બંધારણના અનુચ્છેદ ૧ મુજબ, ભારત દેશ રાજ્યોનો સંઘ છે. સંવિધાન નિર્માતાઓએ જે પ્રકારનું સમવાય માળખું ઘડ્યું છે, તેમાં મજબૂત કેન્દ્ર અને સ્વાયત્ત રાજ્યોની કલ્પના તો કરી છે પરંતુ કેન્દ્રાભિમુખ પૂર્વગ્રહો સાથે તેને રાજ્યોના સંઘનો જામો પહેરાવ્યો હોઈ કેન્દ્ર-રાજ્ય વચ્ચે ટકરામણો ચાલ્યા કરે છે. હવે તે વિવાદ કે સંઘર્ષ મટી જંગનું સ્વરૂપ લેશે કે શું તેવી ધાસ્તી પણ પેદા થાય છે.
બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની ધારાકીય, નાણાકીય અને વહીવટી સત્તાઓ અને જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન અંકિત થયેલું છે. સાતમી અનુસૂચિની સંઘ યાદીના ૯૭ વિષયો પર કેન્દ્ર, રાજ્ય યાદીના ૬૬ વિષયો પર રાજ્ય અને સમવર્તી યાદીના ૪૭ વિષયો પર કેન્દ્ર અને રાજ્યો બંને કાયદા ઘડી શકે તેવી મૂળ જોગવાઈ છે. બંધારણના વિવિધ સુધારાઓથી આ યાદીમાં ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યોની મુખ્ય ફરિયાદ તેમની ધારાકીય સત્તાઓમાં કેન્દ્રના અતિક્રમણની છે. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી રાજ્ય યાદીના પાંચ વિષયોને સમવર્તી યાદીમાં મુકવામાં આવતાં રાજ્ય યાદીના ૬૬ વિષયો ઘટીને ૬૧ થયા છે અને સમવર્તી યાદીના વિષયો વધીને ૫૨ થયાં છે. આ ઉપરાંત પણ કેન્દ્રની દખલ ચાલુ રહે છે.
ગયા વરસે સંસદે મંજૂર કરેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોટા ભાગના વિપક્ષી રાજ્યોની વિધાનસભાઓએ પ્રસ્તાવ પસાર કર્યા હતા. ભા.જ.પા. સમર્થિત ગણાતા પક્ષોની ઓડિશા, તમિલનાડુ , અને તેલગંણાની વિધાનસભાઓએ તો ઠીક, ભા.જ,.પા. જ્યાં સત્તામાં ભાગીદાર હતી તે બિહારની નીતિશકુમાર સરકારે પણ એન.આર.સી. પોતાના રાજ્યમાં લાગુ ન પાડવાનો ઠરાવ કર્યો હતો. કેન્દ્રના તાજેતરના ત્રણ કૃષિ કાનૂનોનો પોતે અમલ નહીં કરે તેવી સ્પષ્ટતા સાથે પંજાબ સહિત કૉન્ગ્રેસી રાજ્ય સરકારોએ કેન્દ્રના કાયદાથી અલગ કાયદા ઘડ્યા છે. કેન્દ્રીય તપાસ સંસ્થા, સી.બી.આઈ., રાજ્ય સરકારની પૂર્વમંજૂરી વિના રાજ્યમાં તપાસ કરી શકશે નહીં તેવો નિર્ણય મહારાષ્ટ્ર, બંગાળ, કેરળ, છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાન સરકારોએ કર્યો છે. તેના પર દેશની સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી છે.
બંધારણના અનુચ્છેદ ૧૩૧માં કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ વચ્ચેનો વિવાદ ઉકેલવાની સત્તા દેશની સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. તે અન્વયે કેરળ સરકારે નાગરિકતા સંશોધન કાયદાને અને છત્તીસગઢ સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એકટમાં ૨૦૧૮માં થયેલા સુધારાને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યા છે. કેરળ અને છત્તીસગઢ સરકારોએ કેન્દ્રના કાયદાને પડકારવાનું જે અંતિમ પગલું લીધું છે તે કેન્દ્ર-રાજ્ય સંબંધો ભવિષ્યમાં કેવું ગંભીર સ્વરૂપ લેશે તે દર્શાવે છે.
