કાવ્યકૂકીઝ
0
ધારો કે તમે ડોક્ટર છો
પણ તમને ખબર નથી કે
દર્દીને કેમ કાતરવો
મતલબ કે દર્દીને ખંખેરતાં તો આવડે
પણ તેને કેમ વેતરવો અને સીવવો
તે ન આવડે તો ચાલે?
એ ખરું કે ખોટી ડિગ્રી લઈને
ખરા ડોક્ટર તો થઈ જવાય
પણ તાલીમ ન હોય તો ચાલે?
એમ જ તમે પાઇલટ થઈ જાવ
પણ વિમાન ઉડાડતાં ન આવડે તો
ચાલે?
ચાલે તો બધું,
માત્ર યાત્રીઓ ઉપરથી જ ઉપર જાય
એમ બને
એમ જ પીને કાર ચલાવવા કોઈ
આરટીઓને ખટાવીને લાઇસન્સ લે
ને રોડ પર કોઈ છોકરીને ઉડાવી દે
એટલું જ નહીં, રોકડા નાખીને
છૂટી પણ જાય તો એ અશક્ય નથી
એમ જ કોઈ વકીલ ડિગ્રી વગર પણ
વકીલાત કરે તો એ બને જ નહીં એવું નથી
ખરેખર તો તાલીમ વગર
કોઈ લલ્લુ પંજુ ગમે ત્યાં
ગોઠવાઈ જાય તો ન ચાલે
પણ માસ્તર એવો છે જે ગમે ત્યાં ચાલે
વસતિ ગણતરી કરાવવી છે
તો માસ્તર હાજર છે !
ચૂંટણીમાં ફરજ બજાવવાની છે?
માસ્તર તૈયાર છે
હવે જ્યાં ભણવવાનું જ નથી
ને ઈતર પ્રવૃત્તિઓ જ કરવાની છે
ત્યાં તાલીમ હોય કે ન હોય
શો ફરક પડે છે?
માસ્તર એટલે દાઢીની દાઢી
અને સાવરણીની સાવરણી !
વિદ્યાર્થીઓનું શું છે કે એમને તો
માસ્તર જોઈએ
એ માસ્ટર હોય કે પ્લાસ્ટર
એમને કોઈ ફેર પડતો નથી
એણે તો ભણ્યા વગર પાસ જ થવાનું છે!
ને બાપા પાસે આમ પણ ઘણું છે
એ ક્યારે કામ આવશે?
હમણાં એવું આવ્યું કે હજારો શિક્ષકો
તાલીમ વગર જ સ્કૂલમાં ભણાવે છે
ભણાવે હવે –
વિદ્યાર્થી ભણી થોડા ગયા કે સંતાપ !
એમ કહેવાય છે કે
બીજા બધાંમાં તાલીમ જોઈએ
પણ માસ્તરમાં ન હોય તો ચાલે
ચાલ્યા વગર
તાલીમ વગરના હજારોની સંખ્યામાં
સ્કૂલમાં ઘૂસી ગયા?
પૂછવાનું તો એ થાય કે
તાલીમ વગરના માસ્તરો
એમ જ ભણાવવા લાગ્યા ક્લાસમાં?
એમને પસંદ કરનારા અભણ હતા?
કે એમને પસંદ કરવાની તાલીમ
કોઈએ આપી જ ન હતી?
કે ગરમ ગજવે એમને
પાછલે બારણેથી ક્લાસમાં ઘૂસાડયા?
ખરેખર તો આ તાલીમ અને લાયકાત
ને એવું બધું બંધ જ કરી દેવા જેવું છે
ગજવા ગરમ કરે તે જ પાત્ર
બાકીના ઢોર માત્ર !
ને લાયકાતનું પણ રોજ શું રડવાનું?
લાયકાત વગર પ્રધાન નથી થતા?
લાયકાતવાળો તો કલેક્ટર હોય
મંત્રી તે વળી લાયકાતવાળો હોય?
શું તમે ય તે !
વગર લાયકાતે ને તાલીમે
આખો દેશ ચાલી શકતો હોય ત્યાં
માસ્તરની મેથી મારવાનો કોઈ અર્થ ખરો?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com