હિંદુ ધર્મને સમાનતાવિરોધી ગણતા બાબાસાહેબ કોઈ પણ ભોગે દેશમાં હિંદુરાષ્ટ્ર સ્થપાતું રોકવાના પક્ષધર હતા.
હમણાં ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે ધર્મપરિવર્તન માટે જિલ્લા કલેક્ટરો સમક્ષ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રજૂ થયેલી અરજીઓના રજૂ કરેલા આંકડા ચોંકાવી દેનારા લાગ્યા. અગાઉની નરેન્દ્ર મોદી સરકારે વટાળવૃત્તિને રોકવાના ઇરાદે ર૦૦૬ ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય કાયદો કરવાનું પસંદ કર્યું. હિંદુ, જૈન અને બૌદ્ધને સમાન ગણવાની જોગવાઈ પછી ય ધર્મપરિવર્તન કરનારા હિંદુઓનો પ્રવાહ હિંદુવાદી સરકારના શાસનમાં પણ અખંડ રહે એ ચિંતાનો વિષય ખરો.
સ્વેચ્છાએ ધર્મપરિવર્તન કરનારાઓ સામે સરકાર વાંધો ના લઈ શકે, પણ દબાણથી, લાલચથી કે છળકપટથી ધર્મપરિવર્તન થતાં હોય તો એને રોકવા માટે કાનૂની અને દંડાત્મક જોગવાઈઓ સરકારહસ્તક છે.
મુખ્યમંત્રીએ છેલ્લાં પાંચ વર્ષના જે આંકડા આપ્યા, એમાં ૧,૭૩પ જેટલા હિંદુઓએ ધર્મપરિવર્તન માટે સરકારની મંજૂરી માંગી છે. એમાંથી ૮૭૮ને સરકારના ગૃહવિભાગે મંજૂરી આપી પણ છે. હકીકત એવી છે કે ધર્મપરિવર્તન કરવા માટે જે હિંદુઓએ મંજૂરી માંગી હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે તેમાં હિંદુમાંથી બૌદ્ધ કે જૈન થવા ઇચ્છુકનો સમાવેશ નથી.
હિંદુમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી થવા ઇચ્છુકોના જ આ આંકડા લાગે છે. જો કે જૂનાગઢમાં થોડાં વર્ષો પહેલાં એકાદ લાખ દલિતોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવનાર ગુજરાત દલિત સંગઠન તો પ૦ હજાર જેટલા અરજદારોને ધ્યાને નહીં લેવાયાની ફરિયાદ કરે છે. ખ્રિસ્તી મિશનરી થકી સેવાપ્રવૃત્તિની આડશે હિંદુ ધર્મના અવગણાયેલા દલિત, શોષિત કે પછી આદિવાસીઓનું ધર્મપરિવર્તન કરાવવાનો મુદ્દો કાયમ વિવાદાસ્પદ રહ્યો છે. થોડાક દાયકાઓ પૂર્વે દક્ષિણ ભારતના મીનાક્ષીપુરમ્માં સાગમટે દલિતો થકી ઇસ્લામ કબૂલવાની ઘટના બન્યા પછી વિશ્વ હિંદુ પરિષદની પ્રવૃત્તિમાં નવચેતના આણી છે.
ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓની સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે જ દલિત અને આદિવાસીઓની વટાળપ્રવૃત્તિ પણ ભાજપી શાસનમાં અખંડ રહે એવા સંકેત વિધાનસભામાં મુખ્યમંત્રી થકી રજૂ કરવામાં આવેલી માહિતીમાંથી મળે છે. એટલું જ નહીં, નવા પ્રદેશાધ્યક્ષ વિજય રૂપાણીએ રાજ્ય સરકારને વટાળપ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેવાનો આગ્રહ સેવ્યો છે. આવતા દિવસોમાં ધર્મપરિવર્તન સામે નવાં ફોજદારી પગલાંની સાથે જ વર્ષ ર૦૧૭ દરમિયાન વિધાનસભા ચૂંટણીને કેન્દ્રમાં રાખીને એ સંદર્ભે જનઆંદોલન જગાડવાનાં એંધાણ પણ મળે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ધર્મને રાજકારણ સાથે જોડવાની દિશામાં જે પહેલ કરી હતી, એનાં દુષ્પરિણામ એમણે પોતે વ્યક્તિગત રીતે અને સમગ્ર દેશે સમયાંતરે ભોગવવાં પડ્યાં છે. અત્યારે ભાજપ ધર્મ અને રાજકારણની સેળભેળ કરીને સત્તા સુધી પહોંચવા કે સત્તા ટકાવવા માટે કૃતસંકલ્પ હોય ત્યારે ધર્મ અંગત બાબત મટીને જાહેરજીવનમાં નિર્ણાયક અસર કરનાર બન્યો છે. તમામ રાજકીય પક્ષો ધાર્મિક આળપંપાળનું રાજકારણ રમતા થયા છે અને અન્યો પર વૉટ બૅંકનું કે તુષ્ટિકરણનું રાજકારણ ખેલવાનો આક્ષેપ કરતા રહ્યા છે.
ગુજરાતમાં ધર્મપરિવર્તનની પરંપરા જૂની છે. જાણીતા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ હિંદુમાંથી ખ્રિસ્તી બન્યા અને પછી સ્વધર્મમાં પાછા ફર્યા હતા. મહાત્મા ગાંધી માટે ૧૯૩૬નું વર્ષ તો ધર્મપરિવર્તનના મુદ્દે ખાસ્સું વેદનામય રહ્યું હતું. એમના જ્યેષ્ઠ પુત્ર હરિલાલે ૧૪ મે, ૧૯૩૬ની આસપાસ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો. જો કે હરિલાલ ગાંધીએ ૧ર નવેમ્બર, ૧૯૩૬ના રોજ ફરી હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. એમ તો સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ પણ છ મહિના મુસલમાન રહ્યા હતા!
દેશનેતા આચાર્ય કૃપાલાનીએ આત્મકથામાં નોંધ્યું છે કે એમના મોટા ભાઈએ ઇસ્લામ કબૂલ્યો હતો અને નાના ભાઈને મુસલમાન બનાવવા ભગાડી ગયા હતા. ૧૯૩૬માં જ ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર સાથે પણ મહાત્મા ગાંધીની ધર્મપરિવર્તન અંગે વિશદ ચર્ચા થઈ હતી. છેક ઑક્ટોબર, ૧૯પ૬માં એટલે કે પરિનિર્વાણના માંડ બે મહિના પૂર્વે જ નાગપુરમાં લાખો અનુયાયીઓ સાથે ડૉ. આંબેડકરે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો હતો. અત્યારે રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે ડૉ. આંબેડકરની ૧રપમી જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે કેવા કેવા વિરોધાભાસ નજરે ચડે છે એનો પણ વિચાર કરી લેવો જરૂરી છે.
