પરમપૂજ્ય, ખૂબ વહાલા બાપુ,

સોનલ પરીખ
તમારી દીકરી તો ગણાઉં, છતાં તમને પત્ર લખવાની ક્યારે ય હિંમત કરત નહીં. પણ તમે તો જાણતા જ હશો કે આપણાં સેજલબહેને મને આ કામ સોંપ્યું છે, તેથી લખું છું.
શું? લખવાની હિંમત કેમ કરતી નહોતી? બાપુ, મારું સીધું સાદું જીવન, સીધાસાદા વિચાર અને સીધાંસાદાં સુખદુ:ખ – બધું નાનુંનાનું. તમને એની વાતો કરી ખલેલ ક્યાં પહોંચાડવી? તમારે કેટલી મહાકાય સમસ્યાઓ પર વિચારવાનું ને કામ કરવાનું હોય!
અને બીજું, હું જ નહીં, તમારા પુત્રોથી માંડી આજ સુધીના તમારા તમામ વંશજો તમારા પર ‘અમારા બાપુ’ એવો હક કરી શકતા નથી. કેમ કે તમારા પરિવારની સીમા અમે નક્કી કરી શકતા નથી. તમારા વાત્સલ્યના પરિઘમાં આવ્યા હોય એ સૌ તમારો પરિવાર ગણાય, અને તમારું વાત્સલ્ય તો દેશની સીમાઓને પણ ઓળંગી ગયું છે, વિશ્વના ખૂણેખૂણે પહોંચ્યું છે અને વંચિતોથી માંડી વિરોધીઓ સુધી વિસ્તર્યું છે. અમે આ સમજીએ એટલે તમે અમારા આગવા છો એવો દાવો અમે કોઈ કરતા નથી. એવું અમારે કરાય નહીં. પણ સૌની સાથે અમને વંશજોને પણ તમે ચાહ્યા તો છે જ. એવા ચાહ્યા છે કે આજની અમારી પાંચમી-છઠ્ઠી-સાતમી પેઢી પણ એ વાત્સલ્યવારસો અમારામાં ધબકતો હોવાનું અનુભવે.
પણ પરિવારપ્રેમ એટલે પુત્રપુત્રીઓને અપાયેલી તકો કે હોદ્દા-સત્તા કે એમના નામે બોલતી મિલકત એવું પ્રચલિત સમીકરણ તો ગાંધીપરિવારને બંધ બેસે નહીં. અમારા પૂર્વજ પિતામહ મોહનદાસ ગાંધી પાસે ન કોઈ ઘર હતું, ન બેંકમાં ખાતું. મૃત્યુ પછી એમની અંગત સંપત્તિમાં ચશ્માં, લાકડી, ચાખડી, ગીતા, લાકડાનો વાટકો એવી દસબાર ચીજો જ હતી. બાપુ, તમારી આ ભવ્ય અનાસક્તિનું અમને ખૂબ ગૌરવ છે અને અમે એને લાયક બનવા પ્રયત્નશીલ છીએ.
તમારા ચારે પુત્રો અને એમના અમે બધાં વંશજો મહાપુરુષના વારસદારો હોવાની કોઈ સભાનતા વિના દેશના લાખો લોકોની જેમ જ ઉછર્યાં, જીવ્યાં અને પોતપોતાના હિસ્સે આવેલો સંઘર્ષ સ્વીકારી જ્યાં હોઈએ ત્યાં શાંતિથી કોઈ ને કોઈ બૌદ્ધિક, સર્જનાત્મક, અર્થપૂર્ણ કામ કરતાં રહ્યાં. ‘ગાંધીજીના વંશજો’ તરીકેની ઓળખનું નમ્ર ગૌરવ અમને ચોક્કસ છે અને તમારી સ્વાતંત્ર્યપ્રિયતા, સત્યનિષ્ઠા, અહિંસા, નિર્ભયતા થોડી થોડી અમારામાં જીવે પણ છે; પણ અમે તમારા નામનો કદી કોઈ લાભ લીધો નથી.
