ગ્રામક્રાંતિના એક નવઆંદોલન સમી લોકભારતી દેશના એવા લોકોને ઉચ્ચ શિક્ષણ પહોંચાડે છે જ્યાં તેની ખાસ જરૂર છે અને શિક્ષણ પણ એવું જે ગામડાના લોકોને પોસાય અને તેમને આંજી ન નાખે પણ મૈત્રીપૂર્ણ લાગે. આ લોકભારતી ગ્રામવિદ્યાપીઠે હવે ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે. લોકભારતી યુનિવર્સિટી ફૉર રુરલ ઈનોવેશન તરીકે હવે એ ગ્રામવિકાસ-શિક્ષણના પોતાના મૂળ ધ્યેયને લગતાં શૈક્ષણિક અભિયાનો ચલાવશે…
મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા, ‘આપણા શિક્ષણમાં મુખ્ય ખામી એ છે કે કે ઉત્પાદક છે તે નાગરિક નથી અને જે નાગરિક છે તે ઉત્પાદક નથી. આપણે ઉત્તમ ઉત્પાદકો અને ઉત્તમ નાગરિકો જોઈએ છે. આનો રસ્તો જડે તો દેશમાં સમૃદ્ધિ-સહકાર-રાષ્ટ્રીયતાનો ત્રિવેણી સંગમ થાય. આ કરી આપવાની શક્તિ નઈ તાલીમમાં છે.’
આ પ્રકારની કેળવણી આપતી શિક્ષણસંસ્થાઓ સર્જવાનું સ્વપ્ન ઋષિવર્ય કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે જોયું. આજથી 111 વર્ષ પહેલા – 1910માં એમણે ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન’ની સ્થાપના કરી. વિદ્યાર્થીઓ-શિક્ષકો પરિવારની જેમ સાથે રહે અને વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર થાય એ એનો હેતુ. પછી 1937માં તેમણે આંબલા ગામમાં ફિન્લૅન્ડ-ડૅન્માર્કમાં સફળ થયેલી ફૉક સ્કૂલ જેવી દેશની સૌ પ્રથમ લોકશાળા ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ની સ્થાપના કરી, જેને રાષ્ટ્રીય વિરાસતનો દરજ્જો પણ મળ્યો છે. ત્યાર પછી 1953માં એમણે કૃષિપ્રધાન દેશમાં જરૂરી એવી, વિવિધ ખેતીવિષયોને ઉચ્ચ શિક્ષણમાં સમાવતી, ગ્રામાભિમુખ કેળવણીને ઉજાગર કરતી અને ગાંધીજી પ્રેરિત નઈ તાલીમ કેળવણીને સમર્પિત દેશની સૌ પ્રથમ નિવાસી લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરી.
આ ભગીરથ કાર્યમાં મૂર્ધન્ય સાહિત્યકાર, કેળવણીકાર અને ઇતિહાસવિદ્દ મનુભાઈ પંચોળી ‘દર્શક’, વિદ્યાર્થીવત્સલ અને ગુજરાતના જુલે વર્ન તરીકે જાણીતા એવા મૂળશંકર મો. ભટ્ટ અને ભાષાવિદ્દ નટવરલાલ બુચ જેવા દિગ્ગજો જોડાયા. પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત રતિલાલભાઈ અંધારિયા, ઈસ્માઇલભાઈ નાગોરી, ઝવેરભાઈ પટેલ, કૃષ્ણલાલ શુક્લ જેવા પ્રતિબદ્ધ સાથીઓનો નિષ્ઠાભર્યો સાથ મળ્યો. લોકભારતીના સદ્દભાગ્યે અધ્યાપકો, વિભાગીય વડાશ્રીઓ અને અન્ય કાર્યકરો પણ પૂરા નિષ્ઠાવાન, લોકભારતીને સમર્પિત એવા અભ્યાસુ-સંવેદનશીલ મળ્યા. સ્થાપક-દાદાઓની વિદાય પછી જયાબહેન શાહ અને દલસુખભાઈ ગોધાણી જેવા સંનિષ્ઠ લોકસેવકોએ અથાક પુરુષાર્થ દ્વારા લોકભારતીને તેનાં મૂલ્યો સાથે ટકાવી રાખી અને છેલ્લા દસકાથી ડૉ. અરુણભાઈ દવેના નેતૃત્વ નીચે લોકભારતીએ પ્રયોગશીલતા, સર્જનશીલતા અને સ્વતંત્રતાની દિશામાં હરણફાળ ભરી છે.
