મારી જીવનયાત્રા : ઘડતર અને ચણતર

ઘનશ્યામભાઈ ન. પટેલ
06-01-2020

કેફિયત

મારો જન્મ ભારત દેશના ‘ગુજરાત’ રાજ્યમાં આવેલા આણંદ તાલુકા(ખેડા જિલ્લો)ના કરમસદ ગામમાં, તારીખ ૨૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ, ‘પાટીદાર’ જ્ઞાતિમાં થયો હતો. નસીબની બલિહારી કે ‘કર્મની ગતિ ન્યારી’ જે ગણો તે હવે મારા દીર્ઘ જીવન સંઘર્ષના નવ દસકા પૂરા થવાના પ્રસંગે તા. ૨૧-૧૨-૨૦૧૯ ને શનિવારના રોજ, ખાસ તો યુનાઇટેડ કિંગ્ડમના જાહેરજીવનના ગુર્જર સમાજવાસી રસિયા વાચકોના ચરણે જીવનના ચઢતા-ઊતરતા અનુભવોનાં મારા જીવનમાં વાસ્તવિક વહેણો, ખુલ્લી કિતાબના પાના પર યથામતિ સાદર કરવા, ઇશ્વરકૃપાએ આ કલમ સરસ્વતીને હાર્દિક વંદન સાથે ઉપાડી છે ...

મારી જીવનકથાનો પ્રવાહ અનુક્રમે ત્રણ દેશોમાં પ્રસર્યો છે. (૧) ભારત (ઈ. સ. ૧૯૨૯-૧૯૫૫) (૨) યુગાન્ડા (પૂર્વ આફ્રિકા - ઈ.સ. ૧૯૫૫-૧૯૭૫) (૩) યુનાઇટેડ કિંગ્ડમ (ઈ. સ. ૧૯૭૫-૨૦૧૯). આ સમય દરમિયાન સંજાગો અનુસાર બે ખંડો(યુરોપ અને ઉત્તર અમેરિકા)ની મુસાફરી ટાણે થયેલા ઓછાવત્તા અનુભવોનું ભાથું પણ હૈયે વસ્યું છે. છેલ્લાં વર્ષો દરમિયાન કુટુંબની બીજી-ત્રીજી પેઢીને માહિતગાર કરવા યુગાન્ડા અને ભારતની મુલાકાતો આટલી ઘરડી ઉંમરે શક્ય બની શકી છે.

જીવનકથા : ભારત (૧૯ર૯-૧૯પપ)

આ વાતો મારા કરમસદના ઘરના બારણેથી જ શરૂ કરું છું. અંગ્રેજી કહેવત, Charity begins at home પ્રમાણે દાન-ધર્મ પણ પોતાના ઘરથી જ શરૂ થાય છે. અહીંનો લગભગ પા સદી(ઈ.સ. ૧૯૨૯-૧૯૫૫)નો  મારો ઉછેર કે ભણતર-ગણતર, સંસ્કાર જે ગણો તે અત્યાર સુધી મેં ભોગવેલી નેવું વર્ષની જિંદગીના સદ્ધર પાયારૂપ બની ગયા છે. ઈ.સ. ૧૯૩૦ના સમયે ગામની વસ્તી જે સાત-આઠ હજારની હતી તે ૧૯૫૫ દરમિયાન તો બમણી થઈ હતી. પરંતુ આજરોજ તો કરમસદના વિકાસની સાથોસાથ નજીકમાં બીજાં ચાર ગામો એકાકાર થઈ ગયા છે (૧) વલ્લભ-વિદ્યાનગર (૨) મોગરી (૩) બાકરોલ, અને (૪) આણંદ. દરેક ગામની આગવી સરહદો, ખેતરો સાથે અલગ રહી નથી, લુપ્ત થઈ ગઈ છે. એટલે વસ્તી ગણતરીનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી, પરંતુ નામ ટકી રહ્યાં છે.

ગામમાં ત્યારે ગુજરાતી સાત ધોરણ સુધીની સરકારી પ્રાથમિક શાળા હતી અને સ્ટેશનને રસ્તે જતાં આવેલી સાત ધોરણની બીજી કરમસદ હાઈ સ્કૂલ હતી. ઉપરાંત અમારા ફળિયામાં બાંધેલી ‘બાપાની ખડકી’માં છથી ચૌદ વર્ષની વયની બાલિકાઓ ભણતી હતી. આ ખડકીનો ઉલ્લેખ મેં જુલાઈ ૨૦૦૭ના ‘ઓપિનિયન’ના અંકમાં ‘સરદાર પટેલ’નું જીવનચરિત્ર વર્ણવતા કરેલો છે. તેમણે ગામની મુલાકાત દરમિયાન નવી બાંધેલી ‘કન્યાશાળા’નું રવિશંકર મહારાજ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં ઉદ્‌ઘાટન કરેલું. તા. ૬-૪-૧૯૪૭ના રોજ મહારાજ ગામમાં ખુલ્લા પગે વહેલી સવારે આવી ગયા હતા. ગામના સમાજ સેવક ઠાકોરભાઈ વૈદ્ય સાથેની તેમની વાતો મેં તેમની પાછળ ઊભા ઊભા સાંભળેલી. આ પહેલાંનાં વર્ષોમાં ગાંધીજીએ પણ ગામની મુલાકાત લેતાં સરદાર વિશે આપેલું વક્તવ્ય ઇતિહાસને ચોપડે ચઢેલું જ છે.

‘બાપાની ખડકી’ની બહાર લગભગ ૪૦ ફૂટ લાંબો અને ચાર ફૂટ પહોળો બેસવા ઊઠવાનો ઓટલો હતો. તેની એક ડાબી બાજુની ઊંચી દિવાલ પર દોઢસો વર્ષો ઉપરાંત જૂનું ચિત્રકામ મારે માટે નાની વયથી જ એક અજાયબી હતી. જે રોજ જોવા મળતી. ચિત્રકામ ઉપર બે બાજુએ ઢળતું પતરાનું છાપરું હતું. મારા ઘરના પહેલા માળની પાછળની, વાંચવા લખવાની ખુલ્લી બેઠક પરથી પાછલા ફળિયાના જૂનાં ઘરો, થોડાં બાંધેલાં નવાં ઘરો, ત્રણ ચાર ઉકરડા તથા ઘાસચારો રાખવાના ખુલ્લા વાડાઓ સાથે જ આ ખડકીનું ચિત્રકામ થોડું ત્રાંસમાં જોઈ શકાતું. પરંતુ આ અજાયબીથી મોટી અજાયબી એ બની કે આ જ ખડકીના પ્રાંગણમાં ૧૫થી ૩૫ની વય સુધીનાં મોટેરાં વડીલો એકત્ર થઈ ભારતના આઝાદી-સંગ્રામની ચર્ચા કે વાદવિવાદ કરતાં ત્યારે અમે પાંચ-સાત નાનકાંઓ તેમની વાતોના ચેન-ચાળા વિસ્મયભાવે નિહાળતા અને વાતો કંઈક ગળે ઊતરે કે ન ઊતરે તેની દરકાર કર્યા વગર ગામના સરઘસોમાં તેમની સાથે જોડાઈ રાષ્ટ્રીય ભાવનાનાં ગીતો ‘ઝંડા ઊંચા રહે અમારા ...’ ‘વંદે માતરમ્‌ ...’ ‘જનગણ મન ...’ ગાતાં ફરતાં.

ફળિયાના જ વડીલ મનુભાઈ મારા મોટાભાઈ ‘જીવાભાઈ’ના સાથીદાર હતા. આખા ગામમાં મોટાભાઈ ટૂંકા નામે ‘જી’ તરીકે ઓળખાતા, પરંતુ જૂના જમાનાનું આ નામ બદલીને બાદમાં તેમણે બાબુભાઈ નામ રાખેલું. તેઓ સંપૂર્ણ ખાદીધારી. હરિપુરા કોંગ્રેસ - ૧૯૩૮માં તેમણે સેવક તરીકે હાજરી આપેલી. ગાંધીજયંતીના દિવસે અપવાસ કરી આખો સમય રેંટિયો કાંતતા. તેમના ખાદીનાં કપડાં હું ધોતો અને ઈસ્ત્રી કરતો. તેમણે પ્રાથમિક ગુજરાતી શાળાનાં સાત ધોરણ પાસ કરેલાં અને કરમસદ હાઈ સ્કૂલના આ સમયે છેલ્લા મેટ્રિક ધોરણમાં હતા. બે વર્ષ પહેલાં તેમના લગ્ન પણ થયેલાં હતાં. મોટી દીકરી ‘મૃદુલા’નો જન્મ થયો હતો, પરંતુ ગામના સરઘસોની વાત હવે ફરી ચાલુ કરું ... તો ... રસ્તામાં જ ‘સરદાર પટેલ’નું ઘર આવતું અને સૌનો ઉત્સાહ વધી જતો.

તે દિવસોમાં ગામના ઉત્સાહી વડીલોએ ‘કરમસદ હાઈ સ્કૂલ’નું નામ બદલીને ‘સરદાર વલ્લભભાઈ પટેલ હાઈ સ્કૂલ’ કર્યું હતું. બે માળની ભવ્ય શાળાની શોભા અનન્ય હતી. અહીં મારો અભ્યાસ ઈ.સ. ૧૯૪૧ થી ૧૯૪૮ - મેટ્રિક પાસ કરતાં સુધી રહ્યો. ગામના જાણીતા ઉત્સાહી વડીલો શાળાનું સંચાલન કરતા.

શાળાના નિષ્ઠાવાન શિક્ષકો નવલશંકર માંકડ, અંબાલાલ દવે, હીરાલાલ શાહ, કિશોરભાઈ પટેલ, રતિલાલ ભટ્ટ, રતિલાલ પટેલ વગેરે અને હેડમાસ્તર ગોપાળદાસ નંદલાલ અધ્યારૂના માર્ગદર્શન હેઠળ ચાલુ ભણતર ઉપરાંત શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ‘હિંદી વિનીત’ (અમદાવાદ) અને રાષ્ટ્રભાષા રત્ન(વર્ધા)ની પરીક્ષાઓ પાસ કરી હતી. ભાનુપ્રસાદ પંડ્યા હિંદી પરીક્ષાઓનું સંચાલન કરતા. તેમના તથા હરિવદન જોષી જેવા શિક્ષકોના સહકારમાં ‘પ્રામાણિત પ્રચારક’ બનીને હિંદીના વર્ગો ચલાવ્યા. બીજા વર્ગમાં પાસ કરેલી ‘કોવિદ’ પરીક્ષામાં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પાઠ્યપુસ્તક તરીકે હતી. આ વાચનની પૂર્તિ તરીકે અન્ય આત્મકથાઓ (પંડિત જવાહરલાલ નેહરુ, રાજેન્દ્રપ્રસાદ, આચાર્ય કૃપાલાણી) અને જીવનચરિત્રો (સરદાર પટેલ, આંબેડકર, ટિળક મહારાજ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ટાગોર)નો લાભ લીધો. ધાર્મિક વાંચન (રામાયણ-મહાભારત) સાથે રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તો હૈયે વસેલા જ હતા.

અન્ય પ્રવૃત્તિઓમાં શાળામાં જ ટાઇપ-રાઈટિંગ, બુક-કીપિંગ અને કમર્શિયલ કોરસપોન્ડન્સ્‌ સાથે ડ્રોઇંગની બે પરીક્ષાઓ પેટલાદ જઈને આપેલી. શાળામાં કેટલાક વિદ્યાર્થી મિત્રો હતા. રમેશભાઈ, સૂર્યકાંત, ભીખુભાઈ, હસમુખભાઈ, જશભાઈ લુહાર વગેરે. પરીક્ષા ટાણે લગભગ દોઢ-બે માસ મારે સૂર્યકાંતભાઈના ઘરે વાંચવાનું ચાલતું. એટલે સાંજે તેમના ઘરે જઈ રાત્રિના અભ્યાસ બાદ બીજા દિવસે સવારે  મારા ઘરે પાછા અવાતું. મબાલે(યુગાન્ડા)માં તેના પિતા ઈશ્વરભાઈ સદ્‌ગત થયા એટલે તેમના બા (ડાહીબા), નાનો ભાઈ સુરેશ, મોટી સુશીલાબહેન તથા નાની રમીલાબહેન સાથે ગામમાં માળીવારા ફળિયામાં બે માળના નવા જ બાંધેલાં પોતાનાં મકાનમાં ઈ.સ. ૧૯૩૯-૪૦માં રહેવાં આવી ગયેલાં. રાત્રે વાંચતી વખતે તેમના અભ્યાસમાં અઘરા વિષયો શીખવવામાં હું મદદ કરતો. અમે બંનેએ મૅટ્રિક પરીક્ષા સાથે પાસ કરી હતી. છઠ્ઠા ધોરણમાં ડાહીબાએ તેમને પરણાવી દીધેલા. તેમના મામા મથુરભાઈ મબાલેની પિતાની દુકાન ભાગીદારીમાં એકલા ચલાવતા હતા. અને વિધવા બહેન ડાહીબાને કરમસદમાં ઘર ખર્ચ મોકલતા હતા. એટલે સૂર્યકાંતે મૅટ્રિક પાસ કરતાં તરત જ મથુરમામાએ તેમને દુકાનમાં જોડાવા મબાલે બોલાવી લીધા. નસીબની કેવી આકરી બલિહારી કે મારા આ બાળપણના દોસ્ત વિદ્યાનગરમાં કોલેજમાં વધુ અભ્યાસની સગવડ થઈ હોવા છતાં જોડાઈ શક્યા નહીં. તે કરમસદમાં ઈ.સ. ૧૯૩૯થી ૧૯૪૮ સુધી શાળામાં સામાન્ય ગજાના વિદ્યાર્થી હોવા છતાં બીજી-ત્રીજી રીતે ઘડાયા હતા. તેમનું શરીર મજબૂત અને સાડા છ ફૂટની ઊંચાઈવાળું હતું.

સૂર્યકાંત મબાલે તો ગયા પરંતુ મામા સાથે કામ કરવાનું એકાદ-બે વર્ષ પણ ટક્યું નહીં. એટલે છૂટા થઈ સીધા યુગાન્ડાની ઉત્તર સરહદે અરૂઆ અને રાયનો કૅમ્પ જઈ ભાગીદારીમાં યોગેન્દ્રભાઈ સાથે દુકાનો ચલાવી, વધારામાં અરૂઆ અને પાટનગર કંપાલા વચ્ચે ઘરાકો માટે જોઈતો દુકાનનો સામાન લાવવા લઈ જવા મોટર-લોરી-ટ્રાન્સપોર્ટ બિઝનેસ શરૂ કર્યો અને વ્યવસાયનો વિસ્તાર ઠેઠ યુગાન્ડામાં કબાલે અને ટાન્ઝાનિયાના બંદર દારેસલામ સુધી વિસ્તાર્યો. પણ નસીબ સંજોગે ધીરે ધીરે યુગાન્ડામાંથી એશિયનોના સામૂહિક સ્થળાંતર ટાણે બધી જ જાહોજલાલી પડતી મૂકીને લંડન ગયા. હવે નવી ગિલ્લી, નવો દાવ. અહીં પણ થોડા વખતમાં તેટલી જ જાહોજલાલી, દુકાન-ધંધા ઊભા કરીને માણી અને એકાદ બે દસકામાં તો ઉપર ‘ગચ્છન્તિ’ કરી ગયા.

