પીડિત સાથે એકાત્મતાની દિશા કેવી રીતે ખૂલે એના સંકેતો ‘મુક્તિ-વૃત્તાંત’માંથી મળે છે
હિમાંશી શેલતની હાજરી વાતાવરણને અજવાળે – મધુર લાગે કે ન લાગે પણ પ્રસન્ન અવશ્ય કરે. ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રે એમનું અર્પણ અનોખું, નારીચેતનાનાં અજાણ્યાં સૂક્ષ્મ પરિમાણો – ડાયમેન્શન્સ એમની વાર્તાઓમાં વ્યક્ત થયાં. લઘુનવલ પણ રચી. સંસ્મરણો લખવા લાગ્યાં છે, એ જાણીને પ્રશ્ન થયો – કથાલેખન માટેનો સમય ભલો અંગત લેખાંજોખાં માટે ફાળવ્યો. પછી યાદ આવ્યું. વિનોદભાઈ મેઘાણીની આકસ્મિક વિદાય પછી કંઈક ઊંડેથી એકલું લાગવા માંડ્યું હશે. અહીં જો કે મુક્તિ – નીલકંઠ નામ રાખ્યાં છે.
પ્લેટફોર્મ પરનાં અનાથ બાળકોને અને જીવોને એમનું વહાલ સાંપડ્યું છે. શબ્દ સુધી પહોંચ્યું છે. બાળપણમાં ઊંચનીચનો ભેદ કળાયો નથી. ગણિત ન આવડ્યું તો કંઈ વાંધો નહીં. આ ઉંમરે એ વિશે હસી લેવાય. સોમાંથી સાત માર્ક મેળવનાર એ ઘટનાને યાદ કરી આજે મલકાય છે: ‘દાખલા ફટાફટ ગણનારાં સહુ મને મોટાં જાદુગર લાગે. મને તો સોમાંથી રોકડા સાત મળ્યા હોય એવાયે દાખલા છે, ને અમારા શિક્ષક ભારે અચંબાથી કહે કે ખાલી રીતનાયે છેવટે દસ માર્ક તો મળે, તો આ સાત જ શી રીતે આવ્યા?
એક કામ આટલા સમયમાં કરવામાં અમુક અમુક સંખ્યામાં માણસો જોઈએ તો બીજું કામ તેટલા સમયમાં પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે? તેવા કોઈ વિચિત્ર દાખલાના જવાબમાં સાડા પંદર કે એવો કશો ગજબનો ધડાકો કરીને મેં મારા ગણિતના શિક્ષકને હતાશાની ઊંડી ખીણમાં ધકેલી દીધા હતા, એ યાદ આવતાંની સાથે આજે ય મલકી પડું છું.’ (પૃ. 5, મુક્તિ-વૃત્તાંત)
અહીં હિમાંશીના વિકલ્પે મુક્તિ છે. શૈશવનાં સ્મરણોનાં ચિત્રો સુરેખ શિલ્પો છે. મકાન જીર્ણ હોય કે કલાસભર, સાતેય રંગમાં પ્રગટ થાય છે. પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ બિલાડીઓના સ્મરણથી છલકાઈ આવે છે. લખે છે: ‘હવે આ કયું ખેંચાણ હશે તે હું આજ લગી નથી પામી શકી. હતું અને છે એ સર્વથા નિરપેક્ષ આકર્ષણ. આ પ્રેમનું જ લક્ષણ, સ્વાર્થ વિનાનું વારી જવાનું, અને વરસી પડવાનું. ઉત્તમ સમય એ પ્રિય પાત્રો સાથે ગાળવાનો … સાવ મળસ્કે મારી બિલાડીઓ પૂરા ભરોસાથી મને જગાડી શકે, પેટ પર બેસીને ટગરટગર જોઈ શકે, ગાલ જોડે ગાલ ઘસી શકે. મને એનો ભરોસો ગમે છે. મને એ કેટલી વહાલી છે એ કહેવાની જરૂર નથી પડતી. એ તમામને એની ખબર છે.’ (પૃ. 7)
બાળપણમાં માણસની ક્રૂરતા જોઈને ચીસો પાડી છે. પતિનો માર ખાતાં ભાણીબેન રસ્તા પર જેટલી ચીસો પાડે છે, એટલી જ ચીસો આ બાળકી બારીથી જોતાં જોતાં પાડે છે. દાદાજી અને બાપુજી ભાણીબેનને છોડાવે છે. પછી પતિ-પત્ની એ જ છાપરા નીચે રહેવાનાં છે. અહીં લેખિકાને આવાં દૃશ્યો દ્વારા વર્તમાન અને ભાવિ સમાજનું દર્શન લાધે છે: ‘જે દુનિયામાં બાકીનાં વર્ષો ગાળવાનાં છે એ સંપૂર્ણ સલામત, સુંદર અને પ્રેમભર્યું સ્થાન નથી એ કાચીપાકી સમજનું બીજ એ રાતે રોપાયું હશે.’ (પૃ. 9)
