સોક્રેટિસની એક કથા જાણીતી છે. પોતાના શિષ્યવૃંદ સાથે તે નગરમાં ભટકતો હતો. શિષ્યવૃંદ સાથે વાતો કરતાં બજારમાં આવેલી દુકાનોમાં તે અચાનક ઘૂસી જતો અને ગમે તે વસ્તુને ઉપાડીને ખૂબ ધ્યાનપૂર્વક ‘ફેરવી ફેરવીને’ જોતો. પછી તે વસ્તુને યથાસ્થાને ગોઠવી દેતો. આ તેનો નિત્યક્રમ થઈ પડેલો.
એક દિવસ તેની સાથે ફરતા ધનવાન શિષ્ય પ્લેટોથી રહેવાયું નહીં. થોડીક અકળામણ સાથે તેણે કહ્યું, ‘સોક્રેટિસ, તારે શું જોઈએ ? મન થાય તે લઈ લેને. પૈસા હું આપીશ.’
સોક્રેટિસે જે કહ્યું તે સીધું જ ગાંધી સાથે જોડાય છે. તેણે કહ્યું, ‘ના ભાઈ, હું તો બધી વસ્તુઓને ધ્યાનથી જોતાં જોતાં વિચારું છું કે ઓહો, આના વગર પણ મારે ચાલશે !’
તો ગાંધીએ અગિયાર મહાવ્રતમાં પણ કહ્યું જ છે ને કે ‘વણ જોતું નવ સંઘરવું’. જો આપણે સોક્રેટિસને જ્ઞાની માની શકતા હોઈએ તો આ મુદ્દે ગાંધીને સાદા જીવનના ઉપદેશ બદલ અવ્યવહારુ કેમ કહીએ છીએ ?
જગતમાં મૂડીવાદની બોલબાલાનો તાજેતરનો તબક્કો 1978થી શરૂ થયો. ડાવોસ ખાતે દર વર્ષે મળતી ગ્લોબલ સમિટ હોય, G – 20[Group of 20]ની મિટિંગ હોય કે પછી નાફ્ટા [NAFTA – North American Free Trade Agreement], સાર્ક [SAARC – South Asian Association for Regional Cooperation] વગેરે જેવાં આંતરરાષ્ટૃીય સંગઠનો હોય − બધે જ વેપાર, નિકાસ, મૂડીરોકાણ જેવા આર્થિક મુદ્દાનું પ્રાદ્યાન્ય જોવા મળે છે. વળી મૂડીવાદને પાંગરવા વાસ્તેની જરૂરિયાતોની છણાવટમાં સબસિડીની નાબૂદી, ‘નો મોર ફ્રી લંચીઝ’, મુક્ત બજાર, હરીફાઈ, કાર્યક્ષમતા, ‘સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ’, વગેરે વિચારોની જાળગૂંથણી વણાતી રહે છે. ગરીબી, ભૂખમરો, ખેડૂત, બેકાર યુવાઓના આપઘાત, તીવ્ર બનતી જતી આર્થિક અસમાનતા, પ્રદૂષણ, જાહેર સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓની નિષ્ફળતા, સરકારી સહાય જેવા વિચારો અને તેને આનુષંગિક નીતિઓની ચર્ચા ઘટતી જાય છે. હવે કલ્યાણ રાજ્યની ચર્ચા જ થતી નથી. અલબત્ત, ભારતમાં સરકારે મને કે કમને પણ ‘મનરેગા’ અને ફૂડ સિક્યુરિટીને જીવતી રાખી છે ખરી પણ તેના પ્રભાવની બાબતે ભારે શંકા સેવાઈ રહી છે. આવી ગરીબી નિવારણની અને માણસના જીવનને ટકાવી રાખનારી યોજનાઓને ‘ધર્માદા’ ગણાવવાની રૂખ વર્તાય છે.
મૂડીવાદ હોય ત્યાં સામાન્ય રીતે લોકશાહી પણ હોય; જો કે ચીનમાં જે મૂડીવાદ છે તે અમેરિકા અથવા યુરોપીય સંઘના જેવો નથી. ચીનમાં માનવ અધિકારો નથી. આથી મુક્ત વિચાર, વાણી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને કોઈ જ સ્થાન નથી. ચીનમાં અર્થરચના મુખ્યત્વે એકમાત્ર ઉત્પાદનના આધાર ઉપર ઊભી છે. મજૂરોને ઓછું વેતન આપવું અને ઉદ્યોગોને સસ્તી મૂડી પૂરી પાડવી, ટેકનોલોજીની નકલ કરવા દેવી વગેરે દ્વારા ક્યારેક શુદ્ધ બજારલક્ષી ન ગણાય તેવાં પગલાં ભરીને પણ ઉત્પાદન વધારીને નિકાસ કરવી તે તેનું લક્ષ છે.
