ઈ.સ. ૧૯૦૯માં મો.ક. ગાંધીએ માતૃભાષા ગુજરાતીમાં 'હિંદ સ્વરાજ' લખ્યું. તેમણે તેનો અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન હોમ રુલ' નામે કર્યો. ઈ.સ. ૧૯૧૨માં ગોપાલકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે આ અનુવાદ જોયો. ગોખલેને ગાંધીનું આ લખાણ અણઘડ લાગ્યું. તેમને ગાંધીના આ વિચારો ઉતાવળે બાંધેલા લાગ્યા. ગોખલેએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે, હિંદમાં એક વરસ રહ્યા પછી ગાંધી જાતે જ આ પુસ્તકનો નાશ કરી દેશે. આજે ગોખલે હોત તો તેઓ કબૂલ કરત કે, તેમણે વર્ષો પહેલાં જે પુસ્તકનું ભવિષ્ય ભાખ્યું હતું તે તો ભવિષ્યનું પુસ્તક હતું! એક કાળે 'હિંદ સ્વરાજ' વિશે ગોખલેનો મત હતો કે, "આ મૂરખ માણસની કૃતિ છે." આજના કાળે ગોપાલકૃષ્ણ હોત તો મોહનદાસના 'હિંદ સ્વરાજ' વિશે આપણને કહેત : "મૂરખ, આ માણસની કૃતિ છે!" લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મહાદેવ દેસાઈ પાસે 'હિંદ સ્વરાજ'ની નકલ માગી હતી. લોર્ડ લોધિયને કહ્યું હતું : "ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે." ગાંધીવિચાર અને ગ્રામચેતનાને મૂળથી સમજવા માટે 'હિંદ સ્વરાજ'ને વધુ અને વધુ વખત વાંચવી-પચાવવી પડે એમ છે.
ગ્રામસમાજને માતૃભાષા સાથે એક જ સંબંધ હોય છે : સીધો! 'હિંદ સ્વરાજ'માં ગાંધી સ્વરાજ અંગે માંગણી કરે અને સ્વભાષા અંગે લાગણી વ્યક્ત ન કરે એ કેમ બને? તેઓ લખે છે : "આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત!" (પૃ. ૬૫) હિંદુસ્તાન સેંકડો, હજારો નહીં, પણ લાખો ગામડાંનો બનેલો મુલક છે. આથી, ગાંધી સઘળી પ્રાદેશિક ભાષાઓની ચિંતા કરતાં કહે છે : "મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે.” (પૃ. ૬૬) મો.ક. ગાંધીએ 'હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં લગભગ સોળ વરસનો સંગ અને સાન મેળવી ચૂક્યા હતા. આટલો લાંબો વખત વતનથી દૂર રહેવા છતાં તેમની માતૃભાષામાં ગ્રામીણ સંદર્ભ સચવાયેલો માલૂમ પડે છે. 'હિંદ સ્વરાજ'નાં લખાણમાં વપરાયેલાં કેટલાંક દાખલા-દલીલો, કહેવતો-રૂઢિપ્રયોગોમાં ગ્રામવાસ્તવનું ઠાલું ગૌરવ નહીં, પણ ઠોસ રવ સંભળાય છે. તેની સાબિતી આ રહી : "તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે', એ કહેવત યાદ રાખજો.” (પૃ. ૦૨); "હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે.” (પૃ. ૦૬); "મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તળિયે જઈએ.” (પૃ. ૪૮)
ગાંધી ખેતીના કામને ખાવાના ખેલ નથી માનતા! તેમનું એ મતલબનું માનવું છે કે, નિર્ભયતાનું પ્રમાણ આપવું એટલે ખેતરમાં પથારી કરવી! ગાંધી દૃઢપણે કહે છે : "જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેઓનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે, ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો.” (પૃ. ૨૩) ગાંધીના મતે હિંદુસ્તાનની ઓળખ એટલે ખેતીનો મુલક. ગાંધી હિંદુસ્તાનની ખેતીની વાત કરે અને ગાયનો મહિમા ન ગાય એ કેમ બની શકે? તેઓ કહે છે : "હું પોતે ગાયને પૂજું છું, એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે.” (પૃ. ૨૯) જો કે, ગાંધી કૃષિ અને ગોપાલનની ચર્ચામાં છેવટે તો એકતા અને અહિંસાને જ વધારે ગુણ આપે છે. પૂર્વજોએ બાંધેલી હદનો ઉલ્લેખ કરતાં, ગાંધી ગામની વાત આ રીતે કહે છે : "તેઓએ વિચાર્યું કે મોટાં
શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.” (પૃ. ૩૯) 'ગામ'ની સાથે-સાથે 'આમ'ની વાત કરતાં તેઓ કહે છે : “આમ (સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું." (પૃ. ૪૦) 'શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું?' એવો સવાલ પૂછનાર વાચકને અધિપતિ જવાબ આપે છે : "તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેટલા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન તે કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.” (પૃ. ૫૮) આવું કહીને ગાંધી દેશનાં લાખો ગામડાંમાં વસતા કરોડો ખેડૂતોને દેશનું ચાલકબળ ગણાવીને ગ્રામચેતના પ્રગટાવે છે. આના અનુસંધાનમાં એક ગામનું ઉદાહરણ આપીને તેઓ સત્યાગ્રહ અને સ્વરાજને સાંકળતાં કહે છે : "મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈયતની માફી માંગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે. પણ તે મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે.” (પૃ. ૫૮-૫૯)
મો.ક. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રસ્કિનના 'અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકના વાચન-ચિંતન-મનનના પગલે પ્રગટાવેલા 'સર્વોદય'ના સિદ્ધાંતોને, 'હિંદ સ્વરાજ'ની ગ્રામ-ચેતનાના પૂર્વ સંદર્ભે ખાસ યાદ કરવા જેવા છે. તેઓ 'સત્યના પ્રયોગો'માં લખે છે : " 'સર્વોદય'ના સિદ્ધાંતો હું આમ સમજ્યો : (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (૨) વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. (૩) સાદું મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.” (ગાંધી, ૨૦૦૯, પૃ. ૨૭૫-૨૭૬) 'હિંદ સ્વરાજ'ના જન્મ આસપાસનાં વર્ષોમાં ગાંધીએ ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડી થકી ગ્રામજીવન શૈલીનો ડિલથી અને દિલથી સ્વીકાર કરી લીધો છે. આથી, ગાંધીના 'હિંદ સ્વરાજ'ની મૂલવણી કરતાં એક વ્યાખ્યાનમાં, સમાજ-રાજનીતિશાસ્ત્રી આદિત્ય નિગમ કહે છે : "It is worth bearing in mind that when he wrote Hind Swaraj, Gandhi, far removed for the world of politics in India, had already set the stage for this life-long drama. Reading John Ruskin's Unto This Last on an overnight train journey, his imagination had been so fired that he had decided to "change my life in accordance with the ideals of that book". The Phoenix Settlement that emerged as a result, in 