દાદાજી ઉમરેઠના બ્રાહ્મણ – કાલિદાસ શેલત. પત્રકાર થયેલા. પછી સુરત. ઘરની મોટર ખરી પણ ભાઈ સાથે ‘જીવનભારતી’માં ચાલતાં જ જતાં. દાદાજીને કારણે ‘ઘેર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હો ય તોય ફોટા ન પડે. ન કશી જાહેરાત. આવો પણ એક યુગ હતો.’ (પૃ.18)
હિમાંશીબહેનના વ્યક્તિત્વમાં જે સાત્ત્વિક લક્ષણો વરતાય છે, એમાંનું એક છે પરગજુપણું. એને પરિવારનું પોષણ મળ્યું લાગે છે. એક પ્રસંગ રજૂઆતની સાદગી માણવા પણ નોંધવા જેવો છે: ‘દસેક વરસની હતી ત્યારે મારાથી ચારેક વર્ષ મોટી પાર્વતી નામની એક છોકરી એની માને મદદ કરવા અમારે ઘેર આવતી. મૂળ રાજસ્થાનનું કુટુંબ, અને એકાદ બે વરસ પછી એને પરણાવી દેવાની હતી, એટલે જેટલું ભણી એટલું બહુ છે એવું માની લેવાયેલું. હું નવરી હોઉં અને રવિવાર કે રજાનો દિવસ હોય તો ચોકડીમાં એની જોડે વાસણ માંજવા બેસી જાઉં. બપોરે બધાં આરામ કરતાં હોય એટલે મને ટોકવા માટે હાજરી કોઈની નહીં. બહેનપણીની જેમ ગપ્પાં મારતાં અમે વાસણ સાફ કરીએ. પાર્વતીની આંખે રાજસ્થાન જોવાની મને મોજ પડતી.
એની રહેણીકરણીનું ચિત્ર મને બહુ રોમાંચક લાગતું. પાર્વતી એકલી એકલી વાસણ માંજે એ મને નહોતું ગમતું. એટલે કામનું કામ અને સાથનો સાથ. આવી સાદી સમજ સાથે હું બપોરે આ કામ કોઈને ખબર ન પડે એમ કરતી. રસોડામાં કોઈ આવે ત્યારે હાથ ધોઈને વાતમાં લાગી જતી. જો કે બાને જ્યારે મારી આ પ્રવૃત્તિની ખબર પડી તો એણે કહી દીધું કે કામ કરવામાં સંકોચ શા માટે, અને વાસણ સાફ કરવાં એમાં ખોટુંયે શું! પાર્વતીને મદદ થાય એ તો વળી એકદમ સારી વાત.’ (પૃ. 13)
કુટુંબીજનોને આમાં ગુણ દેખાયો, એ વલણે ઘડતરનું કામ કર્યું. સર્વ કળાઓમાં રસ. સુરત અને ઉમરેઠનાં સ્થળોનું પ્રત્યક્ષ થવું. સ્વજનો, સખીઓ, અને પછી કહે છે – ‘ઉદ્વેગ અને ઉકળાટનો પ્રારંભ થયો સમજણ આવ્યા પછી.’ (પૃ. 55)
કુટુંબજીવનના સંબંધોમાં ક્યાંક સંકુલતા વરતાઈ તો એ વિશે પણ લખ્યું છે. એકવીસમાં વર્ષે કૉલેજમાં અધ્યાપકની નોકરી મળી. ‘લગ્ન તો કરવાં નહોતાં’ એ વખતનો ખ્યાલ. પરિવારથી સ્વતંત્ર રહેવું, રેલવે સ્ટેશનનું જીવન દેખાવું, ‘વણકથી પીડાઓથી ઘેરાયેલી સ્ત્રીઓ સાથે, મારે જરાતરા જોડાવાનું આવ્યું.’ (પૃ. 61)
‘અંગ્રેજીનું અધ્યાપન, 1994માં માનવસર્જિત આપત્તિકાળમાં જનસમુદાયનો વરવો ચહેરો જોવાનું આવી પડ્યું.’ (પૃ. 70)
કલાની સજ્જતા સાથે સહન કરતા મનુષ્ય માટે કરુણા જ નહિ, એકાત્મતાની દિશા કેવી રીતે ખૂલે એના સંકેતો ‘મુક્તિ-વૃત્તાંત’ના વાચન દરમિયાન મળશે. એમનું વલસાડ-અબ્રામાનું દામ્પત્યજીવન. ‘જીવનને આવરી લેતા આત્મીય સંબંધનો અંત એટલે કપરામાં કપરો ગાળો.’ (પૃ. 123)
પુસ્તકના અંતે રવીન્દ્રનાથની પંક્તિઓ છે: ‘થાય છે કે જવાના દિવસે આ વાત કહી જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી.’
સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 13 માર્ચ 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-sahitya-vishesh-by-raghuvir-chaudhari-in-sunday-bhaskar-5272659-NOR.html