મહિયર ઘરાનાના સ્થાપક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબ સંગીત પ્રેમીઓ માટે એક આદરણીય નામ છે. બાબા અલ્લાઉદ્દીન ખાન સાહેબની બીજી પણ કેટલીક ઓળખ છે. તેમાંની એક, તેઓ ઉસ્તાદ અલીઅકબર ખાનના પિતાશ્રી હતા. બે, સિતાર વાદક પંડિત રવિશંકરના ગુરુ અને સસરા હતા. અને ત્રીજી, તેઓ અન્નપૂર્ણાદેવી(પંડિત રવિશંકરના ભૂતપૂર્વ પત્ની)ના પણ પિતાશ્રી હતા. અન્નાપૂર્ણાદેવી પોતે સૂરબહાર વગાડતાં હતાં અને એમની નીચે અનેક શિષ્યો તૈયાર થયા હતા. એમના એ બધા શિષ્યો એમને ગુરુમા તરીકે ઓળખતા હતા. આમ અન્નપૂર્ણાદેવી મહિયર – સેનિયા ઘરાના અને ઉસ્તાદ બાબા અલ્લાઉદ્દીન ખાન સાહેબનાં પુત્રી તો હતાં પણ શિષ્ય પણ હતાં. અને અલ્લાઉદ્દીન ખાનની પરંપરાના વાહક હતાં.
હમણાં જે પુસ્તક અન્નપૂર્ણાદેવી પર પ્રગટ થયું છે, ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ એ રીક્લુઝીવ જીનિયસ’ (The Untold Story of a Reclusive Genious) એના લેખક છે ગુરુમાના શિષ્ય અને સરોદ વાદક અતુલ મરચંટ જટાયુ. આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે ગુરુમાના શિષ્ય અને જાણીતા બાંસુરીવાદક હરિપ્રસાદ ચોરસિયાએ.
અન્નપૂર્ણાદેવી અંગે બહુ ઓછા લોકો જાણે છે; કારણ કે તેઓ ક્યારે ય કોઈ કાર્યક્રમ આપતાં નહીં કે કોઈ કાર્યક્રમમાં જતાં નહીં. એમના જીવન આસપાસ એક રહસ્યમય પડદો સદા રહ્યો છે. પરિણામે સક્રિય સંગીતમાં કાર્યરત સિવાય એમના વિશે બહુ બધા લોકો જાણતા નથી. પ્રસ્તુત પુસ્તકમાં ૭૮ જેટલાં પ્રકરણો છે. અનેક અલભ્ય ફોટાઓ પણ સમાવિષ્ટ કરેલા છે. આઠ પૃષ્ઠમાં રંગીન ફોટાઓ જોવા મળે છે જે પુસ્તકને અધિકૃત બનાવે છે. પુસ્તકની પ્રસ્તાવનામાં બાંસુરીવાદક હરિપ્રસાદ ચોરસિયા લખે છે, “Maa was not just a mother, but a supreme mother, and an embodiment of knowledge, compassion and abundance. In Hindu mythology, Annapurna is the goddess of food and nourishment and to a lot of struggling souls like me, she provided nourishment for the body and soul.” આ અનુભવ ગુરુમાના અનેક શિષ્યોનો પણ છે.
સંગીતની સાધના કઠિન છે. આપણે ત્યાં એ ગુરુશિષ્યપરંપરાથી ચાલી આવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ અન્નપૂર્ણાદેવી અને એમના શિષ્યોમાં જોવા મળે છે. આ જાતની પ્રણાલી સંગીત સિવાય અન્ય કોઈ કલામાં જોવા મળતી નથી. અન્નાપૂર્ણાદેવી એક ઉત્તમ સિતાર અને સૂરબહાર વાદક હોવા છતાં પંડિત રવિશંકર સાથેનાં લગ્ન જીવનને જાળવવા એઓ વાદન પ્રસ્તુતિથી હંમેશના માટે દૂર રહ્યાં. આવો ત્યાગ કર્યા પછી પણ એમનું લગ્ન જીવન બચ્યું નહોતું અને તૂટીને રહ્યું.
અન્નપૂર્ણાદેવી કહેતાં, “Art ought to be a sadhana; an endeavour for perfection. What is the point of running after popularity when most of what is popular is mediocre?” (પૃ. ૭૬) ગુરુમાની આ વાત ખરે જ જીવનમાં ઉતારવા જેવી છે. તો અન્યત્ર કહે છે, “બહુત હી મુશ્કિલ હોતા હૈ એક સચ્ચે સંગીત સાધક કા સફર. જીવનનિર્વાહ કે લિયે શ્રોતાગણ કે સામને બજાના પડતા હૈ ઔર તાલી ઔર ગાલી સે અલિપ્ત રહકર અપને માર્ગ પર રહના હૈ.” (પૃષ્ઠ ૧૨૧).
સંગીતના શોખીનોએ આ પુસ્તક વાંચવા જેવું છે. આ માત્ર જીવનકથા જ નથી, પણ અહીં સંગીત અને જીવન એમ બન્ને વિષે જાણવા મળે છે. કેટલાક અનુભવો અત્યંત સ્મરણીય છે તેમ કેટલાક વિચારણીય. જેમ કે રાગ માલકૌંસ વિષેનું પ્રકરણ. અહીં કેટલાક રાગ (‘માંજ ખમાજ’ અને ‘બૈરાગી’) વિશે વાંચવા મળે છે. તે ઉપરાંત મહિયર બેન્ડ વિષેની જાણકારી પણ મળે છે. કેટલાક અત્યંત નાના પ્રસંગો વાંચવા મળે છે. એક વખત બાબા અને શ્રી બન્ને ફિલ્મ જોવા ગયા હતા. અને થોડી જ વારમાં ફિલ્મ છોડીને ઘેર પાછા આવ્યા. પૂછ્યું કેમ પાછા આવ્યા, તો બાબાએ કહ્યું ફિલ્મમાં ગીત બહુ બેસૂરુ હતું.
પ્રસ્તુત પુસ્તકમાં અન્નપૂર્ણાદેવીનાં જીવન અને સંગીત વિષે વિસ્તૃત રીત જાણવા મળે છે. પુસ્તકના લેખક અતુલ મર્ચન્ટ જટાયુ વ્યવસાયે એક જ્વેલર હતા, પણ બધું છોડીને હાલ તેઓ સંગીતસાધનામાં જીવી રહ્યા છે. તેઓ અન્નપૂર્ણાદેવીના શિષ્ય હોવા ઉપરાંત એક સરોદવાદક પણ છે, અને સાહિત્યસર્જન પણ કરે છે. અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનું પ્રકાશન પૅંગ્વિન બુક્સ દ્વારા થયું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 06 તેમ જ 13