ભાવનગર-રાજકોટ હાઈવે પર, ભાવનગરની પશ્ચિમે 45 કિલોમીટર અને રાજકોટની પૂર્વે 130 કિલોમીટરના અંતરે આવેલા સણોસરા ગામને અડીને, રળિયામણી અને વિવિધ જીવસૃષ્ટિથી ભરપૂર રાજેન્દ્ર હિલ્સની તળેટીમાં, નાનકડી સિંદરી નદીને કાંઠે લોકભારતી વસેલી છે. સાત તળાવડાં, વિવિધ પાક લેતાં ખેતરો, ફળવાડીઓ અને વૃક્ષરાજિ વચ્ચે 165 એકરના સુંદર પ્રાકૃતિક પરિસરમાં દસ છાત્રાલયોમાં દર વર્ષે 500 વિદ્યાર્થીઓ ગીર ગાયોની ગૌશાળા, લોકવિજ્ઞાન કેન્દ્ર, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, નર્સરી, ઘઉં સંશોધન કેન્દ્ર જેવા 22 વિભાગોમાં ગ્રામજીવનને લગતા વિષયોનો અનુભવ લેતાં સ્નાતક થાય છે, ઉત્સવો ઊજવે છે, નેતૃત્વની તાલીમ લે છે, રાજનીતિ-સાહિત્ય-કૉમ્પ્યુટર સાથે ખેતી, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ વગેરે પણ શીખે છે. એ જ પરિસરમાં 70 જેટલા કાર્યકર-નિવાસોમાં 250 જેટલા પરિવારજનો પણ રહે છે. લોકભારતીનો આ સહનિવાસ એ સમૂહજીવનના અને સમૂહશિક્ષણના પાઠોની, સ્વસ્થ-પ્રસન્ન જીવનશૈલીની અને સંગઠિત વિકાસની જીવંત પ્રયોગભૂમિ છે, સમયાંતરે એક આદર્શ ઈકોસિસ્ટમનું સર્જન થયું છે.
1053માં સ્થપાયેલ લોકભારતીની મુલાકાતે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનું આવવું અને 1964માં ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેનનું આવવું એ લોકભારતીની ગુણવત્તા દર્શાવતા દૃષ્ટાંતો છે. અસંખ્ય સાહિત્યકારો, કેળવણીકારો અને વિજ્ઞાનીઓએ લોકભારતીની મુલાકાત લઈને ધન્યતા અનુભવી છે.
ગ્રામ-ક્રાંતિના નવ-આંદોલન સમી આ લોકભારતી ગ્રામવિદ્યાપીઠે હવે ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે. લોકભારતી યુનિવર્સિટી ફૉર રુરલ ઈનોવેશન તરીકે હવે એ ગ્રામવિકાસ-અભિમુખ શિક્ષણના પોતાના મૂળ ધ્યેયને લગતાં શૈક્ષણિક અભિયાનો ચલાવશે. અલબત્ત આ માટે જરૂરી પંદરેક કરોડ રૂપિયાની આર્થિક સહાય મેળવવી એ લોકભારતી માટે મોટો પડકાર છે …
નાનાભાઈએ લોકભારતીની સ્થાપના કરી એ એક ઐતિહાસિક ઘટના હતી. ત્યારે એમની ઉંમર 71 વર્ષની હતી. લોકભારતી યુનિવર્સિટી બની રહી છે એ બીજી ઐતિહાસિક ઘટના છે. યોગાનુયોગ, એને યુનિવર્સિટી બનાવનાર ડૉ. અરુણભાઈ દવે અને એમના અડીખમ સાથી હસમુખભાઈ દેવમુરારિ જે લોકભારતીના નિયામક છે, તે બન્ને 72 વર્ષના છે! આ બેઉ જબ્બર દાદાઓની જોડાજોડ, પોતાની ઊર્જા, અભ્યાસ અને બુદ્ધિમત્તાથી હંફાવી શકે એવા અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા 33 વર્ષના ડૉ. વિશાલ ભાદાણી ઊભા છે. આ ત્રણેને જોઈ લોકભારતીના વિદ્યાર્થીઓ અને કાર્યકરોને શેર લોહી ચડે છે.
