હિન્દી ફિલ્મજગતના અગ્રગણ્ય અભિનેતા દિલીપ કુમારે 7 જુલાઈ 2021ના રોજ 98 વર્ષના દીર્ઘ આયુષ્ય બાદ ચિરવિદાય લીધી. એના જવાથી અભિનયક્ષેત્રે ન પુરાય એવી ખોટ પડી છે એમ કહેવું વધુ પડતું નથી. એની જીવન યાત્રા હવે પૂરી થઈ છે, પણ જો એ જીવિત હોત તો 11મી ડિસેમ્બરે એણે એકસો વર્ષ પૂરા કર્યાં હોત. એ પ્રસંગે આ મહાન કળાકારને અંજલિ અર્પીએ.
આગવી પ્રતિભા ધરાવતા આ કળાકારે અભિનય ક્ષેત્રે નવો માર્ગ કંડાર્યો, અને, એના પુરોગામીઓમાં ક્યારેય ન જોયેલી આવી નૂતન અભિનયકળાનું અનુકરણ કરીને એના પછીના કેટલાય કળાકારો એના જેવા થવા મથ્યા. પણ દિલીપ કુમારે એનું આગવું સ્થાન ટકાવી જ રાખ્યું.
1940ના દાયકાના મધ્યથી માંડીને અને 1950ના અને 1960ના — અને 1970ના પણ — દાયકાના એના સમકાલીનો રાજ કપૂર અને દેવ આનંદ સાથે દિલીપ કુમાર પોતે, એમ આ ત્રણ કળાકારોની હિંદી ફિલ્મ જગતમાં ટોચની ત્રિપુટી હતી. 1940નો ઉત્તરાર્ધ અને 1950 અને 1960ના દાયકા દરમિયાન તો, એમની ફિલ્મો દ્વારા આ ત્રણે લોકમાનસ પર છવાઈ ગયા હતા. અન્ય નવા નાયકો પણ આ ગાળા દરમિયાન આવ્યા, પણ આ ત્રણેનું મોખરાનું સ્થાન તો રહ્યું જ.
દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદનું પોતપોતાનું અભિનયક્ષેત્રે આગવું પ્રદાન અને સ્થાન હતું. રાજ કપૂરે મનોરંજન અને ‘મેસેજ’નો મેળ કરીને મોટા ભાગની ફિલ્મો બનાવી, છેક એની પહેલી ફિલ્મ “આગ” (1948)થી શરૂ કરીને. “બરસાત,” “આવારા,” “આહ,” “બુટ પોલિશ,” શ્રી 420” — એ દરેક ફિલ્મમાં સંદેશ હતો, અને સાથે જ મનોરંજનનો મસાલો પણ હતો. એ પછીની ફિલ્મોમાં પણ મુખ્યત્વે એ જ વલણ રહ્યું.
દેવ આનંદે મુખ્યત્વે દેખાવડા, છટાદાર અને સ્ત્રીઓને મોહિત કરે (ladykiller looks) એવા નાયકના પાત્રો કર્યાં; યુદ્ધના વસ્તુવાળી “હમ દોનો”માં પણ એનું આ ઇમેજ કાયમ રહ્યું.
આ બન્નેથી વિરુદ્ધ દિલીપ કુમાર જુદો પડી આવતો હતો. એણે કરેલા ઘણા ધીર-ગંભીર ને કરુણાન્ત પાત્રોને કારણે એને tragedy kingનું બિરુદ મળ્યું, પણ એના અભિનયની વિવિધતા અને તે પરની એની હથોટીને કારણે આ ઇમેજમાં એ બંધાયેલો ન રહ્યો, અને એની આગવી પ્રતિભાનો પરચો કરાવતો રહ્યો. એની કેટલીય ફિલ્મો આ બાબતની સાબિતી આપે છે.