જગતમાં અર્થનો પ્રભાવ હોય તે સાચું, પણ તેનો માનવજીવન ઉપર કેટલો પ્રભાવ હોવો જોઈએ ? માણસ રોજ આઠ-દશ-બાર કલાક જીવનનિર્વાહ માટે કામ કરે, પણ પછી ? કુટુંબ, પ્રેમ, ઉષ્મા, સર્જનાત્મકતા, સૌંદર્ય, સંગીત, પ્રાર્થના વગેરે જેવા ભાવોનો જીવનમાં કોઈ મતલબ કે સંદર્ભ ખરો ? અર્થકારણ વડે જીવનની સમગ્રતાને ભરી દઈ શકાતી નથી. જીવનની સમગ્રતામાં આર્થિક રચનાઓનું સ્થાન કેટલું અને કેવું રહેવું જોઈએ ? મૂડીવાદ કહે છે કે આર્થિક રચનાની આસપાસ જીવન ફરતું રહે છે. ગાંધીવિચાર કહે છે, જીવન અને તેની ઊર્ધ્વગતિમાં અવરોધરૂપ ન બને તેટલો જ આર્થિક વિસ્તાર જળવાવો જોઈએ. ગાંધી મોક્ષમાર્ગી હતા અને આ માર્ગના પ્રવાસી તરીકે તે ઓછામાં ઓછી આર્થિક જંજાળનો સામાન સાથે રાખતા હતા; કહેવાયું છે કે ‘ટૃાવેલ લાઈટ’. એ રીતે વધારાના આર્થિક સામાનના બોજ વગર હલકા-ફૂલકા રહીને પ્રવાસ કરવાનો તેમનો માર્ગ હતો. તે મૂડીવાદના વિરોધી ન હતા પણ યંત્રોના ઉપયોગ દ્વારા ‘મુઠ્ઠીભર લોકો કરોડોની કાંધ ઉપર’ ચડી બેસે તે તેમને માન્ય ન હતું. તાજેતરમાં તો આ યંત્રોથી પણ આગળ વધીને ટેકનોલોજીની ‘ઘેલછા’ એટલી બધી વધી ગઈ છે કે હવે ‘જોબલેસ ગ્રોથ’ની અતિ ગંભીર સમસ્યા સર્જાઈ છે. દેશનો જી.ડી.પી. વધતો જાય છે પણ બેકારી પણ વધતી જાય છે.
મૂડીવાદમાં ‘હીરો’ ઉત્પાદન છે, ગ્રાહક નથી. અલબત્ત, માગ પ્રમાણે ઉતપાદન અને માર્કેટ લેડ ગ્રોથનાં સૂત્રો તો છે જ. વળી, ‘ડિમાન્ડ સાઈડ ગ્રોથ’ તેના પાયામાં પણ છે. સમાજવાદમાં સપ્લાય સાઈડ ગ્રોથ કરવામાં આવે છે પણ તેમાં ઘણાં જોખમો રહેલાં છે એમ ઘણા અર્થશાસ્ત્રીઓનું કહેવું છે. એનો મતલબ એ છે કે પહેલાં ઉત્પાદનનો નિર્ણય થવો ન જોઈએ. બજારમાંથી જેમ જેમ માગ ઉદ્દભવે તેમ તેમ ઉત્પાદન કરતા જવું જોઈએ. આ રીતે ગ્રાહકકેન્દ્રી ઉત્પાદન કરવાથી ફાયદો કોને થશે ? ઉત્પાદકોને, કારણ કે તેમણે પેદા કરેલી વસ્તુઓ વેચાઈ જશે અને ક્યારેક માલની અછત પણ સર્જાશે, તેથી નફો થતો રહેશે.
મૂડીવાદી વ્યવસ્થામાં જો ખરેખર માણસને કેન્દ્રમાં રખાય તો શું થાય ?