આવી જ બીજી વાર્તા મિત્ર હસમુખભાઈની છે જે પોતાના ‘બા’, બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે દારેસલામથી કરમસદ આવ્યા હતા.  કારણ કે તેના પિતા મનસુખભાઈ પટેલ નાની ઉંમરે ત્યાં સદ્‌ગત થયા હતા, તેના ઘર નજીક જ વડતાલપંથી સ્વામીનારાયણ મંદિર હતું. હું પણ ફળિયાના બીજા મિત્ર મનુ સુથાર સાથે, આ જ મંદિરમાં જઈ ‘છબલિકા’ વગાડતો. હસમુખભાઈ કરમસદ હાઈસ્કૂલમાં મારી સાથે એક જ વર્ગમાં હતા. એટલે તેમના આખા ઘરના કુટુંબ સાથે અણમોલ ઘરોબો બંધાયો. વિદ્યાનગરની આટ્‌ર્સ-સાયન્સ કોલેજ વી.પી.એમ. અને બિરલા ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરવા અમે સાથે જતા. આ આટ્‌ર્સ-સાયન્સ કોલેજમાં કરમસદથી અમારી સાથે જશભાઈ લુહાર પણ હતા. અમે ત્રણેય એક બીજા સાથે ઉપનામથી જ વાતો કરતા.

હસમુખનું ઉપનામ ‘ભગત’ હતું, કારણ કે સ્વામીનારાયણ મંદિરમાં ઊંચા કૂદકા મારીને ત્યાં ધૂન મચાવતા. જશભાઈનું ઉપનામ જે.ડી., કારણ કે તેના પિતાનું નામ ડાહ્યાભાઈ હતું. મારું ઉપનામ ‘બિરલા’ –  હસતાં હસતાં હસમુખભાઈએ જ પાડેલું. ઇન્ટર સાયન્સના વર્ગો શરૂ થતા પહેલાં અમને કરમસદથી વિદ્યાનગર ચાલતા આવ્યા બાદ અડધા કલાકનો સમય મળતો. એટલે ‘ભાઈકાકા’ ચારૂતર આરોગ્ય મંડળની ઓફિસની સામે જ ત્રીસેક ફૂટ દૂર અમારી ટોળટપ્પાંની રમઝટ ચાલતી. હસમુખનો પહેરવેશ શૂટેડ-બૂટેડ, એ મારા જેટલો ઊંચો ખરો, પરંતુ શરીરે પઠ્ઠો જ્યારે મારા પહેરવેશમાં અડધી બાંયનું ધોળું ખમીસ અને ચડ્ડી, માથે ખાદી ટોપી પણ ખરી, પરંતુ ચંપલ ફાટેલાં-તૂટેલાં અને હસમુખની સરખામણીમાં શરીર લાગે સુકલકડી. ત્યારે સામે જ એક રમત ગમતના મોટા એવા શાસ્ત્રી મેદાનની ડાબી બાજુએ બી.વી..એમ.(બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય)ની ઇજનેરી કોલેજ બે વર્ષથી શરૂ થયેલી હતી અને તેનું અધૂરું રહેલું બાંધકામ પણ ચાલુ જ હતું. ઇન્ટર પાસ કર્યા બાદ તે જ કોલેજમાં અમે જોડાયા.

આ કૉલેજમાં રૂ. ૨૫ લાખનું દાન આપનાર વ્યક્તિ સરદાર પટેલની ઘનિષ્ઠ મિત્ર હતી. તેનું નામ ‘ઘનશ્યામદાસ. ડી. બિરલા’ હતું અને તે જ ‘નામધારી’ પાછો હું. એટલે એણે મારું નામ પાડી દીધું ‘બિરલા’ બિરલાનું ઉપનામ મને જિંદગીભર ફળ્યું જ છે. વળી તેના જ નામની કોલેજમાં ભણવાનું સદ્‌ભાગ્ય મળ્યું.

આઝાદીના અવસર પહેલાં પંડિત જવાહરલાલ નેહરુએ વિદ્યાનગરની મુલાકાત ટાણે ખાસ કહ્યું હતું કે દેશને આબાદ કરવા માટે પ્રથમ જરૂરિયાત સિવિલ એન્જિનિયરોની પડવાની છે. અમે કરમસદની શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રવચન ત્યારે સાંભળેલું. અને એ પછી અનેક મુશ્કેલીઓ વેઠીને ઈ.સ. ૧૯૫૫માં સિવિલ એન્જિનિયરની પદવી - અલબત્ત, બીજા વર્ગમાં પ્રાપ્ત કરી હતી. તે વાર્તા હવે પછી આવવાની છે.

અમારા ગામની મોટી માધ્યમિક શાળામાં આજુબાજુમાં નાના નાનાં ગામડાં (મોગરી, બાકરોલ, ગાના, વલાસણ, મોરડ)માંથી ભણવા આવતા વિદ્યાર્થીઓનો અમને પરિચય થતો. એમાંથી મોરડના ગોરધનભાઈ મારા મિત્ર બન્યા, અને તે નિમિત્તે તેમનું ગામ જોવાનો મને મોકો મળ્યો હતો. બાકરોલથી પણ પાંચસાત વિદ્યાર્થીઓ ભણવા આવતા, તેમાંથી એક શેઠ મિત્ર સાથે ઘનિષ્ઠતા બંધાઈ હતી. પરંતુ ક્યારે ય બાકરોલ જોવા જઈ શક્યો નથી. મોગરીથી મારા કૌટુંબિક મામા (ઈશ્વરમામા) ચાલીને ભણવા આવતા અને મને મજાકમાં ઘનુભાઈને બદલે ગિનુભાઈ કહીને બોલાવતા. ઈ.સ. ૧૯૪૬-૪૭ની સાલમાં હું અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં શાળામાં હતો, ત્યારે મારા ખુલ્લા પગે રહેવાના ઢંગ જોતાં તેમણે મને ચંપલની એક જોડી ભેટ આપી હતી. આપણે તો ભયો ભયો.

શાળાનાં બધાં જ ધોરણમાં મારી સાથે બે અન્ય સહાધ્યાયીઓ હતા. એક જશભાઈ લુહાર અને બીજા ભોગીલાલ પટેલ. જશભાઈ ગામના જ અને ભોગીલાલ ભાણા તરીકે ગામમાં મામાના ઘરે કરમસદ રહી ભણતા હતા. માણેજના વતની હતા. અમારી આ ત્રિપુટી વર્ગની પરીક્ષાઓમાં અંદરોઅંદર જાણે-અજાણે પહેલો, બીજો કે ત્રીજો નંબર લાવતા. કોઈ હરીફાઈના પ્રયત્નો નહોતા. જશભાઈ લુહાર તો ઇજનેરીનો અભ્યાસ દરમિયાન મારા ઘરે પરીક્ષા ટાણે બે માસ સુધી વાંચવા આવતા. નાની ઉંમરે તેમના લગ્ન થયેલા અને ઇન્ટર સાયન્સના અભ્યાસ ટાણે વિદ્યાનગરમાં પરીક્ષાના એકાદ માસ પહેલાં તેમનું રડમસ મોઢું જોતાં તેમણે પોતે જ મને ખુલાસો કર્યો ‘ઘનુભાઈ, આ વખતે હું ડ્રોપ લેવાનો છું.’ એ ઈ.સ. ૧૯૪૯-૫૦ની પરીક્ષામાં બેઠાં નહીં અને જેમતેમ આખું વરસ પસાર કરીને બીજે વર્ષે ઇન્ટર સાયન્સની પરીક્ષા પસાર કરી. સિવિલ એન્જિનિયરિંગના પહેલા વરસમાં દાખલ થયા.

ખેતીકામ

અમારા ઘરના આંગણામાં એક દૂઝણી ભેંસ રહેતી. ‘બાપુ’ અને બીજા બે મોટાભાઈઓની સાથે ભેંસને ખાવાની ‘ચાર’ લાવવા માટે ગામની આસપાસ જુદાં જુદાં ખેતરોમાં જવાનું થતું. બાજરી, ડાંગર, તુવેર, ચણા, વાલોળનો પાક ખેતરોમાં લહેરાતો અને દાતરડા વડે ચારના પોટલા ‘વેહરા’માં બાંધીને, માથા પર મૂકી, ખેતરોમાંથી ખુલ્લા પગે ચાલીને ઘરે લાવતા. તલાવડીના કિનારે, ઝાડ નીચે, રસ્તામાં જરૂર પડ્યે વિશ્રામ લેતા. ઘરે આવ્યા પછી મેલાં કપડાં વેહરામાં ધોવાના બહાને ગામના મોટા તળાવમાં કલાક-બે કલાક ડૂબકી પણ લગાવતા. ચોમાસામાં તળાવ પાણીથી ભરેલું હોય ત્યારે, ૫૦૦-૬૦૦ ફૂટ દૂર આવેલી ડુંગરી (ટેકરી) સુધી તરવાનું મળતું. નજીકમાં લાખા વણઝારાએ બાંધેલો મીઠા પાણીનો ‘લાખવો’ કૂવો હતો. એ વખતે તો પીવાનું પાણી ક્યાં નળ વાટે ઘરોમાં મળતું?! એટલે ત્યાં પાણીનાં બેડાં ભરવા આખો વખત ગામની બહેનોની પગરવટ જામતી. અમે નાનાં છોકરાઓની પણ ‘ની’ (માતા) સાથે જઈને દોરડે બાંધેલી પાણીની ડોલ કૂવામાં ઊતારી, ઉપર ખેંચી પાણીનાં બેડાં ભરતાં. અમારી ભાભીઓ એ ઊંચકીને ઘરે લાવતી.

તમાકુના ભાવ સારા આવતા. તે કારણે એકાદ-બે વરસના અપવાદરૂપ તેના વાવેતર માટે જરૂરી નીંદામણ ખરપડી વડે હાથે જ કરવાની તાલીમ અમે ભાઈઓએ મેળવેલી. આ વાવેતરની બે હારો વચ્ચે સવાથી દોઢ ફૂટ જમીન ખુલ્લી રાખવી પડતી. આ જગ્યામાં આપોઆપ ઊગેલું ઘાસ ખેડૂતો હંમેશના રિવાજ મુજબ બે બળદો સાથે બાંધેલા બે દોરડાં જોડીને નીંદામણ કરવા, ખરપડીના દસ્તા સાથે જોડીને, મૂળમાંથી ઉખેડતા અને પછી તે ઘાસ હાથમાં ભેગું કરીને દૂર કરતા. અમારે ઘરે બળદગાડાં કે હળની કોઈ સગવડ નહોતી. એટલે કે એક નાના ખેતરમાં તમાકુ વાવીને આ ‘અખતરો’ બાપુએ અમારી મદદથી અજમાવેલો.

શિયાળુ પાક માટે જોઈતું પાણી નજીકના કૂવા પર મૂકેલા પંપથી ૧,૫૦૦થી ૨,૦૦૦ ફૂટ લાંબા પાણીના ઢાળિયા વાટે આવતું. માટીના આ ઢાળિયાનું કદ સાચવવા અમારે પાવડા વડે ધ્યાન રાખવું પડતું. આખા ખેતરમાં પાણી મળે તે માટે વારાફરતી ઢાળિયા બંધ અને ચાલુ રાખવા પડતા. આ પંપના માલિકનો દીકરો રમેશ અમારી શાળાના વર્ગમાં મારી સાથે હતો. એના નાની ઉંમરે લગ્ન થતાં અને પછી પરદેશમાં જતાં સંપર્ક રહ્યો નહીં, પરંતુ વરસો બાદ મારા જ ભત્રીજા હરીશના લગ્ન તેની નાની સાળી સાથે થયા હતા અને દારેસલામમાં રૂબરૂ સંપર્ક થઈ શક્યો હતો.

મંદિરો અને ધર્મશાળાઓમાં બારે માસ સાધુ-સંતો અને કથાવાર્તાકારોનો ઝમેલો રહેતો. શ્રાવણ માસના દિવસોમાં યોગાનંદ સ્વામી કેટલા ય ચેલાઓ સાથે મારા ઘરની નજીક ગામના પાદરે, પાટીદાર નિવાસમાં (જ્યાં ખાસ કરીને લગ્ન માટેની મોટી જાનો ઊતરતી) પધાર્યા હતા. હાથી પર સવારી કરીને ગામમાં પધરામણી કરતા ત્યારે વડ-પીપળાનાં મોટાં ઝાડની છાયા નીચે આગતાસ્વાગતા કરવા આખું ગામ ઊભરાતું. બાપેશ્વર મહાદેવને ફરતી બંને બાજુની ધર્મશાળાઓમાં ચુનીલાલ ભગતે હાર્મોનિયમ-તબલાં સાથે વર્ષો સુધી ભજનોની જમાવટ કરેલી.

આમ ખેતી કામ, ઘરનાં કામ, ધાર્મિક ઉત્સવો, લગ્નપ્રસંગો અને જન્મ-મરણની વિધિઓ અને ઊઠમણાં સાચવવા ઉપરાંત સવારના ૧૧:૦૦થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી શાળાના ભણતરનો મેળ કેવોક જામ્યો હશે? એક બાજુ ભારતની આઝાદીના આગમનનું ટાણું હતું અને બીજી બાજુ આખા દેશની પરિસ્થિતિ બેહાલ હતી. તા. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના ઐતિહાસિક દિને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું દિલ્હીના લાલ કિલ્લા પરથી થયેલું ભાષણ રેડિયો પર પ્રસારિત થયું હતું. ગામના સમાજ સેવક ઠાકોરભાઈ વૈદ્યના દવાખાના પરના રેડિયો પર એ સાંભળ્યું હતું, એવું યાદ છે.

ડેરા-તંબુ એક વર્ષ મુંબઈ ખાતે

ઈ.સ. ૧૯૪૮માં મેટ્રિકની પરીક્ષા ગણિતમાં ડિસ્ટિંકશન મેળવીને પાસ કરી. મોટાભાઈ બાબુભાઈની ઇચ્છાથી મુંબઈમાં તેમની સાથે રહીને મારે કોલેજનો અભ્યાસ કરવાનો હતો. મુંબઈમાં તેમનો વાસ દસેક વર્ષોથી હતો. તેઓ ચર્નીરોડ પર ભાગીદારીમાં રેડિયોની દુકાન ચલાવતા હતા. મોહમયી નગરી મુંબઈના બી.બી. માટુંગા નામના પરામાં, દરિયા કિનારા નજીક તેમના ઘરે માર્ચ ૧૯૪૮માં રહેવા આવ્યો. અને માટુંગામાં આવેલી રામનારાયણ રૂઇયા કૉલેજમાં પ્રથમ વરસ સાયન્સનો અભ્યાસ ૧૯૪૮-૪૯માં પૂરો કર્યો. દરમિયાન કૉલેજનો સમય પૂરો થયા બાદ બાજુની પોદાર કૉલેજ આૅફ કૉમર્સની લાઈબ્રેરીમાં સાંજના ૯:૦૦ વાગ્યા સુધી વાંચન કર્યા બાદ એકાદ માઈલ દૂર આવેલા ઘરે બી.બી. (બોમ્બે-બરોડા) અને જી.આઈ.પી. (ધ ગ્રેટ ઇન્ડિયન પેસિન્સુલર) બંને રેલવેના પૂલો ઓળંગી જતો.

કૉલેજમાં ગુજરાતીના પ્રોફેસર અમૃતલાલ યાજ્ઞિક હતા. બાદમાં તેઓ મીઠીબાઈ કાલેજના આચાર્ય પણ થયેલા. તેમના લખાણોમાંથી પસંદગીનું સાહિત્ય ‘જગગંગાના વહેતાં નીર’ નામે ઈ.સ. ૧૯૭૦માં ૬૦૦ પાનાં ગ્રંથસ્થ થયું હતું. જે બાદમાં અપ્રાપ્ય બન્યું, એટલે ફરી છ ભાગમાં પ્રકાશિત થયું. તેમના માર્ગદર્શન હેઠળ એલ્ફિન્સ્ટન કૉલેજના સભાગૃહમાં કૉલેજના વિદ્યાર્થીઓએ એક નાટક ભજવેલું. જે દરમિયાન મેં સ્વયંસેવક તરીકે હાજરી આપેલી. એક બટકા મિત્ર ભગુભાઈ સાથે ચાર-પાંચ મિત્રોની ટોળકી ઘાટકોપરથી આ કૉલેજમાં ભણવા આવતી. એક મિત્ર ગોધરાના ‘મહેશ ત્રિવેદી’ અને બીજા મહારાષ્ટ્રીયન મિત્ર પણ હતા. વર્ષ પૂરું થતાં મારે મુંબઈ છોડી વતન કરમસદ જવાના સંજાગો ઊભા થયા, પણ તે પહેલાં બે અગત્યના પ્રસંગો નોંધવા જેવા છે. એક તો હવા ખાવાના જાણીતા સ્થળ, માથેરાન પર્વતની મુલાકાત.