એનો કાર્યકાળ પાંચ દાયકા જેટલો લાંબો હતો, પણ તેમાં એણે સંખ્યાબંધ ફિલ્મોમાં કામ ન કર્યું. એને ઓફર થતી ફિલ્મોમાંથી કઈ ફિલ્મો સ્વીકારવી તેને એણે પોતાની પસંદગીની બાબત બનાવી દીધી હતી. જો કે સંખ્યાની દૃષ્ટિએ 1947થી 1955ના ગાળાની એની ફિલ્મો જોતાં, 1955 પછી એણે આ પસંદગીનો, choosy થવાનો, રાહ અપનાવ્યો હોય એવું લાગે છે. ઉપરાંત, આ એની કારકિર્દીના શરૂઆતનાં, ફિલ્મજગતમાં સુસ્થાપિત થવાનાં વર્ષો હતાં. એની વધતી જતી લોકપ્રિયતાને કારણે ફિલ્મનિર્માતાઓ આ ગાળા દરમિયાન એને વધુ ને વધુ ફિલ્મોમાં લેતા રહેતા હતા.
એની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં જ tragedy kingનું બિરુદ પ્રાપ્ત કરનાર આ દિગ્ગ્જ કળાકારની પ્રતિભા માત્ર કરુણાન્ત ફિલ્મો પૂરતી જ સીમિત નહોતી તેની પ્રતીતિ એણે એની શરૂઆતની ફિલ્મો દ્વારા જ કરાવી દીધી હતી. 1947થી 1955 દરમિયાનની ફિલ્મોમાંની “આન” (1952) અહીં ઉલ્લેખનીય છે. ઉપરાંત, આ જ ગાળાની કરુણાન્ત અથવા ગંભીર વિષયવસ્તુવાળી ફિલ્મો પણ પૂરેપૂરી ગંભીર કે ભારેખમ નહોતી. આ ગાળાની એની ઘણીય ફિલ્મોમાં હળવી sequences પણ હતી, અને આવી ફિલ્મોમાં એનું પાત્ર પણ આખીય ફિલ્મ દરમિયાન ગંભીર કે ભારેખમ નહોતું. “જુગનુ,” “નદિયા કે પાર,” “અંદાઝ,” “આરઝૂ,” “બાબુલ,” “તરાના,” “ફૂટપાથ” આનાં ઉદાહરણો છે.
વળી, દિલીપ કુમારે એની પ્રથમ ફિલ્મ “જ્વાર ભાટા” (1944)થી જ અનન્ય સફળતા પ્રાપ્ત ન કરી. શરૂઆતની થોડીક ફિલ્મો પછી 1947ની “જુગનુ” અને 1948ની “શહીદ”થી એ વધુ નામવન્ત કળાકાર થયો. 1949ની “અંદાઝ”થી તો એની કારકિર્દી પૂરઝડપે ગતિ કરવા માંડી.
ઉપરાઉપરી ગંભીર કથાવસ્તુવાળી અથવા કરુણાન્ત ફિલ્મોમાં કામ કરવાથી એના માનસ પર અસર થઈ, અને એને હળવી ફિલ્મો તરફ વળવાની સલાહ મળી. અભિનયક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતા આ કળાકારે આવી ફિલ્મોમાં પણ તરત જ એનો પરચો બતાવી દીધો. 1952ની “આન”થી માંડીને ત્યાર પછીની “આઝાદ,” “નયા દૌર,” “મધુમતી,” “પૈગામ,” “કોહિનૂર” અને “ગંગા જમના“ આનાં કેટલાક ઉદાહરણો છે. આ ફિલ્મો હળવી અથવા જુસ્સાદાર વિષયવસ્તુવાળી હતી.
અને આ tragedy kingનું હાસ્ય જોયું હોય તો? જે રીતે ગંભીર મુખમુદ્રા અને તેને અનુરૂપ અભિનય દ્વારા એ પ્રેક્ષકોને આંજી શકતો, તે જ રીતે એનું હાસ્ય પ્રકાશ પાથરી દેતું એમ કહેવું પણ અતિશયોક્તિ તો નથી જ. “હુસ્નવાલોકો ન દો દિલ,” “બેઈમાન તોરે નૈનવા, નીંદિયા ન આયે,” અને “નૈન મિલે નૈન હુએ બાવરે” જેવા એની શરૂઆતના ગાળાની ફિલ્મોના ગીતોમાં દિલીપ કુમારનું મૃદુ હાસ્ય અને પ્રેમની છટા અનન્ય છે. ત્યાર પછીની ફિલ્મોમાંથી તો અનેક ઉદાહરણો મળી આવે છે, જેમ કે “માંગકે સાથ તુમ્હારા,” “સુહાના સફર ઔર યે મૌસમ હસીં,” “નૈન લડ જઇ હેં,” “તેરે હુસ્નકી ક્યા તારીફ કરું,” “એક શહેનશાહને બનવાકે હસીં તાજમહેલ.”
અને આ ઉપરાંત કેટલાય ગીતો અને સંવાદો મારફત એણે નિ:શંક દર્શાવી દીધું કે માત્ર tragedy king કરતાં એ કાંઈ કેટલોય વધુ વિવિધતાસભર અભિનેતા હતો.
1950ના દાયકાના અંત પછી તો દિલીપ કુમારે વિવિધતાસભર ફિલ્મો એક પછી એક આપી, જેમાં “લીડર,” “રામ ઔર શ્યામ” અને “ગોપી” સરખી હાસ્યપ્રધાન, અને “આદમી,” “સંઘર્ષ,” “દિલ દિયા દર્દ લિયા” અને “સગીના” જેવી કથાપ્રધાન અનેક ગણાવી શકાય.
દિલીપ કુમાર અભિનયનો શહેનશાહ કહેવાય છે, અને તે યોગ્ય જ છે. સંવાદો બોલવાની એની આગવી છટા, એની personality, અને પરદા પર એનું છવાઈ જવું — આ બધા થકી એનું સર્વોચ્ચ સ્થાન વધુ ને વધુ મજબૂત થતું ગયું. એના પાત્ર મારફત એ પ્રેક્ષકોના માનસ પર છવાઈ જતો, પછી તે ભૂમિકા હળવી કે દમામદાર હોય અથવા કરુણ પાત્રાલેખનવાળી હોય.
અભિનયના આ શહેનશાહના નમૂનેદાર અભિનયના ઉદાહરણો માટે એની અનેક ફિલ્મો ગણાવી શકાય, પણ “અંદાઝ,” “દીદાર,” “દાગ,” “અમર,” “ફૂટપાથ,” “દેવદાસ,” “મધુમતી,” “મુગલ-એ-આઝમ,” “ગંગા જમના” અને “સગીના”ને એની શ્રેષ્ઠ કથાપ્રધાન ફિલ્મોમાં, તેમ જ “નયા દૌર,” “કોહિનૂર,” “લીડર,” “રામ ઔર શ્યામ” અને “ગોપી”ને એની જુસ્સાદાર અને હળવાશવાળી ફિલ્મોમાં ગણી શકાય. આમાંની “અંદાઝ,” “અમર,” “દેવદાસ” અને “મુગલ-એ-આઝમ” જેવી ફિલ્મોમાં એ ભગ્નહૃદયી નાયક થયો, અને જે-તે પાત્રને સાદ્યંત જીવંત કરીને એના અભિનયનો ડંકો વગાડી દીધો.
“દેવદાસ”ના થયેલા અનેક સંસ્કરણોમાં, સૌમિત્ર ચેટરજી અભિનિત બંગાળી “દેવદાસ” સહિત, દિલીપ કુમારની તુલનામાં કોઈ ટકી શકે નહિ. એણે જે રીતે પ્રાણ રેડીને, ઊંડાણપૂર્વક દેવદાસનું પાત્ર સજીવ કર્યું છે તે માટે પ્રશંસાના શબ્દો સદાય ઓછા જ પડવાના.
એના વિવિધતાસભર અભિનય માટે તો હજી કેટકેટલી ફિલ્મો ગણાવી શકાય. ક્યારેક ચીલાચાલુ અને ઉત્તમ ન ગણાય એવી ફિલ્મોમાં પણ એણે ભૂમિકા કરી. ફિલ્મોનું કથાવસ્તુ ચીલાચાલુ હોય, પણ દિલીપ કુમારના અભિનયમાં ક્યાંય ઓટ આવતી નથી. “અનોખા પ્યાર,” “શબનમ,” “આઝાદ,” “ઇન્સાનિયત,” “ઉડન ખટોલા,” “લીડર” આનાં ઉદાહરણો છે.