ગ્રાહકોને હાનિકારણ હોય તેવી વસ્તુઓનું ઉત્પાદન થવું જ ન જોઈએ. તો પછી દારૂ-સિગારેટ તો તરત બંધ થવાં જોઈએ. અમેરિકા જેવા દેશમાં મેદસ્વીપણું રોગની જેમ વકર્યું છે. તેથી ગ્રાહકના હિતમાં, કોકાકોલા અને પિઝા, બર્ગર વગેરે જેવા ફાસ્ટફૂડ અને જંકફૂડનું ઉત્પાદન બંધ થવું જોઈએ. પેટૃોલ-ડિઝલના ધુમાડાથી પ્રદૂષણ વધે છે તેથી મોટરકારનું ઉત્પાદન સાવ અનિવાર્ય કરી દઈ સાઈકલ અને પેદલ હરફર કરવી જોઈએ. બુલેટ ટૃેનની પણ શી જરૂર ?
ગ્રાહકકેન્દ્રી ગણાતી નીતિઓ ખરેખર માણસકેન્દ્રી છે ખરી ? મૂડીવાદ માણસને નહીં પણ ગ્રાહકને સ્વીકારે છે. માણસને ગ્રાહક બનાવનારની પાસે ખરીદશક્તિ નામનું એક ચમત્કારિક કાજલ છે, તે મૂડીવાદી વેપારી અને ઉદ્યોગપતિ બરાબર જાણે છે. આ ખરીદશક્તિ એક જાદૂઈ છડી પણ છે. તેના વડે માણસ પોતાની માણસાઈ છોડીને ગ્રાહક બની જાય છે. મૂડીવાદના મહેલમાં પ્રવેશવા વાસ્તે માણસે પોતાની માણસાઈ તરફ લક્ષ આપ્યા વગર ગ્રાહકાઈનો અંચળો ઓઢી લેવાની અનિવાર્ય આવશ્યક્તા હોય છે. માણસ અને ગ્રાહક વચ્ચેનો આ ફરક એ જ ગાંધીવાદ અને મૂડીવાદ વચ્ચેનો ફરક.
એક વખત માણસ અને ગ્રાહક વચ્ચે આ ફરક કરીએ એટલે સમગ્ર વિચારવિશ્વ બદલાઈ જાય છે. ગાંધી યંત્રોના વિરોધી કેમ હતા ? માણસે કરવા પડતા ‘કાળજા તોડ’ શ્રમને બચાવવા યંત્ર જરૂરી ખરાં પણ ‘કરોડોની કાંધ ઉપર ચડી બેસવા’ માટે નહીં જ ! યંત્રવાદ અને યંત્રોની ઘેલછા વગરના મૂડીવાદનો વિચાર તો કરી જુઓ ! પુષ્કળ ઉત્પાદન કરવું, ઘણી બધી નિકાસો કરવી, મોટાં મોટાં જહાજો કે વિમાનો ઉડાડવાં વગેરેની જરૂર જ નહીં રહે. વૈશ્વિકીકરણ ભલે થાય – વસુધૈવ કુટુંબકમ્ − પણ માણસ માટે થાય; ગ્રાહક માટે નહીં ! આથી ગ્રામ સ્વરાજ અને સ્વદેશી નામનાં બે પાત્રો આ આર્થિક રંગમંચના તખ્તા ઉપર પ્રવેશશે. ગ્લોબલાઈઝેશન ખરું પણ માણસાઈની ભૂમિકામાં તેની ઊર્ધ્વગતિ થશે. માણસ ગ્રાહક બને અને મજૂરોને ઓછું વેતન આપવું, ખેતરો ખાલી કરાવીને કારખાનાં કરવાં, વાતાવરણને ઝેરી બનાવતાં કારખાનાં બાંધવાં, ગીચ ઝૂંપડપટ્ટી અને ભારે આર્થિક અસમાનતા ધરાવતાં શહેરો બનાવવાં, વગેરેમાં ગ્રાહક છે પણ માણસ ક્યાં છે ?
