આશરે બે કરોડની વસ્તી અને દોઢેક કરોડ મતદારો ધરાવતા દિલ્હીને રાજ્યનો દરજ્જો તો નથી મળ્યો, તેના હસ્તક દેશની કોઈ મોટી મહાનગરપાલિકા જેટલી જ સત્તા અને જવાબદારીઓ છે. છતાં ૭૦ બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ રાષ્ટ્રીય મહત્ત્વ ધારણ કર્યું હતું. તેનું કારણ દિલ્હીનું દેશની રાજધાની હોવું તો છે જ, પણ કેન્દ્રના સત્તાધારી ભારતીય જનતાપક્ષનું પ્રચારતંત્ર પણ છે. દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી ૧૯૫૨માં થઈ હતી અને કૉંગ્રેસ સત્તામાં આવી હતી. ઑક્ટોબર, ૧૯૫૬માં દિલ્હીનો રાજ્યનો દરજ્જો રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં વિધાનસભાને બદલે મેટ્રોપોલિટન કાઉન્સિલની રચના થઈ હતી. ૧૯૯૧માં ૬૯મા સંવિધાન-સુધારા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને સીમિત સત્તાઓ ધરાવતી વિધાનસભા મળી હતી. ૧૯૯૩માં નવરચિત દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી થઈ હતી અને બી.જે.પી.ને સત્તા મળી હતી. પાંચ વરસના બી.જે.પી. રાજવટ દરમિયાન ત્યાં ત્રણ મુખ્યમંત્રીઓ (મદનલાલ ખુરાના, સાહિબસિંઘ વર્મા અને સુષ્મા સ્વરાજ) બદલાયાં હતાં. તે પછીની ૧૯૯૮, ૨૦૦૩ અને ૨૦૦૮ની લાગલગાટ ત્રણ ચૂંટણીઓ કૉંગ્રેસ જીતી હતી અને શીલા દીક્ષિત મુખ્યપ્રધાન બન્યાં હતાં. ૨૦૧૩માં કૉંગ્રેસને બહુમતી ન મળતાં તેના સમર્થનથી નવીસવી આમ આદમી પાર્ટી સત્તામાં આવી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૫માં મુદ્દતપૂર્વે ચૂંટણી થઈ અને હવે પાંચ વરસે ૨૦૨૦માં થયેલી દિલ્હી વિધાનસભાની આ સળંગ આઠમી ચૂંટણી હતી. તેમાં ૨૦૧૫ની જેમ આમ આદમી પાર્ટીને ભારે બહુમતી મળી છે.
ઝેરીલો ચૂંટણી પ્રચાર :
એપ્રિલ, ૨૦૧૧ના અન્ના હજારેના ભ્રષ્ટાચાર – વિરોધી અને લોકપાલબિલની માંગણીના આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો હતો. બહુ ટૂંકા રાજકીય જીવનમાં તેણે સારું કાઠું તો કાઢ્યું. પણ ૨૦૧૪માં તેણે બી.જે.પી. અને નરેન્દ્ર મોદીનો વિકલ્પ બનવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૧૪માં કેજરીવાલ વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા અને ૨૦૧૪માં બી.જે.પી. સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ, ૨૦૧૫માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ને ૭૦માંથી ૬૭ અને બી.જે.પી.ને માત્ર ત્રણ જ બેઠકો મળી, ત્યારથી બી.જે.પી.ને કેજરીવાલ અને તેમની પાર્ટી આંખમાં કણાની જેમ ખૂંચે છે.