મને ખબર છે, દક્ષિણ આફ્રિકાની કમાણીમાંથી તમે ભાઈને નિયમિત પૈસા મોકલી એમણે તમારા ઈંગ્લેન્ડના ભણતર માટે કરેલા ખર્ચ અને દેવાની રકમથી ઘણું વધારે મોકલી આપ્યું હતું. ભત્રીજા છગનલાલ-મગનલાલને પોતાની સાથે દક્ષિણ આફ્રિકા લઈ ગયા અને ઘડ્યા. ભારત પાછા ફર્યા ત્યારે તમે દક્ષિણ આફ્રિકામાં જે કંઈ કમાયા હતા તેનું ટ્રસ્ટ કરી જાહેર કામોમાં એનો ઉપયોગ થાય તેવી ગોઠવણ કરી હળવાફૂલ અસ્તિત્વ સાથે ભારત આવ્યા. બાપદાદાની મિલકતની વહેંચણી થઈ ત્યારે તમે બધાં સગાંસંબંધીઓને બોલાવીને કહ્યું, ‘મને મળેલી પૈતૃક સંપત્તિ હું તમને બધાને આપી દઉં છું’ અને પોતાની અને ચારે પુત્રોની સહી સાથેનું ત્યાગપત્ર પણ લખીને આપી દીધું.
રામદાસકાકાના પુસ્તક ‘સંસ્મરણો’ની પ્રસ્તાવનામાં કાકા કાલેલકરે લખ્યું છે કે તમારા દીકરાઓને તમારા વિચારો અને સંસ્કારિતાનો પૂરો લાભ મળ્યો હતો. એમણે એમ પણ લખ્યું છે કે તમારા આગ્રહોને કારણે તેમને ઘણું વેઠવું પણ પડ્યું હતું. રામદાસકાકાએ લખ્યું છે, ‘બાપુએ પોતાનું બધું દેશને અર્પણ કર્યું હતું અને બાળકો કે પત્ની માટે સંપત્તિ રાખવી એમાં એમને ઈશ્વરશ્રદ્ધામાં કમી દેખાતી હતી. બાપુએ દીકરાઓની ઔપચારિક કેળવણીની ઉપેક્ષા કરી હતી પણ એમનામાં સેવાભાવ, સાદાઈ અને નૈતિક ઉન્નતિ વિશેનો આગ્રહ સારા પ્રમાણમાં કેળવી શક્યા હતા.’
વિચારું છું કે ગાંધી ખાનદાન રાજદ્વારી મહત્ત્વને લીધે ઘણું આગળ આવેલું એટલે એક જાતની જવાબદારીનો સતત અનુભવ અને ગાંધીજીના સમાનતાના આદર્શને કારણે કમાણી અને નોકરી માટેનો પ્રયત્ન સામાન્ય માણસના ક્ષેત્રોમાં કરવાનો – આ ખેંચતાણ તમારા ચારે પુત્રોએ ખૂબ અનુભવી હશે. હરિલાલદાદા (મારાં દાદી રામીબાના પિતા) તો એ કસોટીમાં અત્યંત તવાયા અને ગવાયા પણ.
રામદાસકાકા લખે છે, ‘ઘણાને લાગે છે કે બાપુ દેશના જ નહીં, વિશ્વના બન્યા એટલે કુટુંબ પર ધ્યાન નહીં આપી શક્યા હોય, પણ બાપુની એ વિશેષતા હતી કે વિશ્વપરિવારના હોવા છતાં પોતાનાંઓનાં સુખદુ:ખમાં પણ હંમેશાં સહાયક રહ્યા જ છે.’ ‘પણ બાપુનો પ્રેમ ધાકયુક્ત લાગતો. વખતે બાપુ દુ:ખી થશે કે ઉપવાસ કરશે એ બીક રહ્યા કરતી.’
1904માં બા સાથે આફ્રિકા જતાં સ્ટીમરમાં સાતેક વર્ષના રામદાસકાકાનો હાથ ભાંગ્યો. સ્ટીમરમાં પ્રાથમિક સારવાર આપીને ડૉક્ટરે કહ્યું કે ઓપરેશનનો કેસ છે. ડેલાગોઆબે બંદરે ઊતરીને જોહાનિસબર્ગ જવા માટે ટ્રેનમાં બેઠા ત્યારે બારી પડવાથી અગિયાર વર્ષના મણિલાલકાકાનો અંગૂઠો છુંદાયો. તમને જોઈને બંનેની આંખ ભીની થઈ અને હિંમત પણ આવી. તમે ઘવાયેલા પુત્રોને પડખામાં લીધા અને કાળજીપૂર્વક માટીના ઉપચારથી સાજા કર્યા. ઓપરેશન કરવું પડ્યું નહીં. પાણીના ઉપચારથી તમે મુંબઈમાં પણ મણિલાલકાકાનો તાવ ઉતારેલો. તાવ સખત હતો, કાબૂમાં આવતો નહોતો. તમે ચિંતિત હતા પણ બાએ તમારા ઉપચારમાં પૂરી શ્રદ્ધા રાખી હતી. રામદાસકાકામાં તમારો માંદાની સેવા કરવાનો સ્વભાવ ઊતરી આવ્યો હતો તે તમને ખૂબ ગમતું હશે.