ગ્રાહક અને માણસ વચ્ચેનો આ ભેદ જ્યારે વિવેકભાન ગુમાવે છે ત્યારે સૌ પ્રથમ પ્રસ્થાપિત મૂલ્યો સામે અથડામણ શરૂ થાય છે. જૂનાં મૂલ્યો બધાં સારાં અને નવાં બધાં ખરાબ એવું તો ન જ કહેવાય પણ આધુનિકતાનો માયનો પિછાણ્યા વગર દારૂ પીવો, સિગારેટ પીવી, મુક્ત સંબંધો કરવા વગેરેને આધુનિક ગણાવી અને તેના વિરોધીઓને જડ, દયાપાત્ર, પછાત ગણવા તે પોતે તર્કસંગત નથી. માણસ જ્યારે ગ્રાહક બને છે ત્યારે વિચારનું ઔચિત્ય અને વિવેક કેટલા ગુમાવી દે છે તેનું ઉદાહરણ નારી તરફના અભિગમમાંથી સાંપડે છે. રામાયણમાં લક્ષ્મણે સીતાના દાગીના જોઈને કહેલું, ‘નુપૂરં ચૈવ જાનામિ’, સીતાના અન્ય કોઈ દાગીનાને લક્ષ્મણ ઓળખી નો’તા શક્યા, કારણ કે ‘માતા’ના ચરણ સિવાય તેમની નજર જ જતી નો’તી પણ હવે નારીદેહના ગ્રાહકી વિનિયોગ જોયા ? વિજય માલ્યાના કેલેન્ડરથી લઈને બોલીવુડના ‘ચોલી કે પીછે ક્યા હૈ’, ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’, ‘બીડી જલાઈ લે’ અને આઈટેમ સોંગ / ડાન્સ જોવા માત્રથી નારીદેહના વસ્તુકરણ – માર્ક્સ કહેતા તેમ રીઈફિકેશનનો ખ્યાલ આવે છે. માણસ ગ્રાહક બને એટલે માતા, બહેન, પુત્રી વગેરે શબ્દોના સ્થાને લિપસ્ટિક માટે હોઠ, ઘરેણાં માટે ગળું, વસ્ત્રો માટે સાથળ સુધીના અને ઉલ્લેખ પણ ન કરાય તેવાં અંગ-પ્રદર્શનો થતાં રહે છે.
નવ્ય મૂડીવાદની અનેક મર્યાદાઓ, દૂષણો અને ખામીઓને કારણે પેન્ડ્યુલમનું લોલક સામ્યવાદ તરફનો ઝોલો લે તે જરૂરી નથી. લોકશાહી જો શાસન વ્યવસ્થા છે તો તે એક સાંસ્કૃતિક રચના પણ છે. લોકશાહીનો પાયો તો નાગરિક-સિટિઝન છે. પણ જો માણસ ગ્રાહક બનીને સંકોચાઈ ગયો હોય તો તે નાગરિક કેવી રીતે બનશે? માટે જ સૌ પ્રથમ ગ્રાહકત્વને મર્યાદિત કરી સંવેદનશીલ માણસત્ પ્રગટાવવું પડે અને તેમાંથી જ જવાબદાર નાગરિકત્વ સર્જાઈ શકે. નોમ ચોમસ્કી મેન એન્ડ સિટિઝનની મીમાંસા કરે છે પણ તેના પાયામાં આવી ગયેલાં ગ્રાહકરૂપી જોખમોનો ખ્યાલ પણ ઉમેરવો રહ્યો.
તાજુબની વાત છે કે માણસમાં છુપાયેલું આ ગ્રાહકત્વ ધર્મના ક્ષેત્રે પણ એ જ નિંભરતા દાખવી શકે છે. ભારતનાં ટોચનાં દશ જ મંદિરોની વાર્ષિક આવક લગભગ પંદર હજાર કરોડની છે. આ નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ? ધર્મના નામે પાખંડ આચરનાર અને આ રીતે માણસની અંદરના ગ્રાહકત્વને પંપાળનાર કહેવાતા સંતો-મહાત્માઓ અને પ.પૂ.ધ.ધુ.ઓ પણ ઓળખી શકાય તેમ છે. ચીનમાં આસારામો હશે ? આ પ્રકારના ધર્મના ઠેકેદારો ખરેખર તો વ્યક્તિઓમાં પ્રગટતા આભાસી અભરખાઓની ફલશ્રુતિ છે. ગાંધીના એક પણ અનુયાયીએ આ પ્રકારની ઘેલછા બતાવી હોય તેમ જાણમાં નથી. સ્વામી આનંદ કે કેદારનાથને હાલના કયા ‘સંત’ની સાથે બેસાડી શકાય ?!
આમ, મૂડીવાદની સાથે સ્વતંત્રતા, લોકશાહી, આધુનિકતા વગેરે આદર્શો અને સામાજિક અને રાજકીય વિમર્શોને ગોઠવી દેવા અને પછી આ વિમર્શોના આધારે મૂડીવાદનો વાવટો ફરકાવવો તે એક નજરે નહીં ચઢેલો તર્કદોષ છે. ગાંધીજી સ્વતંત્રતા, સ્વ-રાજ, વ્યક્તિ-સ્વાતંત્ર્ય એવા કોઈ પણ વિમર્શના વિરોધી કે પ્રતિરોધી ન હતા. કોઈ પણ સ્થળ, સમય અને સમાજ માટેના, 1789ની ફ્રેન્ચ ક્રાંતિમાંથી સ્વયંભૂ રીતે પ્રગટેલા, ત્રણે વિચારો સાચા અને સાર્થક જ છે. લિબર્ટી, ઇક્વાલિટી અને ફૅટરનિટી વગર સમાજ ચાલી જ ન શકે અને આવા સમાજમાં સૌહાર્દ, ઉષ્મા અને સમાનતાલક્ષિતા પ્રગટે તે સ્વાભાવિક છે.
