Opinion Magazine
Number of visits: 10081990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વો સુબહ હમીંસે આયેગી – રોમેન્ટિક અને વિદ્રોહી સાહિર લુધિયાનવી  

સોનલ પરીખ|Opinion - Opinion|10 July 2024

સાહિરમાં બે અગન જલતી – એની કલમમાંથી બે અદમ્ય પોકાર ઊઠતા – શોષિત માનવતાનો અને બળકટ પ્રેમનો. આ બંને સાથે ઉમેરાતું જિંદગી જોઈ ચૂકેલા ફિલસૂફનું ગાંભીર્ય. સાહિરનાં ગીતોએ સામાન્ય દર્શકોને જોઈતું મનોરંજન તો પૂરું પાડ્યું; સાથે વિશિષ્ટ ચિંતકવર્ગને પણ ઉત્સાહિત કર્યો …

યશ ચોપરા નવા નવા મુંબઈ આવ્યા ત્યારની વાત. મોટા ભાઈ બી.આર. ચોપરા ફિલ્મોમાં જામી ગયા હતા. બે ભાઈઓ વચ્ચે ઉંમરનું ખાસ્સું અંતર. તેમણે લાડથી યશને પૂછ્યું, ‘બોલ, કોને મળવું છે? રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ – તું કહે તેની સાથે મુલાકાત ગોઠવી આપું.’ યશ બોલ્યા, ‘તો મારે એક કવિને મળવું છે. નામ સાહિર લુધિયાનવી.’ યશ લુધિયાણા અને લાહોરમાં રહેલા, સાહિરની આગઝરતી કલમની ત્યાં જબરદસ્ત લોકપ્રિયતા હતી. એક રચનાએ તો એવો ઝંઝાવાત સર્જેલો કે યુવાન યશ બીજી કોઈ સેલિબ્રિટીને નહીં, સાહિરને મળવા માગતા હતા. આ સાહિરનો જન્મદિન 8 માર્ચના ગયો. આ જ દિવસે મહિલા દિન પણ હતો. સ્ત્રીના મનને અને એની પીડાને સાહિર જેટલું ભાગ્યે જ કોઈ સમજી શક્યું છે.

જે રચનાએ લાહોરમાં ઝંઝાવાત સરજેલો તેમાં સાહિરે શાસનની ક્રૂરતા અને કઠોરતા માણસને ક્યાં સુધી દબાવી શકશે એવો સવાલ ઉઠાવેલો : દબેગી કબ તલક આવાઝ-એ-આદમ હમ ભી દેખેંગે, રુકેંગે કબ તલક જઝબત-એ-બરહમ હમ ભી દેખેંગે, ચલો યું હી સહી યે ઝોર-એ-પયામ હમ ભી દેખેંગે, દર-એ-ઝિંદાન સે દેખેં યા ઉરુઝ-એ-દર સે દેખેંગે, તુમ્હેં રુસવા સર-એ-બાઝાર-એ-આલમ હમ ભી દેખેંગે …’ સત્તા અને દમનને સરેઆમ બદનામ કરવાનો પડકાર આપનાર 22-23 વર્ષના સાહિરના કોમ્યુનિઝમે 49માં તેને લાહોર છોડાવ્યું. સાહિર મુંબઈ આવી ગયા અને ફિલ્મી ગીતોના માધ્યમથી લોકો સુધી પોતાના દિલની અગન પહોંચાડતા રહ્યા.