ત્યારે તળેટીથી સાંકડી રેલવે દ્વારા ઉપર ચઢીને સૌંદર્ય સૃષ્ટિ માણતાં. એક ઝાડ નીચે ત્યારની મારી યુવાન વયનો પડાવેલો ફોટો મારા આલ્બમમાં હજી સુધી સંઘરી શકાયો છે.

બીજો પ્રસંગ છે એક બાળ મિત્રને પરદેશ (મબાલે-યુગાન્ડા) જતાં આપેલી વસમી વિદાયનો. મુંબઈના બારેથી સ્ટીમર પર ચઢતા પહેલાં મેં આ મિત્ર સૂર્યકાંતભાઈને સવાલ કર્યો. આપણાં ગામ કરમસદથી નજીક વિદ્યાનગર કૉલેજમાં મેટ્રિક થયા બાદ ભણવાની સગવડ થઈ છે તો તમારે યુગાન્ડા કેમ જવું છે? સૂર્યકાંત તો જવાબ આપતાં ઢીલાઢસ થઈ ગયા. જાણે આંખોમાંથી આંસુ પડવાનાં જ બાકી રહ્યાં. અમારા બંનેની નજર એક થઈ, અને બોલ્યા : ‘મામા બોલાવે છે’. અસ્તુ!

મોટાભાઈને તો રેડિયો એન્જિનિયરિંગ તરીકે ટાંગા (ટાન્ઝાનિયા) કરીમજી જીવણજીની કંપનીમાં નોકરી કરવા જવાનું હતું. એટલે હું વિમળાભાભી અને તેમના ચાર નાનાં મોટાં બાળકો સાથે કરમસદ પાછો આવ્યો અને તેઓ પણ સ્ટીમર વાટે વિદાય થયા.

કરમસદ આવી ઇન્ટર સાયન્સના અભ્યાસ માટે વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. ઈ.સ. ૧૯૪૯માં કરમસદથી ચાલીને કેટલાક મિત્રો સાથે અભ્યાસ કરવા જતા વરસાદની ઋતુમાં પરિસ્થિતિ કપરી થઈ જતી. એક હાથમાં પુસ્તકોનાં થેલાં, બીજા હાથમાં છત્રી અને સમયસર વિદ્યાધામે પહોંચવાનું! આખે રસ્તે મિત્રો હસમુખ પટેલ અને જશભાઈ લુહાર સાથે ટોળટીખળ ચાલતી. એક બીજાને ઉપનામથી જ બોલાવતા. ત્રણેમાં સૌથી વધુ બોલકો મિત્ર ‘ભગત’ હતો. ઈ.સ. ૧૯૫૦ની ઇન્ટર-સાયન્સની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરીને નજીકમાં બંધાયેલી એન્જિનિયરિંગ કૉલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયનાં બી.ઈ. સિવિલમાં પ્રવેશ મેળવ્યો. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો. મૅટ્રિક પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા અભ્યાસ કરવાની પણ સગવડ હતી.

જૂન ૧૯૫૦માં દાખલ થવા ટાણે બાંધકામ ચાલુ હતું અને વરંડામાં કારીગરો સાથે અમે ક્યારેક હસતાં હસતાં આંખમિચોલી ખેલતા. કૉલેજની પ્રવેશ ફી રૂ. ૨૫૦/-, પણ પહેલી ટર્મ (છ માસ) માટે ફી ભરવાની સગવડ ઘરે નહોતી. તેટલી જ મુશ્કેલી પુસ્તકો ખરીદવાની પણ હતી. પ્રિન્સિપાલ જુન્નરકરે મુનિમ (હેડ ક્લાર્ક) પર ચિઠ્ઠી લખી આપી કે ફી મોડી ભરી શકાશે. ફીની સગવડ તો બાદમાં થઈ, પણ જોઈતાં પુસ્તકો માટે મુશ્કેલીઓ રહી અને વાર્ષિક પરિણામમાં હું એપ્લાઇડ મિકેનિક્સ વિષયમાં નાપાસ થયો. આખું વર્ષ બગડ્યું. આ વિષયમાં પાસ થવા માટે ૪૦ માર્ક્સ જાઈએ. મારે ૩૮ માર્ક્સ હતા. ૧ માર્ક બક્ષીસનો ઉમેર્યો તો ય થયા તો ૩૯ જ ને! એટલે નાપાસ જાહેર થયા. હરિ ૐ તત્સત્‌!

મારા વિદ્યાર્થીજીવનનો પાંચ વર્ષ(૧૯૫૦-૧૯૫૫)નો કાળ જેટલો આપવીતી અને મુશ્કેલીઓનો હતો તેટલે જ મારા જીવન-ઘડતરનો પણ હતો. જેમાં સફળતા-નિષ્ફળતા કે ચડતી-પડતીમાં પણ તટસ્થતા અને સ્વમાનથી જીવવાનું કે મરી ફીટવાનું જાણ્યે અજાણ્યે સહજ બની ગયું. બી.ઈ.(સિવિલ)ની ડિગ્રી મેળવવા માટે ત્રણને બદલે પાંચ વર્ષ લાગ્યા. તે હકીકત જાણે-અજાણ્યે મારા જીવન ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ બની ગયું.

ગીતાનો શ્લોક : “સુખે દુઃખે સમે કૃત્વા ...” અંતર્ચક્ષુમાં જાગ્રત થયો.

પંચવર્ષીય જીવનસંગ્રામ (ઈ. સ. ૧૯૫૦-૧૯૫૫)

કરમસદમાં મારો વસવાટ કુલ ૨૬ વર્ષ ઈ.સ. ૧૯૨૯-૧૯૫૫નો રહ્યો. આ વસવાટનાં છેલ્લાં પાંચ વર્ષનો ગાળો કસોટીરૂપ બની રહ્યો. જો કે તેનું ભારણ ક્યારે ય મેં અમારા બહોળા કુટુંબમાં અનુભવ્યું નથી. જાહેર જીવનના પાયારૂપ ગાંધીજી, સરદાર કે રવિશંકર મહારાજ જેવા આઝાદીની લડતના પટનાયકોની પ્રેરણા સહિત ગામની પ્રાથમિક શાળા અને સરદાર પટેલ હાઈ સ્કૂલના વર્ષોથી ગામમાં રહેતા શિક્ષણગણનો તેમાં સવિશેષ ફાળો હતો. એટલે વિદ્યાનગરની ઇજનેરી કૉલેજમાં પ્રથમ વર્ષે નાપાસ થતાં જ હું હાઈ સ્કૂલના હેડમાસ્તર રતિલાલ તુળજાશંકર ભટ્ટને મળ્યો ને કહ્યું : સાહેબ, મારે આપણી શાળામાં શિક્ષક તરીકે જોડાવાનો સંજોગ ઊભો થયો છે. જવાબ મળ્યો : ‘આવી જાવ, છઠ્ઠા-સાતમા ધોરણમાં બપોરની પાળીમાં વિદ્યાર્થીઓને શિખવવા માટે. તમને ગુજરાતી અને અંગ્રેજી વિષયના વર્ગો આપીશું.’ જવાબમાં મેં કહ્યું કે મને મોર્નિંગ શિફ્ટ જ અનુકૂળ પડે. કારણ કે મારે ઇજનેરી કૉલેજની ફરી પરીક્ષા આપવા બપોરનો સમય મળી શકે. ભટ્ટ સાહેબે મારી વાત માન્ય રાખી. અને હું જે શાળામાં સાતેય ધોરણ સુધીનો વિદ્યાર્થી હતો તે જ શાળામાં માસિક રૂ. ૧૧૦ના પગારથી સવારની શિફ્ટમાં ધો.૧થી ૩ના બાળકોને ભણાવવા માટે જોડાયો. આ આનંદના સમાચાર ઘરે ‘ની’ તરીકે ગામમાં જાણીતાં મારા માતૃશ્રી(ડાહીબા)ને આપતાં જ તે આનંદમાં ડોલતા ફળિયાના આડોશી-પાડોશીને કહેવા લાગ્યાં : ‘અમારા ઘનિયાભાઈ તો માસ્તર થયા.’

શિક્ષકની મારી કારકિર્દી સન ૧૯૫૧-૫૨ દરમિયાન આઠેક માસ રહી, પરંતુ આ સમયની વિગતોમાં જતાં પહેલાં પ્રાથમિક ગુજરાતી અને માધ્યમિક શાળાના ૧૯૪૮ સુધીના સમયની ટૂંકી વિગતો પ્રસ્તુત છે. કરમસદની સરકારી પ્રાથમિક શાળામાં એકડિયું કર્યા બાદ બીજા પાંચ વર્ષ પૂરાં કરીને ગામની અંગ્રેજી માધ્યમિક શાળા કરમસદ હાઈ સ્કૂલમાં ઈ.સ. ૧૯૪૧માં દાખલ થવા ટાણે અંગ્રેજીના શિક્ષક રતિલાલ પરીખે મારું નામ પૂછતાં મેં જવાબ આપ્યો, ‘ઘનુ’. ફરી મારું નામ પૂછતાં મેં એ જ જવાબ આપ્યો ત્યારે સાહેબે ત્યારની મારી ૧૨ વરસની નિર્દોષ ઉંમરે એક પ્રેમનો ટોણો મારી ફટકાર્યો : ઘનુ .. ઘનુ શું? ઘનશ્યામ. શ્રી ભગવાનનું આ રૂડું નામ તો મળ્યું. પણ તે શાળાના રજિસ્ટર પૂરતું જ રહ્યું. ઘરમાં ઘનુ અને મિત્રમંડળમાં તથા મારી ત્રણ ભાભીઓની નજરમાં તો નાનકડો લાડકો દિયર ‘ઘનુભાઈ’ જ રહ્યો. મારા ત્રણ મોટાભાઈઓને તો ‘બાપુ’એ ૧૬-૧૭ વર્ષની વયે જ પરણાવી દીધેલાં, પરંતુ મારો ક્રમ આવતા ‘પિતાશ્રી’નો મને નાની ઉંમરે પરણાવી દેવાનો ગજ વાગ્યો નહીં. કારણ કે મૅટ્રિકથી આગળ કૉલેજમાં ભણાવવાની મારાથી મોટાભાઈ બાબુભાઈની ખૂબ ઇચ્છા હતી.

ફરી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલની વાત પર આવીએ તો કરેલા એક યાદગાર પ્રસંગ નોંધવો જ રહ્યો. આ પંચવર્ષીય જીવન-સરિતાના આકરાં વહેણોમાં પણ જે એક મીઠાં પાણીનું ઝરણું બની ગયું છે. તેને અહીં ટાંક્યા સિવાય હું કેમ રહી શકું?

મારા શિખવવાના વિષય શરૂના ત્રણે ધોરણોમાં ગણિત, ગુજરાતી, અને હિંદી હતા. ત્રણેય ક્લાસના A અને B વર્ગોમાં ૩૫થી ૪૦ જેટલી સંખ્યા હતી. A વર્ગમાં છોકરીઓને સ્થાન રહેતું. શાળાના ઉપલા માળે ખૂણાના પહેલા ધોરણનો A વર્ગ હતો. જેમાં હું ‘હિંદી’ ભણાવતો. આ વર્ગમાં જમણી બાજુ આગળ પાછળ આવેલી બે બેન્ચ ઉપર સાત-આઠ વિદ્યાર્થિનીઓ અન્ય ત્રીસેક વિદ્યાર્થીઓ સાથે બેસતી. એટલે સ્વાભાવિક સામે જ નજીકમાં બેઠેલી વિદ્યાર્થીની ‘જ્યોતિ’ને હિંદીમાં જવાબ આપવામાં મહાવરો થાય તે હેતુથી એક સાવ સાદો પ્રશ્ન હિંદીમાં કર્યો.

तुम्हारे कितने भाई है? આ પ્રશ્નથી વિસ્મય પામીને પ્રથમ તો જ્યોતિ અવાક્‌ થઈ ગઈ. તેને થતી મૂંઝવણ હું પામું તે પહેલાં મેં તેને ફરી પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન સાંભળતાં જ તેની આંખોમાં તો વેદનાનાં વાદળો ઊમટ્યાં. ... અને પાછળની બૅન્ચ ઉપર બેઠેલી તેની બહેનપણી યશોદાએ ગુજરાતીમાં કહ્યું કે સાહેબ એને એકેય ભાઈ નથી. ... જ્યોતિની આંખોમાં તો આંસુ જ ટપકવાના બાકી રહ્યા હતા. તેની નીચે ઢળતી આંખોમાં દૃષ્ટિ કરતાં મારા હૃદયની ધડકન જાણે કે એક-બે પળ થંભી ગઈ. ... અંતરના ઊંડે ખૂણે મને થયું કે કુદરતની આ કેવી અગમ્ય કરામત? મારા પક્ષે અમે પાંચ ભાઈઓ ને એકેય બહેન નહોતી!

નાનકા-ભૂલકાંઓના આ પ્રથમ વર્ગમાં અણધારી મારી અંતર વેદના ઠારીને જેમતેમ વર્ગનો સમય પૂરો કર્યો ... પરંતુ મારી પોતાની ઘરની વાર્તા ... અહીં અધૂરી છોડી શકતો નથી.

મારા જન્મ બાદ લગભગ અઢી વર્ષે સન ૧૯૩૧-૩૨ દરમિયાન એક નાનકી રૂપાળી બહેન ‘તારા’ જન્મેલી. તેને રમાડવાનો આનંદ ઘરના સૌએ માણેલો. પરંતુ છ-આઠ માસમાં અપૂર્વ આનંદની એક લહેરખી ફરકાવીને તે સદાને માટે પ્રભુના દરબારમાં ચાલી ગઈ હતી.

ત્યાર બાદ બીજા ત્રણેક વર્ષ બાદ ઘરમાં મારા નાનાભાઈ કનુભાઈનો જન્મ થયેલો. પરંતુ હાલ તો ‘वसुधैव कुटुम्बकम्’ને ન્યાયે આ દેશમાં બહેનોની ખોટ વર્તાતી નથી. ઘણી બહેનોની માયામાં વ્યસ્ત રહેતો હોઉં છું અને રક્ષાબંધન, ભાઈબીજ કે વીરપસલીના તહેવારો આનંદથી ઊજવી શકાય છે. યુગાન્ડામાં કુમી રહેતી, ચંચળમાસીની દીકરી. જયશ્રીબહેન અને કરમસદના મિત્ર ડોક્ટર સુરેશ પાઠકની જિન્જામાં વસતી સુધાબહેનનાં પણ અપાર સ્મરણો તાજાં થાય છે. ... હવે ‘જ્યોતિ’ના ઘરની દિલચસ્પ વાતો કરવાનો આનંદ પણ અપૂર્વ છે.

તા. ૪ ફેબ્રુઆરી, ૧૯૫૫ના રોજ મારા લગ્ન સોજિત્રાની કન્યા ‘ઇન્દુમતી’ સાથે થયા. લગનના ત્રણેક અઠવાડિયા પહેલાં અમે એકબીજાંને પસંદ કરવા કરમસદ સ્ટેશને ભેગાં થયાં હતાં. અને ત્યાર બાદ આ ‘કન્યા’ જેમના ઘરે ગઈ એ જ્યોતિનું ઘર. ઘરે ગયા ત્યારે ખબર પડી કે જ્યોતિ તો ઇન્દુમતીના કુટુંબની ફોઈની દીકરી હતી, જ્યાં મારા માતુશ્રી કન્યાને જોવાં જવાનાં હતાં.