બાકી ગાંધીવિચારને જુનવાણી, ધર્મલક્ષી કે વધુ પડતો રોમેન્ટિક (અવાસ્તવિક) ગણીને હસી કાઢવો તે સ્વાભાવિક છે. આવા વલણની નિરર્થકતા કે ઉતાવળાપણું સમજવા વાસ્તે માત્ર બે જ ભૂમિકા સ્પષ્ટ કરવાની રહે છે; જે ઉપરની ચર્ચામાંથી તારવીએ :
[1] માણસત્વ – ગ્રાહકત્વ – નાગરિકત્વ
મૂડીવાદનાં ઘણાં તત્ત્વો વાંચ્છનીય છે, પરંતુ માણસના ગ્રાહકત્વ ઉપરનો ભાર તેને એક જુદા જ ટૃેક ઉપર વહાવી જાય છે. હવે લોભ એક સદ્દગુણ બને છે. શોષણ એક કાર્યક્ષમતા ગણાય છે. ચોરી કે ભ્રષ્ટાચાર આવડત અને હોશિયારી ગણાય છે. ભાષાના અનેક શબ્દોના સાંસ્કૃતિક સંદર્ભો જ બદલાઈ જાય છે.
આ ગ્રાહકત્વ અને માણસત્વના સૂક્ષ્મ ભેદમાં ક્યારેક ગાંધીનાં અગિયાર મહાવ્રતોને ગોઠવી જોવા જેવાં છે.
આ મહાવ્રતો માણસલક્ષી છે જ પણ તેથી વિશેષ, એમ વાંચ્છનીય સમાજ માટેના વ્યાપક સંવેદના અને જવાબદારીભર્યા નાગરિક સર્જવામાં પણ તે જરૂરી છે. અલબત્ત, આ મહાવ્રતોને સમય અને પરિસ્થિતિ પ્રમાણે વધુ કે ઓછી માત્રામાં ખાસ કષ્ટ વગર પાળી શકાય. દા.ત. જ્યાં 98 ટકા બળાત્કારો પરિચિતો દ્વારા જ થતા હોય ત્યાં બ્રહ્મચર્યનો અર્થ ‘બળાત્કાર ન કરવો’ એટલો થાય તો પણ સમાજ વધુ સ્વસ્થ બનશે.
[2] ઉત્પાદન-વ્યવસ્થાનો ઉદ્દેશ
મૂડીવાદમાં ઉત્પાદન-વ્યવસ્થાનો ઉદ્દેશ નફો છે. વધુમાં વધુ નફો મળે તે વાસ્તે એક તરફ મજૂરોનું શોષણ થાય છે તો બીજી તરફ ગ્રાહકોનું. મજૂરોના શોષણના મુદ્દે કાર્લ માર્ક્સે દ્વંદ્વાત્મક ભૌતિકવાદના વિચારને ક્રાંતિ માટેની અનિવાર્યતા સમજાવવા માટે પ્રયોજ્યો છે. પણ આ શોષણનો મુદ્દો ખરેખર તો ગ્રાહક-મજૂર વચ્ચે અટવાઈ જાય તે પૂરતું નથી. તેમાં બે પાસાં જાણીતાં છે, પરંતુ તેને સ્પષ્ટ રીતે ‘શોષણ’ તરીકે ચીંધીને જોડવામાં આવતાં નથી.
(ક) મૂડીવાદમાં કુદરતી સંસાધનોનું એટલી હદે દોહન થાય છે કે હવે પૃથ્વી ઉપર 2050 પછી માનવજીવન હશે કે કેમ તેનો જ સવાલ ઊભો થયો છે.
(ખ) કોઈ પણ ભોગે નફો રળી લેવા વાસ્તે ઉદ્યોગપતિઓ ઈજારાશાહી તરફ વળે છે. અમેરિકાના ઇતિહાસમાં તેને ‘એન્ટિ ટૃસ્ટ મુવમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. પણ હવે ઉદ્યોગપતિઓએ રાજ્ય અને તંત્રને ભ્રષ્ટાચારથી પોતાના પક્ષે કરી લેવાનો રસ્તો અપનાવ્યો છે, હવેનો મૂડીવાદ ‘ક્રોની’ બનીને રાજ્ય અને ધર્મ સાથે સંકળાઈ ગયો છે. ઉદ્યોગ અને ધર્મ બન્ને માણસને ગ્રાહક બનાવી ચૂક્યા છે. ખૂબીની વાત એ છે કે ઉદ્યોગ અને ધર્મ માણસને ગ્રાહકમાં સિફતપૂર્વક રૂપાંતરિત કરે છે. ઉદ્યોગ જાહેરાત દ્વારા ગ્રાહકો બનાવે છે. આ બાબતે નારીદેહનું પ્રદર્શન કરવામાં આવે છે. તો ધર્મમાં ઘણી વાર શ્રદ્ધા અને ચમત્કારનો ઉપયોગ થાય છે. રાજ્ય આ ક્ષેત્રે વિધાયક અને વૈજ્ઞાનિક સમજવાળું વલણ દાખવે તે જરૂરી ગણાય.
ગાંધીજી આ માણસત્વને ઉદ્યોગમાં પણ ટકાવી રાખવા વાસ્તે ટૃસ્ટીશિપનો વિચાર આપે છે. જો મૂડીવાદને કાર્યક્ષમતા, નવીન શોધખોળો, હરીફાઈ વગેરે જેવાં સારાં અને પ્રગતિશીલ તત્ત્વોમાં રસ હોય તો તેણે કોઈ પણ ભ્રષ્ટાચાર બંધ કરીને ટૃસ્ટીશિપ પ્રમાણે જ ઉદ્યોગો ચલાવવા જોઈએ.
સોવિયેત યુનિયન અને ચીનના શાસને ‘માણસ’ સાથે જે ક્રૂરતાપૂર્વક વ્યવહારો આચર્યા છે તે શેતાન અને રાક્ષસની કલપનાથી પણ બહાર છે. બીજી તરફ આધુનિક મૂડીવાદમાં ‘માણસ’ બેમોત મરી રહ્યો છે. જેની બોલબાલા છે તે મૂડીવાદ તાર્કિક રીતે અકાટ્ય મોડલ રજૂ કરે છે, પણ વાસ્તવમાં ધર્મ-મૂડી અને રાજ્યનું મેળાપીપણું માણસોના શોષણ અને પર્યાવરણીય સંસાધનોના દોહન ઉપર ઊભું છે. ગાંધીવિચારને કોઈ બ્લુ પ્રિન્ટ તરીકે લેવાને બદલે તેમાં આધુનિકતાનો પાસ ઉમેરતા રહીએ તો માનવજીવન ટકી શકશે. ગાંધીના ‘મોક્ષમાર્ગ’માં નાસ્તિક-બૌદ્ધિકને ભલે ભરોસો ન બેસે પણ હવે તો અસ્તિત્વની લડાઈ જ શરૂ થઈ ચૂકી છે. આથી જ ‘એપ્રોપ્રિયેટ ટેકનોલોજી’માં એપ્રોપ્રિયેટ એટલે ‘ગાંધી-પ્રબોધિત’ એવો અર્થ કરવો રહ્યો.
આ મુદ્દાને થોડોક વધુ ફેલાવીને જોવાથી પણ માણસની અંદર લપાઈ બેઠેલો / બેઠેલી ગ્રાહક કુટુંબ, ગામ, સમાજ અને રાષ્ટૃ ઉપર કેવા આપત્તિકારક બની શકે છે તેનો અંદાજ આવશે. ભારતે 1991થી નવી આર્થિક નીતિનો અમલ શરૂ કર્યો, તે પછી શું થયું તેનું સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક તેમ જ રાજનૈતિક વિહંગાવલોકન કરવા જેવું છે. આખો પથારો તો ઘણો મોટો થાય પણ કેટલાક મુદ્દા નોંધીએ.