આ અગનનો બીજો ચહેરો પણ હતો – શોષિત માનવતાના પોકાર જેવો જ અદમ્ય પ્રેમનો પોકાર પણ સાહિરની કલમમાંથી ઊઠતો. જેટલી સહજતાથી ‘વો સુબહ કભી તો આયેગી’ લખે એટલી જ સહજતાથી ‘દેખિયે આપને ફિર પ્યારસે દેખા મુઝકો’ લખી શકે. આ બંને સાથે સાહિરમાં એક ફિલસૂફનું ગાંભીર્ય પણ હતું. એમનું મૂળ નામ અબ્દુલ હાયી. જમીનદાર પિતા ફઝલ મોહંમદે બીજી સ્ત્રીને માટે સાહિરની મા સરદાર બેગમને છોડી. મા-દીકરો રઝળતાં થઈ ગયાં. એકલી માની વેદના અને મક્કમતા એમણે ‘મૈં તુઝે રહમ કે સાયે મેં ન પલને દૂંગી, જિંદગાની કી કડી ધૂપ મેં જલને દૂંગી, તાકિ તપ-તપ કે તૂ ફૌલાદ બને, માં કી ઔલાદ બને … તૂ મેરે સાથ રહેગા મુન્ને’ ગીતમાં વર્ણવી છે. અને સ્ત્રીની વેદના એમની આ રચનામાં વર્ણવાઈ છે, ‘લોગ ઔરત કો ફકત જિસ્મ સમઝ લેતે હૈં, રૂહ ભી હોતી હૈ ઉસમેં વો કહાં સોચતે હૈં’

એમના પ્રથમ સંગ્રહનું નામ હતું ‘તલ્ખિયાં’ હતું. બીજા સંગ્રહનું નામ ‘ગાતા જાયે બનજારા’. બંને નામ સૂચક છે. વિદ્રોહ અને રોમાન્સ એમની જિંદગીમાં સમાંતર ચાલ્યા છે અને એમની કલમમાંથી સમાંતરે નીતર્યાં છે. વિદ્યાર્થી અવસ્થામાં જ તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના સભ્ય બન્યા. પછીથી ‘અદબે લતીફ’, ‘પ્રીતલેરી’ અને ‘શહરબ’ સામયિકોનું સંપાદન કર્યું.

મુંબઈ આવ્યા બાદ ‘આઝાદી કી રાહ મેં’, ‘નૌજવાન’ વગેરે માટે ગીતો લખ્યાં, પણ ગુરુદત્તની ફિલ્મ ‘બાઝી’નાં ગીતોને ખૂબ સફળતા મળી. ત્યારથી 1957ની ‘પ્યાસા’ સુધી સાહિર અને સચિન દેવ બર્મને સાથે અદ્દભુત કામ કર્યું. આ જોડી દેવ આનંદના નવકેતન પરિવારનો પણ હિસ્સો હતી. એ સમયે ફિલ્મ ઉદ્યોગમાં પ્રગતિશીલોની બોલબાલા હતી. સાહિરે કવિ ફૈઝ મહમ્મદ ફૈઝની જેમ પ્રગતિશીલ કવિતાનો માર્ગ અપનાવ્યો. સમાજનાં દૂષણો (જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ), ધાર્મિક ભેદનો વિરોધ (તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા), શ્રીમંતોનો દંભ (યે મહલોં, યે તખ્તોં, યે તાજોં કી દુનિયા), દેશપ્રેમ (અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ), વંચિતો માટેની નિસબત (મૈંને તુમસે હી નહીં સબસે મુહબ્બત કી હૈ), પિતૃસત્તાકતા ( ઔરતને જનમ દિયા મર્દો કો, મર્દો ને ઉસે બાઝાર દિયા), એકતાનું મહત્ત્વ (સાથી હાથ બઢાના), આશા (વો સુબહા કભી તો આયેગી),  યુદ્ધવિરોધ (ખુદા-એ-બરતર તેરી જમીં પર જમીં કી ખાતિર યે જંગ ક્યોં હૈ) જેવા ભાવો એમણે કવિત્વની સુગંધ સાથે વ્યક્ત કર્યાં. સામાન્ય દર્શકોને જોઈતું મનોરંજન તો પૂરું પાડ્યું; સાથે વિશિષ્ટ ચિંતકવર્ગને પણ ઉત્સાહિત કર્યો. ફિલ્મી ગીતો લખે તેને સ્વતંત્રતા ઓછી હોય છે – સિચ્યુએશન મુજબ લખવાનું અને સંગીત બની ગયાં પછી લખવાનું. પણ સાહિર આ બંનેથી મુક્ત રહી પોતાની શરતે લખતા રહ્યા.