લોકભારતીને પ્રેરનાર છે ઉપનિષદનો ધ્યાનમંત્ર :
વિદ્યાં ચ અવિદ્યાં ચ યસ્તદ વેદોભયં સહ ।
અવિદ્યયા મૃત્યુ તીર્ત્વાં વિદ્યયાડમૃતમશ્નુતે ।।
ઈશોપનિષદના આ શ્લોકમાં ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’નું સચોટ અર્થઘટન છે. અવિદ્યાનો ‘અ’ નકાર નહીં, પ્રકાર સૂચવે છે. ‘અવિદ્યા’ એટલે ભૌતિક વિદ્યાઓ – કૌશલ્યો, જેની મદદથી મનુષ્ય સામાજિક કર્તવ્યો અને જવાબદારીઓ પાર પાડવાનું સામર્થ્ય મેળવે છે. ‘વિદ્યા’ એટલે અધ્યાત્મ, જેના વડે મનુષ્ય અમૃતત્વ પ્રાપ્ત કરે છે. લોકભારતીનું સ્વપ્ન, ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ બન્નેની પ્રાપ્તિથી દુન્યવી તેમ જ આંતરિક વિકાસ કરે તેવું મનુષ્યત્વ કેળવવાનું છે.
એકવીસમી સદીના શિક્ષણ માટે નીમાયેલા આંતરરાષ્ટ્રીય કમિશનમાં દુનિયાના વિવિધ ક્ષેત્રના 15 ખ્યાતનામ વિદ્વાન સભ્યોએ યુનેસ્કો માટે તૈયાર કરેલા ‘શિક્ષણ : ભીતરનો ખજાનો’ (લર્નિંગ, ધ ટ્રેઝર વિધિન) અહેવાલમાં શિક્ષણ માટે ચાર મૂલ્યસ્તંભો ગણાવ્યા હતા – લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ લિવ ટુગેધર અને લર્નિંગ ટુ બી હવે એમાં પાંચમો સ્તંભ લર્નિંગ ટુ ટ્રાન્સફૉર્મ વનસેલ્ફ એન્ડ સોસાયટી ઉમેરાયો છે – ટૂંકમાં મસ્તક, હૃદય, હાથ અને આત્માનો સામાજિક નિસબત સાથેનો વિકાસ.
આ વિકાસ લોકભારતી વર્ષોથી સાધી રહી છે. અહીં મગજને માહિતીનું કારખાનું બનાવાતું નથી. અહીં એકનો વિજય એ બાકીનાનો પરાજય નથી. અહીં છે સ્પર્ધામુક્ત અને સહકારયુક્ત, સૌનો વિકાસ. અહીં મૂલ્યો ‘ભણાવી’ દેવાતાં નથી, જીવીને શીખવાય છે. અહીં વિદ્યાર્થીઓ પોતાનો-સમાજનો – પ્રકૃતિનો વિકાસ કરવા, પરસ્પરને સક્ષમ કરતી કેળવણી પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહે છે. એમને નૈતિક મૂલ્યો – વૈજ્ઞાનિક અભિગમના વિવેકપૂર્ણ સમન્વય સમા સક્રિય નાગરિક બનાવવા લોકભારતીનું ભાવાવરણ જ પૂરતું છે. અહીંનું શિક્ષણ ગામડાના લોકોને પોસાય તેવું અને તેમને આંજી ન નાખતું પણ મૈત્રીપૂર્ણ લાગતું શિક્ષણ છે જે ગ્રામીણ જીવનશૈલીને ખરા અર્થમાં ઈકોફ્રેન્ડલી બનાવે છે.