1. ભારતમાં દુકાળો અને ગરીબી કોઈ નવી વાત નથી. અમર્ત્ય સેન કહે છે તેમ 1943ના બંગાળના દુકાળમાં લગભગ ત્રીસેક લાખ લોકો ભૂખે ટળવળીને મરી ગયા. પણ ખેડૂતની આત્મહત્યા સાંભળવા મળતી ન હતી. હવે, છેલ્લાં વીસેક વર્ષમાં લગભગ ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી ! આવું કેમ થયું હશે ? વધુ ઉત્પાદન મેળવવું છે, વધતી વસતીને કારણે જમીનના ટુકડા નાના થતા જાય છે. સરકાર સિંચાઈ કે પોષણક્ષમ ભાવોની વ્યવસ્થા કરવાને બદલે વધુ ઉત્પાદન માટે ખાતર અને દવાઓનો વધુ ઉપયોગ વધતો જ રહે તેવા નીતિગત પ્રયાસો કરે છે. પેદાશના ભાવ જેમ ઓછા તેમ જરૂરી આવક મેળવવા વાસ્તે ખેડૂતે ઉત્પાદન પણ ઝડપથી વધારવું રહ્યું. આ માટે દેવું પણ કરવું પડે. અને આ દોડમાં ખેડૂત હારી જાય એટલે જીવન ટૂંકાવવું જ રહ્યું.
2. શિક્ષણ માણસ બનવા માટે નથી; બને તેટલા ઊંચા પગાર અથવા ભ્રષ્ટાચાર માટેની તકો આપે તેવી નોકરીઓ માટે છે. ખાનગી નિશાળો અને યુનિવર્સિટીઓમાં ભણાવનારા અધ્યાપકોમાં ભાગ્યે જ કશુંક વિશેષ હોય છે. પણ ખેડૂત મા-બાપ, ભાવિ પેઢીના ભલા વાસ્તે ઘર-ખેતર વેચીને પણ ખોબેખોબે ફી ભરે. પછી ? બેકારી જ ને ! દુનિયાભરમાં દર 40 સેકન્ડે એક વિદ્યાર્થી આપઘાત કરે છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા અનુસાર ભારતમાં દર કલાકે એક વિદ્યાર્થી આપઘાત કરે છે.
3. બોલીવુડના સિનેમાઓનાં આઈટમ સોંગ જેમને પચી ગયાં છે તેમણે પોતાનું માણસત્વ ગુમાવી દીધું છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા મુજબ, 2014-15માં ભારતમાં લગભગ 25,000 બળાત્કાર થયા હતા. એ પૈકી 98 ટકા (હજી, ફરી નોંધીએ − અઠ્ઠાણું ટકા) બળાત્કારો અંગત અને પરિચિતો દ્વારા થયા હતા. સ્ત્રી તો એક ‘મસ્ત મસ્ત ચીજ’ જ છે ને !
− દેશની એક ટકા વસ્તી પાસે 77 ટકા સંપત્તિ છે; ટૃસ્ટીશિપ હોત તો ?
− મજૂર કાયદામાં ‘સુધારા’ના નામે તેમનાં મંડળો તોડી નાંખવાં, કામદારોનો અવાજ ગૂંગળાવવો અને છૂટા કરવાનો ડારો દઈને ગુલામીમાં રાખવા તે પણ આધુનિક મૂડીવાદના ‘વિકાસ’નું માધ્યમ છે.
ગાંધીનો અવાજ આવા કલચર સામેનો હતો. માણસ જ્યારે ગ્રાહક બની જાય છે ત્યારે તેની સંવેદનશીલતા એટલી હદે નીચે ઊતરે છે કે તેને પોતાને, પોતે શું અને શા માટે કરી રહ્યો છે તેની ભાળ પણ મળતી નથી. દાખલા જોઈએ :
2016ના નવેમ્બરમાં નોટબંધી કરાઈ. તે સમયે ખેતરો શાકભાજીથી છલકાતાં હતાં. પણ નોટબંધીને લીધે મધ્યમ વર્ગ પાસે તે ખરીદવાના પૈસા ન હતા. ખેડૂતો પાસેનાં શાકભાજી ‘નાશવંત’ હતાં. હવે ? ખેડૂતો એ ટેમ્પા અને રિક્સાઓ ભરી, શહેરોના ઘણા વિસ્તારોમાં પહોંચી ગયા, ઘરાકી હતી નહીં. તેમણે મફત-મફતના પોકારો કર્યા અને ઉચ્ચ મધ્યમવર્ગ તથા ધનવાનોએ પણ ખેડૂતોની મહેનતથી પકવેલાં શાકભાજી મફતમાં પડાવી લીધાં. આ બધા ગ્રાહકો હતા, માણસ કોઈ જ નો’તું. માણસ હોત તો આ ખેડૂતોને ચા-પાણી કે ખાવાનું પણ પૂછત !
આવો જ બીજો બનાવ અમદાવાદમાં થયેલા એક કોમી છમકલા વખતે બન્યો હતો. પશ્ચિમ અમદાવાદના એક સારા સ્ટોરના શટર તોડીને તેના માલ-સામાનની લૂંટ ચલાવાઈ. લૂંટનારા પૈકી કેટલીક સ્ત્રીઓ પણ હતી અને પોતાની ગાડીઓ લઈને આવી હતી !
