કટોકટીભર્યા આ વિશ્વમાં મને એમ થાય છે કે ગઈ સદીના કેટલાક ફિલસૂફો પાસે જઉં. ફિલસૂફો તર્કપૂત વિચારો અને તેથી સંભવતાં દર્શનોને વરેલા હોય છે, તેઓ અંગત ધોરણે કદી કોઈ વ્યક્તિ કે વિચારનો પક્ષ નથી કરતા, હમેશાં વસ્તુલક્ષી રહે છે. તેથી, ફિલસૂફી પાસેથી આપણને વાસ્તવિકતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, અને તેથી, હમેશાં આપણે ફિલસૂફીનું સેવન કરવું જોઈએ.
સૌથી પહેલાં યાદ આવે છે, દેરિદા (1930-2004). આમ તો, ‘ડેરીડાહ્’ ક્હૅવું જોઈએ, પણ વરસોથી હું દેરિદા ક્હૅતો આવ્યો છું, અને એમણે એનો વાંધો નથી લીધો, આઈ મીન, એમના અધ્યેતાઓએ …
મેં અગાઉના લેખમાં એવા મતલબનો મુદ્દો કરેલો કે લોકશાહીમાં ચૂંટણીતન્ત્રથી પ્રાપ્ત થતા મત કરતાં લોકોની સંમિશ્ર લાગણીઓ જોડે રમતો રમીને ઊભા કરેલા લોકમતની સરસાઈ હોય છે.
વરસો પરના કોઈ લેખમાં અને કોઈ વ્યાખ્યાનમાં મેં એમ પણ કહેલું કે ‘લોકશાહી’ સંજ્ઞાનું ડિકન્સ્ટ્રકશન કરવામાં આવે તો એની નીચે સંતાયેલા રાજાશાહીના કે બાદશાહીના જીવાણુઓ મળી આવશે. મેં રમૂજ ખાતર કહેલું કે ધ્યાનથી જોશો તો દરેક લોકશાહ બાદશાહ લાગશે.
મારા એ મન્તવ્યને દેરિદાના ડિકન્સ્ટ્રક્શન વિચારની સૈદ્ધાન્તિક ભૂમિકા હતી. પણ આજે એમના એક લોકશાહી-સંગત વિચારની વાત કરવી છે, કહો કે, મારા એ મન્તવ્યમાં ઉમેરવી છે.
થોડાક સમય પહેલાં, ‘સ્ટેનફર્ડ ઍન્સાયક્લોપીડિયા ઑફ ફિલોસૉફી’-માં Jacues Derrida – લેખમાંથી પસાર થવાનું બનેલું. 2006-માં પ્રકાશિત એ લેખને જરૂરી ઉમેરા સાથે 2021-માં પુન:પ્રકાશિત કરવામાં આવ્યો છે. એમાં, દેરિદાના 2002-માં પ્રકાશિત Rogues પુસ્તકના The Reason of the Strongest-નો ઉલ્લેખ છે. એમાં મને વાંચવા મળેલો વિચાર democracy and sovereignty વિશે, એટલે કે, લોકશાહી અને સાર્વભૌમત્વ વિશે છે. જાણીતું છે કે સાર્વભૌમત્વનો મૂળ સમ્બન્ધ સર્વોચ્ચ સત્તા સાથે છે.
યુનાઇટેડ નેશન્સની ચર્ચા કરતાં દેરિદા જણાવે છે કે લોકશાહી અને સાર્વભૌમત્વ વિભાવો પશ્ચિમી રાજનીતિ સાથે જોડાયેલા છે, ઉમેરે છે કે, પણ એને ભેગા કરી દેવાયા છે. હકીકત એ છે કે એ બે વિભાવો વચ્ચે ભેદ છે, બન્ને એકબીજાના વિરોધી છે.