“આઝાદ” અને “બૈરાગ” જેવી ફિલ્મોમાં એણે ત્રણ પાત્રોની ભૂમિકા નિભાવી. તેમાં, “આઝાદ”ના અબ્દુલ રહીમ ખાનના પાત્રમાંની એની અદાકારીનો ચમકારો તો ખરે જ માણવા જેવો છે!
દિલીપ કુમારની ઐતિહાસિક કે રાજાશાહી કથાવસ્તુવાળી ફિલ્મોનો ઉલ્લેખ પણ જરૂરી છે. “આન”નો જય તિલક, “યહૂદી”નો પ્રિન્સ માર્કસ, “કોહિનૂર”નો યુવરાજ દેવેન્દ્ર બહાદુર, અને “મુગલ-એ-આઝમ”નો સલીમ — આ બધા પાત્રોમાં એની અદાકારી તો સુંદર છે જ, પણ તેમાં એ અસલ રાજવી અને ખૂબ દમામદાર પણ લાગે છે.
“મુગલ-એ-આઝમ”માં કેમેરા જયારે એના ચહેરા પર હોય, અને એને કોઈ સંવાદ બોલવાનોય ન હોય ત્યારે પણ, પાટવી કુંવરના પાત્રમાં અને પોષાકમાં એ એવો તો દમામદાર લાગે છે, અને આ મૂક અભિવ્યક્તિમાં પણ એની એવી છટા છે જેનો જોટો જડવો મુશ્કેલ છે.
દિલીપ કુમારના અભિનયની વિશિષ્ઠતા એ છે કે એના પાત્ર થકી એ આખી ફિલ્મમાં છવાઈ તો જાય છે જ, પણ જે-તે પાત્રમાં કરૂણતા તેમજ હાસ્ય, ખેલદિલી, ઉમંગ જેવા સંવેદનો એ એની આગવી છટામાં જે રીતે રજૂ કરે છે તે જ એને બીજાઓથી જુદો પાડીને અનન્ય સ્થાન અપાવે છે.
એની અભિનિત ફિલ્મો ઊંચી ગુણવત્તાવાળી હોય કે સામાન્ય હોય, એના અભિનયમાં ઉણપ ભાગયે જ દેખાશે.
અભિનયના આ સમ્રાટે એના ઉચ્ચ પદે પહોંચવા, એની કારકિર્દીની શરૂઆતમાં જે પ્રયાસો કર્યા તેમાંનો એક અહીં જોઈએ. દેવિકા રાણીએ એને ફિલ્મોમાં કામ કરવા આમંત્ર્યો ત્યારે ફિલ્મ અભિનયકળાનો એને કોઈ અનુભવ નહોતો. એનો ખાસ શોખ તો ક્રિકેટ રમવાનો હતો. એણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ફિલ્મોમાં આવતાં પહેલાં એણે માત્ર બે જ હિન્દી ફિલ્મો જોઈ હતી.
તેથી, અભિનયકળા ખિલવવાના હેતુથી દિલીપ કુમારે ગેરી કૂપર અને ઇન્ગ્રીડ બર્ગમેન અભિનીત “For Whom the Bell Tolls” એક આખુંય અઠવાડિયું, સળંગ શૉમાં 21 વખત જોઈ — આ બન્ને ફિલ્મ તારકોના અભિનયનો ઝીણવટથી અભ્યાસ કરવા.
એની આગવી અભિનયપ્રતિભાની વાત કરતાં એ પણ નોંધવું જોઈએ કે ક્યારેક એ એના સંવાદો જરૂર કરતાં વધુ ભારેખમ કરી મૂકતો (affectation). જો કે અભિનયકળા પરની એની પકડને કારણે, ભજવાતા પાત્રની મજા માણવામાં તે બહુ અવરોધરૂપ નહોતું થતું.