૨૦૧૯માં દિલ્હીની તમામ સાત લોકસભા સીટો બી.જે.પી.ને મળી હતી અને ૬૫ વિધાનસભા બેઠકો પર તેને બહુમતી મળી હતી, તેથી તેને દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી જવાશે તેમ લાગતું હતું. પરંતુ કેન્દ્ર સરકારના તીન તલાક, રાષ્ટ્રીય સુરક્ષા, ૩૭૦મી કલમ, રામમંદિર અને છેલ્લે નાગરિકતા કાનૂન જેવા નિર્ણયો અને તે સામેના વિરોધ તથા હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રનાં પરિણામોની છાયામાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ નિમ્નકક્ષાનો, નફરત ભરેલો, ઝેરીલો પ્રચાર કર્યો. આવા પ્રચારની આગેવાની વડાપ્રધાન, ગૃહપ્રધાન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને લોકસભાના સભ્યોએ લીધી હતી. શાહીનબાગમાં ચાલતા નાગરિકતા-સંશોધન કાનૂન વિરોધી આંદોલન અને લઘુમતી મુસ્લિમોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા. રાષ્ટ્રવાદ અને હિંદુત્વના બહાને પાકિસ્તાન, ગદ્દારો, ટુકડે ટુકડે ગેંગ, બિરયાની, મુગલરાજ, કરન્ટ અને સંયોગ નહીં પણ પ્રયોગ જેવા શબ્દપ્રયોગો કરીને મતોના કોમી ધ્રુવીકરણનો ભરપૂર પ્રયત્ન થયો. મુખ્યમંત્રી કેજરીવાલને આતંકવાદી સુધ્ધાં કહેવાયા. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણીપંચને બી.જે.પી.ના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને લોકસભા સભ્ય પ્રવેશ્ય વર્માને પ્રચારની બહાર રાખવાની સજા કરવી પડી. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આચારસંહિતાભંગની નોટિસ ઇલેકશન-કમિશને પાઠવી હતી. કેન્દ્રનો સત્તાપક્ષ આટલા નાના રાજ્યમાં ચૂંટણીફતેહ માટે નિમ્નકક્ષાનો પ્રચાર કરે તે આપણી ચૂંટણીપ્રણાલી ભવિષ્યમાં કઈ હદે જઈ શકશે તેના સંકેત આપે છે.
મતદાન : ન રોષ, ન ઉત્સાહ :
અનુસૂચિત જાતિની ૧૨ અનામત બેઠકો સાથે કુલ ૭૦ બેઠકો પરના ૬૭૨ ઉમેદવારો માટે યોજાયેલા મતદાનમાં ૬૨.૫૯% મતદાન થયું હતું, જે ૨૦૧૯ની લોકસભાચૂંટણી કરતાં ૨% વધારે, પરંતુ ૨૦૧૫ની વિધાનસભાચૂંટણી કરતાં ૫% ઓછું હતું. ૧.૪૭ કરોડ કુલ મતદારોમાંથી ૫૦,૭૫,૬૬૬ પુરુષો અને ૪૧,૭૮,૮૪૧ મહિલાઓએ મતદાન કર્યું હતું. પુરુષ મતદાનની ટકાવારી ૬૨.૬૨%ની તુલનામાં મહિલા-મતદારોનું ૬૨.૫૫% મતદાન, ૦.૭% ઓછું હતું. મુખ્યમંત્રી કેજરીવાલના મતવિસ્તારમાં ગઈ ચૂંટણી કરતાં ૧૦% ઓછું મતદાન નોંધાયું હતું. અનામત બેઠકો અને મુસ્લિમ બહુલ મતવિસ્તારોમાં અન્યની સરખામણીએ વધુ મતદાન થયું હતું.
૨૦૦૮ની વિધાનસભા ચૂંટણીમાં ૫૭.૫૮%, ૨૦૧૩માં ૬૫.૬% અને ૨૦૧૫માં ૬૭.૧૨% મતદાન થયું હતું. ૨૦૦૮ની ચૂંટણી વખતે આપનું અસ્તિત્વ નહોતું અને કૉંગ્રેસે ૪૩ બેઠકો સાથે સત્તા મેળવી હતી. ૨૦૧૩માં આપે પ્રથમ વાર ચૂંટણી લડી ૨૮ બેઠકો મેળવી. ત્યારે ૬૫.૬% અને ૨૦૧૫માં ૬૭ બેઠકો મેળવી, ત્યારે ૬૭.૧૨% મતદાન થયું હતું. એટલે આ વખતની ૬૨.૫૯ %ની મતદાન-ટકાવારી કેન્દ્ર કે રાજ્યના સત્તાપક્ષોની કામગીરી સામે મતદારોનો ઉત્સાહ, નારાજગી કે સત્તાવિરોધી કોઈ લહેરના દ્યોતક નથી, પરંતુ એકંદર અને સરેરાશ મતદાન છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મતવિસ્તારમાં મતદાનની ઘટેલી ટકાવારી મતદારો તેમની કામગીરી પર ઓળઘોળ છે, તેમ જો નથી દર્શાવતા તો તેમને જિતાડીને તેમના પ્રત્યે કોઈ નારાજગી કે રોષ પણ નથી દર્શાવતા.
