અમેરિકાના પ્રમુખની જેમ ભારતના વડા પ્રધાન બંધારણીય રાહે આપખુદ બની શકતા નથી
‘અમેરિકા ફર્સ્ટ’ અને ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’નાં સૂત્રો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા અને જીત્યા. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ઘણી બાબતોમાં આત્યંતિક નિવેદન કર્યાં હતાં. પણ એ તેમની ખામીને બદલે ખાસિયત અને ‘ઇચ્છાશક્તિ’ ગણાઇ.
તેમની જીત પછી એવો આશાવાદ હતો કે પ્રચાર વખતે ટ્રમ્પ ભલે ગમે તેવું બોલ્યા હોય, પણ હવે તે ઠરેલ જણની જેમ વર્તશે. આખરે, હવે તે ઉછાંછળા અબજોપતિ નહીં, અમેરિકાના રાષ્ટ્રપતિ છે. પરંતુ ટ્રમ્પે પોતાના શાસનના પહેલા જ અઠવાડિયામાં તમામ નિરાશ્રિતો માટે ચાર મહિના સુધીની અને સાત મુસ્લિમ દેશોના લોકો માટે ત્રણ મહિનાની કામચલાઉ પ્રવેશબંધી ફરમાવી. સીરિયાના નિરાશ્રિતો માટેની પ્રવેશબંધી તો અચોક્કસ મુદત માટેની છે. એટલું જ નહીં, સાત મુસ્લિમ દેશોના અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા લોકોને પણ આકરી વ્યક્તિગત તાવણી પછી જ પ્રવેશ અપાશે.
દૂરના અને સાવ નજીકના ભૂતકાળનાં અપલક્ષણોને લીધે, અમેરિકાના પ્રમુખ બનેલા ટ્રમ્પ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન થયાં હતાં. હોલિવુડથી માંડીને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રસાર માધ્યમોએ ટ્રમ્પ સામે ચેતવણીના સૂર કાઢ્યા. એ વખતે ઘણાને આ વિરોધ પૂર્વગ્રહયુક્ત અને વધુ પડતો લાગ્યો હતો, પરંતુ પહેલા જ અઠવાડિયે ટ્રમ્પે પ્રવેશબંધીનો ફતવો કાઢીને તેમના વિશેની આશંકા સેવનારાને સાચા ઠરાવ્યા છે.
પ્રવેશબંધીના હુકમ પછી અમેરિકાની ઓળખ જેવી આઇ.ટી. કંપનીઓ મેદાને પડી. ગૂગલ-ફેસબુકથી માંડીને માઇક્રોસોફ્ટ જેવા જૂની કંપનીઓએ અમેરિકાની સરહદોનું રક્ષણ કરવાના પ્રમુખના ઇરાદાને આવકારીને, ઇમિગ્રન્ટ્સ – બીજા દેશોમાંથી આવતા લોકો – પ્રત્યેના તેમના અવિશ્વાસની ખુલ્લેઆમ ટીકા કરી. માઇક્રોસોફ્ટના વડા સત્ય નાદેલા અને ગૂગલના સુંદર પિચાઇ ભારતીય છે, એપલના સ્ટીવ જોબ્સના પિતા સીરિયાથી આવેલા શરણાર્થી હતા, ફેસબુકના માર્ક ઝકરબર્ગની પત્ની અને તેનો પિયરપક્ષ ‘બહારના’ છે … અને આ બધાએ કરેલી પ્રવેશબંધીની ટીકાનું કારણ અંગત નથી.
‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ – ભારતનું હાર્દ ‘વિવિધતામાં એકતા’ છે, તો ‘આઇડિયા ઑફ અમેરિકા’ એટલે ‘મોકળાં મન, મોકળું મેદાન’ એવું કહી શકાય. ત્યાં માણસનાં ધર્મ, દેશ કે જાતિ નહીં, તેની આવડત અગત્યની છે અને તેના આધારે તેને પ્રગતિની તક મળે છે. આઇ.ટી. કંપનીઓને લાગે છે કે ટ્રમ્પના વટહુકમ થકી અમલી બનેલી સંકુચિતતા અમેરિકાના અર્થતંત્ર માટે અને સરવાળે ‘આઇડિયા ઑફ અમેરિકા’ માટે હાનિકારક બનશે.