જ્યોતિના પિતા ડાહ્યાભાઈ અને માતા લલિતાબહેન એકાદ બે વર્ષ પહેલાં જ મદ્રાસથી પોતાનો ધંધો સમેટીને કરમસદ પોતાના નવા બાંધેલા બંગલામાં રહેવાં આવ્યાં હતાં. ડાહ્યાભાઈને છ દીકરીઓ અને જ્યોતિ એમાં સૌથી નાની. નસીબની કેવી બલિહારી કે પત્નીના સંબંધે જ્યોતિ ફોઈ અને ફુવાની દીકરી હોવાથી બહેન થતી હતી. તે હવે મારા કરમસદ ગામના સંબંધે ડાહ્યાકાકાની દીકરી તરીકે બહેન બની. જ્યોતિનું ઘર મારા ઘરથી દસેક મિનિટ ચાલવાના અંતરે લુહારચાલમાં હતું. આજે સિત્તેર વર્ષો પહેલાનાં ભૂતકાળની વાતો ‘क्षणे क्षणे यम्‌ नवतामुપૈति’ વહેંચવાનો આનંદ કંઈક અવર્ણનીય છે.

જન્મ લિયા તો જી લે બંદે, ડરનેકા ક્યા કામ … બંદે

સન ૧૯૫૧-૫૨ દરમિયાન શિક્ષકની નોકરીનો પગાર દર માસે ‘બાપુ’ને આપતો એટલે તેટલો સમય પરદેશ વસતા મોટાભાઈને ઘરની આર્થિક જવાબદારીમાંથી મુક્તિ મળી. દરમિયાનમાં પહેલા વર્ષની બાકી રહેતા થોડા વિષયોની પરીક્ષા ફરી આપી. પાસ થતાં કૉલેજના બીજા વરસમાં દાખલ થયો. પણ ૧૯૫૨-૫૩ની વાર્ષિક પરીક્ષામાં મને ફરીવાર નિષ્ફળતા મળી. સવાર-સાંજ બંને સમયે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ જ કરવાના હોય. બપોરના સમયે ૪૫ મિનિટના ચાર વર્ગો લેવાય. અમારે કરમસદના ઘરેથી વહેલી સવારથી ચાલીને બગલમાં ટિફિન અને પુસ્તકો લઈને જવાનું હોય. રિસેસ ટાણે કૉલેજની હોસ્ટેલમાં રહેતા મિત્રની ઓરડીમાં જમવા માટે અમે કરમસદવાસી વિદ્યાર્થીઓ જમાવટ કરીએ. વખતોવખત સંગીતવાદન, ચર્ચાસભા અને વક્તા-મહેમાનોના કાર્યક્રમો ગોઠવાતા. એક જલસામાં સંગીતકારે ઠમકાભેર ગાયેલું ગાન યાદ આવે છે. ‘જીવન હૈ સંગ્રામ, બંદે જીવન હૈ સંગ્રામ ...’

બીજા વર્ષના અભ્યાસ માટે મેં જૂન ૧૯૫૨ દરમિયાન કરમસદ-વિદ્યાનગરની અવરજવર એક વર્ષની ગેરહાજરી બાદ ફરી શરૂ કરી ... પરંતુ હોસ્ટેલમાં રહેવા આવતાં બે વર્ષ જૂના મિત્ર ‘જનક’ની યાદ આવતાં, તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ભાઈ, રજાઓ દરમિયાન વતનમાં આપઘાત કરીને સ્વધામ પહોંચી ગયા છે. ભણવામાં આગલી હરોળનો તેજસ્વી યુવાન અને સ્વચ્છ ઈસ્ત્રીદાર પહેરણ લેંઘામાં શોભતો સારી ઊંચાઈનો, કંઈક ગંભીર મુખમુદ્રા ધરાવતો આ મિત્ર કૉલેજના વરંડામાં મને જુએ ને ખબરઅંતર પૂછી, થોડી વાતો કરી સરકી જાય. તેની રૂમ પર જવાનો કોઈ પ્રસંગ થયો નહોતો, પરંતુ ક્લાસરૂમ કે પ્રેક્ટિકલમાં અમે સાથે થઈ જતા. આ મિત્રની અણધારી વિદાયની યાદ વસમી બની ગઈ, કારણ કે વિદ્યાના ધામમાં આવી પડેલો એક આશાવાદી જીવડો અકાળે ખરી પડ્યો હતો. ‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે’.

હવે પાછા બંદા કરમસદના ઘરે જ હતા. ત્યાંના ત્યાં જ રહ્યા. ૧૯૫૩-૫૪નું વર્ષ પસાર કરવા માટે ‘ન માગ્યું દોડતું આવે’ એવું ભાગ્ય પડદા પાછળ છૂપું રહી શકાયું નહીં. કરમસદના જૂના મિત્ર રમેશભાઈને એન્જિનિયરિંગના બીજા વર્ષમાં નિષ્ફળ થયાના સમાચાર પત્ર લખીને જણાવેલાં. અમદાવાદમાં ૧૯૫૨માં બી.એ. કર્યા બાદ રમેશભાઈ સાબરકાંઠા જિલ્લાના જાદર ગામે નવી શરૂ થયેલી માધ્યમિક શાળામાં હેડમાસ્તર તરીકે જાડાયા હતા. તેમણે મને આ શાળામાં સ્વેચ્છાથી, કપાતા પગારે રૂ. ૧૧૦ માસિકને બદલે રૂ. ૬૦ શિક્ષક તરીકે જોડાવા વિનંતી કરી અને જણાવ્યું કે કરમસદની શાળામાં ફરી જોડાશો નહીં.

ઘરમાં ‘બાપુ’ અને ‘ની’ને રમેશભાઈની વાત કરી અને મને વિનાસંકોચે ઘરથી દૂરના ગામે ‘જાદર’ જવાની રજા આપી. જાદર મૂળે આયુર્વેદના નિષ્ણાતોનું નગર હતું. અને નાટકિયા નાયકોની પણ ઠીક વસ્તી હતી. સન ૧૯૫૨ના છ-સાત માસ હું રમેશભાઈની સાથે જ રહ્યો. તેમનાં પત્ની વસુમતી અને બે દીકરાઓ સાથે હતા. અમથાભાઈ વૈદ્યના મકાનમાં અમે ભાડે તેમની સાથે રહેતા. મને મળતાં રૂ. ૬૦ના પગારમાંથી તેમને રૂ. ૩૦ ખાણીપીણી અને ભાડા પેટે માસિક આપતો. બાકીના રૂપિયા કરમસદના ઘરે ‘બાપુ’ને મોકલતો. અમથાકાકાના દીકરા ભાનુશંકર વૈદ્ય શાળાના માનદ્‌ સેક્રેટરી હતા. પ્રાંતિજના વતની પ્રબોધ પરીખ જિલ્લાના ગાંધીવાદી કાર્યકર હતા અને અમારી શાળાની પ્રવૃત્તિમાં રસપૂર્વક ભાગ લેતા. શાળામાં હેડમાસ્તર સાથે અમે પાંચ શિક્ષકો હતા.

પ્રબોધ પરીખના માર્ગદર્શન હેઠળ જાદરની શાળાના ૪૦ વિદ્યાર્થીઓનો ૧૫૦ માઈલનો બે અઠવાડિયાનો પગપ્રવાસ જાણીતા સ્થળોમાં કરી છેલ્લો મુકામ મોડાસામાં કર્યો હતો. જ્યાં પાંચ દિવસ સાહિત્ય સંમેલનની મજા માણી હતી. હું અને રમેશભાઈ પ્રબોધભાઈ સાથે જોડાયા હતા. આ પગપાળા પ્રવાસ-યાત્રાનું વર્ણન મેં મોડાસાની શાળાના હેડમાસ્તરને આપ્યું હતું. જાણીતા લેખક રમણલાલ સોનીની હાજરી પોરસાવનારી હતી. પગપાળા યાત્રામાં ખેડબ્રહ્મા અને શામળાજી મંદિર સુધીનો વ્યાપ હતો. સંમેલન પણ શાળાના પ્રાંગણમાં જ યોજાયું હતું. શાળાના હેડમાસ્તર મથુરાદાસ ગાંધી પણ ‘મહાત્માજી’ના જ કુટુંબના હતા.

શાળાની પહેલી ટર્મ પૂરી થયા બાદ એકાદ માસની રજાઓ હતી. મારા મિત્ર રમેશભાઈ ખાદીધારી આદર્શવાદી હોવા ઉપરાંત હિંદીના સારા વક્તા પણ હતા. શાળા માટે જરૂરી ખરીદી કરવા તે અમદાવાદ ગયા હતા. રજાઓ બાદ બીજી ટર્મમાં મારા માટે નોકરી ચાલુ રાખવાનું અનુકૂળ નહોતું. એન્જિનિયરિંગના બીજા વર્ષની પરીક્ષાની તૈયારી કરવાની હતી. શાળાની બાહ્ય પ્રવૃત્તિઓ આ રજાઓમાં ધમધોકાર ચાલતી હતી. એટલે મારે માટે રજાઓ પૂરી થતાં સુધી રહેવું જરૂરી હતું. પરંતુ આ રજાઓનો એક માસનો અપાતો પગાર રૂ. ૬૦ ન આપવો પડે તે કારણે ખજાનચીએ મને પહેલી ટર્મના છેલ્લા દિવસે છૂટા કરવાનો પત્ર લખ્યો. અને તે પણ સેક્રેટરી ભાનુભાઈ વૈદ્યની જાણ બહાર. એટલે મારે માટે રજાઓ દરમિયાન શાળામાં ટકી રહેવાનો કોઈ અર્થ રહ્યો નહીં. જાદરથી કરમસદ પાછા જવા ટાણે ભાનુભાઈની મુલાકાતે મારી છેલ્લી વિદાયના ખબર આપવા ગયો. મારી વાત જાણી તેઓ ઢીલાઢસ થઈ ગયા અને કંઈ જ બોલી શક્યા નહીં. કરમસદ ઘરે પહોંચી ગયો. રમેશભાઈને પત્રથી સમાચાર આપ્યા. તેઓ પણ હેડમાસ્તર તરીકે રાજીનામું આપી છૂટા થઈ ગયા. અને અમદાવાદ પાછા પહોંચી ગયા. જાદરની જાદુઈભરી કથની હવે કોને સંભળાવવી?

આમ, સન ૧૯૫૩નું વર્ષ પૂરું થયું. સન ૧૯૫૪માં બાકી રહેતા થોડા વિષયોની પરીક્ષા આપી અને એપ્રિલ ૧૯૫૪માં હું પાસ થયો. એટલે હવે મારે બી.ઇ. સિવિલનું છેલ્લું વર્ષ ઘરેથી જ પૂરું કરવાનું હતું. કરમસદથી વિદ્યાનગરના આંટાફેરા ફરી ચાલુ થયા. જૂના મિત્રોને સ્થાને નવા મિત્રોની લહાણી થઈ, તેમાં ગામના વિઠ્ઠલભાઈ રણછોડભાઈ પટેલનો નવો જ પરિચય થયો. આ છેલ્લા વર્ષના અભ્યાસમાં એન્જિનિયરિંગ ઇકોનોમિક્સનો એક વિષય હતો. આ વિષય લેવા સામે જ આવેલી વિદ્યાનગરની કૉમર્સ કૉલેજના પ્રિન્સિપલ અમારા વર્ગમાં આવતા. કરકસર અને અર્થશાસ્ત્ર તો જનમથી મારા લોહીમાં વણાયેલા હતા. આ વિષયમાં છેલ્લી પરીક્ષામાં ૭૦% ઉપરાંત માર્કસ મળ્યા હતા. ભયો ભયો ...

પ્રસંગોપાત વિદ્યાનગરના ‘વિશ્વકર્મા’ એવા ભાઈકાકા મુલાકાતી મહેમાનોને લઈને કૉલેજ પર આવતા. પ્રયોગશાળામાં કામ કરતાં અમને ખલેલ ન પહોંચે તે માટે એકાદ ખૂણેથી મહેમાનોને જરૂરી માહિતી આપતા. વર્ષના અંત દરમિયાન મારો અભ્યાસક્રમ તો યથાવત્‌ ચાલતો હતો, પરંતુ અણધારી મુશ્કેલીઓ ક્યારે આવી પડે તેની ખબર પડતી નથી. ઓક્ટોબર-નવેમ્બર, ૧૯૫૪ના દિવસો હતા. અમારા પાંચ ભાઈઓમાં મારાથી ત્રણ વર્ષ મોટા એ ‘ગોરધનભાઈ’ વચેટ ભાઈ હતા. આઠેક વર્ષથી તેઓ મુંબઈના મલાડ પરામાં રહી શહેરમાં નોકરી કરવા જતા હતા. આ ભાઈની તબિયત બગડવાના કારણે ભાઈ સાથે શારદાભાભીને કરમસદ તેડાવ્યાં. નજીકના આણંદના મોટા દવાખાનામાં ચિકિત્સા કરતાં જાણવા મળ્યું કે તેમને ‘બ્રેઇન ટ્યુમર’ છે. ને હોસ્પિટલમાં દાખલ કર્યા અને જરૂરી સારવાર માટે મારી દોડાદોડી ચાલી. પરંતુ કમભાગ્યે માત્ર ૨૮ વર્ષની ઉંમરે તેમનું દેહાંત થયું. બીજી બાજુ તેમનાં પત્ની પણ સુવાવડમાં જન્મેલી બાળકી સાથે તેમના પિયર વસો ગામમાં ઓચિંતા સદ્‌ગતિ પામ્યાં. એકાદ માસ બાદ નવેમ્બર ૧૯૫૪માં આ પળોજણમાં વર્ષ પૂરું થયું અને મારો ઇજનેરી અભ્યાસ ૧૯૫૫ના નવા વર્ષમાં યથાવત્‌ ‘બિરલા’ કૉલેજમાં ચાલુ રાખ્યો.

કરમસદમાં અમારી જોડેના ફળિયામાં પૂર્વ આફ્રિકામાં રેલવેમાંથી નિવૃત્ત થયેલા વડીલ ૨૦-૨૫ વર્ષથી રહેતા હતા. ઈશ્વરભાઈ લલ્લુભાઈ પટેલ તેમનું નામ. તેમના ભત્રીજા ડાહ્યાભાઈ ચતુરભાઈ પટેલનો નાઈરોબીમાં ઓટોમોબાઈલનો બિઝનેસ ચાલતો હતો. તેઓ ડી.સી. પટેલના ટૂંકા નામથી ઓળખાતા. શરૂઆતના વર્ષોમાં તેમણે કેન્યા અને યુગાન્ડામાં રેલવેમાં સોજિત્રાના મિત્ર જશભાઈ, દેસાઈભાઈ પટેલ સાથે કામ કરેલું. જશભાઈ તો નાઈરોબીથી(કેન્યામાં)થી યુગાન્ડા કેટલાક સ્ટેશનો પર કામ કર્યા બાદ છેલ્લે કંપાલામાં ૪૨ વર્ષની નાની ઉંમરે ઈ.સ. ૧૯૫૦માં સદ્‌ગત થયા. એટલે તેમનાં વિધવા પત્ની લલિતાબહેન પોતાનાં નાનાંમોટાં બાળકો (ત્રણ દીકરી અને ત્રણ દીકરા) સાથે થોડો વખત કંપાલા રહી હળવાશભર્યું જીવન વિતાવવા પચાસ માઈલ દૂરના જાણીતા યુગાન્ડાના બીજા નગર જિન્જામાં રહેવાં ગયાં. જિન્જા મેઇન સ્ટ્રીટ પર આવેલા ભગવાનજી સુંદરજીના મકાનમાં ત્રણ ઓરડાનો ફ્લેટ ભાડે રાખ્યો. ત્યારે બ્રિટિશ સરકારનો કાયદો થયો કે પૂર્વ આફ્રિકામાં જન્મેલી કુંવારી કન્યાઓના બહાર જન્મેલા પતિઓને લગ્ન માટે આપેલી સમયાવધિ બાદ પ્રવેશ નહીં મળી શકે. એટલે કુંવારી કન્યાઓનો મોટો કાફલો હવાઈ કે દરિયાઈ માર્ગે ભારત કે બ્રિટન લગ્ન માટે ઊમટી પડ્યો. જે ઐતિહાસિક કથા આપણા સૌની જાણીતી છે અને સૌના પોતપોતાના અનુભવોથી મંડિત છે. અસ્તુ ...