‘આપ’ની જ્વલંત જીત :
આમઆદમી પાર્ટીને ૫૩.૫૭% મત સાથે ૭૦માંથી ૬૨ બેઠકો મળી છે. કોઈ રાજકીય પક્ષ બીજી વારની મુદ્દત માટે ૫૦% કરતાં વધુ મતે વિજયી બને તેવા દાખલા બહુ ઓછા છે. એ અર્થમાં આમ આદમી પાર્ટીનો આ વિજય જ્વલંત છે. ૨૦૧૩માં તેને ૨૯.૪૯% અને ૨૦૧૫માં ૫૪.૩૯% વોટ મળ્યા હતા. આ વખતે ૦.૮૨% વોટ શેર અને પાંચ બેઠકો ઘટ્યા હોવા છતાં આ વિજય એટલા માટે અસામાન્ય છે કે હજુ છ મહિના પહેલાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ‘આપ’ને દિલ્હીની સાતમાંથી એક પણ બેઠક મળી નહોતી અને ૧૮ % વોટ સાથે તે ત્રીજા ક્રમે હતા.
વડાપ્રધાન અને ગૃહપ્રધાનની આગેવાનીમાં બી.જે.પી.નું આખું ય દળકટક અસીમિત સંસાધનો સાથે પ્રચારમાં હોય, ત્યારે ‘જો મેં તમારા માટે કામ કર્યું હોય’ તો જ મને વોટ આપજો’ ત્યાં તેમ કહી કામના બદલામાં વોટ માંગવા તે મોટી બહાદુરી હતી. વીત્યાં પાંચ વરસમાં આમ આદમી પાર્ટીએ ઘણાં સંકટો જોયાં છે. તેના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના અને ફોડવાના પ્રયત્નો બી.જે.પી. થકી થયા હતા. આપે તેના ૧૫ ધારાસભ્યોને તેમની નબળી કામગીરીના કારણે ટિકિટ ન આપી. તેના બદલે અન્યને ચૂંટણી લડાવી અને તેમાંના મોટા ભાગના જીત્યા છે. મફત વીજળી, પાણી અને મહિલાઓને મફત બસપ્રવાસ, સારી સરકારી શાળાઓ અને મહોલ્લા ક્લિનિક આમ આદમી પાર્ટીની મહત્ત્વની કામગીરી હતી. તેના જોરે તે ચૂંટણી લડી અને લોકોનું સમર્થન મળ્યું. ત્રિકોણીય મુકાબલો છતાં આપની મુખ્ય હરીફાઈ બી.જે.પી. સાથે હતી. બી.જે.પી.એ તેની સામે તમામ પ્રકારના દુષ્પ્રચાર કર્યા છતાં તેને હરાવી ન શકાઈ. નરેન્દ્ર મોદીના ચહેરા અને નાગરિકતા કાનૂન જેવા રાષ્ટ્રીય મુદ્દા સામે કેજરીવાલે આ ચૂંટણીને સ્થાનિક અને પોતાની સરકારની કામગીરીના મુદ્દે બાંધી રાખીને સફળતા મેળવી છે. સમાજના લગભગ તમામ વર્ગ, જાતિ કોમના મત આપને મળ્યા છે.
