ઠામ ખાલી પેટ ખાલી, ભૂખની આગમાં
અમારે તો સળગવાનું હોય છે
રોજ ઊગે દિવસ નવો અને કંઇક આશામાં
જીવવાનું હોય છે.
રોવું, કકળવું, અમારા, મિજાજમાં નથી, દોસ્તો,
જિન્દગાની આજ રીતે ઝિન્દાદિલીથી જીવવાની હોય છે.
ગગનચુંબી ઇમારતો સામે, ઝૂંપડીમાં, વર્ષોથી
અમારે રહેવાનું હોય છે.
સમૃદ્ધિ છલકાય તેમાં, છતાં વિહ્વળ થયા
વિના જીવવાનું હોય છે.
જીવવાનું અહીં, સરેઆમ સંઘર્ષ સાથે સતત અવિરત
સંઘર્ષયાત્રામાં અહીં, પેઢીઓને, અમારી હોમાઇ જવાનું હોય છે.
થાક્યા નથી, હાર્યા નથી, બાપ, લડતા હજુ
દોષ કદી નસીબને દીધા વિના
સહજ રીતે આમ જ અમારે જીવવાનું હોય છે.
ઓલો, સૂરજ ક્યાં સુધી છુપાતો
ફરશે અમારાથી –
એકવાર તો આંગણ પર અમારા
ઊગ્યા વિના છૂટકો તેને થવાનો નથી –
પરિવર્તન આવે કે ન આવે જીવનમાં અમારા કદી
ખુમારી, ખુદ્દારી, રાખી અકબંધ જીવનમાં –
હિંમતભેર, અહીં તો, અમારે, જીવવાનું હોય છે.
તા. ૧૪-૧૨-૨૦૧૩
૫૦૧-બી, મિલન એપાર્ટમેન્ટ, નટવરશ્યામ સોસાયટીની સામે, હેવનપાર્ક બંગલા પાસે, રામદેવ નગર, સેટેલાઇટ, અમદાવાદ – ૩૮૦ ૦૧૫