અમૃતા પ્રીતમના ઉલ્લેખ વિના સાહિરની કહાણી અધૂરી રહે. આ બંનેની પહેલી મુલાકાત 1944માં એક મુશાયરમાં થઈ હતી. સાહિરનો ઓટોગ્રાફ લેવા અમૃતાએ હથેળી લંબાવી અને સાહિરે પોતાની કલમની શાહી અંગૂઠા પર લગાડી અંગૂઠો અમૃતાની હથેળી પર છાપી દીધો. વરસતા વરસાદમાં સાથે ભરાયેલાં થોડાં પગલાં બંનેને નજીક લાવી ગયાં. પંજાબીમાં કાવ્યો લખતી અમૃતા પરિણીત હતી. પ્રીતમસિંહ સાથેનું લગ્નજીવન સુખી નહોતું. મુલાકાતો થતી રહી, પણ બંને વચ્ચે એક અકળ મૌન છવાયેલું રહેતું. સાહિરના ગયા પછી અમૃતા તેની અર્ધી પીધેલી સિગારેટને ફરી પી લેતી અને સાહિરનો સ્પર્શ અનુભવતી. અમૃતા સગર્ભા થઈ ત્યારે બાળક સાહિર જેવું હોય એમ ઇચ્છતી. સાહિરે જાણ્યું ત્યારે હસી પડ્યા, ‘વેરી પુઅર ચોઈસ’. આ દીકરો મોટો થયો ત્યારે પૂછ્યું, ‘મા, હું સાહિર અંકલનો દીકરો છું?’ અમૃતાએ કહ્યું, ‘એવું હોત તો મને ખૂબ ગમત, બેટા! પણ એમ નથી.’

આત્યંતિક માતૃભક્તિ અને અનિર્ણયાત્મકતાએ સાહિરને એકલા જ રાખ્યા. પાકિસ્તાનના કવિ અહમદ રાહી કહે છે કે સાહિરનો બધો પ્રેમ એક જ વ્યક્તિમાં સમાઈ ગયો અને એ એની મા હતી. ખુશવંત સિંહે સાહિરમાં કમિટમેન્ટ ફોબિયા જોયો હતો. 1960માં અમૃતા મુંબઈ આવી ત્યારે સાહિરનું નામ સુધા મલ્હોત્રા સાથે જોડાયું હતું. અમૃતા ભયંકર ઘવાઈ અને પછી ફરી ગઈ. એ વર્ષે તેણે જિંદગીનાં કરુણતમ કાવ્યો લખ્યાં. ત્યાર પછી તે ઈમરોઝ સાથે જોડાઈ, પણ સાહિરને કદી ભૂલી ન શકી.

સાહિરના વ્યક્તિત્વમાં એક તીવ્રતા હતી. વિસંગતતાઓ પણ ખરી. લાગણીશીલ, માનવતાવાદી, પ્રકૃતિપ્રેમી, મૂર્તિભંજક, સુધારાવાદી, વિદ્રોહી સાહિર મિત્રો પ્રત્યે અત્યંત પ્રેમાળ અને ઉદાર, પણ નશામાં એમનું અપમાન કરી બેસતા. કોઇની સર્વોપરિતા સ્વીકારી શકતા નહીં. પૈસા કરતાં પ્રતિષ્ઠા અને અહમ્‌ને વધુ મહત્ત્વ આપતા. ખુદ્દાર, સમાધાન ન કરે એવા, અભિમાની અને ફક્કડ સ્વભાવના સાહિર લિફ્ટ અને હવાઈ મુસાફરી ટાળતા. તીવ્ર યાદદાસ્ત છતાં ભૂલો કરતા. ગીતકારોનું મહત્ત્વ વધે તે માટે ત્યારના માહિતીપ્રધાન કેસ્કર પાસે નિર્ણય લેવડાવ્યો કે રેડિયો પર સંગીતકાર સાથે ગીતકારનું નામ પણ એનાઉન્સ થાય. 1963માં સાહિર ફિલ્મ રાઇટર્સ એસોસીએશનના પ્રમુખ હતા. લુધિયાણામાં એમના નામનું ઓડિટોરિયમ છે.