બી.જે.પી.ની કારમી હાર :
છ જ મહિના પહેલાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બી.જે.પી.ને દિલ્હીની તમામ સાતેય બેઠકો અને ૫૭% વોટ મળ્યા હતા, ત્યારે ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં તેને ૩૮.૫૧% વોટ સાથે માત્ર આઠ જ બેઠકો મળી છે. ૨૦૧૫ની ત્રણ બેઠકો અને ૩૨.૧૯% ને બદલે આ વખતે આઠ બેઠકો અને ૩૮.૫૧% વોટ મળ્યા છે, એટલે તેની બેઠકો અને વોટશેર બંને વધ્યા છે, એવું આશ્વાસન જરૂર લઈ શકાય. પરંતુ ૧૯૯૮થી તે દિલ્હીમાં સત્તાથી દૂર છે અને આ વખતે આટઆટલા પ્રયત્નો પછી પણ તેને સત્તા મળી નથી, તે હકીકત છે. કેન્દ્રમાં અને દિલ્હીની ત્રણેય મહાનગરપાલિકાઓમાં બી.જે.પી.ની સત્તા હોય, દિલ્હીના સાતેય સાંસદો બી.જે.પી.ના હોય, ત્યારે તે બે આંકડે પણ બેઠકો ન મેળવી શકે તે પરાજય બહુ કારમો છે. ગૃહમંત્રી અમિત શાહ, ‘તેમનો પક્ષ કોઈ ચૂંટણી માત્ર જીતવા માટે નહીં પણ પક્ષની વિચારધારા ફેલાવવા માટે લડે છે,’ એમ કહે છે, એ દૃષ્ટિએ પણ આ હારનું મૂલ્યાંકન કરીએ, તો મતદારોએ બી.જે.પી.ને હરાવીને તેના વિચારધારાના ફેલાવાને અને નકારાત્મક પ્રચારને નકારી દીધો છે. તેમ લાગે છે. બી.જે.પી. હસ્તકની સાત લોકસભા સીટોમાંથી ચારમાં બી.જે.પી.ને એક પણ બેઠક ન મળવી તે ભૂંડી હાર છે. ચૂંટણીપ્રચાર વખતે ગૃહમંત્રી મતદારોને શાહીનબાગને કરન્ટ લાગે એટલા ગુસ્સાથી ઈ.વી.એમ.નું બટન દબાવવા કહે અને હવે આ ચૂંટણી-પરિણામ એન.આર.સી. કે સી.એ.એ. વિરુદ્ધનો કોઈ જનાદેશ નથી, તેમ કહે ત્યારે તેઓ વાસ્તવિકતા સ્વીકારતા નથી બી.જે.પી.એ દિલ્હીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ ઉમેદવારના નામની ઘોષણા કરી નહોતી અને કેન્દ્રની કામગીરી, મુસ્લિમ વિરોધ અને વડાપ્રધાનના ચહેરાને સામે રાખીને લડી હતી, ત્યારે પરાજયની જવાબદારી બી.જે.પી.ના રાજ્ય-નેતૃત્વને બદલે કેન્દ્રના નેતૃત્વએ સ્વીકારવી જોઈએ.
કૉંગ્રેસ ફરી શૂન્ય પર – સતત ત્રણ ટર્મ અને ૧૫ વરસ દિલ્હીમાં સત્તા ભોગવનાર કૉંગ્રેસનું ૨૦૧૫ પછી ૨૦૨૦માં પણ વિધાનસભામાં ખાતું ખૂલ્યું નથી. ૨૦૦૮માં તેને ૪૦.% વોટ અને ૪૩ બેઠકો મળી હતી. પરંતુ તે પછી તેનો વોટશેર અને બેઠકો ઘટતાં રહ્યાં છે. ૨૦૧૩માં આઠ બેઠકો મેળવનાર કૉંગ્રેસને ૨૦૧૫ અને ૨૦૨૦માં એક પણ બેઠક મળી નથી. તેનો વોટશેર પણ સતત ઘટતો રહ્યો છે. કૉંગ્રેસને ૨૦૧૩માં ૨૪.૫૫%, ૨૦૧૫માં ૯.૬૫% અને ૨૦૨૦માં ૪.૨૬% વોટ મળ્યા છે. ૧૨ વરસમાં વોટનું ૩૬% ધોવાણ અકલ્પનીય છે. હજુ છ મહિના પહેલાં લોકસભામાં ૨૨% વોટશેર સાથે દિલ્હીમાં બીજા નંબરે રહેલી કૉંગ્રેસના ૬૬માંથી ત્રણ જ ઉમેદવારો પોતાની ચૂંટણી ડિપૉઝિટ બચાવી શક્યા છે. આટલો કારમો પરાજય કૉંગ્રેસને તાત્કાલિક આત્મખોજ માટે પ્રેરે તે જરૂરી છે. તેના પરંપરાગત મતદારો કેમ આપ તરફ વળ્યા છે અને તે સ્થિતિમાં તેનું કર્તવ્ય શું છે તે કૉંગ્રેસે વિચારવું પડશે.
