પચીસમી ડિસેમ્બરનું વડાપ્રધાન મોદીનું લખપત વક્તવ્ય સાંભળ્યું તમે? જેમ તે પૂર્વે કાશીમાં તેમ અહીં કચ્છમાં પણ એમણે હજુ ‘ઔરંગઝેબ’ સામેનું જુધ્ધ ચાલુ છે, એ મુદ્દો કર્યો. ગુરુ નાનકે મક્કા જતાં જ્યાં રોકાણ કરેલું તે લખપતમાં એમણે હિંદુમુસ્લિમ સમન્વયનો મહિમા કરવા કરતાં ઓરંગઝેબનાં વરસો પસંદ કરવાનું નક્કી કર્યું એ સૂચક છે એમ જરૂર કહી શકાય. પણ ખરી વાત તો એ છે કે આ પ્રકારના ઉલ્લેખો એમનો ચિરરાબેતો છે. એમાં પણ ખાસ કરીને ૨૦૨૨નું વરસ ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોનું ચૂંટણીવરસ છે ત્યારે તો હિંદુમુસ્લિમ ધ્રુવીકૃત કોમી ચશ્મે જોવુંચીતરવું એ એમને સારુ કદાચ તકાજો પણ હશે. સબકા સાથ, સબકા વિકાસ જેવાં સૂત્રો ઉછાળતાં ઉછાળ્યાં હશે, પણ સ્થાયી રાગ તો પેલો અને પેલો જ, બોલ્યે અગર વણબોલ્યે.
તેગબહાદુર અને ગોવિંદસિંહ, બેઉ સન્માન્ય ગુરુઓના કાળમાં બાદશાહત સાથે બલિદાની ટકરાવ ખસૂસ છે. પણ શીખ ઘટનાને તમારે તેટલા પૂરતી જ જોવી છે? સમાનતા ભણી જે જદ્દોજહદ આ ઘટનામાં હતી એમાં તે સમયની હિંદુ સામંતી ઠકરાતો સાથે પણ ગોવિંદસિંહને ટકરાવના પ્રસંગો તો આવ્યા જ હતા, કેમ કે હિંદુ રાજાઓને જડબેસલાખ નાતજાતગત ઊંચનીચના ખયાલ પર શીખ ઘટનામાં સીધો ભય વરતાતો હતો.
આજનો સમય બંધારણીય લોકશાહી અને પ્રજાસત્તાક સ્વરાજનો છે. એમાં જૂના ઇતિહાસ પરત્વે ખંડદર્શન અને કાલવ્યુત્ક્રમની રીતે રાજનીતિ ખેલવી એ નાસમજ છે … અને એમાં પણ નફરતની ખેતી ! બેલાશક, આ વિશે ઝાઝું નહીં કહેતાં એટલું જ કહીશું કે મામલો છેવટે તો હોર્મોન્સ ને જિન્સનો છે; અને સામી ચૂંટણીએ કોમી ધ્રુવીકૃત જાતકમાઈ સારુ તે ઉપયોગી પણ છે. પ્રશ્ન, છેવટે તો, ટૂંકનજરી રાષ્ટ્રવાદની એવી જ ટૂંકનજરી ટિકિટબારીનો છે.
વડા પ્રધાનના વક્તવ્યને તમે એ રીતે જુઓ કે એમાં એ બધી જ સામગ્રી છે જેને યોગી આદિત્યનાથ મુખરપણે મૂકી આપે છે. તે પછી યતિ નરસિંહદાસની હરદ્વાર તકરીર એનું સ્વાભાવિક વિસ્તરણ બની રહે છે. કથિત ધર્મસંસદમાં તમને કહેવામાં આવે છે કે હિંદુરાષ્ટ્રને સારુ લડવા, મરવા ને મારવા તૈયાર રહો. હિંદુ માત્રે હથિયાર ધારણ કરી ‘એમને’ ખતમ કરવાના છે. એક એવું ‘સફાઈ અભિયાન’ ચલાવવાનું છે જેવું મ્યાંમારમાં ચાલ્યું હતું. આ તરેહની સંહારસત્રી ભાષા વિશે કેટલાક ધૂર્ત વ્યૂહકારો અને સવિશેષ તો સરળભોળા બચાવકારો કહેતા હોય છે કે આવું બધું કહેનારા થોડા હાંસિયા પરના લોકો જ છે. પણ તમે તપાસો તો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અને દેશના પ્રધાન મંત્રીમાં લગભગ એ જ ખાણદાણ પડેલું માલૂમ પડશે.