ટ્રમ્પે તત્કાળ અસરથી જારી કરેલા હુકમના પગલે અમેરિકાનાં એરપોર્ટ પર અંધાધૂંંધી વ્યાપી. સાત દેશોમાંથી સત્તાવાર રીતે આવેલા લોકોને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા ને તેમને વિમાનમાં પાછા ચઢાવી દેવાની તજવીજો થઈ.
એરપોર્ટ પર અટવાયેલા લોકોમાં આઇ.ટી. કંપનીઓના કર્મચારીઓ પણ હતા. અટવાયેલા લોકોની મદદે કેટલાક વકીલો પહોંચ્યા, લોકોનાં ટોળાં ભેગાં થયાં અને મામલો અદાલતમાં ગયો. પ્રમુખનો એક્ઝિક્યુટિવ ઑર્ડર ગેરબંધારણીય ઠરાવીને તેને તત્કાળ રદબાતલ કરવાની સત્તા અદાલત પાસે ન હોય, પણ સ્થાનિક અદાલતોએ એટલી રાહત કરી આપી કે એરપોર્ટ પર અટકાવાયેલા લોકોને પાછા મોકલવામાં ન આવે.
ટ્રમ્પે બધા મુસ્લિમો માટે પ્રવેશબંધી ફરમાવી નથી એ સાચું છે, પરંતુ જે દેશોના લોકો માટે કામચલાઉ દરવાજા બંધ કરી દેવાયા છે, એે તમામ દેશ મુસ્લિમ બહુમતી ધરાવનારા છે. માટે, વૈશ્વિક સ્તરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા થઈ છે. એક આરોપ એવો પણ થયો છે કે પોતાનાં વ્યાપારી હિતો ધરાવતા મુસ્લિમ દેશોને ટ્રમ્પે આ યાદીમાંથી બાકાત રાખ્યા છે. અલબત્ત, વ્હાઇટ હાઉસના સત્તાવાર પ્રવક્તાએ (સાચું જ) કહ્યું છે કે ચૂંટણીપ્રચાર વખતે ટ્રમ્પ સતત આ પ્રકારનાં પગલાંની હિમાયત કરતા રહ્યા છે. માટે હવે તે પ્રમુખ તરીકે આ પગલું લે તો તેની નવાઈ ન લાગવી જોઇએ.
પ્રવક્તાની વાતમાં વજૂદ છે. ટ્રમ્પ ચૂંટણીપ્રચારના અંદાજમાં નહીં, પણ ઠરેલ રીતે વર્તશે – એવી આશા સેવનારા ખોટા પડેે, તેમાં ટ્રમ્પ શું કરે? પ્રવેશબંધી મુદ્દે કાનૂની જંગ ચાલશે. પણ કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય છે કે પ્રમુખની વિશાળ સત્તાઓ ધ્યાનમાં રાખતાં, ચુકાદો તેમની તરફેણમાં આવે એવી પૂરી સંભાવના છે. તેનો સીધો અર્થ એ થયો કે હવે ટ્રમ્પની લડાઈ તાત્ત્વિક અર્થમાં લોકશાહી મૂલ્યો સાથે રહેવાની છે.
પુરાણકથાઓમાં તપ કરીને ભગવાન પાસેથી વરદાન માગીને, તેના જોરે દેવલોકનો કબજો જમાવી દેતા અસુરોની વાત આવતી હતી. અહીં ટ્રમ્પને કે બીજા કોઇને અસુર ગણવાની વાત નથી. પણ જે લોકશાહી વ્યવસ્થા થકી તે ચૂંટાયા, તે જ વ્યવસ્થાનાં મૂળભૂત મૂલ્યો પર હવે તેમના કારણે તલવાર લટકી રહી છે. અમેરિકામાં પ્રમુખે સેનેટ(સંસદ)ને જવાબ આપવા પડે ને તેમની મંજૂરીઓ મેળવવી પડે.