1904, was an agricultural settlement, which was to be followed in 1910 by the Tolstoy Farm on a much larger area of land. These farms or settlements were meant to instantiate and preserve a way of life that Gandhi, like his soul-mates Ruskin and Tolstoy, saw to be under threat from modern civilization.” (Nigam, 2010, p. 18-19) ગાંધીજી બળદગાડાનાં પૈડાં અને ચરખાનાં ચક્રોને ગતિમાં રાખવાનું કહે એટલે દુનિયાનો વિકાસ અટકી પડે? આધુનિક સુધારાની ટીકાઓની સમીક્ષા કરતાં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ નોંધે છે : "આધુનિક ઉદ્યોગો અને યંત્રો અંગેના ગાંધીના વિચારો વિશે મોટા પ્રમાણમાં ગેરસમજ થઈ છે. ગાંધીજી શું બળદગાડાં અને ચરખાની પ્રાચીન ટેક્નોલોજીને વળગી રહેવા માગતા હતા? તેમને શું દેશના ઉદ્યોગીકરણનો વિરોધ હતો? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ઉદ્યોગીકરણ અંગેની ગાંધીજીની દૃષ્ટિને સમજવી જરૂરી છે. ડેનિયલ હેમિલ્ટન પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે, "ઉદ્યોગીકરણના આધુનિક અર્થમાં ભારતને ઉદ્યોગીકરણની જરૂર નથી." પશ્ચિમમાં જે ઉદ્યોગીકરણ થયું તેમાં મૂડીપતિઓ અને મજૂરો એવા બે વિભાગોમાં સમાજ વહેંચાઈ ગયો હતો, કારણ કે યંત્રો વગેરે ઉત્પાદનનાં ભૌતિક સાધનો એટલાં મોટાં અને કીમતી બની ગયાં કે જેથી કામદારો તેના માલિક બનીને સ્વતંત્ર રીતે ઉત્પાદન ન કરી શકે. આ યંત્રોની માલિકી મૂડીપતિઓના નાના વર્ગ પાસે આવી ગઈ અને કામદારો રોજગારી માટે લાચારીની સ્થિતિમાં આવી ગયા." (શાહ, ૨૦૦૮, પૃ. ૨૮) આધુનિક સુધારની એક લાક્ષણિકતા ઉત્પાદન પદ્ધતિમાં આવેલ પરિવર્તન છે એવું કહીને ત્રિદીપ સુહૃદ નોંધે છે : ".. કૃષિ ઉદ્યોગ બને છે, તેમાં શરીર શ્રમનું યોગદાન ઘટે છે અને યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે. સાથે જ ઉત્પાદનમાં વૃદ્ધિથી મૂડીનો સંચય થાય છે. મૂડી સંચય વિના કૃષિથી કારખાનાંની મજલ કાપી શકાય નહીં. આધુનિક સુધારમાં શ્રમ અને મૂડી વચ્ચેનાં સમીકરણ બદલાય છે; મૂડીનો પ્રકાર બદલાય છે. જમીન અને શ્રમશક્તિ કરતાં મૂડી સંચયને પ્રાધાન્ય મળે છે અને મૂડીપતિ જે ઉત્પાદનનાં સાધનો અને શ્રમ ખરીદી શકે છે તેને અન્યના શ્રમનો લાભ મળે છે. સાથે, ઉત્પાદનના સ્થળમાં પણ ફેરબદલ આવે છે. શ્રમ કારખાનાંઓમાં એકત્રિત થાય છે અને ત્યાં શ્રમ વિક્રય થાય છે. .." (સુહૃદ, ૨૦૦૮, પૃ. ૭૯)
પ્રાચીન હિંદ અને ગ્રામીણ સંસ્કૃતિ સારુ ગાંધીજીએ 'હિંદ સ્વરાજ'માં રજૂ કરેલા વિચારો અંગે રમણ મોદી કહે છે : "પ્રાચીન હિંદના ઋષિમુનિઓએ તિતિક્ષાપૂર્વક ખીલવેલી પરાવિદ્યાને અને નિપજાવેલી હિંદની સંસ્કૃતિને લક્ષમાં લઈ ગાંધીજીએ કહ્યું : "રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરિયા(ઇજિપ્ત)ની બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તો પણ હિન્દુસ્તાન હજુ તળિયે મજબૂત છે." અહીં એમની પ્રબળ દેશભક્તિ દૃષ્ટિએ પડે છે, અને હૃદયમાંથી આવતી વાણીનું બળ અહીં દેખાય છે. શહેરી સભ્યતા અને સુધારા કરતાં વધારે ચિરંજીવી એવી ગ્રામસંસ્કૃતિની ભવ્યતા સમજાવતું ઋષિઓનું આર્ષદર્શન રજૂ કરતાં કહ્યું : "આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે. તેમાં જ તંદુરસ્તી છે.”" (મોદી, ૨૦૦૭, પૃ. ૭૯) અહિંસક સમાજરચનાની દિશામાં ગ્રામસ્વરાજ અંગેનું બીજ રૂપ ચિંતન આપણને 'હિંદ સ્વરાજ'માં મળે છે, એવું સ્પષ્ટપણે માનનાર કાંતિ શાહનો મત આ મુજબ છે : "આજે અહિંસક સમાજ-રચનાની આછી-પાતળી રૂપરેખા આપણી સામે આવી છે. ગાંધીએ બહુ પહેલાં એ વાત સમજી લીધી હતી કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણનો રસ્તો ખૂલી જશે તથા કેન્દ્રિત સત્તા ને કેન્દ્રિત સંપત્તિ આખી માનવજાતને પોતાની ગુલામ બનાવી લેશે. એટલા માટે જ એમણે ગ્રામસ્વરાજનો અને વિકેન્દ્રીકરણનો વિચાર મૂક્યો. એમણે કહ્યું કે ભારતે જો પોતાનો વિકાસ અહિંસાની અર્થાત અ-શોષણની અને ન્યાયની દિશામાં કરવો હશે, તો તેણે ઘણીખરી ચીજોનું વિકેન્દ્રીકરણ કરવું પડશે. તેને બદલે જો કેન્દ્રીકરણ કરવામાં આવશે, તો તેને કાયમ રાખવા માટે અને તેની રક્ષા કરવા માટે હિંસાનો આશરો લેવો અનિવાર્ય બની જશે. અહિંસક સમાજરચના સ્વાવલંબી અને સ્વાશ્રયી ગામોના આધાર પર જ ઊભી કરી શકાય.” (શાહ, ૨૦૦૮, પૃ. ૨૦૭) કાંતિ શાહ 'હિંદ સ્વરાજ'ને 'સર્વોદયનું ઘોષણાપત્ર' કહે છે, એ કેટલું સચોટ અને સૂચક છે!
સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ, 'ચેતના' એટલે (૧) ચૈતન્ય; જીવનશક્તિ અને (૨) સમજશક્તિ. આ અર્થમાં આંખો ઝીણી કરીને ભાળીએ તો, 'હિંદ સ્વરાજ'માં ગાંધી જગ-જડતા સામે ગ્રામચેતના પ્રગટાવે છે. શરીરશ્રમ ભલે શહેરની શરમ હોય પણ ગામનો ધરમ હોય છે. ગાંધીના મતે પરસેવાનું એક જ કરમ હોઈ શકે : વહેતા રહેવાનું! આથી, તેઓ ભારપૂર્વક કહે છે : "હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.” (પૃ. ૩૯) ગાંધીની ચિંતા 'આધુનિક સુધારા' સામે છે. તેમના મતે આ 'સુધારો' નહીં પણ 'કુધારો' છે. જે મુખ્યત્વે ગ્રામજગતનું ધનોત-પનોત કાઢી નાખવા પૂરતો સક્ષમ છે. ગાંધીનો વિરોધ યંત્રો સામે નહીં પણ યંત્રોની ઘેલછા સામે છે. ગામનું છત્ર, સત્ર અને તંત્ર વેરણ-છેરણ કરી નાખવું એ યંત્રની ટોળકીનો એક જ મંત્ર હોઈ શકે. ગામજનો હાથ-પગ હલાવતાં બંધ થાય એટલે છેવટે એમના હાથ-પગ તોડી શકાય! ગાંધીના 'હિંદ સ્વરાજ'ની ગ્રામચેતનામાં સંસ્કૃતિ અને સમભાવ, સ્વદેશી અને સ્વરાજ, સત્યાગ્રહ અને સર્વોદય સમાયેલાં છે. 'આર્યન પાથ' નામના અંગ્રેજી માસિકના સપ્ટેમ્બર, ૧૯૩૮માં પ્રગટ થયેલા 'હિંદ સ્વરાજ અંક' માટે મોકલેલા સંદેશામાં ગાંધીજી લખે છે: "વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો." આજે ભારતનાં મોટાં ભાગનાં ગામડાં ગૂમડાં બની રહ્યાં છે ત્યારે, ગાંધીએ 'હિંદ સ્વરાજ' થકી પ્રગટાવેલી ગ્રામચેતનાથી સાચું ગ્રામ સ્વરાજ આવશે. અને એ રસ્તે આગળ ચાલવાથી ખરેખર હિંદ સ્વરાજ થશે.