દેરિદા ફિલસૂફ છે, એમની વિચારણા સંકુલ અને અનેક અર્થઘટનોને આવકારે એવી મુક્ત હોય છે. સર્વોચ્ચ સત્તાનું સત્ત્વ – ઇસેન્સ – સમજાવતાં દેરિદા જે કહે છે તેનો સાર, અતિ સરલીકરણ ન કરી બેસું એ સાવધતા સાથે, મારા શબ્દોમાં આપું :
સર્વોચ્ચ સત્તાધીશ થવા ઇચ્છતી વ્યક્તિએ સત્તા હાંસલ કરવી પડે. સત્તાના ઉપયોગની એણે જવાબદારી ઉઠાવવી પડે. સત્તા એણે ચૂપચાપ વાપરી બતાવવાની હોય છે. કયાં કારણોસર વાપરી એ જણાવવા એ બંધાયેલો નથી. બીજા શબ્દોમાં એમ કહેવાય કે સત્તાને એ અવિભાજ્ય રૂપમાં મેળવવા માગતો હોય છે; યત્નશીલ રહે છે કે કોઈને સહભાગી ન બનાવવા પડે, સત્તાની વહેંચણી ન કરવી પડે. પણ વહેંચણી નહીં કરવાથી ચૉકક્સ નિર્ણયો લેવામાં સત્તા વપરાઈ જાય છે. કાર્યોનો નિર્ધાર કરવામાં અને તરત પરિણામો મળે એવાં કાર્યોનાં આયોજન કરવામાં સત્તા ખપી જાય છે. દેરિદા અનુસાર, આ ખાસ સ્વરૂપની સિન્ગ્યુલારિટી છે.
પરન્તુ લોકશાહીમાં અપેક્ષિત એ હોય છે કે સર્વોચ્ચે સત્તાની વહેંચણી કરવી, કારણો પૂરાં પાડવાં, સ્વરૂપે બધું સાર્વત્રિક કરવું, યુનિવર્સાલાઇઝ્ડ કરવું.
સાર્વભૌમત્વ અને લોકશાહી વચ્ચે ભેદ છે તેમ સામ્ય પણ છે. સામ્ય એ કે, લોકશાહીને પણ બળ, મૉકળાશ, નિશ્ચલતા, અને સર્વોચ્ચ સત્તાની જરૂર પડે છે, એ ભલે ને બધું સાર્વત્રિક કરવા ચાહે ! ભલે ને કારણો પણ પૂરાં પાડે !
દેરિદા અનુસાર, લોકશાહીમાં પણ નિર્ણય, એટલે કે સત્તાનો ઉપયોગ, હમેશાં તાકીદનો વિષય હોય છે – અર્જન્ટ. પરન્તુ ભેદ એ છે કે લોકશાહી સમય માગે છે, રાહ જોવરાવે છે. કેમ? એટલા માટે કે સત્તાના ઉપયોગની ચર્ચા કે ચર્ચાઓ થઈ શકે.
લોકશાહી લોકોનું રાજ છે પણ એને ય સર્વોચ્ચ સત્તાની જરૂર તો હોય જ છે. કેમ કે તો જ એ નિર્ણયો લઈ શકે, નિર્ણયો અનુસારનાં કામો પાર પડે એ માટે અમલ બજાવી શકે, અને એ પ્રકારે મુક્તતા પ્રસરાવી જાણે. પણ અહીં જ પેલો વિરોધ ઊભો થાય છે, કેમ કે સર્વોચ્ચ સત્તાનો અર્થ જ છે, કેન્દ્રસ્થ અને એકહથ્થુ સત્તા. અને એ કારણે સમાનતા અને ભાગીદારી જેવા લોકશાહીય આદર્શો સાથે અથડામણ ઊભી થાય છે. એટલે કેટલા ય ચિન્તકો લોકશાહીમાં થતા સત્તાના ઉપયોગને સત્તાનો દુરુપયોગ ગણે છે —In democracy the use of power therefore is always an abuse of power.
ભારત, અમેરિકા કે બીજાં રાષ્ટ્રોમાં પ્રવર્તતી લોકશાહી – એ સંકેતને ડીકન્સ્ટ્રક્ટ કરીએ તો શું જોવા મળે છે? સમાનતા અને ભાગીદારીના લોકશાહીય આદર્શો સાથેની અથડામણનું નિવારણ જોવા મળે છે ખરું? એટલે કે લોકશાહી અને સાર્વભૌમત્વ સંતુલિત હોય છે? કે લોકશાહીના મુખવટા હેઠળ સાર્વભૌમત્વની જ આણ વરતાય છે? એટલે કે, સર્વોચ્ચે સત્તાની વહેંચણી શાસક પક્ષના સભ્યો જોડે કેટલી અને કેવા સ્વરૂપે કરી છે? એમની જોડે પ્રશ્નો અને તેના ઉકેલો માટે વિમર્શપરામર્શ કર્યો છે? એટલે કે, સત્તાની વહેંચણી એના સદર્થે પ્રસરી છે ખરી?
