ક્યાં છે ગાંધી-ગાંધી ?
અંદર આંધી, બહાર આંધીઃ
એ આંધી પી જાય પ્રેમથી
એવા સાગરપેટા
અગસ્ત્યમુનિ સરખા,
દરિયા જેવા દિલના
ક્યાં છે ગાંધી-ગાંધી?
કૌભાંડોના કુંડાળામાં કેટકેટલા ઘૂમતા!
દારૂ પી ઉંદરડા કેવા મસ્તાના થઈ ઝૂમતા!
ફરે ફુલારે કંઈક વળી લઈ માથે છોગાં-ફૂમતાં!
એ સૌનાથી આભ ફાટતું જે દે સ્નેહે સાંધી,
એવા અવ્વલ કસબી,
ક્યાં છે ગાંધી-ગાંધી?
ક્યાં સુધી આ દરિયા વેઠે આંસુ તપ્ત નયનનાં?
ક્યાં સુધી આ પહાડો સાંખે પથ્થર મીંઢા મનના?
ગંદવાડમાં કેમ પડે પગલાં લોકચરણનાં?
શાતા-સુખની કળા હોંશથી સૌને દે જે સાધી,
એવા સાધક ઇલમી,
ક્યાં છે ગાંધી-ગાંધી ?
૧૮-૧-૨૦૧૬
•
ગાંધી ગાંધી ગાંધી
ભારતને જોવાનું થાનક : ગાંધી ગાંધી ગાંધી!
રાષ્ટ્રપ્રેમની દે જે ચાનક – ગાંધી ગાંધી ગાંધી!
સૌને રોટી-મકાન-કપડાં – એ ગાંધીનું કામ;
કહ્યું બધાંને : સત્ય-અહિંસા – ત્યાં જ આપણા રામ!
સત્ય-પ્રેમ-કરુણાથી જાશે આધિ-વ્યાધિ-ઉપાધિ,
રચનાત્મક પથ તણા પ્રવર્તક ગાંધી ગાંધી ગાંધી! –
એક સુદર્શનચક્ર કૃષ્ણનું, ધર્મચક્ર ગૌતમનું,
ચક્રવર્તી ચરખાથી ગાંધી, હૈયે હિત સૌ જનનુંઃ
સ્વતંત્રતા, સમતા, બંધુતા – સરહદ એની બાંધી :
સેવાગ્રામ તણા જે સર્જક – ગાંધી ગાંધી ગાંધી! –
એક મોહને ગુજરાતે જો અઠે દ્વારકા કીધી,
અન્યા મોહને દિલ્હી-દ્વારે પ્રાણ-આહુતિ દીધીઃ
માનવતાના ધર્મકર્મમાં જેની શાન્ત સમાધિ,
‘મંગળપ્રભાત’ના જે દર્શક – ગાંધી ગાંધી ગાંધી! –
૨૨-૧-૨૦૧૬
પૂર્ણેશ્વર ફ્લેટ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 19