આઝાદી પછીના બે દાયકા સુધી દેશમાં કૉન્ગ્રેસનું એકચક્રી શાસન હતું. એક પક્ષ પ્રભાવની સરકારો રાજ્યમાં અને કેન્દ્રમાં હતી. તેથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સુમેળથી શાસન ચાલતું હતું. ૧૯૬૭માં પ્રથમવાર રાજ્યોમાં બિનકૉન્ગ્રેસી સરકારો અસ્તિત્વમાં આવતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા. જો કેન્દ્રમાં ગઠબંધનની કે પાતળી બહુમતીની સરકાર હોય, તો રાજ્યો મજબૂત હોય છે. પરંતુ જો કેન્દ્રમાં ભારે બહુમતીથી ચૂંટાયેલી મજબૂત સરકાર સત્તામાં આવે છે તો રાજ્યો નબળા પડે છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં બી.જે.પી.ની સરકાર રચાઈ તે સમયે દેશના મોટા ભાગના રાજ્યોમાં પણ બી.જે.પી.ની સરકારો હતી. તેથી મજબૂત કેન્દ્ર સરકાર વિપક્ષી રાજ્ય સરકારોને કશા લેખામાં જ લેતી નહોતી. ૨૦૧૭માં કેટલાક રાજ્યોની સરકારો બી.જે.પી.એ ગુમાવતા અને વિપક્ષી સરકારો રચાતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ટકરામણો વધી છે.
કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોમાં જે વિવાદ કે ખટાશ જોવા મળે છે, તેના કારણોમાં વિપક્ષી રાજ્ય સરકારો પ્રત્યે કેન્દ્રનું ઓરમાયું વર્તન, બજેટ અને અન્ય નાણાં ફાળવણીમાં ભેદભાવ, રાજ્યોનો અસમાન વિકાસ, રાજ્યપાલોની કેન્દ્રના ખંડિયા રાજાઓ જેવી ભૂમિકા, નીતિ નિર્ધારણમાં અન્યાય, ,કેન્દ્રનું પક્ષીય અને પૂર્વગ્રહિત વલણ, રાજ્યના કાયદાઓને મંજૂરીમાં વિલંબ, કેન્દ્રીય તપાસ સંસ્થાઓનો રાજ્ય વિરુદ્ધ દુરુપયોગ, રાજ્ય સૂચિના વિષયો પર કેન્દ્રનું અતિક્રમણ મુખ્ય છે.
૨૦૧૭થી એક દેશ એક કરનો કાયદો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જી.એસ.ટી.) અમલમાં આવ્યો છે. તેને કારણે રાજ્યોની વેરાની આવક ખૂબ જ ઘટી ગઈ છે. જી.એસ.ટી. કમ્પેનસેશન ટુ સ્ટેટસ એકટ ૨૦૧૭માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જી.એસ.ટી.ને કારણે રાજ્યોને કરની આવકમાં જે ખોટ જશે તે પાંચ વરસ સુધી કેન્દ્ર ભરપાઈ કરી આપશે. પહેલાં આર્થિક મંદી અને હવે કોરોના મહામારીના બહાને કેન્દ્ર સરકાર રાજ્યોને તેમાં ય ખાસ તો વિપક્ષશાસિત રાજ્યોને જી.એસ.ટી.ની ખોટ ચૂકવતી નથી. પંજાબ જેવા નાનકડા રાજ્યના પણ કેન્દ્ર પાસે ૪,૪૦૦ કરોડ લહેણા છે. આ વરસે કેન્દ્રે જી.એસ.ટી. વળતર રૂપે રાજ્યોને ૯૭,૦૦૦ કરોડ ચૂકવ્યા નથી. હવે કેન્દ્રીય નાણા મંત્રી જી.એસ.ટી. વળતરની રકમ માટે રાજ્યોને બેંકો પાસેથી લોન લેવા જણાવે છે. જે કરની આવક થાય છે તેનો ૫૮ ટકા હિસ્સો કેન્દ્રના ફાળે જાય છે અને ૪૨ ટકા હિસ્સો રાજ્યને મળે છે, પરંતુ ખર્ચમાં રાજ્યોનો હિસ્સો ૬૦ ટકા છે અને કેન્દ્રનો ૪૦ ટકા જ છે એટલે કેન્દ્ર વધુ આવક મેળવી ઓછો ખર્ચ કરવા છતાં રાજ્યને તેના હકનાં નાણાં ફાળવતું નથી. વિપક્ષ-શાસિત રાજ્યોને કેન્દ્રના બજેટમાંથી બહુ ઓછી ફાળવણી થાય છે અને જે ફાળવણી થાય છે તે પણ ભારે વિલંબ પછી ચૂકવાય છે.