સ્ત્રીઓ પ્રત્યે તમને પુષ્કળ અને સૌહાર્દભર્યો આદર હતો. બા સાથેના તમારા સંબંધોમાં પિતૃસત્તાકતાની છાંટ ઓછી નથી, પણ પુષ્કળ પ્રેમ અને કાળજી ઉપરાંત પ્રસન્ન રમતિયાળપણું અને મૈત્રીભાવ પણ ભારોભાર દેખાય છે. બા દક્ષિણ આફ્રિકાની જેલમાંથી હાડકાનો માળો થઈ બહાર નીકળ્યાં ને જીવલેણ માંદગીમાં સપડાયાં. એમને બાળકની જેમ બે હાથમાં ઊંચકી તમે સવારે સૂર્યના કુમળા તડકામાં ખાટલા પર સુવાડતા અને જેમ તડકો વધતો જાય તેમ ખાટલો આઘોપાછો કરતા. પછી સાંજે પાછા ઊંચકીને ઘરમાં લઈ જતા. આમ આખો દિવસ ખુલ્લા પ્રકાશનો લાભ આપતા. પોતે જ ચિકિત્સા કરતા અને લીમડાનો રસ, પાકાં કેળાંનો છૂંદો, કાચાં કેળાંના લોટમાં મગફળીનો ભૂકો નાખી એમાંથી ધીમે તાપે શેકીને બનાવેલી ચાનકી આવું બધું તૈયાર કરી ખવડાવતા. થોડા વખતમાં બાનું ખોવાયેલું નિરામય સૌંદર્ય પાછું આવ્યું. એ દિવસોમાં હું તમારી પાસે હોત તો કેવો સુંદર અને ધન્યતાભર્યો અનુભવ પામત!
તમે બાને પુષ્કળ પત્રો લખ્યા છે અને એમાંના મોટા ભાગના પ્રસિદ્ધ થયા છે એટલે અમે અને સૌએ વાંચ્યા છે. બા ત્રંબા જેલમાં હતા, તમારી બંનેની સિત્તેર વર્ષની ઉંમર. બાની તબિયત નરમગરમ રહેતી. તમે રોજ બાને પત્ર લખતા. બાના મૃત્યુ પછી તમે કહેલા શબ્દો અમર થઈ ગયા છે. તમે કહેલું, ‘અમે અસાધારણ દંપતી હતાં … તે સાચે જ મારું શુભતર અર્ધાંગ હતી.’ અંગ્રેજી ‘બેટર હાફ’નો ‘શુભતર અર્ધાંગ’ એવો પર્યાય તમારા સિવાય કોણ આપી શકે? અને એમ પણ લખેલું કે ‘ધાર્યા કરતાં મને મોટી ખોટ પડી છે.’ હોરેસ ઍલેકઝાન્ડરે લખેલું તે યાદ આવે છે, ‘બા અને બાપુ એક ઘરમાં હોય, પાસે પાસેના ઓરડામાં હોય, કશું ખાસ એકમેક સાથે બોલે નહીં, પણ આપણને આખો વખત લાગ્યા કરે કે બંને એકમેકને ઊંડે ઊંડે ખૂબ સમજે છે.’