હિંદુ ધર્મ અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા વચ્ચે વિવેક કેળવવાની કોશિશ આજકાલ રાહુલ ગાંધી કરી રહ્યા છે. (જો કે ગુજરાતની ચૂંટણી વખતે એમને મંદિર મંદિર ભટકતા જનોઈધારી રૂપે પ્રોજેક્ટ કરાયા એ પણ વિતૃષ્ણા જગવતી બીના હતી.) ધર્મ અને રાજકીય વિચારધારા વચ્ચેનો તફાવત સમજવો નાગરિકને પક્ષે ચોક્કસ જ જરૂરી છે. પણ પોતે આ બે વચ્ચે ભેદ કરે છે એ દર્શાવવા ટીલાંટપકાંની રીતે દાખડો કરવાની જરૂરત શા વાસ્તે હોવી જોઈએ? મતદારો જો આમ જ ખેંચાવાના હોય કે એમને આમ જ ખેંચવાના હોય તો એનો અર્થ એ જ થયો ને કે મત માંગનારાઓ મતઘડતરની જવાબદારી અદા કરવા માંગતા નથી.
આવે વખતે, જેમ આપણે જેપી આંદોલનના વારામાં જોયું હતું તેમ તટસ્થપણે વિચારી શકતા લોકોએ સક્રિય દરમ્યાનગીરી કરવી રહે છે. આવી દરમ્યાનગીરી એક પા જો દુરિત રાજવટનાં બળોને ખાળી અને કિંચિત્ સંસ્કારી પણ શકે, તો બીજી પા વિપક્ષને સારુ તે કંઈક સુવાણ પણ સરજે એવું બને. કમનસીબ અને કરપીણ કારુણિકા એ છે કે આ સુવાણના તે દિવસોના લાભાર્થીઓ આજે તે વખતની દુરિત રાજવટના નવા નાદર નમૂના લેખે આપણી સામે આવ્યાં છે. જે પ્રજાકીય બળોની સક્રિય દરમ્યાનગીરીથી ત્યારે કંઈક નવરચના શક્ય બની હતી તે પ્રકારનાં પરિબળોમાં હાલની રાજવટ અને તેની પાંખ ને પનાહ તળે કાર્યરત લુમ્પન તત્ત્વોને શત્રુ દેખાય છે. દેશના વડા સુરક્ષા સલાહકાર અજિત દોવલે સિવિલ સોસાયટીને જે રીતે શત્રુવત્ ચીતરી છે તે પછી કદાચ કશું જ ઉમેરવાનું રહેતું નથી.
નહીં કે ૨૦૨૨માં પ્રવેશતાં વિપક્ષો કોઈ મોટી આશા પ્રેરે છે, પણ વડો સત્તાપક્ષ ધોરણસર પેશ આવ્યો નથી એ વાસ્તવ વિશે બોલવામાં કોઈ ટીના ફૅક્ટર – ધેર ઈઝ નો ઑલ્ટરનેટિવ ફૅક્ટર – આડું ન આવવું જોઈએ. ૨૦૨૨માં પ્રવેશતાં કહેવાનું બીજું પણ ઠીકઠીક છે, પણ હમણાં તો આટલું જ સવાલ, છેવટે તો, સમજનો અને એ સમજને સક્રિયતામાં ફેરવવાનો છે.
ડિસેમ્બર ૨૯, ૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 01 તેમ જ 04