મા અને મિત્રો જાંનિસાર અખ્તર અને કૃષ્ણ ચંદરની વિદાય પછી સાહિર સાવ એકલા પડી ગયા. ચિંતા, ડર અને એકલવાયાપણું એમને ઘેરી વળ્યાં. કલાકો સુધી ચૂપચાપ આકાશ સામે જોતા રહેતા. 25 ઑક્ટોબર 1980ના દિવસે ડૉક્ટર મિત્ર સાથે પત્તાં રમતાં સાહિરે છેલ્લા શ્વાસ લીધા. જૂહુના કબ્રસ્તાનમાં એમની પ્રિય અમ્મીજાનની કબરની લગોલગ સાહિરની કબર બની.

‘કભી કભી’ની યાદગાર નઝમે એંગ્રી યંગ મેનને રોમેન્ટિક બનાવ્યો હતો. સાહિરના રોમેન્ટિક ગીતોની વાત તો આખો લેખ માગે; પણ સાહિરનું સત્ય શું હતું એ સવાલનું પગેરું પ્રેમમાં મળે અને પ્રેમનું પગેરું વિદ્રોહમાં મળે. સમાજથી અસંતુષ્ટ સાહિરને માણસમાં, તેના સંઘર્ષ અને મહેનતમાં અખૂટ શ્રદ્ધા હતી – ‘સંસાર કે સારે મહેનતકશ ખેતોં સે મિલોં સે નિકલેંગે, બેઘર બેદર બેબસ ઇન્સાં તારીક બિલોં સે નિકલેંગે, દુનિયા અમ્ન ઔર ખુશહાલી કે રંગો સે સજાઈ જાયેગી, વો સુબહા હમીંસે આયેગી’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 માર્ચ  2024

Loading

એમણે સમાન કુટુંબ કાયદા-કોમન સિવિલ કોડનો આગ્રહ રાખેલો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 July 2024

માનવ અધિકારોને લગતી સમિતિ પર એલીનોર રુઝવેલ્ટ અને હંસાબહેન બંને સહ-ઉપપ્રમુખ હતાં

હંસા મહેતાએ માનવ અધિકારને લગતા યુ.એન. જાહેરનામામાં પહેલે જ ધડાકે, પહેલી જ કલમમાં શકવર્તી સંસ્કરણ માટે આગ્રહ રાખીને ઇતિહાસ સર્જ્યો હતો

વડોદરાના મહિલા સાંસ્કૃતિક સંગઠનને હંસા મહેતા (3-7-1897 : 4-4-1995) વિશે ચર્ચાગોષ્ઠી યોજવાનું ગયે અઠવાડિયે સૂઝી રહ્યું તે જાણી સ્વાભાવિક જ આનંદ થયો. હજુ બે’ક અઠવાડિયાં પર જ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પ્રમુખીય સ્તરેથી એમનો વિશેષોલ્લેખ થયાનું ક્યાંક ખૂણેખાંચરે વાંચવાનું બન્યું ત્યારથી જ અંતરમનમાં એ વાતે અમળાટ હતો કે આપણે ગુજરાતીઓ એમને ક્યારે સંભારીશું.