ડી.સી. પટેલ ઉપરાંત બીજા પણ ફળિયાના કુટુંબીજન એ.ટી. પટેલ (અંબાલાલ ત્રિકમદાસ પટેલ) નાઈરોબીમાં કોન્ટિનેન્ટલ ઓટોમોબાઈલનો બિઝનેસ ચલાવતા. તેમનો પણ જશભાઈ દેસાઈભાઈ પટેલ સાથે તેટલો જ ઘરોબો હતો. એટલે તેમના કુટુંબની મોટી દીકરી ‘ઈન્દુ’ના ગુજરાતમાં લગ્ન ગોઠવી આપવા એ.ટી. પટેલે જવાબદારી લેતાં જિન્જામાં જઈ લલિતાબહેનને પોતાની મોટી દીકરીને ગુજરાત મોકલવા જણાવ્યું. ડી.સી. પટેલની દીકરી ઉષા અને એ.ટી. પટેલની મોટી બે દીકરીઓ પણ લગ્ન માટે આવી હતી. આમ ડી.સી. પટેલના કાકા ઈશ્વરભાઈ લલ્લુભાઈ દ્વારા મારા લગ્ન ‘ઇન્દુ’ સાથે ગોઠવવાની વાત મારા માતાપિતાને રૂબરૂમાં કરવામાં આવી.

મારા માટે તો આ એક ઘડીભર મૂંઝવણનો પ્રશ્ન હતો, કારણ કે એક બાજુ તાજેતરમાં ગોરધનભાઈ અને ભાભીનાં મરણ નીપજ્યાં હતાં.  બીજી બાજુ, એપ્રિલ ૧૯૫૫માં ઇજનેરી અભ્યાસની છેલ્લી પરીક્ષા આપવાની હતી એટલે ઈશ્વર કાકાને મારી માતાની હાજરીમાં હું લગ્ન માટે સહમતી આપતાં સ્વાભાવિક જ ખચકાયો ને કાકાએ મને ટોણો માર્યો : પણ આ તમારા ‘ની’નું તો જોશોને? હા, ખરી વાત (‘ની’ને પણ તેમની વૃદ્ધ અવસ્થામાં ઘરકામમાં મદદ કરવા ‘વહુ’ની જરૂર હતી.) અને મેં લગ્ન માટે તરત જ સંમતિ આપી.

માબાપ વગરની કન્યા સાથે વગર પરઠણે જ પરણવાનો આગ્રહ હું પિતાશ્રીને કરતો રહ્યો હતો. એટલે આ અકસ્માત જ આવી પડેલા પ્રસંગે મારા વિવાહ માટે ‘કન્યા’ના અમદાવાદ રહેતા વિઠ્ઠલકાકાએ જવાબદારી લીધી. અને બાદમાં તા. ૪ ફેબ્રુઆરી, ૧૯૫૫ના રોજ સોજિત્રામાં અમારી લગ્નવિધિ ટાણે વિઠ્ઠલકાકા અને કાકીજીએ ‘કન્યાદાન’ વિધિ પતાવી. અમારા લગનની શુભ આશીર્વાદ સાથે મહોર મારી. મારા પક્ષે જાનૈયા તરીકે થોડાક જ મિત્રો સાથે હતા, પરંતુ કન્યા પક્ષે સંખ્યા ભરપૂર હતી. મારે તો ‘ચટ મંગની, પટ બ્યાહ’ જેવો જ ઘાટ થયો હતો, પણ સાથેસાથે જીવનનો એક મહામૂલો પ્રસંગ પણ ઉજવાયો.

એક-બે આણાં નવી વહુ સાસરે ‘કરમસદ’ આવી, પરંતુ મારી છેલ્લી પરીક્ષાનો સમય હોવાથી ‘કાકા’ સાથે અમદાવાદ જ રહી. એપ્રિલ ૧૯૫૫માં લેવાયેલી પરીક્ષામાં પાસ થઈ બી.ઇ. સિવિલની ડિગ્રી પ્રાપ્ત કરી. થોડા જ સમયમાં અમદાવાદના યુવક મંડળે યોજેલી ભારતયાત્રામાં અમે નવયુગલ જોડાયાં. ઉત્તરમાં ઠેઠ કાશ્મીર સુધીનો પ્રવાસ હતો. પાછા વળતાં અમૃતસર(જલિયાંવાલા બાગ)ની યાત્રા કરી. દિલ્હીમાં પંડિત જવાહરલાલ નેહરુ અને ડો. રાજેન્દ્ર પ્રસાદ સાથે ગોઠવેલી મુલાકાતોમાં તેમની અણમોલ ગોષ્ઠિ નજીકથી માણી. આગ્રામાં ‘તાજમહેલ’ના અદ્‌ભુત દર્શન થયાં.

સજોડે ઘરે આવ્યાં તો જાણવા મળ્યું કે ગોધરા અને વડોદરાથી સિવિલ એન્જિનિયર તરીકે માસિક રૂ. ૩૫૦ના પગારે જોડાવા પત્રથી નિમંત્રણ મળ્યું છે. સામેથી આવેલી આ બે બે તકો બદલ આનંદ થયો, કારણ કે તે ટાણે અમારી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈ સ્કૂલના મોટી ઉંમરના હેડમાસ્તરને પણ તેટલો જ પગાર હતો. જો કે ભારતમાં આ અગત્યના વ્યવસાયમાં જોડાવાનું નસીબ નહોતું, કારણ કે મારે તો ‘નવોઢા’ સાથે સાસરીમાં (જિન્જા-યુગાન્ડા) જવાનું હતું અને બધાં ક્ષેત્રોમાં ત્યાંની જ દુનિયાનાં અનુભવો મેળવવાના હતા.

પાસપોર્ટ માટે જન્મનું પ્રમાણપત્ર મેળવવા ગામના ચોરામાં તપાસ કરતા જાણ્યું કે નરસિંહભાઈ શિવાભાઈ પટેલના દીકરા તરીકે મારું નામ ‘મુકુંદ’ નોંધાયું છે. એટલે મેં તે નામે જ ગુજરાતીમાં સહીસિક્કાવાળું પ્રમાણપત્ર મેળવ્યું અને સરકારી દફતરે ‘મુકુંદ’માંથી ‘ઘનશ્યામ’ નામે ફેરફાર કર્યો છે એવું સરકારી નોંધમાં છપાવીને આણંદના વકીલ પાસે અંગ્રેજીમાં મારું જન્મનું પ્રમાણપત્ર કરાવડાવ્યું. આ પ્રમાણપત્રના આધારે મારો ભારતીય નાગરિક તરીકેનો પાસપોર્ટ તૈયાર થયો. યુગાન્ડા પ્રવેશની પરમિટ મળતાં અમે પતિ-પત્ની મુંબઈ થઈ ત્યાંથી દરિયાઈ માર્ગે ‘State of Bombay’ સ્ટીમર દ્વારા પ્રથમ મુસાફરીનાં સ્મરણો સાથે સપ્ટેમ્બર ૧૯પપમાં ‘મોમ્બાસા’ બંદર પર ઊતર્યાં. ભારતવાસી તરીકેનો પ્રથમ તબક્કો (ઈ. સ. ૧૯૨૯-૧૯૫૫) અહીં પૂરો થયો. અને હવે પૂર્વ આફ્રિકાના પ્રદેશમાં આઝાદ ભારતમાં પ્રાપ્ત ભણતર-ગણતરના વ્યવહારુ પ્રયોગો કરીને નવું જ જીવન ઘડવું રહ્યું.

જીવનકથા યુગાન્ડા (ઈ. સ. ૧૯૫૫-૧૯૭૫)

મોમ્બાસા બંદરે અમારા યજમાન ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલ, અગાઉ કરેલી વ્યવસ્થા મુજબ લેવા આવ્યા હતા. તેમના પિતા ડાહ્યાકાકાને તો મારા ઘરઆંગણે કરમસદમાં ઉકા-પાણી કરાવતો. ત્રણ ચાર દિવસ સગાંવહાલાં અને જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી. વડીલ શ્રી અંબુભાઈએ પોતાની ગાડીમાં અમને તબક્કે તબક્કે ઠેઠ જિન્જા સુધી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. પ્રથમ મુસાફરીમાં નાઇરોબી પહોંચી, ત્યાં ડી.સી. પટેલના ઘરે ૧૮ દિવસ રહ્યા. તેમની દીકરી ઉષા પત્નીની સહચર્ય હતી. અને તે પણ પરણીને જ પાછી નાઈરોબી આવી હતી. અહીં હળવા-મળવાનું-જાવાનું માણ્યા બાદ બીજી સફારીમાં અંબુભાઈ સાથે નકુરુ અને એલ્ડોરેટ - સોજિત્રાના વડીલ ગોવિંદકાકા સાથે આ નવા દેશની વાતોની મજા માણીને ચોથે દિવસે કેન્યા-યુગાન્ડાની ટરોરો નજીકની હદ ઓળંગી યુગાન્ડામાં પ્રવેશ કર્યો.

સાસરીમાં પહોંચતાં સાસુમા લલિતાબહેનને પગે લાગ્યો. આ નવા ઘરમાં પત્નીનાં ત્રણ ભાઈઓ અને બે બહેનોને પોતીકાં કર્યાં. પણ સૌને માટે તો હું એક નવી દુનિયામાં અચાનક આવી પડેલો સાવ અજાણ્યો ‘સ્વજન’ હતો, કારણ કે આમાંના કોઈની અમારા લગ્નમાં હાજરી નહોતી તે સ્વાભાવિક જ હતું. પત્ની ‘ઇન્દુમતી’ના કુટુંબના ફુઆ સોમાભાઈ ભાદરણના હતા અને ફોઈ તો મૂળ કરમસદના હતાં. ફુઆ તેમના ત્રણ દીકરા સાથે લોખંડનો બાંધકામનો સામાન વેચવાનો ધંધો કરતા હતા.

સાસુજીના મકાનની સામી બાજુએ જ કાટખૂણે બાંધેલા બે માળના મકાનના ખૂણા પર આવેલી ઑફિસમાં મેં માસિક શિલિંગ ૭૦૦ના પગારે ડી.સી. વડગામા(આર્કિટેક્ટ)ના હાથ નીચે ડ્રાફ્ટમેન-સર્વેયર તરીકે નોકરી શરૂ કરી. અહીં બેત્રણ માસમાં જિન્જાથી ૨૫ માઈલ દૂર શેરડીના ખેતરોની જમીન સર્વે કરવાનો અને વિવિધ અનુભવો અને ઓળખાણો કરવાનો મોકો મળ્યો.

આ મ્વાન્ગા એસ્ટેટના માલિક V. V. & Sonsના નામે બિઝનેસ ચલાવતા. રમણીકભાઈ માધવાણી તેમનું નામ. આ કામ માટે રમણીકભાઈ રોજ સવારે ૯:૧૦ વાગ્યે તેમના ઘરે જમાડીને ડ્રાઇવર સાથે ગાડીમાં મ્વાન્ગા એસ્ટેટમાં લઈ જતા.

પહેલા દિવસે ત્યાં પહોંચતા જ ગોળની ફેક્ટરીમાં મિકેનિકના ડ્રેસમાં કામ કરતા રમણીકભાઈના ભાગીદાર દયાળજી મદનજી વડેરાને જોયા. અમારા બંનેની એકબીજાની આ પ્રથમ મુલાકાત. મને ત્યાં જોતાં એક મીઠો ટોણો માર્યો : ‘અલ્યા છોકરા, અહીં જંગલમાં કેમ આવ્યો? મેં જવાબ આપ્યો : ‘જંગલ શાનું? નાની ઉંમરે ગામની ચારેબાજુએ આવેલા ખેતરોમાં જ કામ કર્યું છે.’ દયાળજીભાઈ તો જિન્જામાં વર્ષોથી માલેતુજાર વેપારી હતા. કપાસ ઉદ્યોગની જીનરી અને મકાનોના માલિક હતા. ત્રણેક  અઠવાડિયામાં સર્વેનું કામ પતાવી ઓફિસમાં પ્લાન બનાવ્યો. એકાદ બે માસ બાદ જોડેની નાનાભાઈ એલ.સી. વડગામાની ઓફિસ(Chartered, architect A.R.I.B.A.)માં કામ કરવા માટે મારી બદલી કરવામાં આવી. અહીં ત્રણેક માસ ડ્રોઇંગ અને ડિઝાઇનનાં કામના ઘણા અનુભવ મળ્યા. પરંતુ લખુભાઈએ કબૂલ કર્યા પ્રમાણે ચોથે મહિને પગારમાં વધારો ન મળતાં (શિલિંગ સાતસો ઉપરાંત) હું છૂટો થયો. અને થોડાક જ દિવસોમાં પ્લાન બનાવતી બીજી Hitesh & Co.માં ૪૦% ભાગીદારીમાં જોડાયો. આ ઑફિસ જિન્જાના લુબાસ રોડ પર આવેલી હતી. અહીં પણ મને કડવા અનુભવ થયા.

હિતેષના પિતા શાંતિલાલ પી.ડબ્લ્યુ.ડી.માં લાંબો સમય કામ કરી નિવૃત્ત થયેલા. ડ્રાફ્ટમેન અને સુપરવાઇઝર તરીકે તેમને જિન્જામાં આ વિભાગમાં ઘણા અનુભવ હતા. હિતેષ ભારતથી ઇન્ટર સાયન્સમાં નાપાસ થતાં જિન્જા આવ્યો હતો અને તેના પિતાની દેખરેખ હેઠળ ડ્રાફ્ટમેનનો અનુભવ લીધો હતો. ભાગીદારીમાં મને માસિક શિલિંગ ૮૦૦/- મળતાં, પરંતુ ત્રણેક માસે હિસાબ માંગ્યો ત્યારે હિતેષ મને કહે કે હિસાબ શાનો? ૪૦% ભાગીદારીની વાત (જે મોઢામોઢ જ હતી) ભૂલી જાઓ. એટલે બાકીનો હિસાબ મેળવવાની ચિંતા કર્યા વગર માસને અંતે હિતેષને મેં પરખાવ્યું કે આવતી કાલથી જ હું ઑફિસ આવવાનો નથી.

બીજે દિવસે કંપાલા જઈને ડ્રોઇંગબોર્ડ, ટી સ્કવેર, સેટ સ્કવેર વગેરે લાવીને બે રૂમના મારા ભાડાના ઘરના જ ફ્લેટમાં ખૂણા ઉપરના રૂમમાં ઓફિસ શરૂ કરી. બારણાં પર G.N. Patel (B.E. Civil) Architect & Civil Engineer એવી તક્તી મારી.

મારી આ ઑફિસના દરવાજે સ્પાયર રોડ પરથી સીધા ૨૦ ફૂટ દૂર ચાલીને આવી શકાતું. જિન્જાના આઠેક માસના રહેવાસ દરમિયાન સારી ઓળખાણો થઈ ગઈ હતી અને જોઈતાં કામ મળવાં લાગ્યાં હતાં. પહેલું મોટું કામ ઘરની પાછળ નજીકના ઑબોજા રોડ પર બંધાનારા શ્રી સ્વામીનારાયણ મંદિરનો પ્લાન અને તેનું બાંધકામ. ઈ.સ. ૧૯૫૮માં એ પૂરું થયું. જેનું ઉદ્‌ઘાટન ત્યારના મુખ્ય સ્વામી ‘યોગી બાપા’એ કરેલું. અને પ્રમુખ સ્વામી તો નાની ઉંમરે યોગીબાપાના ચેલા તરીકે હાજર જ હતા. મંદિર બાંધકામનો ખર્ચ ત્યારે શિલિંગ ૨,૫૦,૦૦૦ થયેલો.

