“આઈ.પી.સી.એલ.-૧ ટાઉનશિપની ખૂબી એ હતી કે તેમાં ઉચ્ચનીચનો ભેદ ન મળે, અમારે ડ્રાઇવર, રસોઇયા, કંપાઉન્ડર અને અધ્યક્ષની સાથે ઘરોબો. સાંજે એ બધાંનાં છોકરાં સાથે અમે બેડમિંગ્ટન રમીએ અને વારતહેવાર પણ અમે સાથે ઊજવીએ. એ સંબંધો ચાલીસ વર્ષે પણ જીવંત રહ્યા. તેજસ્વી યુવાન અધિકારીઓ અને જેને ક્લાસ ફોર કહેવાય એવા લોકો સાથે વધુ ઘરોબો હતો.” (પૃ. ૧૨૫-૧૨૬)
“મોરારજીભાઈ ક્યાંય કૂણા પડે તો દલિતો અને સ્વાતંત્ર્ય- સેનાનીઓ માટે.” (પૃ. : ૧૮૨)
“ખેડૂત માટે જમીન એ માત્ર સંપત્તિ નથી, એ પાયાની વાત જ જમીન-સંપાદનને લગતી નીતિની ચર્ચામાં સાવ વિસરાઈ ગઈ છે. એની સાથે એમનું સમગ્ર જીવન અભિન્ન રીતે જોડાયેલું હોય છે. જીવનના એ ચોક્કસ ટુકડા સાથે એમનો ઊંડી લાગણીનો સંબંધ સ્થપાઈ ચૂક્યો હોય છે. ખેડૂત પાસેથી ખેતીની જમીન લેવાની થાય, ત્યારે એના બદલામાં થોડાઘણા પૈસા આપી દેવાથી ન ચાલે. એની આજીવિકાના એક માત્ર સાધનની સાથે એની ગરિમા અને સમાજમાં મોભો પણ એ ખરીદીમાં લઈ લઈએ છીએ. એમને આજીવિકાનું વૈકલ્પિક સાધન તો પૂરું પાડવું જ પડે. એ ઉપરાંત જમીન સાથેના એમના વિશિષ્ટ સંબંધને પણ ધ્યાનમાં રાખવો પડે.” (પાનું : ૩૧૯)
હસમુખભાઈ શાહની ‘મેં દીઠું …’ સ્મરણયાત્રાના વિવિધ પડાવે ઉપર દર્શાવેલા અનેક સંવેદનાત્મક બાજુઓ અને પ્રતિબદ્ધ નિસબત વાચક તરીકે જ નહીં, ભાવક તરીકે અમે દીઠી. અમે વલસાડના, અમારી દુનિયા નાની પણ ગામના મોરારજીકાકાને ‘ભારતરત્ન’ અને ‘નિશાને પાકિસ્તાન’થી નવાજવામાં આવ્યા હોય, એઓ વડાપ્રધાન હોય ત્યારે લેખકે એમની સાથે કામ કર્યું હોય, મોરારજીકાકા વિશે વડાપ્રધાન કાર્યાલયની ગતિવિધિ વિશે વિગતે તટસ્થ આલેખન મળે, ત્યારે વાચનયાત્રાના સંગાથે અમારી નાની દુનિયા પણ વિસ્તરી જાય છે. વલસાડનો લોકો માટે એમની યાદો કાંઈ અલ્હાબાદ, રાયબરેલી કે અમેઠી જેવી નથી, છતાં ખાસ્સી રોચક તો ખરી. વાપીથી તાપીનો વિસ્તાર પારસીઓ અને અનાવિલો માટે મૂળિયાંનો કે ગર્ભનાળનો છે. મારી દૃષ્ટિએ એમનું મૂલ્યાંકન ભારતરત્ન, નિશાને પાકિસ્તાન, વડાપ્રધાન, મુખ્ય પ્રધાન, ગાંધીમાર્ગી, સિદ્ધાંતનિષ્ઠ, શિસ્તપ્રિય વિભૂતિ તરીકે થાય તે તો યોગ્ય જ છે, માનવી તરીકે ગુણાત્મક પાસાં ઉજાગર થાય તે ય યોગ્ય છે. હજી ઊંડાણથી એમની અનાવિલ (દોષરહિત), પારિવારિક, સામાજિક નિસબત અને તટસ્થ વ્યવહારનાં લેખાંજોખાં પણ જરૂરી છે.