હંસાબહેન મહેતા

યુનાઈટેડ નેશન્સે એમને કેમ સંભાર્યાં હશે એનો ખુલાસો આપું તે પહેલાં મહિલા સાંસ્કૃતિક સંગઠનને લગરીક મીઠો ઠપકો આપું? કાર્યક્રમની આગોતરી જાણ કરતા એણે હંસાબહેનને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર તરીકે કેમ ઓળખાવ્યાં? ભાઈ, એ પ્રથમ વાઈસ ચાન્સેલર (1949-1959) હતાં અને એમના કાર્યકાળમાં યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકાવા લાગી હતી જે એમની પ્રતિભા અને સંપર્કો જોતાં સહજ પણ હતું.

પાછાં યુ.એન. પહોંચી જઈશું? આઝાદીના અરસામાં હંસા મહેતા ભારતના પ્રતિનિધિમંડળ પર ત્યાં હતાં, અને એમાં પણ માનવ અધિકારોને લગતી સમિતિ પર એલીનોર રુઝવેલ્ટ (અમેરિકી પ્રમુખ રુઝવેલ્ટનાં પત્ની) અને હંસાબહેન બેઉ સહ-ઉપપ્રમુખ હતાં. એલીનોરના અધિકૃત ચરિત્રકારે યુ.એન. ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ અંગેની એમની કામગીરીની ચર્ચા કરતા ખાસ નોંધ્યું છે કે મૃદુભાષી, કંઈક તનુકાય, સાડીએ સોહતાં હંસા મહેતાએ માનવ અધિકારને લગતા યુ.એન. જાહેરનામામાં પહેલે જ ધડાકે, પહેલી જ કલમમાં શકવર્તી સંસ્કરણ માટે આગ્રહ રાખીને ઇતિહાસ સર્જ્યો હતો.

‘ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઈક્વલ’થી શરૂ થતી માંડણીમાં દરમ્યાન થઈ હંસાબહેને કહ્યું હતું કે ‘મેન’ શા સારુ, ‘હ્યુમન બીઇંગ્ઝ’ રાખો. એલીનોરનું અને બીજા કેટલાકનું કહેવું હતું કે ‘મેન’ સામાન્યપણે સ્ત્રીપુરુષ સૌને આવરી લેતા અર્થમાં સમજાતો પ્રયોગ છે. પણ હંસાબહેને આગ્રહપૂર્વક સમજાવ્યું કે ‘જેન્ડર જસ્ટિસ’નો નવ્ય અભિગમ હવે જૂના ઢાંચાની બહાર માવજત માંગે છે- માટે ‘ઓલ હ્યુમન બીઈંગ્ઝ.’

હવે ન્યૂયોર્કથી વળી વડોદરા, અને તે પણ પાછે પગલે. હંસાબહેન વડોદરાના દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી, ને મનુભાઈ વળી નંદશંકર મહેતાના પુત્ર. એટલે પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકરનાં એ પૌત્રી. આમ જન્મતાં જ જાણે કે ઇતિહાસકન્યા. વડોદરાથી ફિલસૂફીમાં સ્નાતક થઈ એ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રના વિશેષ અભ્યાસ સારુ પહોંચ્યાં એ ય આજથી સો વરસ પહેલાંના ગુજરાતની દૃષ્ટિએ નાની શી વિશ્વઘટના સ્તો!

લંડનવાસ દરમ્યાન સરોજિની નાયડુનો સંપર્ક એમને સફ્રેજેટ મુવમેન્ટ – મહિલા મતાધિકાર ચળવળ ભણી દોરી ગયો. ભણી ઊતર્યાં ને પાછાં ત્યારે રાષ્ટ્રીય ચળવળના માહોલમાં ગાંધીખેંચાણ દુર્નિવાર હતું. આપણી ઇતિહાસકન્યાએ હવે પિકેટિંગમાં જોડાઈ જેલ-લાયકાત પણ હાંસલ કરી. 1937ના પ્રાંતિક સ્વરાજ વખતે મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ચૂંટાઈ એ પાર્લમેન્ટરી સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહ્યાં.