ઈ. સ. ૧૯૫૭-૫૮ દરમિયાન યુગાન્ડાની સ્વતંત્રતા માટેની રાજકીય ચળવળ એશિયન ટ્રેડ બોયકોટથી શરૂ થઈ. જિન્જાના એક ભાગમાં નવા વિકસતા મ્વાન્ગા વિસ્તારમાં પ્લોટો પર મકાન બાંધવાના કામ મંદ પડી ગયા. એટલે મારા આ સ્વતંત્ર ધંધામાં માસિક શિલિંગ બે હજાર ઉપરાંતની પ્રેક્ટિસ હોવા છતાં ઉઘરાણીમાં ધક્કા ખાવા પડતા ને ઘરખર્ચ જોગ રકમ માંડ મળતી. એટલે ઈ. સ. ૧૯૬૧માં સ્વંતત્ર ધંધો-પ્રેક્ટિસ બંધ કરી નવી નવી શરૂ થયેલી માઘવાણી ગ્રૂપની સ્ટીલ ફેક્ટરી(સ્ટીલ કૉર્પોરેશન)માં જાડાયો. ઈ. સ. ૧૯૬૧-૬૫ સુધીનાં ચાર વર્ષ કોન્ટ્રાક્ટ પર રહ્યો. માસિક પગાર શરૂના શિલિંગ ૧,૪૦૦; સાથે દર વર્ષે શિલિંગ ૭૫નો વધારો મળે અને ચોથા વર્ષે પગાર શિલિંગ ૧,૬૨૫ થાય.

સ્ટીલ ફેક્ટરીનું કામ પૂરું થયે મારી ફરજો કકીરા સુગર ફેક્ટરીના પ્લાન્ટેશન ડિપાર્ટમેન્ટમાં શરૂ થઈ. કકીરામાં મારા હાથ નીચે બે ગુજરાતી - સિવિલ એન્જિનિયરો અને એક સર્વેયર (કસાન્વુ) કામ કરતા. દરમિયાનમાં જિન્જામાં નાઇલ નદીના કિનારે માધવાણી ગ્રૂપે જમીન ખરીદીને મૂલકો ટેક્સટાઇલ નામે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. શરૂમાં કકીરાથી જનરલ મેનેજર મૂલકોનું કામ સંભાળવા આવતા. થોડા સમય પછી ડાક્ટર પારેખે જનરલ મેનેજર તરીકે જવાબદારી લીધી. હું કકીરાનું કામ ચાલુ રાખીને આ પ્રોજેક્ટમાં જોડાયો. ફેક્ટરીના મકાનની ૧,૨૦૦ ફૂટ X ૧,૨૦૦ ફૂટની જગ્યા પર જરૂરી પાયાનું અને છાપરાનું કામ પૂરું થઈ ચૂક્યું હતું.

ઇંગ્લૅન્ડ અને જર્મની સાથેના કોન્ટ્રાક્ટનો આ પ્રોજેક્ટ હતો. એશિયન સુથાર, લુહાર, કડિયા, તથા મિકેનિક્સ સાથે મોટી સંખ્યામાં આફ્રિકન મજૂર વર્ગને આ ફેક્ટરીમાં જોતરીને અઢી વર્ષના બાંધકામનો આ પ્રોજેક્ટ મારી દેખરેખ હેઠળ દોઢ વર્ષમાં પૂરો કર્યો હતો. આ બાંધકામના તથા સ્ટાફ મેમ્બરોના કેટલાક ફોટા હજુ સચવાયેલા છે. સ્પિનિંગ અને વીવીંગ મશીનરી જૂની અને નવી ઇંગ્લંડ અને જર્મનીથી આયાત થતાં હતાં. મશીનના કન્સલ્ટન્ટ પ્રતિનિધિ તરીકે શાર્પલની ઑફિસ બાજુમાં રાખવામાં આવી હતી. કંપનીના માલિક મોટા શેઠ જયંતભાઈ અને નાનાભાઈ સુરૂભાઈની ઑફિસની સગવડ ડૉ. પારેખ સાથે રાખી હતી. આ બાંધકામનો પ્રોજેક્ટ પૂરો થતાં ફરી મારી ફરજ કકીરા ઑફિસે શરૂ થઈ. આ વખતે ૬,૦૦૦ એકર શેરડીની જમીનના સ્પ્રિંકલર ઈરીગેશન માટે રી-સર્વે કરી. ૧,૨૦૦ ફૂટ X ૧,૨૦૦ ફૂટના ચોરસ ખેતરો બનાવ્યા. કકીરા એસ્ટેટના વિક્ટોરિયા સરોવર કિનારે પહેલેથી જ મોટું પંપિંગ સ્ટેશન બાંધેલું હતું. પાણી સિંચન માટે જોઈતી નાના મોટા વ્યાસની (૧૨ ઇંચથી ૨ ઇંચ) પાઈપો વડે શરૂ થયેલી આ યોજના એ વખતે જગતમાં મોટામાં મોટી યોજના ગણાતી હતી. કંપનીની પુસ્તિકાઓ પર ફુવારા દ્વારા ખેતરોમાં પાણી સીંચતા ફોટા પ્રથમ પાન પર છાપવામાં આવતા.

આફ્રિકન મજૂરોને રહેવા માટે મારા પ્લાન મુજબ સારી સગવડવાળાં પાકાં મકાનોના બે લેબર કેમ્પસ પણ બાંધ્યાં છે. માધવાણી ગ્રૂપ સાથે મારાં છેલ્લાં ત્રણ વર્ષ (ઈ.સ. ૧૯૭૨-૭૫) સુધીના કોન્ટ્રાક્ટ મુજબ ૩૧ ડિસેમ્બર ૧૯૭૫ના રોજ નિવૃત્ત થઈ ઈમિગ્રેશન ટ્રીટમેન્ટ મેળવીને હું લંડન આવ્યો. આવા ત્રણ વર્ષના કરાર મનુભાઈ માધવાણીએ લગભગ ૪૦ સ્ટાફ મેમ્બરોને આપ્યા હતા. પરંતુ સરમુખત્યાર ઇદી અમીનની ધાકને લઈ લગભગ ૩૫ નોકરિયાતો કરાર પૂરો કર્યા વગર નાસી છૂટ્યા હતા. અમે ફક્ત પાંચ જ વ્યક્તિઓ ત્રણ વર્ષનો આ કરાર પૂરો કર્યા પછી નિવૃત્ત થયા હતા. માધવાણી ગ્રૂપના ડાયરેક્ટર મનુભાઈએ પોતાના પુસ્તક ‘ટાઇડ આૅફ ફૉર્ચુન’માં આ બધી વિગતો આપી છે. તેમણે ઇદી અમીનના સમયમાં પડેલા વિતકો સાથે, ફરી ‘મુસેવેની’ના સમયે ઈ.સ. ૧૯૮૫ બાદ ફેક્ટરી સંચાલનની પુનઃરચના નાનાભાઈઓ સાથે કરી. ખાંડનું ઉત્પાદન જે બંધ પડી ગયું હતું તે ચાલું કર્યું. ઈ.સ. ૨૦૧૧માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. હાલ (૨૦૧૯માં) તેમના નાનાભાઈ મયૂરભાઈ સંચાલન કરી રહ્યા છે.

તૃતીય જીવનકથા લંડન, યુનાઇટેડ કિંગ્ડમ (ઈ. સ. ૧૯૭૫-૨૦૧૯)

યુગાન્ડાથી હું યુનાઇટેડ કિંગ્ડમ આવ્યો ત્યારે મારી ઉંમર ૪૬ વર્ષની હતી. અહીં આવ્યા બાદ નોકરી શોધવા માટે વિવિધ સંસ્થા સ્થળોએ અરજીઓ કરવા માંડી. નાનું મોટું કોઈ પણ કામ કરવા માનસિક તૈયારી હતી, પરંતુ ત્રીસ અરજીઓ કર્યા છતાં કંઈ મેળ પડ્યો નહીં. અલબત્ત, આ દેશના વેલ્ફેર બેનિફીટનો ફાયદો તો હતો જ એટલે કોઈ આર્થિક વિટંબણા નહોતી. ફાજલ સમયમાં લંડન શહેરના જૂનાં મિત્રો અને સગાંસંબંધીઓ મળ્યાં. જાહેર પ્રવૃત્તિઓને કારણે પાર વગરની નવી ઓળખાણ પણ થઈ. જીવન ભર્યુભર્યું બની ગયું. આ વધતી જતી ઉંમરે બીજું શું જોઈએ?

દરમિયાન સૂર્યકાંત દવેના ઘરેથી સ્થપાયેલી ગુજરાતી સાહિત્ય એકેડેમીમાં આજીવન સભ્ય તરીકે જોડાયો અને તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેતો રહ્યો. ઈ.સ. ૧૯૮૩ની કારોબારી સમિતિમાં પણ જોડાયો હતો. પણ કરમસદ સમાજની તેમ જ જ્ઞાતિ સંસ્થા(દક્ષિણ શાખા - નેશનલ એસોસિયેશન આૅફ પાટીદાર સમાજ)ની ઇતર પ્રવૃત્તિઓમાં જોડાતા એક વર્ષથી વધુ સમય આ સમિતિમાં રહી શકાયું નહીં.

કરમસદ સમાજની ત્રીજી ડિરેક્ટરી(વતનીઓની નામાવલિ)નું માનદ્‌ તંત્રી (એડિટર) તરીકે સમાજ વતી પ્રકાશન કર્યું. તા. ૧૫ ઓગસ્ટ ૧૯૮૩ના રોજ તેનું વિમોચન થયું. યુ.કે., યુ.એસ.એ. તથા આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં થઈને નામાવલિમાં ૮૦૦ ઉપરની સંખ્યા હતી. છ ઇંચ પહોળી અને આઠ ઇંચ લાંબી, આર્ટ પેપરમાં કુલ ૧૧૮ પાનની આ પુસ્તિકાની ખાસિયત તે તેના મુખ્ય પાન પર વચ્ચોવચ્ચ સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના ફોટા. તેમને માતૃભૂમિ ભારતની આપેલી અવર્ણનીય સેવાની સ્મૃતિ તરીકે પ્રસ્તુત કર્યા હતા. પુસ્તિકામાં તેમના વડવાનું મકાન, કરમસદની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ તથા અન્ય ગામના ફોટાઓ પણ મુક્યા હતા. ૨૨ સભ્યોની કારોબારી સમિતિમાં મારાં ગૃહલક્ષ્મી ઇન્દુમતી અને હું સંકળાયેલા હતાં.

હવે બીજી ટૂંકી વાત, અમારી એન.એ.પી.એસ. જ્ઞાતિ સંસ્થાની તો કરવી જ રહી. સાથીઓના સહકારમાં ધમધોકાર કાર્યક્રમો ચાલતા રહ્યા. ઈ.સ. ૧૯૭૮થી ૧૯૮૪ સુધી હું માનદ્‌ સેક્રેટરી રહ્યો. પ્રમુખ તરીકે સાથમાં ઘનશ્યામભાઈ અમીન અને ખજાનચી તરીકે જિતેન્દ્ર પટેલ હતા. ઈ.સ. ૧૯૮૪થી ૧૯૯૦ સુધી ખજાનચી સ્વમાનભેર કારોબારીમાંથી છૂટ્યા ને હું ખજાનચી બન્યો અને સાથમાં મારા પાંચ બાળકોનો કારોબાર સંભાળતી ઇન્દુમતી માનદ્‌ સેક્રેટરી બની. ઈ.સ. ૧૯૯૦ની દક્ષિણ શાખાની ચૂંટણી ઐતિહાસિક બની રહી. સેન્ટર બોડીના ત્યારના પ્રમુખશ્રી પ્રવીણભાઈ અમીને દક્ષિણ શાખાના ‘પ્રમુખ’ બનવા એક નાટક ભજવ્યું. ત્યારે પી.ટી. પટેલ અમારી શાખાના પ્રમુખ હતા. અને જૂના પ્રેસિડેન્ટે આગલે વર્ષે નિવૃત્તિ લીધી હતી. અમે ત્રણેય(હું, પી.ટી. પટેલ, અને રસિકભાઈ)એ પ્રમુખપદ માટે ઝંપલાવ્યું. ઇન્દુબહેને તો પોતાની સેક્રેટરીનું નોમિનેશન ચૂંટણી માટે ચાલુ રાખ્યું. હવે સ્ટેજ પર ચૂંટણી પળે અમે ચારે જણાએ ત્રણસોની ભરી સભામાં અમારા નોમિનેશન પાછાં ખેંચી લીધા, અને પ્રવીણભાઈ અમીન સાથે તેમના સાથીદારોને શાખા ચલાવવાની સત્તા સોંપીને સ્વેચ્છાએ કાયમ માટે આ મિત્રોનો ત્યાગ કરવા નિવૃત્તિ લીધી. જેની થોડી વિગતો ‘ઓપીનિયન’નાં પાનાં ઉપર અગાઉ મેં પ્રસ્તુત કરેલી જ છે.

પરંતુ લંડન નગરીની એક તાજુબી તો જુઓ, મંગળવાર તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ના દિને કડવા પાટીદાર સેન્ટરના ભવ્ય હોલમાં ‘મહાત્માજી’ની ૧૫૦ વર્ષની ભવ્ય જયંતી ઉજવણી ‘મહાત્મા ગાંધી ફાઉન્ડેશન’ના સંચાલન હેઠળ થઈ તેના પ્રમુખ શ્રી જગદીશ દવેના આમંત્રણથી હું ત્યાં હાજર રહ્યો હતો. અને આજ મહાનુભાવ શ્રી પ્રવીણભાઈ અમીને મહાત્મા ગાંધીની પ્રતિમાને નૅશનલ કાઁગ્રેસ આૅફ ગુજરાત ઓર્ગેનાઇઝેશનના પ્રમુખને નાતે ફૂલગજરા ધરાવ્યા હતા. લંડનની ઘણી બધી સંસ્થાઓના પ્રમુખોએ આ વિધિ વારાફરતી ઝપાટાબંધ ઝડપી યંત્રની જેમ પતાવી હતી.

આ ટાણે મને ગીતાનો જાણીતો શ્લોક યાદ આવે છે :

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।… ઉપરાંત ૧૯પ૪માં આવેલી ‘નાસ્તિક’ ફિલ્મની પ્રખ્યાત ધૂનનું પણ સ્મરણ થયું :

देख तेरे संसार की हालत क्या हो गई भगवान ...
कितना बदल गया इन्सान ...
कितना ...

ગાંધી જયંતી વખતના ઉપરોક્ત પ્રસંગે કામકાજ શરૂ થતાં પહેલાં સ્વામી સત્યમિત્રાનંદગિરિજી મહારાજના ઉપલા ગામતરે ગયાના શોક સમાચાર આપવામાં આવ્યા હતા. પરમ પ્રભુને અરજ કરતું તેમનું રચેલું કાવ્યગાન તેમની જ વાણી દ્વારા આપણે સૌ પૂર્વ આફ્રિકામાં તેમ જ અહીં યુ.કે.માં પણ સાંભળતા રહ્યા છીએ.