ગાંધીજીના નેહરુ અને સરદારના સંબંધોની ચર્ચા આપણે ત્યાં ખૂબ થાય છે. લેખકે નેહરુના ઇન્દિરા તરફના વલણની, શાસ્ત્રીજીના વર્તનની અને તે સમયના પ્રવાહ અને પરિવર્તનની ચર્ચાની માંડણી કરી છે. આજની પરિસ્થિતિને મૂલવવા માટે પણ એ માંડણીનું વલોણું ઉપયોગી થઈ પડે છે. (સંઘર્ષ જયપરાજયનો – પૃ. ૧૬૮થી ૧૭૭, ૧૭૮થી ૧૮૮ અને ૧૮૯થી ૧૯૫) આ દેશમાં સિદ્ધાંતનિષ્ઠ, અપરિગ્રહી, પ્રામાણિક, પારદર્શક, તળપદી સમજ ધરાવતી વ્યક્તિઓનો માર્ગ સહજ રીતે સંઘર્ષનો હોય. લેખકને એવી વ્યક્તિઓ અને નક્કર કાર્ય સાથે જ જોડાવાનું બન્યું. એમાં ક્યાંક વિરોધાભાસ લાગે છતાં અંતે તો હેમનું હેમ હોય જેવી જ પરિણામદાયી સ્થિતિ સર્જાઈ.
બજાણામાં કમાલખાન બાપુ અને એમના પૂર્વજોની ઐતિહાસિક ભૂમિકાની વિગતપ્રચુર માંડણી સાથે લેખક પોતાના બાળપણ – બાલકિશોરવયનાં ઘડતર, ગણતર, ચણતરની વાતો કરે છે. સાહિત્ય, સંગીત, ચિત્રકલા સમેત જીવનના સાંસ્કૃિતક વિકાસનાં બીજ આ સમયખંડમા જ એમના પિંડમાં વેરાયાં અને બિનસાંપ્રદાયિક, સમતોલ અભિગમ ધરાવનાર ન્યાયપ્રિય સજ્જનનું વિકસવું શક્ય બન્યું. અલબત્ત, એ પ્રક્રિયાનું ઉદ્દગમસ્થાન તો પિતા, માતા, ભુભાબા અને પરિવારમાં જ છે. વહીવટ અને ન્યાયમાં અવ્વલ હરોળના પિતાની વારસાઈ તો અમૂલ્ય. મજાની વાત એ છે કે લેખકની ઝોળી જે તત્ત્વ, સત્ત્વથી ભરાતી હતી, તેથી તે સમયે અજાણ તેઓ પોતાના બાળપણના મોજમસ્તીને નિર્ભ્રાન્તપણે માણી શકતા હતા. એટલે જ પોતાના જીવનના દરેક સમયખંડનું એ રોચક, મોહક વર્ણન કરતા રહે છે.
સરળ પ્રવાહીત લેખિની જેવી જ જિંદગી અણમોલ તકો પણ લાવે છે. ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ના કામ સાથે જોડાવાની પ્રારંભિક કામગીરી જ આશીર્વાદ જેવી ગણાય. ત્યાર પછી જ્યાં જ્યાં કામ કર્યું તેના હાર્દમાંએની પ્રબળ અસર રહી. મોરારજીકાકા અને ચરણસિંહ કે ઇન્દિરાજી જેવાં વડાંપ્રધાનોના પ્રતાપને જીરવી શકાય. એમને આ મહાનુભાવો સાથે દેશપરદેશના પ્રવાસોનો ખાસ્સો અનુભવ મળ્યો છે, ખાસ કરીને મોરારજીકાકા સાથે. એ અનુભવોની ગઠરી એમને માટે ભાવિ કામગીરીની સફળતા માટે પણ પથદર્શક બની રહી. પછી તો તાર-ટપાલ, આઈ.પી.સી.એલ, જીઇસી કે DAI / CT (તક્નિકી સંસ્થા) કે ઇકોલૉજી કમિશનના ચૅરમેનપદનો પડકાર હોય, એમને માટે દરેક જવાબદારી સહજ બની રહી. અલબત્ત, અહીં જે રીતે નોંધ લેવાઈ છે, તેટલી સરળ કે સહજ તો આ બધી જવાબદારીઓ ન જ હોય તે સમજી શકાય છે.