દલિત, મુસ્લિમ અને મહિલા-મતદારોનું વલણ :
અનુસૂચિત જાતિની તમામ ૧૨ અનામત બેઠકો ૨૦૧૫ની જેમ ૨૦૨૦માં પણ કેજરીવાલની પાર્ટીના ફાળે ગઈ છે. દલિત અનામત બેઠકો પર ન માત્ર ભા.જ.પ.-કૉંગ્રેસના ઉમેદવારો હારે છે, પરંતુ બ.સ.પા.એ પણ પોતાનો દલિત જનાધાર દિલ્હીમાં ગુમાવી દીધો છે. ૨૦૦૮માં માયાવતીની બી.એસ.પી. બે અને રામવિલાસ પાસવાનની એલ.જે.પી. એક બેઠક જીતી હતી. હવે આ બંને પક્ષો દિલ્હીમાં નામશેષ થઈ રહ્યા છે. ૨૦૦૮માં બ.સ.પા.નો વોટશેર દિલ્હીમાં ૧૪.૦૫% હતો તે ૨૦૨૦માં ઘટીને ૦.૭૧% થઈ ગયો છે. એલ.જે.પી.ને ૦.૩૫% વોટ જ મળ્યા છે, પરંતુ આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે તે એક અનામત બેઠક પર બીજા ક્રમે છે. અન્ય પછાતવર્ગ માટે અનામત બેઠકો નથી, તેથી તેની વસ્તીના પ્રમાણમાં વિધાનગૃહોમાં તેનું પ્રતિનિધિત્વ પણ જોવા મળતું નથી. દિલ્હીમાં ઓ.બી.સી. વસ્તી આશરે ૫૫થી ૬૦ %ની અંદાજવામાં આવે છે. ૨૦૨૦ની ચૂંટણીમાં આપના ૧૧ અને ભા.જ.પ.ના એક એમ કુલ ૧૨ ઓ.બી.સી. ચૂંટાયા છે. કુલ ૭૦ બેઠકોમાં ૧૨ ઓ.બી.સી.નું ચૂંટાવું તે વિધાનસભામાં તેમનું અલ્પપ્રતિનિધિત્વ દર્શાવે છે.
૧૬ મુસ્લિમ બહુલ મતદારો ધરાવતી બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને ૧૨ અને ભા.જ.પ.ને ચાર બેઠકો મળી છે. ભા.જ.પે. ૨૨% મુસ્લિમ મત ધરાવતી ગાંધીનગર, ૨૦% મુસ્લિમ મત ધરાવતી કરાવલનગર અને ૧૫-૧૫% મુસ્લિમ મત ધરાવતી બદરપુર અને ઘોડા બેઠકો મેળવી છે ૫૦% થી ૧૮% મુસ્લિમ મતદારો ધરાવતી ૧૨ બેઠકો આપના ફાળે ગઈ છે. શાહીનબાગ વિસ્તારનો જેમાં સમાવેશ થાય છે, તે ઓખલા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાનને સમગ્ર દિલ્હીના ઉમેદવારોમાં સૌથી વધુ ૧,૩૦,૧૬૩ મત મળ્યા છે, પરંતુ સૌથી વધુ લીડથી જીતનાર ઉમેદવાર તેઓ નથી. તેમની લીડ ૭૧,૮૨૭ મતની છે. સૌથી વધુ ૮૮,૦૦૦ મતના અંતરેથી આપના બુરાડીના હિંદુ ઉમેદવાર સંજય ઝા વિજયી બન્યા છે. કૉંગ્રેસે પાંચ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા, પણ તમામ ન માત્ર હાર્યા છે, ડિપૉઝિટ પણ ગુમાવી છે, જ્યારે આપના પાંચેય મુસ્લિમ ઉમેદવારો વિજયી થયા છે. આ વિગતો પરથી જણાય છે કે બી.જે.પી. મુસ્લિમ બહુલ મતદાર વિસ્તારમાં ચાર બેઠકો મેળવે છે અને શાહીનબાગનો સમાવેશ કરતી ઓખલા બેઠકના મુસ્લિમ ઉમેદવારને સૌથી વધુ મત મળે છે, પણ લીડ મળતી નથી! એ પણ નોંધવું રહ્યું કે ૨૦૧૫માં મુસ્લિમ બહુલ ૧૨માંથી એક જ બેઠક બી.જે.પી.ને મળી હતી. ૩૬% મુસ્લિમ મત ધરાવતી અને ૨૦૧૫માં બી.જે.પી.એ જીતેલી મુસ્તફાબાદ બેઠક આ વખતે બી.જે.પી. જીતી શકી નથી. મતોના ધ્રુવીકરણનો હિસાબ માંડતાં આ હકીકતો તપાસવી પડશે.