૨૦૧૪માં સત્તાનશીન થયા ત્યારે પ્રધાન મંત્રીએ કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા ‘ટીમ ઈન્ડિયા’ બનવા આહ્વાન કર્યું હતું. પરંતુ તેમના તરફથી જ તેને ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. હાલની મજબૂત કેન્દ્ર સરકાર વધુ કેન્દ્રીકૃત અને એકાધિકારવાદી સત્તા ભોગવે છે અને રાજ્યોને માથે વધુ જવાબદારી થોપી ઓછી નાણાં ફાળવણી કરે છે. કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓને નાણાં ફાળવણી સીધા તેમના બેન્ક ખાતામાં કરવાનો બાહ્ય ઉદ્દેશ તો વહીવટી ખર્ચ ઘટાડવાનો અને ભ્રષ્ટાચાર મિટાવવનો ગણાવાય છે. પરંતુ વાસ્તવમાં તે રાજ્યોના અધિકાર પર તરાપ છે. એકતરફ વિપક્ષી રાજ્ય સરકારો કેન્દ્રની યોજનાઓનો અમલ કરતી નથી તેવી ફરિયાદો કરવી અને બીજી તરફ રાજ્ય સરકારોને બાજુ પર હડસેલી કેન્દ્રીય યોજનાઓને બારોબાર અમલ અને વહીવટ કરવો તે રાજ્યોને અન્યાય કરનારું અને સહકારી સંઘવાદને છેહ દેનારું પગલું છે.
જી.એસ.ટી. કાઉન્સિલમાં કેન્દ્રને ૧/૩ અને રાજ્યોને ૨/૩ વોટિંગનો અધિકાર છે. જી.એસ.ટી. કાઉન્સિલમાં સર્વસંમતિથી લેવાતા નિર્ણયો હવે બહુમતીથી લેવાય છે. વિપક્ષની રાજ્ય સરકારોની ફરિયાદોનો વાજબી ઉકેલ લાવવાને બદલે બહુમતીથી નિર્ણયો લઈને સમવાય માળખાને નુકસાન કરાઈ રહ્યું છે. જો વિપક્ષી રાજ્ય સરકારો બહુમતીમાં હશે તો કેન્દ્ર માટે નિર્ણયો કરવામાં વધારે મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. કેન્દ્ર-રાજ્યો વચ્ચેના જે વિવાદ આર્થિક કારણોથી છે તે રાજકીય બનશે તો દેશનું ફેડરલ સ્ટ્રકચર જાળવી રાખવું અઘરું બની જશે. કેન્દ્રના કૂષિ કાનૂનોનો વિરોધ પંજાબના ખેડૂતો રેલવે ટ્રેક પર બેસીને કરી રહ્યા છે, એટલે પેસેન્જર જ નહીં ગુડ્સ ટ્રેનો પણ પંજાબ જતી નથી. તેને કારણે પંજાબમાં આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત ઊભી થઈ છે. પંજાબના મુખ્ય મંત્રીની ટ્રેનોની સલામતીની ખાતરી છતાં કેન્દ્ર સરકાર પંજાબમાં માલગાડીઓ ચાલુ કરવા ન માંગે તે યોગ્ય નથી. એજ રીતે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાર્યકરોની હિંસાના કારણે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં કોલકાતાના બી.જે.પી. કાર્યાલયની સુરક્ષાની જવાબદારી સી.આર.પી.એફ.ને સોંપવાનું પગલું પણ રાજ્યની સત્તા પર અતિક્રમણ છે. આ કારણોથી સંબંધો વધુ વણસી શકે છે.
બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિથી રાજ્યનું રક્ષણ કરવાના કેન્દ્રના કર્તવ્ય અંગેની જોગવાઈ ધરાવતા બંધારણના અનુચ્છેદ ૩૫૫ અને રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જતાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાની જોગવાઈ ધરાવતા બંધારણના અનુચ્છેદ ૩૫૬નું મન માન્યું અર્થઘટન કરીને તેનો દુરુપયોગ થતો હોવાની વ્યાપક છાપ છે. ૧૯૪૭થી ૧૯૭૭ સુધીમાં રાજ્યોમાં ૪૪ વખત, ૧૯૭૭થી ૧૯૯૧ દરમિયાન ૫૯ વખત અને ૧૯૯૧થી ૨૦૧૬ દરમિયાન ૩૨ વખત રાજ્યોમાં રાષ્ટ્રપતિનું એટલે કે કેન્દ્રનું શાસન લાદવામાં આવ્યું છે. આ બાબતમાં કેન્દ્રના સઘળા રાજકીય પક્ષો એક સરખા જવાબદાર છે. સરકારિયા કમિશનની ભલામણો અને એસ.આર. બોમાઈ કેસના ચુકાદા છતાં રાજ્ય સરકારોને અસ્થિર કરવાનું અને તક મળેથી રાજ્ય સરકારને ઘરભેગી કરવાનું કેન્દ્ર સરકારનું વલણ પણ કેન્દ્ર-રાજ્ય વિવાદનું કારણ છે. ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં પક્ષપલટા અને ધારાસભ્યોના ખરીદ-વેચાણથી સત્તા મેળવવામાં આવી છે. તેને કારણે પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો બગડ્યા છે.