જેમણે આવા હોદ્દા અને આલા દરજ્જાની વ્યક્તિઓ સાથે કામ કર્યું હોય એમને દરેક ક્ષેત્રના દિગ્ગજો, મહાનુભાવોનો પરિચય, સંબંધ પણ હોય જ. ખંડુભાઈ દેસાઈ, મધર ટેરેસા, પ્રો. સતીશ ધવન, સૈફ આઝાદ, ગિરિરાજ કિશોર, દેવિકા રાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, લવરાજ કુમાર, કિશોર પારેખ અને ધીરુભાઈ અંબાણી જેવી અનેક હસ્તીઓના શબ્દચિત્રનું અહીં આલેખન છે. સૈફ આઝાદ અને કિશોર પારેખનું ચિત્રણ હૃદયસ્પર્શી બની રહે છે. તે જ રીતે નટવર ઠક્કર, બોબ ખતિંગ, દેવસાહેબ વિશે છે, લેખકને બધું ગમે, ફાવે, ચાલે એવી છાપ પડે છતાં પોતાના વ્યક્તિત્વની ગરિમા અખંડ રાખતા પણ આવડ્યું. ‘હું નહીં, અમે’નો આલાપ છેડતા આવડ્યું. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીથી પર્યાવરણ-સંરક્ષણની કામગીરીમાં જમીન, ઝાડપાન કે પાણી (જળ) સુધીના મુદ્દા હોય એમની દૃષ્ટિ ‘અંત્ય’ સુધી રહે. આઈ.પી.સી.એલ.ની એમની સ્મૃિતયાત્રામાંથી પસાર થતાં અમને પણ ખૂબ આનંદ થયો. એમના યુવાન ઇજનેરોની પલટણમાં અમારા પરિચિત ત્રણ ચાર ‘દેહાઈ’ હતા. તેમાંના એક તો અમારા બનેવી. એમની કારકિર્દી ત્યાંથી જ પાટે ચડેલી તે છેક નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા. અમારા માટે એઓનું જી.બી.- આઈ.પી.સી.એલ. એવું જ સંબોધન રહ્યું. ત્યાંથી ભણીને જ અમારી બહેનની દીકરી ડૉક્ટર અને દીકરો ઇજનેર થયાં. આજે એમનો વિચાર કરું છું ત્યારે થાય છેકે કેવા સમૃદ્ધ વાતાવરણમાં મોટા થવાની એમને તક મળી હતી. હસમુખભાઈનું નામ સાંભળેલું પણ ક્યારે ય જોયેલા નહીં. મોરારજીભાઈ, આઈ.પી.સી.એલ. કે પર્યાવરણ (અમને પર્યાવરણ સંબંધી છેડા અડે છે.) અને પ્લાસ્ટિક (અમારી આજીવિકા જ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે.) – આ બધા સાથે અમારો ક્યાંક ને ક્યાંક સંબંધ છે. સાહિત્ય, સંગીત, કલા અને સ્ત્રી-કેન્દ્રિત પ્રવૃત્તિ સાથે અમારો નાતો છે. જે દૃષ્ટિએ આ પુસ્તકમાંથી પસાર થતા એવી લાગણી થઈ કે હસમુખભાઈ, તમે કેટલા નજીક છતાં કેટલા દૂર!
અમે રહ્યા નારીવાદી એટલે નીલાબહેન, અલ્પના, ગજરાબહેન કે પદ્માબહેન વિશે અમને ખાસ જાણવાનું ન મળે, તે અમારાથી ખમાય નહીં. મહાત્મા ગાંધી કલેક્ટેડ વર્ક્સની વાત આવે અને બાનું નામ પણ ન આવે એટલે અમે રઘવાયાં થઈ જઈએ. અમ્લાનની ઝલક તો આછી – પાતળી મળે છે. તેવી રીતે અર્પણપંક્તિ થોડામાં ઝાઝું કહે છે. ખબર તો પડે છે કે નીલાબહેન, અમ્લાન અને અલ્પના સદાસમીપે રહી તમારા’ માટે ન્યૂનતા પૂરી કરનારા હૃદયસ્થ અંશ છે. એક દૃષ્ટિએ એમની કલમ સંયમ ધારણ કરી લેતી જણાયા કરે છે. એ સંયમ જરૂરી હોય તો પણ અમારી અપેક્ષા પૂર્ણ થઈ હોત અને એમણે અમે ઉલ્લેખ કર્યો તે પાત્રો વિશે લખ્યું હોત તો સારું. અમે તો માનીએ છીએ કેPersonal is political.
લખતરની, કુત્તાપીરની, બજાર બેઠકની, દાદા-દાદીની, બહાઉદ્દીન કૉલેજના કાર્યકાળની, આઈ.પી.સી.એલ.ની શાળા – ગ્રંથાલયની, બ્રાયોનીના પ્રવાસની, સમય-આયોજનની (પાનું ૧૩૫) મૌલાબક્ષ (પાનું ૨૦૩), દેવિકારાણી (પાનું ૨૭૭-૨૭૮), પર્સે પોલીસ લાયબ્રેરી (૨૮૧) વિષયક લેખન પણ ધ્યાનાકર્ષક બને છે.
શિરીષભાઈ પંચાલ અને સિતાંશુભાઈ જેવા અભ્યાસુ વિદ્વાનોએ આ પુસ્તકને ઉત્તમ દસ્તાવેજી સ્મરણયાત્રા કહી નવાજ્યું છે. અમને તો આ સ્મરણયાત્રાના આલેખનમાં વણાયેલી રમૂજ, હળવાશ, સહજ, સરળ પ્રવાહીત શૈલીએ પણ પ્રભાવિત કર્યા છે. વર્તમાન રાજકારણ, સમાજ, પરિવાર, શિક્ષણ, પર્યાવરણ, વિકાસ જેવા મુદ્દા પર હજી હસમુખભાઈ પાસેથી સમૃદ્ધ વિચારસામગ્રી સંભવિત છે. એમણે જે દીઠું તે આપણને દેખાડ્યું અને જે છાપ પડી તે માટે આટલું : ‘હસમુખભાઈ, એક આસમાન તમારી મુઠ્ઠીમાં’.
વલસાડ
દીઠું મે : હસમુખ શાહ; રંગદ્વાર પ્રકાશન, યુનિ. પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯; ૨૦૧૩, પૃ. ૩૮૮, કિ. રૂ. ૨૫૦
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 17-18