સ્વયં બાબાસાહેબ હિંદુધર્મને સમાનતા, બંધુતા અને લોકશાહી મૂલ્યોથી વિપરીત ગણતા હતા અને હિંદુરાષ્ટ્ર કે હિંદુરાજને કોઈ પણ ભોગે દેશમાં સ્થપાતા રોકવાના પક્ષધર હતા. સરદાર પટેલ પણ હિંદુરાષ્ટ્રના કટ્ટરવિરોધી હતા. ડૉ. આંબેડકરે છેવટે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, પણ હિંદુ ધર્મ ભણીના પોતાના વાંધાઓ એમણે ‘રિડલ્સ ઇન હિંદુઇઝમ’ ગ્રંથમાં નિઃસંકોચ પ્રગટ કર્યા. તેમણે નાગપુરમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરતાં અનુયાયીઓને જે બાવીસ પ્રતિજ્ઞાઓ લેવડાવી તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે રામ અને કૃષ્ણને ઈશ્વર માનવાનો ઇનકાર અને એમની પૂજા નહીં કરવા ઉપરાંત ગૌરી-ગણપતિ વગેરે ધર્મના કોઈ પણ દેવી-દેવતાને નહીં માનવા અને પૂજા નહીં કરવા તેમ જ ભગવાન બુદ્ધને વિષ્ણુનો અવતાર નહીં માનવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
ગુજરાતની ભાજપી સરકાર ડૉ. આંબેડકરની આ રર પ્રતિજ્ઞાઓવાળી પુસ્તિકા ઉત્સાહમાં આવીને શાળાઓ પહોંચાડ્યા પછી પાછી ખેંચી લે છે, પણ વસંત મૂન સંપાદિત ‘રિડલ્સ ઇન હિંદુઇઝમ’ના ‘હિંદુ ધર્મના કૂટપ્રશ્નો’ શીર્ષક હેઠળના ગ્રંથનું રાજ્ય સરકાર દ્વારા વેચાણ હજુ થાય છે. વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા રહેલા ડૉ. આંબેડકરના અભ્યાસી ડૉ. પી.જી. જ્યોતીકરે જ આ ગ્રંથનો અનુવાદ કર્યો છે. એનું પ્રકાશન ગુજરાત સરકારે કર્યું છે.
ભાજપના શ્રદ્ધાપુરુષ તરીકે હવે સ્વીકારાવા માંડેલા વીર સાવરકર અને એમના સાથી ડૉ. બી.એસ. મુંજેએ ડૉ.આંબેડકરને શીખ ધર્મ અપનાવવા માટે અનામતના લાભની ઑફરો છેક જુલાઈ ૧૯૩૬માં કરવા માંડી હતી.
દલિત સમાજ (એ વેળાએ વપરાતો અસ્પૃશ્ય કે કચડાયેલા સમાજ જેવો શબ્દપ્રયોગ) શીખ ધર્મ અંગીકાર કરે તો તેને અનુસૂચિત જાતિ માટેની અનામતના લાભ આપવાની હિંદુ મહાસભાએ ઑફર કરી હતી. જો કે ગાંધીજી આવી સોદાબાજીના પક્ષધર નહોતા, પરંતુ ૧૯પ૬માં ડૉ. આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, પછી સાવરકરે એમને વખોડ્યા હતા. જે સાવરકર ૧૯૩પમાં ડૉ. આંબેડકરના ધર્મદ્રોહને રાષ્ટ્રદ્રોહ ગણાવતા હતા, એ જ સાવરકર ‘કેસરી’માં ૩૦ ઑક્ટોબર, ૧૯પ૬ના રોજ એટલે કે બાબાસાહેબ બૌદ્ધ બન્યા પછી નોંધે છે.
“આંબેડકર ઇસાઈ કે મુસલમાન નહીં થયા, એ આપણા (હિન્દુ) પર કોઈ ઉપકાર કર્યો નથી.” ‘સાવરકર સમગ્ર’ ગ્રંથ-૭માં સામેલ સાવરકરના ઉપરોક્ત લેખમાં ડૉ. આંબેડકરની ધર્માંતરણની જાળમાં નહીં ફસાયેલા શ્રી જગજીવનરામ, શ્રી તપાસે, શ્રી કાજરોલકર, શ્રી રાજભોજ જેવા પૂર્વના અસ્પૃશ્ય નેતાઓને બિરદાવવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન એ ઊઠે છે કે વર્તમાન સંજોગોમાં પ્રજા અને શાસકો આવા વિરોધાભાસોને કઈ રીતે ઉકેલે છે.
e.mail : haridesai@gmail.com
સૌજન્ય : ‘ઇતિહાસ’, “દિવ્ય ભાસ્કર”, 23 માર્ચ 2016