‘જીહાં હુજુર મૈં ગીત બેચતા હૂં’ – કાવ્યના સર્જક ભવાની પ્રસાદ મિશ્ર કવિ તરીકે ભારતભરમાં જાણીતા હતા. એ ગાંધીમાર્ગના સમર્પિત યાત્રી હતા. એમના સુપુત્ર અનુપમ મિશ્ર પાણી અને પર્યાવરણના જતન માટે સતત સક્રિય રહ્યા. વક્તા અને લેખક તરીકે એ વિશ્વવિખ્યાત થયા. અહિંસા સંસ્કૃિત કા દ્વૈમાસિક ‘ગાંધીમાર્ગ’નું સંપાદન કર્યું. માત્ર અડસઠ વર્ષ (1948થી 2016) જીવ્યા પણ શતાબ્દીથી પણ સવાયું કામ કર્યું. એમનાં ધર્મપત્ની મંજુશ્રીએ ગાંધી-માર્ગના છેલ્લા અંકમાં આપેલા જીવન-વૃત્તની વિગતો વાંચતાં આશ્ચર્ય થાય છે.
સંસ્કૃત સાથે એમ.એ. થયેલા પણ ભાષાની સાદગી એમની પાસેથી શીખવાની રહે. સને 1969માં એ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં જોડાયા. પ્રભાષ જોશીના નેતૃત્વમાં શ્રવણ ગર્ગ સાથે જોડાઇ લેખન-પ્રકાશનની જવાબદારી સંભાળી. સર્વ સેવા સંઘના સાપ્તાહિક ‘સર્વોદય’નું પ્રકાશન આરંભ્યું.
વૃક્ષો બચાવવા માટેનું ‘ચિપકો’ આંદોલન, મધ્યપ્રદેશના નવા બંધનું મિટ્ટી બચાવો આંદોલન, ગોચર રક્ષા આંદોલનમાં ભાગ લઇ લખવાનો આરંભ કર્યો. સને 1973માં જયપ્રકાશજીના નેતૃત્વમાં ચંબલમાં ડાકુઓ આત્મસમર્પણ કરે એ માટેના અભિયાનમાં જોડાયા. એ વિશે ‘ચંબલની બંદૂકો ગાંધીનાં ચરણોમાં’ એ નામે પુસ્તક લખ્યું.
આજીવન દાસ બનાવવામાં આવતા ‘બંધુઆ મજદૂરો’નો સર્વે કર્યો. સને 1980થી પાણીનું કામ સંભાળ્યું. રાજસ્થાનની પાણી જાળવણીની પરંપરાનો અભ્યાસ કર્યો. બારેક વર્ષના અભ્યાસ પછી ‘આજ ભી ખરે હૈં તાલાબ’ પુસ્તક રચ્યું. આ પુસ્તક અનેક ભાષાઓમાં પહોંચ્યું. અનુપમજી પછીનાં વર્ષોમાં પાણી અને પર્યાવરણના પ્રશ્ને રજૂઆત કરવા વિશ્વના અનેક દેશોનાં સંમેલન કે સંસ્થાઓ દ્વારા આમંત્રણ મેળવે છે. સને 1977થી 2000 સુધીમાં પર્યાવરણ કક્ષ દ્વારા નાનાં મોટાં સત્તર પુસ્તકો પ્રગટ થયાં. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ની ચોત્રીસ આવૃત્તિઓ થઇ છે. ભારતની મોટાભાગની ભાષાઓમાં એના અનુવાદ છપાયા છે. કોપીરાઇટ જેવું કંઇ રાખ્યું જ નથી. છાપો, વાંચો, અમલ કરો.
સને 1975માં સુલભ થયેલ ‘રાજસ્થાન કી રજત બૂંદે’ ફ્રાન્સથી ચીન સુધી પ્રસરે છે. અનુપમજીને પર્યાવરણ ક્ષેત્રે વિરલ કામગીરી બદલ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયાં. આ બધું ગાંધીજી અને ગાંધી-માર્ગ ખાતે જમા. 2000થી 2006 સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સચિવ તરીકે અને 2006થી 2016 સુધી-મૃત્યુપર્યંત ‘ગાંધી-માર્ગ’નું સંપાદન કર્યું.