દિલીપ કુમારના પાછળના ગાળાની ફિલ્મો એની વય અને તે સાથેના એના ઇમેજ પ્રમાણે બનાવીને ફિલ્મકારોએ જનતા સામે ધરી. આમાં “ગોપી,” “બૈરાગ,” “શક્તિ,” “ક્રાંતિ,” “વિધાતા,” “મશાલ,” “સૌદાગર” વગેરેનો સમાવેશ થાય. આ બધામાં એની આગવી અદાકારી તો છે જ, પણ, એના માતબર અભિનય અને મોટા ભાગે મજબૂત કથાવસ્તુવાળી એની ‘40-’50-’60ના દાયકાની ફિલ્મોની સરખામણીમાં આ પાછળના ગાળાની ફિલ્મોમાં લોકભોગ્ય મનોરંજન વધારે છે, તેમ જ તેમની એકંદર ગુણવત્તા એટલી ઊંચી જણાતી નથી. તે કારણે આ ફિલ્મો ‘40-’50-’60ના દાયકાની એની અભિનીત ફિલ્મો કરતાં ક્યારેક ઊણી ઊતરે છે. એની ફિલ્મો જાણે કે 1970 પહેલાની અને 1970 પછીની, એમ બે ગાળામાં વહેંચાઈ ગઈ છે.
દિલીપ કુમારે મહેબૂબ, બિમલ રોય, નીતિન બોઝ, બી.આર. ચોપરા, કે. આસિફ, તપન સિંહા, સુભાષ ઘાઈ, યશ ચોપરા જેવા ફિલ્મકારોની ફિલ્મો તો કરી જ, પણ હૃષીકેશ મુખરજી જેવા નવી તરાહના ફિલ્મકારે પણ દિલીપ કુમારને લઈને 1957માં “મુસાફિર” બનાવી. જુદી તરાહની આ ફિલ્મમાં ત્રણ ભાગ છે. પહેલા બેમાં દિલીપ કુમારનો ઉલ્લેખ માત્ર છે; એ પરદા પર આવતો નથી. ત્રીજા ભાગમાં એ દેખાય છે. ફરી એક વખત આ અભિનયસમ્રાટે અહીં સુંદર અભિનયનાં અજવાળાં પાથર્યાં છે.
દિલીપ કુમાર પછીની પેઢીમાં, નસીરુદ્દીન શાહ, સંજીવ કુમાર, ઇરફાન ખાન અને અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ એની બરોબરીમાં ટકી શકે એવા સક્ષમ છે અથવા હતા. રાજેશ ખન્નાની ફિલ્મોની રજત જયંતિના અનન્ય વિક્રમો સ્થાપિત થયા. તેમ છતાં, દિલીપ કુમારનો જે એકંદર પ્રભાવ અને એની જે છટા હતાં એ તો એના જ, એમ કહ્યા વિના રહી નહિ શકાય.
પરદા પર દિલીપ કુમારનાં ગીતો માટે શરૂઆતના વર્ષોમાં મુહમ્મદ રફી, તલત મહેમૂદ અને મુકેશ હતા. પછી મહેન્દ્ર કપૂર અને કિશોર કુમારે પણ એના માટે પાર્શ્વગાયન કર્યું. પણ “મુસાફિર”માં દિલીપ કુમારે એના પોતાના અવાજમાં લતા મંગેશકર સાથે ગાયેલા ગીતમાં એનો ધીમી હલકવાળો મધુરો અવાજ સાંભળવા મળે છે. એણે એના પોતાના જ અવાજમાં વધુ ગીતો કેમ નહીં ગાયાં હોય? હવે તો એ ભેદ જ રહેવાનો.
દિલીપ કુમારની પ્રતિભાને વધુ ઊંડાણથી જોવા માટે આથી વધારે લખવાનો અવકાશ છે, પણ આ મહાન કળાકારની આ અંજલિ અહીં જ સમાપ્ત કરીએ.
———————————————
e.mail : surendrabhimani@gmail.com