अब सौंप दिया इस जीवन का
सब भार तुम्हारे हाथों में (2)
है जीत तुम्हारे हाथो में
और हार तुम्हारे हाथों में (૨)
मेरा निश्वय बस एक यही ... एक बार तुम्हें पा जाउं मैं   ... (૨)

આપણે સૌએ આવા સંસ્કારના મીઠા ઘૂંટડા પોતાના જીવનમાં કેટલા ઉતાર્યાં છે એ તપાસવું રહ્યું. કોઈ પણ લેખક કે કવિ ખાનગી કે જાહેર જનજીવનમાં એકલો રહી શકતો નથી. તેને મને-કમને પણ જનતાના હૃદયમાં સ્થાન મેળવવું જ પડે છે. તેટલી જ અગત્યની વાત મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, એન.સી.જી.ઓ., સરદાર પટેલ સોસાયટી કે અનેક જ્ઞાતિ-સંસ્થાઓનું સંચાલન કરતા સૌ ધુરંધરોની છે. આત્મમંથન કરી તેમણે શોધવું રહ્યું કે પોતે આવા મહાપુરુષોના આદર્શો જીવનમાં કેટલા ઉતાર્યા છે. અને આવી શાનદાર સંસ્થાઓ ચલાવવાની તેમની પાત્રતા કેટલી છે. દુઃખની વાત છે કે તેમના જાહેર જીવનનાં કાર્યો પર થતી ટીકા-ટિપ્પણીના લેખિત જવાબ આપવાની પણ નૈતિક હિંમત તેમનામાં હોતી નથી. ઉપરાંત ‘હોળીનું નાળિયેર’ બીજાને બનાવી પોતાની દક્ષતા(?) બતાવી પોતાના જ સાંકડા વર્તુળોમાં અંદરોઅંદર નાચીને જનતાની સેવા(?) કરે છે.

હવે આ એકવીસમી સદીમાં જનતા જનાર્દનના પડકારનો સામનો કરવાનો સમય આવી ઊભો છે તેની શું તેમને ખબર છે ખરી? કે પછી आप मर गये, डूब गई दुनियाના વિચારોમાં રાચે છે?

વિવેક જાળવવા કેટલીક હકીકતો મેં પહેલાં ટાળી હતી તે હવે રજૂ કરવાનો સમય પાકી ગયો છે.

SOAS (School of Oriental & African Studies) સ્થળે ભાષા શિક્ષણની સેવા આપતા શ્રી જગદીશભાઈ દવેની વાર્તા સમાચાર પત્રોમાં વાંચતાં હું આ પ્રવૃત્તિઓની માહિતી મેળવવા ત્યાં રૂબરૂ પહોંચી ગયો. ત્યાંની મુખ્ય ઑફિસમાં કામ કરતા એક બે જણને આ વિષય પર માહિતી આપવા વિનંતી કરી તો જાણવા મળ્યું કે આવી કોઈ પ્રવૃત્તિ અહીં ચાલતી નથી અને આ વ્યક્તિ વિશે તેમને કોઈ જાણ નથી. એટલે સમય મેળવીને હું તો જગદીશભાઈના ઘરે જ રૂબરૂ પરિચય કરી મળવા પહોંચી ગયો. ત્યાં જઈને મારો પરિચય આપીને ૩૫-૪૦ મિનિટ વાતોનાં મંડાણ થયાં. ચા-પાણીનો લાભ પણ મળ્યો. અને રજા લેવા ટાણે તેમના ઘરેથી પાછા આવતાં તેમણે મને જણાવ્યું કે “ફરી મારે ઘેર આવશો નહીં.” આ પ્રેમભર્યો જાકારો(?) મળતા હું વિસ્મય પામ્યો. લંડનમાં પાર વગરનાં ઘરોની મેં સીધી કે ફોન કરીને પણ મુલાકાતો લીધી છે, પરંતુ કોઈએ પણ મારી મુલાકાતને નકારી નથી. તેમને કારણો પૂછવાની ભાંજગડમાં હું પડ્યો નથી, પરંતુ ત્યાર બાદ, વર્ષો પછી, ‘ઓપિનિયન’ના એપ્રિલ ૨૦૦૯ના અંકમાં તેમણે રચેલા પુસ્તક ‘બ્રિટનમાં ગુજરાતીઓ : એક મૂલ્યાંકન’ પાન ૯થી ૧૭ સુધીના પાન પર જ મેં રજૂ કર્યું હતું, તેમાં પાન નં. ૧૧ પર મારા આ કડવા અનુભવોનો ઉલ્લેખ, ચોથા ફકરામાં ૧૧ લીટીમાં રજૂ કર્યો હતો. તેમાંનું એક વાક્ય વાચકોના ધ્યાન પર લાવવા અત્રે રજૂ કરું છું:

“... પોતાના ઘરે ફક્ત અનાયાસે ખબરઅંતર પૂછવા નિમિત્તે મુલાકાતે આવતી વ્યક્તિઓને અટકાવવા શા માટે ભૂતકાળની બર્લિન-દિવાલ ઊભી કરીએ છીએ?” ... અને એ પણ વર્ષોથી મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના અધ્યક્ષ રહ્યા હોવા છતાં ય?

તેમની દૃષ્ટિએ તેમની મુલાકાતે આવવાનો મેં શો ગુનો કર્યો તેની જાણ તેમના તરફથી કદી થઈ જ નથી. તેમના ઘરે અમેરિકાની મહેમાન બહેન પ્રીતિ સેનગુપ્તાએ તેમની આગતા-સ્વાગતા ચાખી એ હકીકત આ જ પુસ્તકમાં તેમણે કરી છે. હું તો લંડનનો, નજીકનો, તેમના ઘરનો મુલાકાતી સ્વેચ્છાએ બન્યો હતો. તો મારે માટે આ ભેદભાવ શા કારણે થયો? મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના સપ્ટેમ્બર ર૦૧૯ના કાર્યક્રમોમાં તેમણે તથા બીજા ઘણાએ, સ્થાપક પ્રમુખ સદ્‌ગત ડાહ્યાભાઈ કવિ અને ભાભીજીને બિરદાવ્યા હતા કે તેમના ઘરના મુલાકાતી બધાં ચા-પાણી અથવા ખાધા વગર જઈ શકતા નહીં. તો જગદીશભાઈના ઘરે જે મેં કડવો અનુભવ કર્યો તે હું વાચક જનતાને નમ્રપણે મારી નૈતિક ફરજ સમજી સાચેસાચ વિના સંકોચે પ્રસ્તુત કરું છું. કવિશ્રી ડાહ્યાભાઈએ કોઈને પણ પોતાના ઘરે આવવા મના કરી નહોતી. અસ્તુ …!

હવે બીજી પણ એક અગત્યની વાત. બળવંત જાનીએ ઈ.સ. ૨૦૦૯ની લખેલી પહેલી આવૃત્તિના પુસ્તક ‘ડાયસ્પોરા સારસ્વતઃ જગદીશ દવે’માં કેટલીક હકીકતો ‘સંપાદક’ સ્વરૂપે આપી છે. આ પુસ્તકની પ્રાપ્તિ થતાં તે ટાણે મેં આખું પુસ્તક વાંચેલું આમાં પ્રકરણ ૧૮ (પાન નં. ૧૫૧ થી ૧૬૫), તેમના પુસ્તક ‘બ્રિટનમાં ગુજરાતી’ઓમાંથી એક વિહંગાવલોકન સ્વરૂપે સંપાદિત કર્યું છે. તેમાં ઠીક ઠીક પ્રમાણમાં બ્રિટનના સાહિત્યકારોને બિરદાવ્યા છે. પરંતુ શરૂઆતના પાન ૧૩ થી ૪૭ના વર્ણનમાં જગદીશભાઈનું ‘સારસ્વત’ તરીકે એક મૂલ્યાંકન થયું છે. અને ત્રીજા ફકરાના (પાન નં. ૪૦) છેલ્લા, નીચે આપેલા વાક્યમાં તેમને આદિ ઇતિહાસકાર તરીકે બિરદાવ્યા છે. અને ચોથા-પાંચમા વાક્યમાં ‘ડાયસ્પોરા સંજ્ઞાને સમજીને એના સિદ્ધાંતને અવલોકીને ડાયસ્પોરિક વિવેચનનો આરંભ ડો. જગદીશ દવેથી થયો ગણાય ...’ લખ્યું છે.

આમ ભાનુશંકર ઓ. વ્યાસ તથા બળવંત નાયક બંનેને ડાયસ્પોરિક સમીક્ષક અને વિવેચક તરીકે બિરદાવીને પણ છેવટે એમ લખે છે કે ડાયસ્પોરિક વિવેચનાનો આરંભ ડૉ. જગદીશ દવેથી થયો ગણાય. સત્ય હકીકત તો એ છે કે ‘વ્યાસ’ અને ‘નાયક’ બંને દવેને પણ ટપી જાય એટલા જ સારસ્વત અને વિવેચકો છે. દવે તો ઈ.સ. ૧૯૮૪માં લંડન આવ્યા, ત્યાર બાદ યુ.કે.માં જાણીતા થયા. વ્યાસ અને નાયક તો બંને જિન્જા(યુગાન્ડા)માં આ ક્ષેત્રે પારંગત હતા અને તે પણ ૧૯૫૨-૫૩ના સમયથી ઘડાયા હતા. યુગાન્ડામાં પણ તેમની આ સાહિત્યિક સિદ્ધિઓનું ડાયસ્પોરિક ક્ષેત્ર તેમના યુ.કે. આવતાં પહેલાં શરૂ થઈ ચુક્યું હતું.

દવેસાહેબને પહેલો નંબર આપીને બળવંતભાઈએ બીજા બંને વ્યાસજી અને નાયકજીનો અક્ષમ્ય અપરાધ કર્યો છે. આ એકવીસમી સદીમાં જો જાનીસાહેબ જેવા બીજા બે વિદ્વાનો ભારતથી આવી ચકાસણી કરે તો કોઈ એક ‘વ્યાસજી’ને પ્રથમ પદ આપે. અથવા બીજા કોઈ ‘નાયકજી’ને પણ પ્રથમ સ્થાને બેસાડે ... तुण्डे तुण्डे मतिर्भिन्ना ...

જો વ્યાસજી અને નાયકજી આજે હયાત હોત તો ‘દવેજી’ કરતાં ક્યાં ય ઉત્તમ પ્રકારના સાહિતજ્ઞ પુરવાર થયા હોત. ભલા માણસ! સાહિત્યજગતમાં તો સારસ્વતોની એક બીજા સાથે પૂર્તિ કરવાની હોય. તેમની સરખામણી કરીને બળવંતભાઈ શું માનસિક ચકરાવાના ખપ્પરમાં ડૂબી ગયા છે? ... અસ્તુ.

જગદીશ ‘દવેજી’ને બિરદાવતું તેમનું ઉપરોક્ત પુસ્તક ઈ.સ. ૨૦૦૭માં બહાર પડ્યું. બીજી બાજુ ‘દવેજી’એ જ લખેલા આ પુસ્તક ‘બ્રિટનમાં ગુજરાતીઓ’નું એક મૂલ્યાંકન મેં પણ એપ્રિલ ૨૦૦૯ની સાલમાં જ ‘ઓપિનિયન’માં પેશ કર્યું છે. એક ‘સારસ્વત કે વિવેચકની તો વાત જ છોડી દો, તેમણે એક ઇતિહાસકાર તરીકે પણ ઓછા છબરડા વાર્યા નથી.

તેમના પુસ્તક અંગેના મારા વિવેચનનો જવાબ પણ તેમણે મૌખિક કે લેખિત આપ્યો નથી. તેમના ઘરે મારી રૂબરૂ મુલાકાત તો વર્ષો પહેલાં થયેલી. ‘સબકો સન્મતિ દે ભગવાન’ ગાન હવે તો સમસ્ત ગુર્જર સમાજે ગણગણવું રહ્યું.

બીજા એક સાહિત્યરસિક રમણીકલાલ કા. ભટ્ટની મારી સાથે ટેલિફોન દ્વારા થયેલી વાત મારે જનતાને હવે કરવી જ રહી.

એપ્રિલ ૨૦૦૯ના ‘ઓપિનિયન’માં પ્રકાશિત એ લેખ અંકના પાન નં. ૯ પર શરૂ થતો જોઈને તેઓ મારી સામે ફોન પર તડૂક્યા : તમે બસ ‘વિવેચન જ કર્યા કરો છો, બીજું કશું ય લખતા નથી? મેં જવાબ આપ્યો : તેથી શું (So What?) જવાબમાં થોડી વાર તે ચૂપ રહ્યા, એટલે મેં જણાવ્યું કે તમારા સવાલના જવાબ પણ મારી પાસે છે. જે તમને ફોન પર સમજાવી શકાશે નહીં. કાં તો મારા ઘરે ચર્ચા કરવા આવો અથવા તો મને તમારા ઘરે બોલાવો. કોઈ પણ જવાબ મને ન આપતાં તેમણે ફોન મૂકી દીધો. વાત થઈ પૂરી અને ખેલ ખતમ. એકાદમીની ત્યાર બાદ મળતી કોઈ પણ સભામાં તેઓ દેખાયા નથી. ભગવાન ભલું કરે તેમનું, એ જ પ્રાર્થના હવે તો મારે કરવી રહી!

જીવનના આવા તાતામાતા - કડવા અનુભવો જ જીવનનું ઘડતર કરે છે. ગરીબો જેમ પૈસાની તંગી સહન કરી શકતા નથી તેમ ધનિકો પણ લક્ષ્મીની અતિરિકતામાં ક્યારેક જોય તો આનંદ પામી શકતા નથી. એટલે ગરીબાઈમાં માણસ જેટલો ઘડાય છે તેટલો તે જતે દહાડે સર્વ ક્ષેત્રે સાચી પ્રગતિ કરી શકે છે.

પ્રસંગોપાત એકાદ ડઝન કાવ્યોનું સર્જન થઈ શક્યું છે. અંગ્રેજી-ગુજરાતી કાવ્યોના થોડા અનુવાદ કર્યા છે. મિત્રની એકાદ ગુજરાતી વાર્તાનું હિંદીમાં ભાષાંતર કરવાનો લાભ મળ્યો છે. ભારત અને યુગાન્ડામાં કુલ સમય ૪૫ વર્ષનો વીત્યો છે. તેટલાં જ વર્ષો અહીં આ નૂતન આંગ્લદેશમાં થવાં આવ્યાં છે. નવ દસકા પૂરા થવાને ટાણે જીવનસંધ્યાનાં અજવાળાં તો ઓછાં થતાં જાય છે. પરંતુ બીજે છેડે शतम्‌ जीव शरद : જેવાં સુભાષિતોની પ્રેરણાથી મન તથા હૃદયમાં પ્રકાશનાં અનેરાં વાદળાં પણ ઊમટે છે.

આ દેશમાં પહેલી વાર ઈ.સ. ૧૯૭૬માં આગમન કર્યા બાદ, ઈ.સ. ૧૯૯૪ વેળા અહીં અઢાર વર્ષ થતાં હતાં અને મને ૬૫ વર્ષ પૂરાં થતાં હતાં. આ સમયગાળાની જાહેર પ્રવૃત્તિઓમાં કેટલીક નિરાશા અનુભવી અને દિલ અશાંત રહેતું. ભારત અને પૂર્વ આફ્રિકામાં જે ચિંતાત્મક પ્રશ્નો ઊભા થયા હતા, તે તો વળી આ દેશમાં બેવડાયા. છતાં કુદરત-પ્રેરિત જીવનપ્રવાહ કેમ વહ્યો તેની ખબર પણ પડી નહીં, અને એક દિવસ ...

... ક્રોયડન મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી જે પત્ર મળ્યો તેની વિગત પ્રથમ વાર જ પ્રસ્તુત કરું છું ...