જાન્યુઆરી, એપ્રિલ 2017ના સંયુક્ત અંકમાં દેશના ગાંધીમાર્ગી કર્મશીલ સારસ્વતોએ અનુપમજીના જીવન અને કાર્ય વિશે લખ્યું છે. ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના પ્રમુખશ્રી કુમાર પ્રશાંત લખે છે: અનુપમજી ગાંધીના બ્રહ્માંડમાં પરિક્રમા કરનારા અગણિત ગ્રહોમાંના એક હતા, પરંતુ એ અર્થમાં અનુપમ હતા કે એ પોતાની કક્ષામાંથી કદી વિચલિત નહોતા થયા.
નયા જ્ઞાનોદયે પણ અનુપમ મિશ્ર વિશે વિશેષ લેખ પ્રગટ કર્યા હતા.( ફેબ્રુઆરી 2017) એમાં લખેલા લેખના આરંભે કુમાર પ્રશાંતજીએ રવીન્દ્રનાથની રચનાનો અનુપમજીના પિતા ભવાનીપ્રસાદ મિશ્રે કરેલો અનુવાદ ટાંક્યો છે:
દેશ કી માટી દેશ કા જલ
હવા દેશ કી દેશ કા ફલ
સરસ બનેં, પ્રભુ સરસ બનેં.
આ સાદગીનો વારસો અનુપમજીએ પણ દિપાવ્યો છે.
શ્રીકૃષ્ણકુમારના લેખનું એક વાક્ય યાદ રહી ગયું: ‘પ્રકૃતિની જેમ ગામ પણ વિજયી નીવડશે.’ – આ અનુપમજીની શ્રદ્ધા હતી.
રામચંદ્ર રાહીના લેખ દ્વારા જાણવા મળ્યું કે છેલ્લે કેન્સરની બીમારી દરમિયાન પણ અનુપમજી કેવા સ્વસ્થ-પ્રસન્ન હતા. એમનું તારણ છે કે સત્તા, સંપત્તિ અને ધર્મની સત્તાએ એમને આકર્ષિત કર્યા ન હતા, ન તો પોતાના દાયરામાં એ સત્તાઓ એમને સમેટી શકી હતી. પોતાના કર્મમય જીવન-સાધનાની ઉપલબ્ધિઓ પર પણ એમણે કદી પોતાનો હક દર્શાવ્યો ન હતો.
જમીને થાળી જાતે ધોવી, આંધીથી વરંડામાં આવી પડેલી ધૂળ જાતે વાળવી, જેવાં અનેક કામ જાતે કરતા એથી મિત્રો પ્રેરાતા.
કેતકી નાયકની કવિતાની થોડીક પંક્તિઓ:
‘અનુપમ, યે મેરી આંખોં કે તાલાબ
સૂખે નહીં હૈ
તુમ્હારે જાને કે બાદ
યે નિરંતર બહ રહે હૈં.
•••
યે આંસૂ તુમ્હારી તરફ સરલ ઔર સહજ
ભી નહીં હૈચ
યે બડે હી હઠી ઔર જિદ્દી હૈં
મના કરને પર ભી નહીં રુકતે.’
આ વિશેષાંકમાં વચ્ચે વચ્ચે પિતાશ્રી ભવાનીપ્રસાદ મિશ્રની કાવ્ય પંક્તિઓ મૂકીને યુગસંધિ રચવા સાથે વારસાને વધુ સાર્થક કર્યો છે :
પ્યાર કી સીમા નહીં હૈ
મુક્ત સ્વર મેં કહ સકૂં વહ શક્તિ દે,
પ્યાર કે મેરે પુજારી મન
લૂંટા દૂં પ્યાર સબકુછ મુઝે વહ ભક્તિ દે.
સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017