છતાં, પ્રમુખ પાસે વિશાળ સત્તાઓ હોય છેે. લોકશાહી ઢબે ચૂંટાયા પછી ટ્રમ્પ આપખુદ નિર્ણયો લેવા માંડશે, તો ટ્રમ્પ કરતાં વધારે સવાલો તેમને આવી સત્તા આપનાર લોકશાહી માળખા વિશે ઊભા થશે.
ભારતમાં અત્યાર લગી અમેરિકાની પ્રમુખશાહી વ્યવસ્થાને ઉત્તમ અને અપનાવવા જેવી ગણવામાં આવતી હતી.
અનેક પક્ષોની ખિચડીથી ત્રાસેલા ભારતના ઘણા લોકોને ફક્ત બે જ પક્ષ હોય એવી લોકશાહી બહુ આકર્ષતી હતી, પરંતુ આ ચૂંટણી વખતે અમેરિકાની લોકશાહીની મર્યાદાઓ બરાબર ઉઘાડી પડી ગઈ છે. તેની સરખામણીમાં ભારતના વડાપ્રધાન સપાટાબંધ બહુમતીથી જીત્યા પછી પણ, આવો ઉઘાડેછોગ ભેદભાવપૂર્ણ નિર્ણય લઈ શકે એવું શક્ય બન્યું નથી. નોટબંધીનો નિર્ણય આકરો લાગે અને તેનો વિરોધ હોઇ જ શકે. પણ તે પ્રવેશબંધી જેવો ભેદભાવપૂર્ણ ન ગણાય.
વારે ઘડીએ હદ ઓળંગતા જણાતા ન્યાયતંત્ર સાથે ભારત સરકારનો સંઘર્ષ ચાલુ છે. તેમને સામસામી છાવણી તરીકે ચીતરવાનું યોગ્ય નથી. પણ ચોક્કસ મુદ્દા પૂરતા તે વિરોધી છાવણીમાં હોય છે. ભારતની લોકશાહીનું માળખું એટલું મજબૂત છે કે તેમાં વડાપ્રધાને ટ્રમ્પગીરી કરતાં પહેલાં બીજાં અનેક બંધારણીય માળખાંને ખોખલાં કરવાં પડે અથવા કહ્યાગરાં બનાવવાં પડે. રિઝર્વ બૅન્કના ગવર્નર કે પ્રસાર ભારતીના અધ્યક્ષ શેહમાં આવીને સરકારની ભાષા બોલતા થઈ જાય, તો એ તેમની નિષ્ફળતા છે. બાકી, ભારતના બંધારણે તેમને સ્વતંત્ર રહેવાની સત્તાઓ આપી છે.
અમેરિકાના પ્રમુખની જેમ ભારતના વડાપ્રધાન બંધારણીય રાહે એકહથ્થુ બની શકતા નથી. ભારતની લોકશાહીની સૌથી મોટી મર્યાદા એ છે કે તે ચૂંટણીશાહી બની ગઈ છે. વિવિધ પક્ષો વચ્ચે ફક્ત નામનો તફાવત રહી ગયો છે. ચૂંટણીઓને રિયાલિટી શૉ જેવી બનાવી દેવાઇ છે, જે જીતવા માટે કંઈ પણ થાય તે વાજબી ગણાય છે. આવી ચૂંટણીઓ પછી જીતેલા ઉમેદવારો લોકોને નહીં, પણ તેમના વડાને વફાદાર રહે છે. એટલે લોકશાહી લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા નહીં, પણ લોકો દ્વારા, લોકો સામે, લોકોના માથે પડેલી બની રહે છે.
સૌજન્ય : ‘સંસદીય લોકશાહીની ખૂબી’, “દિવ્ય ભાસ્કર”, 31 જાન્યુઆરી 2017