ભારત ગામડાંમાં વસે છે, શ્વસે છે. જો કે, સમાચારપત્રો, સામયિકો, પુસ્તકો જેવાં મુદ્રિત; રેડિયો, ટેલીવિઝન, સિનેમા જેવાં દૃશ્ય-શ્રાવ્ય; ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ જેવાં નૂતન માધ્યમોની ભરમાર છતાં ગ્રામીણ સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ જોઈએ તેવું ઝિલાતું નથી. કૃષિ અને પશુપાલન સામે ઉદ્યોગોનું દબાણ, ખેતીલાયક જમીન અને ગોચરમાં ઘટાડો, મોસમમાં આવતાં અકલ્પનીય પરિવર્તનો, રાસાયણિક ખાતરોનું ભયજનક પ્રમાણ, બિયારણમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇજારાશાહી, સિંચાઈ જળની અગવડ, ખેતપેદાશોના વેચાણ માટે પ્રતિકૂળ બજાર-વ્યવસ્થા, ખેડૂતોની વધતી જતી આત્મહત્યા, સંકોચાતી ગ્રામીણ બોલીઓ-ભાષાઓ, ગ્રામીણ સંસ્કૃતિ ઉપર શહેરીકરણનું આક્રમણ, જેવા અનેક સવાલો મોઢું ફાડીને ઊભા છે. આથી, આપણાં સાહિત્ય અને પત્રકારત્વમાં ગ્રામીણ ધબકાર સંભળાય એ અપેક્ષિત છે. આ સંજોગોમાં ગ્રામચેતના સંદર્ભે ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ સદાકાળ સાંપ્રત અને પ્રસ્તુત જણાય છે.
……………………………………………………………………………………………………………..
સંદર્ભ-સૂચિ
ગાંધી, મોહનદાસ કરમચંદ (૨૦૦૮). હિંદ સ્વરાજ (પહેલી આવૃત્તિ, ૧૯૨૨; પુનર્મુદ્રણ, ૨૦૦૮). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.
ગાંધી, મોહનદાસ કરમચંદ (૨૦૦૯). સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પહેલી આવૃત્તિ, ૧૯૨૭; પુનર્મુદ્રણ, ૨૦૦૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.
મોદી, રમણ (૨૦૦૭). ગાંધીજીનું સાહિત્ય (પહેલી આવૃત્તિ, ૧૯૭૧; પુનર્મુદ્રણ, ૨૦૦૭). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.
શાહ, કાંતિ (૨૦૦૮). 'હિંદ સ્વરાજ’: એક અધ્યયન (પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭; બીજી આવૃત્તિ, ૨૦૦૮). વડોદરા : યજ્ઞ પ્રકાશન સમિતિ.
શાહ, રમેશ બી. (૨૦૦૮). હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ.
સુહૃદ, ત્રિદીપ (૨૦૦૮). હિંદ સ્વરાજ્ય વિશે. વડોદરા : પૂર્વ પ્રકાશ.
Nigam, Aditya (2010). Gandhi – the 'Angel of History’: Reading Hind Swaraj Today. Ahmedabad: Gujarat Vidyapeeth.
……………………………………………………………………………………………………………..
સૌજન્ય : 'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર) વર્ષ : ૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
e.mail : ashwinkumar.phd@gmail.com