“પણ તમે તો ઘરની બહાર નીકળ્યા નથી. અને પોલીસ પણ કંઈ હાથ પર ન ફટકારે. તો પછી મને એ સમજાતું નથી કે તમારા હાથ કેમના દુખે છે!”
“જવા દે. તને નહીં સમજાય. કોઈની સેવાની તેં કદી કદર કરી છે ખરી?”
“હું તમારા બધાનું કરવામાંથી ઊંચી આવું તો બીજું કશું કરું ને! સારું, ચાલો હવે કહો કે શું થયું છે!”
“આ બધાં કામ કરનારાંને સો સો સેલ્યુટ કરી કરીને આ બાવડાં દુખવા લાગ્યાં છે.”
***
“લ્યો, ઘડીક આને તમારા હાથમાં ઊંચકીને ફરો તો એ સૂઈ જાય. ત્યાં સુધીમાં હું કૂકર મૂકી દઉં.”
“એને નાખ ઘોડિયામાં. મારાથી મારા હાથ જરા ય ઊંચા થતા નથી, ત્યાં આને શું ઉંચકવાનો?”
“ઓહ! સૉરી! હું આજનો સ્કોર પૂછવાનું ભૂલી ગઈ. કેટલાને ફટકાર્યા આજે?”
***
“જે ભાવે એ ખાઈ લો. બે દિવસે આજે માંડ કોક આટલું આપી ગયું છે.”
“તું ખાઈ લે. મારાથી તો કોળિયો પણ ભરાય એમ નથી.”
“એવું તે શું કામ કર્યું છે તમે?”
“કામ? અરે, બે દિવસથી પેલા લોકો શીશીઓ પકડાવી જાય છે અને કહે છે કે હાથ ધોતા રહેજો. એક તો એમાંથી દારૂ જેવી ગંધ આવે અને પાછા એનાથી હાથ ધોતા રહેવાનું. આ જો ને! ચામડી છોલાઈ ગઈ.”
“એમ? ચાલો હું તમને કોળિયા ભરાવું. બધું ખૂલે પછી સૌથી પહેલી આપણે એક ચમચી વસાવી લઈશું.”
***
“બસ યાર! આજે આટલું જ.”
“કેમ ભાઈ? તારો ચીપવાનો વારો આવ્યો એટલે બસ કરી દેવાનું?”
“અરે! એવું નથી, દોસ્ત! પણ અઠવાડિયાથી રોજ પત્તાં ચીપી ચીપીને હાથ એવા દુખવા લાગ્યા છે કે એમ થાય છે, હવે બ્રેક લઈએ.”
“રાઈટ યુ આર. આપણને બધાને બ્રેકની જરૂર છે. ચા પી લઈએ. પછી કેરમ શરૂ કરીએ.”
e.mail : bakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 ઍપ્રિલ 2020