કૉંગ્રેસે ૧૦, આમ આદમી પાર્ટીએ નવ અને બી.જે.પી.એ છ મહિલા ઉમેદવારોને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યાં હતાં. ત્રણ મોટા રાજકીય પક્ષોનાં ૨૪ મહિલા ઉમેદવારોમાંથી આઠ ઉમેદવારો વિજયી થયાં છે અને તે તમામ આપનાં છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના મતદાનનું અંતર જેમ આ વખતે સૌથી ઓછું છે, તેમ પ્રથમ જ વખત દિલ્હી વિધાનસભામાં આઠ મહિલા ઉમેદવારો ચૂંટાયાં છે. ૨૦૦૮માં અને ૨૦૧૩માં ૩-૩, ૨૦૧૫માં ૬ અને ૨૦૨૦માં આઠ મહિલાઓ ધારાસભ્ય બન્યાં છે, પરંતુ આ આંકડો ન તો સંતોષજનક છે કે ન તો સ્ત્રીઓનું પૂરતું પ્રતિનિધિત્વ કરનારો છે. અનુસૂચિત જાતિની ૧૨ અનામત બેઠકોમાં પણ માત્ર એક જ મહિલા ધારાસભ્ય છે. મતદાનમાં પુરુષોની લગભગ હારોહાર રહેતાં સ્ત્રી-મતદારો પ્રત્યેનું રાજકીય પક્ષોનું આ વલણ પુરુષવાદી અને જીતી શકે તેવા ઉમેદવાર તરીકે સ્ત્રીઓની બાદબાકીનું છે. દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષને દેશની રાજધાનીમાં ૭૦માંથી માત્ર છ જ મહિલાઓ ઉમેદવારી કરવા મળે, તે બાબત શોચનીય છે અને બીજી વાર કેજરીવાલ મંત્રીમંડળમાં એક પણ મહિલામંત્રી નથી, તે ટીકાપાત્ર છે.
હારજીતના લેખાંજોખાં :
અનેક ધમપછાડા છતાં અજેય મનાતી મોદી-શાહની જોડીને તેના નાક નીચે દિલ્હીમાં હરાવવી આસાન નહોતી. એ કામ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ કરી દેખાડ્યું છે. તેનો શ્રેય જેટલો આપને જાય છે, તેટલો જ મતદારને પણ જાય છે. આપણો મતદાર પણ ગજબનો છે. તે દિલ્હીની મ્યુનિસિપાલિટીમાં અને કેન્દ્ર સરકારમાં તો બી.જે.પી.ની તરફેણમાં જનાદેશ આપે છે, પણ રાજ્યમાં આપતો નથી!
આપે તેની પાંચ વરસની રાજવટમાં શરૂઆતના ત્રણ સાડા-ત્રણ વરસ તો દિલ્હી સરકારની સત્તાની સ્પષ્ટતા માટે કોર્ટકચેરી કરવામાં અને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવવામાં જ વિતાવ્યાં હતાં. આજે આપ સરકારનો જે વિકાસ દેખાય છે, તે તો છેલ્લા દોઢેક વરસનો જ છે. લોકરંજની પગલાં લેવામાં તેણે ચૂંટણી વરસની રાહ જોઈ છે. દલિતો અને મહિલાઓએ તેમને ખોબલે અને ખોબલે મત આપ્યા હતા, પરંતુ તે પ્રમાણેનું તેમનું શાસનમાં પ્રતિનિધિત્વ નહોતું. મોદી-શાહના રાષ્ટ્રવાદ અને હિંદુત્વ સામે કેજરીવાલે પણ એ જ રણનીતિ અપનાવી હતી. ૨૦૧૩માં કેજરીવાલે જન લોકપાલબિલ પાસ ન થવાના કારણે પોતાનું ૪૯ દિવસનું શાસન ન્યોછાવર કરી દીધું હતું. પણ તે પછીનાં ભારે બહુમતીવાળાં પાંચ વરસના શાસનમાં તેમણે સાર્થક લોકપાલબિલનો માર્ગ લીધો નથી. વૈકલ્પિક રાજનીતિ માટે જન્મેલી આમ આદમી પાર્ટીએ કોઈ વૈકલ્પિક ઇકોનૉમીનું મૉડેલ પણ રજૂ કર્યું નથી. શિક્ષણ અને આરોગ્ય માટે રાજ્યબજેટનો સિંહભાગ ખર્ચ્યા પછી પણ ‘કેગ’ના રિપોર્ટની નોંધ પ્રમાણે દિલ્હી સરકાર પાસે મહેસૂલી આવકની પુરાંત રહે છે ‘એનાં ગાણાં આપ ગાય છે. ગુજરાતના મુખ્યમંત્રી પોતાના માટે મોંઘુદાટ વિમાન ખરીદે છે, એની અરવિંદ કેજરીવાલ વાજબી ટીકા કરે છે, પણ સરકારી ખર્ચે જાહેરખબરો મારફત પોતાની વાહવાહી કરાવવાનું મોદીમૉડેલ કેજરીવાલ પણ બરાબર અપનાવે છે. બહુ માસૂમિયતથી જેમ મોદી પોતાને પ્રધાન સેવક તરીકે સ્થાપી દે છે તેમ કેજરીવાલ પણ પોતાને દિલ્હીનો દીકરો બનાવી દે છે, મોદી-શાહના રામ સામે તે બજરંગ બલીને લઈ આવે છે. ૩૭૦મી કલમની નાબૂદી માટે બી.જે.પી.નું સમર્થન કરે છે અને નાગરિકતા સંશોધન કાનૂન કે શાહીનબાગના મુદ્દે હિંદુ વોટબૅન્કને ખુશ રાખવા પોતાનું વલણ સંદિગ્ધ રાખે છે. નરેન્દ્ર મોદીની જેમ કેજરીવાલ પણ સ્વપ્રસિદ્ધિ અને એકહથ્થુ સત્તામાં માને છે. મુખ્યમંત્રી રહેવા છતાં એક પણ વિભાગ પોતાના હસ્તક રાખતા નથી, પણ સત્તાનું કેન્દ્રીકરણ પક્ષ અને સરકાર બંનેમાં બરાબર બનાવી રાખ્યું છે. પોતાના સિવાય પક્ષમાં અન્યનું નેતૃત્વ ઊભું ન થવા દેવાની સાવધાની બરાબર રાખતા કેજરીવાલ સંયમિત રાષ્ટ્રવાદ અને સમન્વવાદની રણનીતિથી બી.જે.પી.નો મુકાબલો કરવા માંગે છે. ‘ભારત માતા કી જય’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ એવા બંને નારા તેઓ એકી શ્વાસે બોલી જાણે છે. મુખ્યમંત્રીની ત્રીજી મુદ્દત મેળવનાર અરવિંદ કેજરીવાલ કોઈ આદર્શ રાજનીતિજ્ઞ નથી પણ આકાંક્ષી રાજકારણી છે. રાજકીય મહાત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા તેઓ ‘ઈન્સાન કા ઈન્સાનસે હો ભાઈચારા’ના પૈગામને તડકે મેલી બજરંગબલીની જય અને હનુમાન ચાલીસાના પાઠ કરતાં-કરતાં રાષ્ટ્ર નિર્માણ માટે ‘હમ હોંગે કામયાબ’ ગાઈ જાણે છે …
વૈકલ્પિક આર્થિક નીતિ અને વૈકલ્પિક રાજનીતિ મારીમારી ચૂંટણી – રાજનીતિમાં પોતાના માર્ગ શોધે છે. આપણે એ વાતે આશ્વસ્ત રહેવું જોઈએ કે આઠમી ફેબ્રુઆરીના મતદાતા દાડે’ અને અગિયારમી ફેબ્રુઆરીના મતગણતરી દાડે શાહીનબાગના મહિલા સત્યાગ્રહીઓએ રોમાંચિત ઉન્માદથી છલકાતી કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે અને તેમાં ય મતગણરીના દાડે તો મોં પર કાળી પટ્ટી ધારણ કરી મૌન સત્યાગ્રહ વાટે જાણે કે ગાંધીને જીવતો અને બોલતો રાખ્યો હતો. આવા શાહીનબાગો જ્યાં સુધી હયાત હશે, ત્યાં સુધી તે સત્તાશાહી અરવિંદ કેજરીવાલો અને નરેન્દ્ર મોદી-અમિત શાહોને જંપવા દેવાના નથી, એટલું દિલ્હીનો જનાદેશ દેશ અને દુનિયાને જણાવે તો ભયોભયો ! ..
E-mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 05-06 તેમ જ 04