કેન્દ્ર રાજ્ય સંબંધોમાં શક્તિ સંતુલન માટે ભલામણો કરવા ૧૯૮૩માં રચાયેલા જસ્ટિસ રણજિતસિંહ સરકારિયાના અધ્યક્ષપણા હેઠળના પંચે ૧૯૮૮માં તેનો અહેવાલ આપ્યો હતો. સરકારિયા કમિશનની અનેક મહત્ત્વની ભ્લામણોમાંની એક ભલામણ, રાજ્યો રાજ્યો વચ્ચેના અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદાસ્પદ મુદ્દાઓના ઉકેલ માટે આંતરરાજ્ય પરિષદની રચનાની હતી. સરકારે આ ભલામણ સ્વીકારીને ૧૯૯૦થી કાયમી ધોરણે આંતર રાજ્ય પરિષદની રચના કરી છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં તેની માત્ર ૧૧ જ બેઠકો મળી છે. આંતર રાજ્ય પરિષદની દસમી બેઠક ૨૦૦૬માં અને અગિયારમી બેઠક દસ વરસો પછી ૨૦૧૬માં મળી હતી. સરકારિયા કમિશનના રિપોર્ટ પછી ૨૦૦૭માં કેન્દ્ર રાજ્ય સંબંધો અંગે ભલામણો કરવા જસ્ટિસ મદન મોહન પૂંછી આયોગની રચના થઈ હતી. આયોગે તેનો અહેવાલ ૨૦૧૦માં કેન્દ્ર સરકારને આપ્યો હતો. તેના છ વરસો પછી, આંતર રાજ્ય પરિષદની ૨૦૧૬માં મળેલી બેઠકમાં, આ અહેવાલ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. પૂંછી આયોગની ભલામણોના સ્વીકાર અને અમલ અંગેની સરકારની આ વિલંબનીતિ જ કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગે સરકાર કેટલી ગંભીર છે તે દર્શાવે છે.
કોવિડ-૧૯ મહામારીના વર્તમાન સમયમાં કેન્દ્રના સર્વસત્તાધીશ વલણે વિપક્ષી રાજ્ય સરકારો સાથેના સંબંધો વધુ વણસ્યા છે. કૉન્ગ્રેસ અધ્યક્ષાએ બોલાવેલી વિપક્ષી રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ, ‘લડના હૈ યા ડરના હૈ પહલે યે તય કરો’નો જે લલકાર સાથી મુખ્યમંત્રીઓને કર્યો હતો તેના પરથી રાજ્યોનો ગુસ્સો સમજાય છે. મહામારીને કેન્દ્રે વણજાહેર કટોકટીમાં ફેરવી દીધી છે અને રાજ્યોને સાવ ખંડિયા બનાવી મુક્યા છે. લૉક ડાઉનની ઘોષણા, સ્થળાંતરિત કામદારોનો સવાલ અને આર્થિક પેકેજ જેવા મુદ્દે રાજ્યોને વિશ્વાસમાં લીધા સિવાય નિર્ણયો થોપવામાં આવ્યા છે. કોરોના અંગેના કેન્દ્રના રોજેરોજના આદેશો રાજ્યોએ માથે ચડાવવા પડ્યા છે. ટેસ્ટિંગ, માસ્ક, કન્ટેનમેન્ટ, માઈક્રો કન્ટેનમેન્ટ, ગ્રીન, ઓરેન્જ ,રેડ ઝોન. જાહેર કરવાની પણ રાજ્યોને સત્તા નહોતી. છત્તીસગઢની કૉન્ગ્રેસી સરકારને રાજધાની રાયપુરને ઓછા પોઝિટિવ કેસો છતાં રેડ ઝોનમાંથી બહાર કઢાવવા સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે અદાલતી ખટલા ઊભા થયા, ત્યારે કેન્દ્રે અમારું કામ તો રાજ્યોને માર્ગદર્શન આપવાનું હતું આરોગ્ય તો રાજ્યનો વિષય છે તેમ કહી હાથ ખંખેરી કાઢી રાજ્યો પર જવાબદારી ઢોળી દીધી હતી. મહામારીના સમયે ટીમ ઈન્ડિયા બની કેન્દ્ર અને રાજ્યોએ કામ કરવાનું હતું, ત્યારે રાજ્યોને મહામારીને બદલે કેન્દ્રના એકાધિકાર સામે લડવાનું આવ્યું.
કેન્દ્ર રાજ્ય સંબંધો તાળા કૂંચી જેવા છે. પણ રાજ્યો પર જવાબદારીનો બોજ નાંખી સત્તાની ચાવી કેન્દ્ર પોતાની પાસે રાખે છે. આ સ્થિતિ રહેશે તો સંવિધાન નિર્માતાઓનું રાજ્યોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા સાથેની મજબૂત કેન્દ્ર સરકાર સ્વપ્નવત્ હશે.
(તા.૨૫-૧૧-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com