તમારે એક જ બહેન હતાં – અમારાં રળિયાતફોઈ. ફોઈ શ્રીમંત અને પ્રતિષ્ઠિત કુટુંબમાં પરણેલાં. ધર્મમય, ઉદ્યોગપરાયણ અને સાદું જીવન જીવતાં. વૃંદાવનદાસફુઆ બીમાર પડ્યા ત્યારે તમે તેમની ખૂબ સેવા કરી હતી, પણ તેઓ બચ્યાં નહીં. તમે પછી ફૈબાને કોચરબ આશ્રમમાં લઈ આવ્યા. આશ્રમમાં હરિજન કુટુંબ રહેવા આવ્યું એથી ફૈબા બહુ વ્યથિત થયાં. એમણે ફળાહારની ને પછી અલગ રસોડું કરવા દેવાની માગણી કરી ત્યારે તમે કડક થઈને કહ્યું, ‘આશ્રમને રસોડે જે બને તે ભેદભાવ વગર ખાવું હોય તો જ હું તમને આશ્રમમાં રાખી શકું.’ અને ફૈબા રાજકોટ ચાલ્યા ગયાં તો જવા દીધાં. પણ એથી પરસ્પર આદર-પ્રેમ ઘટ્યાં નહીં. જ્યારે મળવાનું થાય ત્યારે તમે એમને પગે લાગતા, ફૈબા તમારા માથે હાથ મૂકતાં અને તમારી બંનેની આંખો આર્દ્ર બનતી, એ દૃશ્ય હું કલ્પી શકું છું.
પુત્રવધૂઓને તમે દીકરીઓ જેટલું ચાહતા, કેળવતા. તમે પુત્રવધૂઓને લખેલા પત્રોનું સંપાદન મારાં નીલમફોઈએ કર્યું છે, ‘જ્યાં રહો ત્યાં મહેકતાં રહો’. એમાં કેટલો નિર્મળ સ્નેહ અને કેવી ઝીણીઝીણી કાળજી છલકે છે! જાણે મા દીકરીઓનું કુશળક્ષેમ ન પૂછતી હોય!
રામદાસકાકા દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તમે નિર્મળાકાકીને બનારસ ગુરુકુળમાં ભણવા મૂક્યાં. કાકીએ શિક્ષણ સરસ રીતે ગ્રહણ કર્યું. ત્યાર પછી રામદાસકાકા-નિર્મળાકાકી વચ્ચે સંતાનોના શિક્ષણ બાબત કોઈ મતભેદ થતો તો તમે નિર્મળાકાકીને જ નિર્ણય લેવા કહેતા.
દીકરાઓનાં સંતાનો વખતોવખત દાદા-દાદી પાસે રહેતાં અને તમે અને બા ખૂબ પ્રેમથી એમને રાખતાં. સમય મળતો ત્યારે તમે બ્રિટિશ સરકારની ને દેશની ચિંતાઓ બાજુએ મૂકી પૌત્રપૌત્રીઓ સાથે રમતા, ખૂબ હસતા-હસાવતા અને ‘રસિકલાલ હરિલાલ મોહનદાસ ગાંધી, બકરીને બેઠા બાંધી, બકરી ન દે દોવા, ગાંધી બેઠા રોવા’ જેવા મજાનાં જોડકણાં રચતા અને ગાતા. તમારા વિચારો જાણતાં બા એવાં અપરિગ્રહી બન્યાં કે આશ્રમમાં એમની પેટી સૌથી નાની રહેતી અને દીકરાઓ ને એમનાં સંતાનો આવે ત્યારે પોતાનું બિલ આશ્રમને ચૂકવી દેતા, ત્યારે તમે ખૂબ આનંદ પામતા.
રામદાસકાકા નાગપુર રહેતા ત્યારે તમે નિયમિત આશ્રમનાં તાજાં શાકભાજી એમને મોકલતા – અલબત્ત, બિલ સાથે – અને હસતા, ‘આશ્રમને આવક થાય ને?’ શિક્ષણ મામલે પુત્રોનો અસંતોષ અનુભવ્યા પછી પૌત્રપૌત્રીઓના શિક્ષણનો નિર્ણય તમે એમનાં માતાપિતા પર જ છોડ્યો હતો. તમારા આગ્રહોથી એમને મુક્ત રાખ્યા હતા.
તમને જાલિમ પતિ કે કઠોર પિતા ચીતરવાની ઘણાને મઝા પડે છે. તમારા જેવા નિત્યવિકાસશીલ, સિદ્ધાંતપ્રિય અને દેશ માટે મોટા ભોગ આપવા ને અપાવવા તત્પર એવા મહાપુરુષની સાથે જીવવું ઘણું કપરું હોય છે એ ખરું છે, પણ એથી તમારી કુટુંબવત્સલતાને અવગણી તો ન શકાય.
બાપુ, હમણાં હમણાંથી તમારી ટીકા કરવાનું બહુ ચાલે છે. આને કારણે જે થોડા ગાંધીવાદીઓ હવે રહ્યા છે એ બહુ દુઃખી થઈ જાય છે, પણ મને લાગે છે કે તમે તો એમની વાતો પર ખૂબ હસતા હશો. ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ એવું કહીને તમે અમને સૌને ઘણા મુશ્કેલીમાં મૂકી દીધા છે. આવું અઘરું લેસન આપનાર બીજો કોઈ માસ્તર હજી આ દેશે જોયો નથી. બાપુ, તમારા જમાનામાં ય સાચું બોલવાનું અઘરું તો હશે જ; પણ, અત્યારે તો બહુ જ અઘરું છે. સત્યના પ્રયોગો આકરા પડી જાય છે. છતાં સમજાય છે કે એ જ સાચો માર્ગ છે. કવિ કરસનદાસ માણેક કહે છે તે યાદ આવે છે, ‘સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે; ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે!
કવિતાની વાત નીકળી છે ત્યારે કે. સચ્ચિદાનંદ નામના દક્ષિણના કવિનું એક કાવ્ય ટાંકવાનું મન થાય છે, શીર્ષક છે ‘કવિતા અને બાપુ’
એક દિ’ એક કૃશ કાવ્ય પહોંચ્યું ગાંધી આશ્રમે
નજરે એમને નિહાળવા
બાપુ તો કાંતી રહ્યા’તા દોરો રામ ભણી લંબાવતા –
ક્યાંથી દેખાય એમને કાવ્ય ઊભું જે બારણે વાટ જોતું,
નથી પોતે ભજન એ ખ્યાલે ઝંખવાતું.
ખોંખારો ખાધો કાવ્યે
ને જોયું બાપુએ આડી નજરે
‘કાંત્યું છે કદી તેં?’ પૂછ્યું બાપુએ
‘ક્યારેય મેલાં ઉપાડ્યાં છે માથે?’
‘ખાધો છે ધુમાડો વહેલી પરોઢના ચૂલાનો?’
‘ભૂખમરો વેઠયો છે કદી?’
કાવ્ય કહે, ‘જન્મ તો મારો થયો હતો જંગલમાં,
ને ઉછેર માછીમારના ઝૂંપડે, પણ મને કોઈ કામ ન આવડે
હું તો બસ ગાઉં. ગાયું હતું રાજદરબારોમાં
ત્યારે હતું હું મદમસ્ત, સૌંદર્યપૂંજ;
પણ હવે રઝળું છું ગલીઓમાં, ભૂખે ચોડવાતું.’
‘સારું થયું.’ બાપુએ સ્મિત વેર્યું, ‘જો, મૂકી દેજે
આ ટેવ ઘડીઘડી અઘરું બોલવાની.
જા ખેતરમાં ને સાંભળ કોસ હાંકનારના દૂહા.’
કાવ્ય તો થઈ ગયું ધાનનો દાણો
ખેતરમાં હજી એ રાહ જુએ છે, ક્યારે ખેડુ આવે
ને તાજે છાંટણે ભીંજાયેલી કોરી ધરતીને ખેડે …
તમે ભારત આવ્યા એની પણ પહેલાં 1913માં લલિતજી – જન્મશંકર બુચે લખેલું, ‘ગાંધી તું હો સુકાની રે …’ સ્વતંત્રતા પછી અમે રૂપિયાની નોટ પર તમને ચોંટાડ્યા ને દીવાલો પર છબીરૂપે લટકાવ્યા. આજનો કવિ લખે છે, ‘ગાંધી તમે હવે બધાને નડવા લાગ્યા, સત્ય અહિંસાનાં વચનો તો હવે કડવા લાગ્યા’.
આવા છીએ બાપુ, અમે તમારા વારસદારો. અમને આશીર્વાદ આપો કે વગર મહેનતે વારસદાર બની ગયેલા અમે ભારતવાસીઓ તમારા ઉત્તરાધિકારી બનવા સક્ષમ થઈએ ….
— તમારી દીકરી સોનલ
e.mail : sonalparikh1000@gmail.com
સૌજન્ય : “પ્રબુદ્ધ જીવન”, ઑક્ટોબર 2023; પૃ. 09-11