નો ભણીશ.
તેમ છતાં એમણે ‘ધ મિથ ઑફ સિસિફસ’ જેવું ચિન્તનશીલ લેખન કર્યું. અલબત્ત એ સર્જનશીલ છે એટલું ચિન્તનશીલ નથી અને નીતિની એમાં ચીલાચાલુ વાતો નથી. હું જણાવું કે નીતિ એમાં કહેવાઈ નથી, સૂચવાઈ છે. વળી કામૂ કોઈ સામાન્ય મહાત્માની જેમ સમાજને નહીં, પણ વ્યક્તિને નીતિ સૂચવે છે. એ નીતિ પણ લાક્ષણિક છે.
એમના સિસિફસનું જીવન સમજવા જેવું છે. શાપને કારણે સિસિફસે રોજ ખભે શિલાને ઊંચકીને ડુંગરો ચડવાનો ને પ્હૉંચ્યા પછી ત્યાંથી શિલાને નીચે નાખી દેવાની; બીજે દિવસે પણ એમ જ કરવાનું – શિલાને ઊંચકીને ડુંગરો ચડવાનો ને પ્હૉંચ્યા પછી ત્યાંથી શિલાને નીચે નાખી દેવાની. આપણે ત્યાંની કહેવત પ્રમાણે, સિસિફસની જિન્દગીને ઘાંચીના બળદની જિન્દગી કહેવાય.
જરા વિચારીને વિચારીએ તો સમજાશે કે રોજ્જે આપણે સૌ પણ એમ જ જીવતાં હોઈએ છીએ. જિવાય ખરું પણ ટેવરૂપ, કશા નક્કર અર્થ વિનાનું જીવ્યે રાખીએ. સિસિફસનો દરેક દિવસ એવો જ અર્થહીન હતો. પણ એ અર્થહીનતાને એણે વૅંઢારી. એ કામ એણે એવી લગનથી અને એવા ખરા ભાવથી કર્યું કે શાપ વરદાન બની ગયો. જીવનનો એને કિંચિત્ અર્થ લાધ્યો. અને નૉંધપાત્ર વાત એ કે એનામાં અપૂર્વ એવી ખુદ્દારી જનમી. ફ્રૅન્ચ કવિ વાલેરીએ મશ્કરીમાં ય સિસિફસની પ્રશંસા કરેલી કે – બીજું તો ઠીક, પણ એના સ્નાયુ તો મજબૂત થયા હશે …
કામૂ વ્યક્તિને કહે છે કે – તું જીવનની અર્થહીનતાને ઓળખી લે, એનો સરળ મનથી અને ખુલ્લા દિલથી સ્વીકાર કરી લે, અને તારા જીવનની દરેક ક્ષણને અર્થ આપવાની કોશિશ કરવા માંડ. તે માટે તારી આસપાસનાં ભ્રાન્ત તન્ત્રોનો વિરોધ કર, વિદ્રોહ કર, બલકે વિદ્રોહમૂર્તિ બનીને ખુદ્દારીભર્યું અધિકૃત – ઑથેન્ટિક – જીવન જીવ.
જોવા જઈએ તો, ખુદ્દારીભર્યા અધિકૃત જીવનમાં આત્મબળ, આત્મનિર્ભરતા અને નીતિસદાચાર ત્રણેય સમાહિત હોય છે. જરા વિચારો ને, સિસિફસ આપબળે નહીં તો કોના બળે ઝઝૂમ્યો? એના જેવો આત્મનિર્ભર કોણ હોઈ શકે? એ જીવ્યો તે નીતિસદાચારીનું જીવન ન્હૉતું તો શું હતું?
લેખનો સાર એ છે કે ‘આત્મનિર્ભર’ કે ‘નીતિસદાચર’ જેવા ભારે મોટા શબ્દોથી સાવધાન રહીએ ને દરેક પળે શક્યતમ સાચકલું જીવીએ. અને, ડ્રામેટિક આયરની તો એ છે કે ઘરમાં રહેવાથી સાચકલું જીવવાનું એકદમ સરળ થઈ જાય છે, હા ! અને, ઘર બહાર નીકળીશું ત્યારે સાચકલાઈભર્યો એ જીવન-અનુભવ ખૂબ કામ આવશે. અને, કોરોના ચાલી જશે પછી આપણે બદલાયેલા તો હોવા જોઈશું ને?
કે પછી, વહી રફતાર બેઢંગી જો પહલે થા …
= = =
(May 25, 2020: Ahmedabad)