લોકભારતીની સિદ્ધિઓ ટૂંકમાં જોઈએ :
*40 વર્ષથી દેશના હજારો હેકટરમાં વવાતા ‘લોક-૧’ ઘઉંની શોધ કરી લોકભારતીએ દેશની અન્ન-સ્વાવલંબન-ક્રાંતિમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે અને વિશ્વનો સૌથી મોટો ઘઉંનો દાણો 'લોક-બોલ્ડ' પેદા કરીને કૃષિમાં નોબેલ પારિતોષિક મેળવનાર ડો. બોર્લોગ દ્વારા વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું છે.
*યુ.જી.સી.ની એન.એ.એ.સી. કમિટી દ્વારા લોકભારતીને ‘એ’ ગ્રેડ મળ્યો છે.
*નેશનલ એજ્યુકેશન પૉલિસી – 2020ના ૯૦% પાસાંઓ લોક્ભારતીની શિક્ષણ પ્રણાલીના હાર્દરૂપ તત્ત્વોમાં છેલ્લાં ૬૮ વર્ષોથી રહેલાં છે.
*સરદાર સરોવર યોજના વખતે સરકાર અને વિસ્થાપિતો વચ્ચે કડી બનીને પુનર્વસન કરવામાં સરકાર દ્વારા લોકભારતીની વિશેષ પસંદગી કરવામાં આવી હતી.
*કુદરતી આફતો વખતે લોકભારતીના વિદ્યાર્થીઓએ સેવાકાર્યમાં જોડાઈ જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવી છે.
*અહીંના ૧૦૦% વિદ્યાર્થીઓને રોજગાર મળે છે. સરકારી વિભાગો, કૉર્પોરેટ જગત, શિક્ષણ, ગ્રામીણ સેવાકીય પ્રવૃત્ત્તિઓ વગેરેમાં કામ કરી એમણે લોકભારતીને ઊજળી બનાવી છે.
*૫૦ વર્ષથી કાર્યરત એવા લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રને ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી દ્વારા રાજ્યના તમામ લોકવિજ્ઞાન કેન્દ્રોને માર્ગદર્શન આપવાનું કામ સોંપવામાં આવ્યું છે.
*ગુજરાતના ધોરણ ૫થી ૭નાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં નોંધપાત્ર સહયોગ આપ્યો છે.
*લોકભારતી ગૌશાળા દ્વારા સમગ્ર દેશમાં ગીર ગાયોના સંવર્ધનનું નોંધપાત્ર કામ કરવામાં આવી રહ્યું છે.
*લોકભારતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આખા ભાવનગર જિલ્લાની કૃષિ-ઉત્પાદક્તાને સમૃદ્ધ બનાવવાના પરિણામલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે.
*બિનપરંપરાગત ઊર્જાસ્રોતો જેવા કે નિર્ધુમ ચૂલા, બાયોગેસ પ્લાન્ટ, સોલાર એનર્જી, અને વિન્ડ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર સંશોધનો કરી લોકભારતીએ વિશ્વકક્ષાએ સન્માન મેળવ્યું છે.
*ગાંધી-150માં લોકભારતીએ શરૂ કરેલા ગાંધીવિચાર અનુશીલન કેન્દ્રએ કોરોના દરમિયાન ગાંધીવિચાર આધારિત ઓનલાઇન કોર્સ તૈયાર કર્યો છે, જેમાં ૮૬ દેશના ૧,૧૭૦ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફુલાશે નહીં અને ઝાડુ આપશો તો તે શરમાશે નહીં. તેના જીવનમાં નકામા મોજશોખને સ્થાન નહીં હોય. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમ કે, તેના તો પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે. આમ થશે ત્યારે બેકારી કે ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બન્ને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.’
ચારે તરફ ચાલતા હિંસા, ભૌતિકવાદ અને સ્પર્ધાના ગળાકાપ પ્રવાહો વચ્ચે શાંતિ અને સહકારભર્યા વિકાસનો પ્રસન્ન ટાપુ રચતી ગુજરાતનું શાંતિનિકેતન કહી શકાય એવી લોકભારતી જેવી સંસ્થાઓ વધતી જાય તો નવી પેઢી કેવી સરસ તૈયાર થાય!!
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 ઍપ્રિલ 2022