આ સંદર્ભમાં, થોડીક ફિલસૂફીપરક વાત પણ ઉમેરી લઉં :
એકબીજા સાથે વિચાર કે મન્તવ્યના વિનિમય વિના, એવા સંક્રમણ કે કૉમ્યુનિકેશન વિના, સત્તા કદી પ્રયોજી શકાતી નથી, એ હકીકત છે. દેરિદા કહે છે : હું જેવો બીજા સાથે બોલવા માંડું, મારે કારણો આપવાના કાયદાને અનુસરવું પડે છે, હું એને આભાસી રૂપે સાર્વત્રિક બનાવી શકાય એ માધ્યમનો (મુખ્યત્વે ભાષાનો) સહભાગી બનાવું છું, હું એને મારા અધિકૃત હું-નો, હું-પદનો, સહભાગી બનાવું છું : — As soon as I speak to the other, I submit to the law of giving reason(s), I share a virtually universalizable medium, I divide my authority.
આ મુદ્દાની દાર્શનિક ભૂમિકા ડિકન્સ્ટ્રક્શન-વિચારમાં છે. Rogues -માં મુકાયેલું આ વિધાન જુઓ :
Derrida’s deconstruction not only of the hearing-oneself-speak auto-affection but also of the auto-affection of the promising-to-oneself to keep a secret.
એને સમજવાનો અને સજાવવાનો પ્રયત્ન કરું :
Hearing-oneself-speak : હું બોલું એટલે તુર્ત હું મને સાંભળું છું. એવા સદ્ય અને સમ્પ્રજ્ઞાત આત્મતત્ત્વનો હ્યુસેર્લ વગેરે ફિનોમિનૉલોજીને વરેલા વિદ્વાનો મહિમા કરતા હતા. પણ દેરિદા જુદું કહે છે : બોલાય અને સંભળાય એ વચ્ચે જરાક સમય લાગે છે, ‘gap’ અથવા ‘differAnce’. તેથી, પોતે પોતાને સાંભળે એ સદ્ય અને સાક્ષાત્ અનુભવમાં ખલેલ પડે છે. (gap અને differAnce બન્ને સંજ્ઞાના સંકેતાર્થ દેરિદામાં એમની રીતના છે).
Promising-to-oneself : હું promiss -વચન – પાળું એ એક auto-affection છે, કેમ કે એમાં તો હું જ મારી સાથે બંધાતો હોઉં છું કે કોઈપણ ભવિષ્યમાં એ વચન પાળીશ. પણ દેરિદા જુદું કહે છે : કોઇપણ વચન માટે ભાષા જોઈએ, બહારના સંજોગોનો સંદર્ભ પણ જોઈએ. દેખીતું છે કે હું શૂન્યાવકાશમાં તો વચન ન વદી શકું ! મારા વચનને એક ભવિષ્યની તેમ જ એક એવી શક્યતાની જરૂર પડવાની જેમાં હું બીજાઓ સાથે આદાનપ્રદાન કરી શકું.
દેરિદા અહીં આત્મરત, સદ્ય અને સુયોજિત ચેતનાના વિભાવને પડકારે છે. કુદરતી દીસતા આ અનુભવને દેરિદા ડિકન્સ્ટ્રક્ટ કરે છે, આત્મતત્ત્વ અને આત્મલક્ષીતા પાછળની પરમ્પરાગત અવધારણાઓને પડકારે છે. એમનું કહેવું એમ છે કે સ્વપ્રમાણિત દીસતો આ અનુભવ આન્તરિક રીતે તો ભેદો અને અન્યતાથી, alterity-થી, રચાયો છે, સમાજ સાથેની ક્રિયાપ્રતિક્રિયા તેમ જ અર્થઘટનની સંદિગ્ધતા સાથે સંકળાયેલો છે. એથી બાહ્ય વિશ્વ સાથેનું એનું ખરું ખુલ્લાપણું સૂચવાય છે.
લોકશાહી અનુત્તમ શાસનપ્રણાલિ છે, એમાં બેમત નથી. એ લોકાભિમુખ છે, એમાં પણ બેમત નથી. દેરિદા કહે છે એવું બાહ્ય વિશ્વ સાથેનું એનું ખરું ખુલ્લાપણું પણ સ્વયંસ્પષ્ટ છે. એમાં બીજાને, એટલે કે, વિપક્ષ અને મીડિઆ સહિતના સૌને, સાંભળવાની સહિયા પણ છે. તેમછતાં, કેટલીયે વાર સર્વસત્તાધીશના અવાજમાં બીજા બધા અવાજ શમી જાય છે, એવું કેમ? અંદરનાં કે બહારનાં પોલાણથી કદાચ લોકશાહી એક ખોખલી શાસનપ્રણાલિ તો પુરવાર નથી થતી ને?
= = =
(ક્રમશ:)
(02/03/24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર