કિશન ચુનીલાલ ગોરડિયા. વાણિયા-બ્રાહ્મણના છોકરાનું નામ કિશન હોય? એમાં પાછા કિશનભાઈ પોતે પોતાનાં નામનો ઉચ્ચાર કિસન કરતા, કિશન પણ નહીં. એક વાર મેં એમને કિશન નામ અને કિસન ઉચ્ચાર વિષે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમના પિતાએ તો તેમનું નામ કૃષ્ણકાંત રાખ્યું હતું પણ સમજણા થયા પછી તેમણે તેમનું નામ કિસન કરી નાખ્યું હતું, કારણ કે અશિક્ષિત સામાન્ય માણસને બોલવામાં તકલીફ ન પડવી જોઈએ. અઘરાં નામ, અઘરી ભાષા અને અઘરી રજૂઆત સામે તેમને અણગમો હતો. ભદ્રતાના દેખાડા સામે અને ભદ્રતાની ઈજારાશાહી સામે તેમને અણગમો હતો. ૧૯૮૦માં ગુજરાતમાં અનામતવિરોધી તોફાનો થયાં ત્યારે ગુજરાત સર્વોદય મંડળે અનામતની આંધી ઉપર ગાંધી-સર્વોદય દર્શનના ભાષ્યકાર દાદા ધર્માધિકારીનાં વ્યાખ્યાનો રાખ્યાં હતાં. એ વ્યાખ્યાનમાં દાદા ધર્માધિકારીએ અનામત વિરોધી આંદોલનનું કારણ સમજાવતા કહ્યું હતું કે કિસન સમાજમાં આગળ આવે એની સામે કૃષ્ણને વાંધો છે. લડાઈ કૃષ્ણ અને કિસન વચ્ચેની છે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે કૃષ્ણ કયા સમાજમાંથી આવે છે અને કિસન કયા સમાજમાંથી? આપણા કિશનભાઈ તો સામે ચાલીને કૃષ્ણમાંથી કિસન થઈ ગયા હતા.
હવે જો હું એમ કહું કે કૃષ્ણકાંતમાંથી પોતાનું નામ કિસન કરી નાખનારા કિશનભાઈ બિલ્ડર હતા અને મુંબઈના મોખરાના બિલ્ડરોમાંના એક હતા તો મને ખાતરી છે કે વાચકને સાંસ્કૃતિક આઘાત (કલ્ચરલ શૉક) લાગશે. બાળપણમાં સામે ચાલીને સામાજિક-સાંસ્કૃતિક સીડી ઉપરથી નીચે ઉતરીને પોતાના નામનું બહુજનસમાજીકરણ (Subalternisation) કરનારા કિશનભાઈ બિલ્ડર અને એ પણ સફળ બિલ્ડર? સમાજ માટે નિસ્બત ધરાવનારો કોઈ સંવેદનશીલ માણસ બિલ્ડર તરીકે કેવી રીતે સફળ થઈ શકે? વળી બિલ્ડર તરીકેનો કિશનભાઈનો અવતાર ત્રીજો અવતાર હતો. એ પહેલાં તેમણે સાબુનો અને ઇન્ડસ્ટ્રિયલ સર્વિસીઝનો ધંધો કર્યો હતો અને તેમાં પણ તેઓ સફળ નીવડ્યા હતા.
તેમની સફળતાનું રહસ્ય હતું તેમની ખંત. લીધી વાત છોડે નહીં. માત્ર ધંધામાં નહીં, નિજી અને સાર્વજનિક જીવનમાં પણ. કિશનભાઈને કોઈ નવી વાત પકડાવવી અને પકડેલી વાત છોડાવવી એ બહુ અઘરું પડતું. પોતે પોતાનું લક્ષ નક્કી કરે, પોતે પોતાનો રસ્તો નક્કી કરે અને નીકળી પડે અને તે ત્યાં સુધી જ્યાં સુધી તેમને સફળતા મળે નહીં. દસ નિષ્ફળતા પછી પણ અગિયારમાં પ્રયાસ માટે તેઓ મથતા હોય. એટલે જ કદાચ તેમણે પોતાનું નામ કૃષ્ણમાંથી કિસન કરી નાખ્યું હશે. ભલે નેપીઅન્સી રોડ ઉપર રહેતા હોય, પણ ઢેફાં ભાંગનારો અંદરનો મજૂર કિસન કાયમ જીવતો રહેવો જોઈએ અને તેને આખી જિંદગી જીવતો રાખ્યો પણ હતો. તમામ પ્રકારની સુખસુવિધાની વચ્ચે ધરાર. કૃષ્ણની ભદ્રતા અને કિસનના શ્રમનો તેમનામાં સમન્વય હતો.
કિશનભાઈના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતાની ઉપર દેવું હતું અને દેવા સાથે જ ગુજરી ગયા. કિશનભાઈએ મુંબઈમાં મ્યુનિસિપલ સ્કૂલમાં માસ્તરની નોકરી લીધી. તેમને એમ લાગ્યું કે માસ્તરના પગારમાંથી તેઓ દેવું ચૂકતે નહીં કરી શકે અને પરિવારને પણ પગભર નહીં કરી શકે. ધંધો કરવો જોઈએ, પણ ધંધો એટલે સમાધાન! એક સમાધાન કરો એટલે સમાધાનોની વણજાર શરૂ થાય. જોતજોતામાં આખો અવતાર બદલાઈ જાય. જવું હતું ક્યાં અને સંજોગો પહોંચાડે ક્યાં? વળી પોતાને કૃષ્ણમાંથી કિસન કરી નાખનારી અંદરની પોતીકી સંવેદના છેડો મુકતી નહોતી. આ બાજુ ભૂદાન આંદોલન શરૂ થયું હતું અને કિશનભાઈ બધું છોડીને તેમાં ઝંપલાવવા માગતા હતા.
કિશનભાઈ વિનોબા ભાવે પાસે ગયા અને પોતાની વ્યથા વ્યક્ત કરી. નોકરી કરીને દેવું ઉતારી શકાય એમ નથી અને દેવું તો પૈસે પૈસાનું ચૂકતે કરવું છે. ધંધો કરું તો ખરડાવાનો ડર છે. આ સિવાય મારો સમય અને શક્તિ ખર્ચાઈ રહ્યા છે અને મારે બને એટલા વહેલા સર્વોદય આંદોલનમાં ઝંપલાવવું છે, માટે કહો મારે શું કરવું જોઈએ? વિનોબાજીએ તેમને બે વિકલ્પ આપ્યા હતા. કાં પૈસે પૈસો ચૂકવીને દેવું ઉતાર અને કાં પ્રત્યેક લેણદારને મળીને તેમને વિશ્વાસમાં લઈને દેવું માફ કરાવ. જે માફ કરવા તૈયાર ન હોય તેનું દેવું ઉતાર. કિશનભાઈને માફ કરાવવાનો વિકલ્પ સ્વમાનજનક નહીં લાગ્યો એટલે માસ્તરની નોકરી છોડીને ધંધો શરૂ કર્યો.
કિશનભાઈએ પૈસા કમાવા માટે ધંધો શરૂ નહોતો કર્યો, ઋણ ઉતારવા માટે ધંધો શરૂ કર્યો હતો. આને માટે તેમણે વિવેક અને સાધનાની દીક્ષા આપનારા કેદારનાથજીએ આપેલો મંત્ર ગાંઠે બાંધ્યો હતો. પાણીમાં ઉતર્યા છો તો જેટલાં ભીના થવાનું આવશે એટલા તો થશો જ, પણ એમાં ડૂબ્યા વિના તરી પણ શકાય છે. એ પછી સર્વોદય આંદોલનમાં ઝંપલાવવાનું તો ક્યારે ય બન્યું જ નહીં, પણ કન્સ્ટ્રકશનના ધંધામાં ડૂબ્યા વિના તરી શકવાનો પ્રયોગ તેમણે કરી બતાવ્યો જે વારસો તેમના પરિવારે અને કંપનીના સંચાલકોએ જાળવી રાખ્યો છે.
હમણાં કહ્યું એમ કિશનભાઈએ ધંધો પૈસા કમાવા માટે શરૂ નહોતો કર્યો, પણ ઋણ ઉતારવા માટે કર્યો હતો. પિતાજી ઉપરનું ઋણ તો ઉતરી ગયું, પણ સમાજના ઋણનું શું? એ પણ ઉતારવું જોઈએ અને સમાજ પાસેથી જે મેળવતા હોય તેમણે તો સૌથી પહેલાં અને સૌથી વધુ ઉતારવું જોઈએ. પ્રારંભનાં વર્ષોમાં ભામાશાની જેમ સર્વોદય કાર્યકરોને મદદ કરતા. કોઈના સુખદુઃખમાં કિશનભાઈ પડખે ઊભા ન હોય એવું ન બને. એકવાર અમારા એક ભોળા સ્વભાવના કાર્યકરે પોતાના દીકરાના જન્મદિવસની પાર્ટી રાખી. એંશીએક જણને બોલાવવાની યાદી બનાવી અને એ મુજબ કેટરરને જમવાનું બનાવવાનો ઓર્ડર આપ્યો. બન્યું એવું કે અમારા એ મિત્રએ લાગણીથી તણાઈને લગભગ દોઢસો જેટલા લોકોને બોલાવી લીધા, પણ કેટરરને નવી સંખ્યા જણાવવાનું ભૂલી ગયો. કિશનભાઈ રવિવારના દિવસે છેક દક્ષિણ મુંબઈથી મુલુંડ સુધી પાર્ટીમાં ભાગ લેવા ગયા. કિશનભાઈ જ્યાં જાય ત્યાં તેમની અંદરનો કિસન મજૂરીનો મોરચો સંભાળી લે. રસોડામાં નજર કરતાંની સાથે જ તેમને સમજાઈ ગયું કે મહેમાનોની સંખ્યા વધુ છે અને રસોઈ ઓછી પડવાની છે. તેમણે મને બોલાવ્યો, હાથમાં પૈસા મુક્યા અને મને કહ્યું કે મારી ગાડી લઈને જા અને મીઠાઈ, ફરસાણ અને બીજી આટલી ચીજ ખરીદી આવ. પ્રંસગ એવી રીતે ઉકેલ્યો કે મારા મિત્રને ખબર પણ પડી નહીં કે એ કેવી રીતે ઉકલ્યો.
આમ સમાજનું ઋણ ઉતારવાનો તેમનો પહેલો અવતાર ભામાશાનો હતો. ૧૯૯૦ના દાયકામાં ધંધામાંથી નિવૃત્ત થઈને તેમણે વિચાર્યું કે એવી કોઈક વ્યવસ્થા કરવી જોઈએ જે સમાજના પ્રશ્નોના મૂળને સમજે, પ્રશ્નોના સ્વરૂપને સમજે, તેના ઉપાયો/ઈલાજોની છણાવટ કરીને આપે, તેને માટે કામ કરનારાઓને મદદ કરે, મદદ પણ પરંપરાગત મદદના સ્વરૂપની ન હોય પણ આત્મનિર્ભરતાયુક્ત ટકાવી રાખનારી હોવી જોઈએ અને સૌથી મોટી વાત, એ વ્યવસ્થા પોતે જ આત્મનિર્ભર હોય. ટૂંકમાં ભલે બીજા માટે, પણ હાથ ફેલાવીને સમાજનું ઋણ ઉતારનારી વ્યવસ્થા ન હોવી જોઈએ. સમજ, ઉકેલ, સહાય અને આત્મનિર્ભરતા એમ ચતુષ્કોણીય વ્યવસ્થા હોવી જોઈએ. ઋજુ હ્રદયી કૃષ્ણ અનુકંપાથી પ્રેરાઈને કિસનને જીવતો રાખે એમ નહીં પણ કૃષ્ણ અને કિસન વચ્ચે સખાપણું વિકસવું જોઈએ. કૃષ્ણ અને કિસન બન્ને સ્વાયત્ત અને આત્મનિર્ભર હોવાં જોઈએ. કિશનભાઈ આને તેમની ભાષામાં સસ્ટેનેબલ સોશ્યલ વર્ક તરીકે ઓળખાવતા હતા અને એ માટેની મથામણ એ તેમનો બીજો અવતાર હતો.
કિશનભાઈ શાપિત પણ હતા. તેમને તેમના હિસ્સામાં અભિવ્યક્તિના અભાવનો શાપ મળ્યો હતો. તેમને અઘરી ભાષા અને અઘરી રજૂઆત સામે અણગમો હતો, પરંતુ તેઓ પોતે ક્યારે ય પોતાની વાત સરળ કે ઇવન અઘરી ભાષામાં કરી શકતા નહોતા. ન લખીને કે ન બોલીને. આગળ કહી એમ તેમની બીજી મર્યાદા એ કે તેઓ એટલા જીદ્દી હતા કે કોઈ વાત તેમને પકડાવવી કે છોડાવવી એ કપરું કામ હતું. આને કારણે તેમના એકંદરે દીર્ઘદૃષ્ટિવાળા બીજા અવતારને અને પ્રયાસને જેટલી સ્વીકૃતિ મળવી જોઈતી હતી એટલી ન મળી. સ્વીકૃતિ શું સહાનુભૂતિ પણ ન મળી. પણ લીધી વાત ન છોડનારા ખંતીલા કિશનભાઈ ક્યાં પૂર્ણવિરામમાં માનતા હતા! તેમનું મૃત્યુ તેમનાં સપનાંની આડેનું અલ્પવિરામ બનવું જોઈએ અને એમ જ થશે એમ મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઍપ્રિલ 2021