આ બન્ને દાખલામાં નાગરિક, માણસ અને આર્થિક માનવ ગ્રાહક, વેપારી, મૂડીવાદી ઉત્પાદક વગેરેની ભૂમિકા અલગ અલગ હશે. નાગરિક આવી ગ્રાહકવૃત્તિને રોકવા પ્રયાસ કરશે. માણસ સંવેદના અનુભવશે. પણ પેલી ગ્રાહકવૃત્તિવાળા સૌ બને એટલું લૂંટી લેવા પ્રયાસ કરશે. પોતે અણહક્કનું લઈને અને બીજાની લાચારીનો લાભ લઈને સામાજિક અન્યાય આચરી રહ્યા છે તેનું તેમને ભાન પણ નહીં હોય.
ગ્રાહકત્વવાળો મૂડીવાદ કેટલો વકર્યો છે તે સમજવા માટે કૃત્રિમ ગર્ભાધાનની બાબત સમજવી રહી. આર્થિક સંકડામણ અનુભવતી એક સ્ત્રી નવ મહિના માટે ચારથી પાંચ લાખ રૂપિયામાં પોતાની કોખ ભાડે આપે. કોઈકના સ્ત્રી-બીજને કોઈક સ્પર્મ ડોનરના શુક્રાણુથી સિંચાવા દે અથવા કોઈક ફલિત બીજના અંકુરણ અને સ્ફુરણથી માંડી પ્રસવ સુધીનો સૃજનનો આનંદ અને પ્રસૂતિની પીડા વેઠ્યા પછી, નવજાતને છલકાતી છાતીએ લગાડવાને બદલે રોકડા ગણીને પાછી પોતાના કૂંડાળામાં પેસી જાય છે ! જાણે કે કશું બન્યું જ નથી ! બાળકના જન્મ અને માતૃત્વમાં પણ મૂડીવાદી ગ્રાહક પ્રસરી ચૂક્યો છે. ભલે તેને આધુનિક ટેકનોલોજી કહેવાય!
અને હવે માણસત્વ − નાગરિકત્વનું એક ઉદાહરણ : ગયે વર્ષે (માર્ચ 2018) નાશિકથી મુંબઈની લગભગ 180 કિલોમીટરની કિસાન (આદિવાસી) કૂચ નીકળી હતી. આ કૂચમાં લગભગ 50,000 કિસાનો જોડાયા હતા. 16 દિવસની આ યાત્રામાં ચાલી ચાલીને તેમના પગમાં ફોલ્લા પડી ગયા હતા. મુંબઈથી એક દિવસની દૂરી પર રહ્યા હતા ત્યાં ખ્યાલ આવ્યો. બીજા જ દિવસે વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતી હતી. જો તે બીજા દિવસે મુંબ ઈ પહોંચે તો રસ્તામાં ટૃાફિક અવરોધાય અને તે વિદ્યાર્થીઓનું શું થાય ?
અને તે સૌ આખી રાત ચાલીને બીજે દિવસે સવારમાં જ આઝાદ મેદાન પહોંચી ગયા. વિદ્યાર્થીઓ માટે રસ્તા ખુલ્લા રહ્યા. અને મુંબઈકરોએ પણ આ કિસાનોની સેવા-શુશ્રૂષા કરી. જમાડ્યા અને દિલદારી દાખવી. બન્ને પક્ષે માણસત્વ અને નાગરિકત્વ !
માણસને જ્યારે ગ્રાહક વળગે છે ત્યારે સારાસારનું ભાન મટી જાય છે. સંવેદના પ્રગાઢ નિદ્રાને વશ થઈ જાય છે. માણસ પોતાનું સત્ત્વ અને આત્મતત્ત્વ ગુમાવી દે છે. તેમ માનસમાં ગોકુળ નહીં પણ સિંગાપોર, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો આવીને કબજો જમાવી દે છે. આ મહાભયાનક રોગમાં કુટુંબો, ગામડાં, કસબા, શહેરો અને દેશો, હોમાઈ રહ્યાં છે.
પણ ગાંધીને રેલેવન્ટ કોણ ગણે ? બાકી કાન દઈને સાંભળો, માણસ કબરમાંથી પણ કાંઈક બોલી રહ્યો છે.
[સાભાર : “નવનીત – સમર્પણ”]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ફેબ્રુઆરી 2020; પૃ. 04-07