આ પત્ર દ્વારા મને ‘Justice of Peace’ના પદ પર જાહેરસેવા આપવાનો માંગલિક પ્રસંગ ઊભો થયો. વધુમાં એક શરત હતી કે જો મારી વય ૬૫ વર્ષ ઉપરાંતની હોય તો આ પદ પર કામ થઈ શકે નહીં. આ પત્ર આવતા સમયે તો હું ૬૫ વર્ષની ઉંમર વટાવી ચૂક્યો હતો. એટલે તે મુજબ જવાબ આપ્યો. પરિણામે આ પદ પર થનાર અનુભવોથી એક બાજુ વંચિત રહ્યો, અને બીજી બાજુ તો આ અઢાર વર્ષના સમય દરમિયાન ‘બેકાર’ હોવાથી આ દેશના કામકાજનો કોઈ અનુભવ મેળવી શક્યો નહીં.

આ પદ માટે મારા નામની ભલામણ કોણે કરી હશે તેનું આશ્ચર્ય રહ્યું. હા, ક્રોયડન, કોમ્યુનિટી કાઉન્સિલ તરફથી યોજાતી સભાઓમાં હું હાજરી આપતો ખરો. ‘શાંતિ’ના પાઠ ભણાવવાનું જે મારા ભાગ્યમાં જ નહોતું તેનો અફસોસ હવે શા માટે કરવો?

જન્મશતાબ્દી ઉત્સવ : ડાહ્યાભાઈ પટેલ અને બળવંત નાયક

सत्यान्नास्ति परो धर्म :

તા. ૨૧-૯-૨૦૧૯ શનિવારના રોજ માંધાતા સમાજ(વેમ્બ્લી સેન્ટ્રલ)ના સભાગૃહમાં સદ્‌ગત ડાહ્યાભાઈ પટેલ (કવિ) અને સદ્‌ગત બળવંત નાયક, બંનેના સ્મરણાર્થે ગુજરાતી સાહિત્ય અકાદમી(યુ.કે.)ના સંચાલન હેઠળ લગભગ ૨૫૦ સભાજનોની ઉપસ્થિતિમાં જન્મશતાબ્દી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ડાહ્યાભાઈ ઈ.સ. ૧૯૭૭માં અકાદમીના સ્થાપક પ્રમુખ હતા અને બળવંતભાઈ પણ સંસ્થાના પ્રમુખ તરીકે શરૂઆતનાં વર્ષોમાં જોડાયા હતા.

સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલભાઈ કલ્યાણીના સૌજન્યથી અન્ય વક્તાઓ સાથે મને પણ આ કાર્યક્રમમાં દસેક મિનિટ બોલવાનું આમંત્રણ હતું. વર્ષો બાદ જાહેરમાં બોલવાનો આ મારો પ્રથમ પ્રસંગ હતો.

શરૂઆતમાં શ્રી ડાહ્યાભાઈ સાથે તેમના ઘરે કંપાલા (યુગાન્ડા) ઈ.સ. ૧૯૫૭માં થયેલી પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કર્યો. જિન્જાના મારા વડીલ શ્રી નટુભાઈ પટેલ (વકીલ) તેમની ઓળખાણ કરાવવા ત્યાં લઈ ગયા હતા. વાતોને અંતે આગતાસ્વાગતા કર્યા બાદ, પાછા ઘરે જતી વખતે મને ઉત્તેજન આપવા કહ્યું : “તમે કંઈક લખો. જિન્જા પાછા ફર્યા તેમની મીઠી યાદ સાથે અને થોડા જ સમયમાં લખવાનાં એંધાણ ઊભા થયા.

જિન્જામાં ઇગાન્ગા રોડ પર જ નટુભાઈ વકીલની ઑફિસની નજીકમાં બીજા કેટલા ય વકીલોની સામસામાં ઑફિસો હતી. જિન્જા ટાઉન હૉલ અને જનરલ પોસ્ટ ઑફિસ પણ થોડા જ અંતરે હતા. આ લત્તામાં ર.ગો. વેદ નામે વૃદ્ધ અને વિદ્વાનનું ઘર અને ઑફિસ પણ સાથે સાથે હતાં. તેમણે એક નિબંધ – પૂર્વ આફ્રિકાના વિકાસમાં એશિયન વસાહતે આપેલો ફાળો–ની હરીફાઈ કરવા માટે જિન્જા સેવા દળને વ્યવસ્થા સોંપી. નટુભાઈ જ સેવાદળના પ્રમુખ હતા અને મંત્રી જેઠાલાલ જાબનપુત્રા સાથે હું કારોબારીનો સભ્ય હતો. એટલે જેઠાલાલે પણ મને આ ‘નિબંધ’ લખી આપવા આગ્રહ કર્યો. આમ મારી દશા તો ભાવતું હતું અને વૈદે કહ્યું તેવી થઈ ...

સભાગૃહમાં ઉપસ્થિત સભ્યોને વ્યક્તવ્ય દરમિયાન મેં જણાવ્યું કે આ નિબંધ લખવામાં મેં ભાગ લીધેલો, પરંતુ પરિણામની વધુ વિગતો પૂરતા સમયના અભાવે આપી શકતો નથી. એમ જણાવી મેં બાકીનું, લખેલું વ્યક્તવ્ય વચમાં ઓછીવત્તી ટીકા-ટિપ્પણી સમયે દસેક મિનિટમાં પૂરું કર્યું. બને વડીલોને મેં યથાયોગ્ય બિરદાવ્યા હતા.

મારે હવે તે અધૂરા મૂકેલા પ્રસંગની વાતો આપ સૌ વાચકો સમક્ષ આનંદપૂર્વક રજૂ કરવાની તક ઊભી થઈ છે. તો તમો પણ મારાથી દોઢા આનંદથી તે વધાવશો તો તે અસ્થાને નહીં જ ગણાય.

આ નિબંધ જોઈ તપાસીને પ્રથમ બે ઉત્તમ લેખકોની પસંદગી કરવા જિન્જા મહિલા મંડળની બે જાણીતી વિદ્વાન બહેનોની પરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. (૧) નિર્મળાબહેન જ્યેષ્ઠારામ ભટ્ટ (૨) ભાનુબહેન વસનજી કોટેચા. બંને બહેનો એમ.એ. સુધી ભણેલી હતી. જેઠાલાલ(સેવાદળના મંત્રી)ને મળ્યો ત્યારે મને જાણવા મળ્યું કે મારો બીજા નંબર આવ્યો છે. અને પહેલો નંબર કંપાલા હાઈ સ્કૂલના હેડમાસ્તર ધનવંત ઓઝાને પ્રાપ્ત થયો છે.

વધુમાં જેઠાલાલે તેમની સાથે ભાનુબહેને કરેલી વાતચીતનો પડઘો પાડ્યો. ભાનુબહેન કોટેચાના મતે પહેલો નંબર મને (ઘનશ્યામભાઈ) મળવો જોઈએ તેવી દલીલો તેમની સખી નિર્મળાબહેનને કરી હતી અને જણાવ્યું હતું કે નિબંધને છાજે તેવી ભરપૂર વિગતો મારા લખેલા નિબંધમાં દર્શાવી છે. પરંતુ નિર્મળાબહેને ભાનુબહેનનો મત ભારપૂર્વક ઉવેખીને જણાવ્યું કે ‘ઓઝા’ના નિબંધમાં કરેલું થોડું સાહિત્યિક વર્ણન તેમને વધુ પસંદ છે, એટલે ઓઝાને પ્રથમ નંબર મળવો જાઈએ. બંને સખીઓની ખેંચાખેંચીમાં આખરે ભાનુબહેન હારી ગયાં. મેં તો જિન્જા આવતા પહેલાં કાકાસાહેબ કાલેલકરે લખેલું ‘પૂર્વ આફ્રિકા’માં તથા ભાનુબહેન કોટેચાએ લખેલું પુસ્તક ‘પૂર્વ આફ્રિકાના પગથારે’ બંને વાંચેલા, ઉપરાંત ઘણાં સગાંવહાલાંઓની વાતચીતો બાળપણથી જ સંભાળેલી ને જિન્જામાં એ.બી. પટેલ અને નાનજી કાલિદાસ મહેતાનાં ભાષણો સૂચકસાહેબની અધ્યક્ષતામાં સાંભળેલા. વળી, જિન્જાના પુસ્તકાલયમાંથી પણ આ વિષય પર પ્રાપ્ત સાહિત્યનો અભ્યાસ કરેલો હતો.

ભટ્ટ દંપતીની ઓઝાસાહેબ સાથે જૂની ઓળખાણ પણ હતી અને ઓઝા મારાથી ઉંમરમાં પણ ૨૫ વર્ષ મોટા હતા. આ બધી હકીકતો જેઠાલાલે મને હસતાં હસતાં કરી. મારા પક્ષે તો પહેલાં કે બીજા નંબરના પરિણામનો કોઈ જ વસવસો નહોતો. ઓઝાનો નિબંધ મને જેઠાલાલ પાસેથી વાંચવા પણ મળેલો, પરંતુ મારા નિબંધની કોઈ નકલ મેં ત્યારે રાખી નહોતી. તે હકીકતથી હું આજે મારા પર હસી રહ્યો છું. તેટલી જ યાદ મને સાબરકાંઠા જિલ્લામાં ૪૦ વિદ્યાર્થીઓ સાથે કરેલા ૧૫૦ માઈલના પગપાળા પ્રવાસ બાદ, મોડાસાના હેડમાસ્તર મથુરાદાસને આપેલા હેવાલ(હેડમાસ્તર રમેશભાઈ તથા સંચાલક સેવક પ્રબોધ પરીખ સાથે)ની કોઈ નકલ થઈ શકી નહોતી, એની વાત પણ સતાવે છે. એ શિક્ષક સંમેલનમાં રવિશંકર મહારાજ પાંચેય દિવસ મુખ્ય મહેમાન રહ્યા હતા. પ્રવાસ દરમિયાન કરેલી ખેડબ્રહ્મા અને શામળાજી મંદિરોની પ્રદક્ષિણા ભૂલી ભૂલાતી નથી. વિદ્યાર્થીઓનો વડો નિશાળિયો દશરથ નાયક તેટલો જ સ્મરણપટ પર ચઢે છે.

પરંતુ આજે તો ‘यथा काष्टं च काष्टं च... तद्वद भूतसमागम:’ના ઉપલક્ષ્યમાં એ ખોવાઈ ગયેલાં પાત્રો ફરી મળવાના નથી. પરંતુ તેનાં મીઠાં સ્મરણોથી મન તો વારંવાર હનુમાન કૂદકા જ મારે છે. ભારત જેવી યુગાન્ડાની પણ પાર વગરની મીઠી સ્મૃતિઓ અહીં આ દેશના ૪૪ વર્ષ ઉપરના વસવાટમાં ઘેર બેઠાં ગંગાની જેમ મનને તરબોળ કરે છે, ત્યારે નજર સમક્ષ તરતી ઉપાધિઓ અદૃશ્ય થઈ જાય છે. ઉંમરનો ભાર ક્યારે ય વર્તાયો નથી. બાળપણમાં ઘરના આંગણે સાંભળેલા ટહેલિયાના સૂરોના પડઘા અહીં તાજા થાય છે.

‘પ્રાણિયા ભજી લેને કિરતાર ... આ તો સપનું છે સંસાર ...’ આ લંડન શહેરની ઘટમાળમાં કિરતારને રાત-દિવસ શોધવા જઈએ છીએ તો ય જડતા નથી અને જે ચેહરા જાગ્રત અવસ્થામાં નજરે પડે છે તે તો સૌ પોત-પોતાની જ સાંકડી સૃષ્ટિમાં જીવે છે. ઘડીભર વાત કરવાની તક શોધીએ તો આપણને પડકારીને જ સંતોષ માને : Don’t  disturb.....me, Don’t you see I am busy.  એટલે અમારે ય દિવસના ચોવીસ કલાક જાગતા રહેવાનો ડોળ કરવો પડે અને તટસ્થ રહીને કોઈની સાથે વાતો કર્યા વગર, તેમના દર્શન જ ફક્ત કરીએ અને રાજી થઈએ એટલે પછી કોઈ પ્રકારનાં ‘સપનાં’ આવવાની તો વાત જ ક્યાં રહી?

હવે આ મૌન પણ ભારે પડી જાય છે. કારણ કે મૌનનો પુરસ્કાર તેટલો જ આકરો બની રહે છે.

આ સાથે યુગાન્ડા અને યુનાઇટેડ કિંગ્ડમમાં વસવાટ દરમિયાનનાં મારાં સંસ્મરણો પણ ક્યાં ય ક્યાંક પ્રગટ થતાં રહેતાં હોય એવા ‘ઓપિનિયન’માંનાં મારાં લખાણો – મહાત્મા ગાંધી, સરદાર પટેલ, માતૃભાષા, ગુજરાતી સમાજ, ડાયસ્પોરા સાહિત્ય, પાટીદાર અને તેનાં વિવિધ સંગઠનો – પુસ્તક માટે જરૂરી સુધારા-વધારા સાથે વાચકો સમક્ષ મુકતાં આનંદ અનુભવું છું. જરૂરિયાત મુજબ શીર્ષકમાં ફેરફાર પણ કર્યો છે. જો કે, આ લેખોનું સાહિત્યિક મૂલ્ય કરતાં દસ્તાવેજી મૂલ્ય વધારે છે, એ ય જાણું છું, પણ અહીં કે વિદેશમાં અન્ય કોઈ દેશે વસનારી હાલની અને આવનારી ગુજરાતી પેઢી માટે આટલું ડાયસ્પોરા ભાથું, બે પૂઠાં વચ્ચે મુકવામાં મારો સ્વધર્મ પણ જાઉં છું.

‘ઓપિનિયન’ માસિકના અંક ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ (પાન નં. ૧૫) પ્રમાણે રેવરંડ માર્ટીન નીમોલરના અંગ્રેજી કાવ્યનો ગુજરાતી તરજૂમો અત્રે રજૂ કરીને હું મિત્રોની રજા લઉં છું.  … તથાસ્તુ! …

આવજો.

બક્ષીસ ‘ચૂપ’ રહેવાની, હે માનવી
ઘટે મુબારક? કે ક્યારેક ‘ધિક્કાર, તને શત્‌વાર !!
             મારા મૌનનો પુરસ્કાર?

‘કમ્યુનિસ્ટ’ની તલાશમાં આ,
     તેમના પ્રથમાગમન ટાણે,
               રહ્યું મુખડું બીડેલ મારું !?
               કમ્યુનિસ્ટ હું ક્યાં હતો!?

થાતાં પુનરાગમન વળી,
     ‘જ્યુ’ કાજે બોલવું
                શી રીત મારે?
                ‘જ્યુ’ તો હું હતો જ નહીંને !?

વળી પાછા આવિયા એ
       ‘કેથલિક્સ’ની શોધમાં ને
                 તે જ તાળાં ફીટી રહ્યા મુજમુખ દ્વારે
                 આરૂપ-સ્વરૂપ તો હતું જ ‘પ્રોટેસ્ટંટ’ને !

અંતે આવાગમન ચાલુ રહ્યું
        આ ક્ષુદ્ર શિકારની શોધમાં
                 ને તે પલકની પાંખમાં, મુજકાજ વદવા,
                 હે ઈશ, ‘તારણહાર’ કોઈ ના રહ્યું!!

રેવરંડ માર્ટીન નીમોલર (મનોવૈજ્ઞાનિક ભાવાનુવાદ)

31, Bishops Park Road, Norbury, LONDON SW16 5TX, United Kingdom - Tel: 020 - 8764 5374      

13 સપ્ટેમ્બર, 2019

----------------

સૌજન્ય : 'મારી જીવનયાત્રા - ઘડતર અને ચણતર' : લેખક - ઘનશ્યામ ન. પટેલ :  સંપાદક - કેતન રુપેરા : મુદ્રક - યુનિક ઓફસેટ, તાવડીપુરા, અમદાવાદ : પૃ.200 : પ્રથમ આવૃત્તિ - ડિસેમ્બર, 2019 : મુખ્ય વિક્રેતા - ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ - 380 009 : કિંમત - રૂપિયા 200 / £ 5.00

Category :- Diaspora / Features