અખિલ હિંદ મહિલા પરિષદ(ઓલ ઇન્ડિયા વીમેન્સ કોન્ફરન્સ)ના સ્થાપકો પૈકી એક એવાં હંસાબહેને આગળ ચાલતાં એનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું અને મહિલા પરિષદને સ્વરાજની લડત સાથે સાંકળી નારીજાગૃતિનો એક નવો આયામ પ્રગટાવવામાં અગ્રભાગી રહ્યાં.

અને હા, દરમ્યાન એમણે લગ્ન પણ કર્યાં હતાં પાછળથી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ઝળકેલા ડો. જીવરાજ મહેતા સાથે. નાગરી નાતને વણિક પુત્ર સાથેનાં આ પ્રતિલોમ લગ્ન ક્યાંથી બહાલ હોય. કહ્યું, નાત બહાર મૂકીશું. ઇતિહાસકન્યાએ આસ્તે રહીને કહ્યું, મેં તો કે’દીના તમને મુક્ત કરેલા છે!

પ્રજાસત્તાક સ્વરાજ આગમચ જે બંધારણ સભા બની એના પંદર મહિલા સભ્યો પૈકી એક હંસાબહેન પણ હતાં. એમની બંધારણ સભા પરની કામગીરીમાં બે ધ્યાનાર્હ વાતો સામે આવે છે. એક તો એમણે સમાન કુટુંબ કાયદા-કોમન સિવિલ કોડનો આગ્રહ રાખેલો. સ્ત્રીપુરુષ સમાનતાના મુદ્દે, પછી તે વારસાની વાત હોય કે લગ્ન અગર ફારગતીની, કોઈ સામાજિક રૂઢિ કે કથિત ધરમ-મજહબ નહીં પણ સ્વતંત્ર વિચારને ધોરણે એ વાત હતી. બંધારણમાં જેને માર્ગદર્શક સિદ્ધાંતો (ડાઈરેક્ટિવ પ્રિન્સિપલ્સ) કહેવામાં આવે છે તે ઘડવામાં, ખાસ તો તે અંગે શબ્દવિન્યાસમાં એમણે ઊંડો ને સક્રિય રસ લીધો હતો. આ સિદ્ધાંતો કાયદેસર બંધનકર્તા નથી એ સાચું, પણ તે ચોક્કસ માર્ગદર્શક છે જ છે, એ સંજોગોમાં એમાં મૂકાયેલા શબ્દોમાં દૃઢતા હોય તે માટેનો એમનો આગ્રહ હતો.

હજુ એક ઉલ્લેખ બંધારણ સભા વિશે. 15મી ઓગસ્ટે બંધારણ સભાને દેશની નારીશક્તિ વતી રાષ્ટ્રધ્વજ ભેટ ધરવાની જવાબદારી એમણે નભાવી હતી. સરોજિની નાયડુ કોઈ કારણસર પહોંચી શકે એમ નહોતાં એટલે એમણે આ દાયિત્વ એમને ભળાવ્યું હતું. ધ્વજ અર્પતી વેળાની એમની દિલબુલંદ રજૂઆત અને સુચેતા કૃપાલાનીના કંઠે વંદે માતરમ્, બેઉ પ્રસારભારતી આર્કાઈવ્ઝમાં સચવાયેલાં છે.

હંસાબહેનની નાનાવિધ લેખન કામગીરી વિશે વાત કર્યા વિના એમને સંભાર્યાં અધૂરું ગણાય. બાળકિશોર દૃષ્ટિએ વાત કરું તો ‘અરુણનું અદ્દભુત સ્વપ્ન’ વાટે વિશ્વયાત્રા કે ‘બાવલાનાં પરાક્રમો’ એ ઈટાલિયન કથા(પિનાચિયો?)નું રૂપાંતર, વળી વાલ્મીકિ રામાયણના એકાધિક કાંડોથી માંડી શેક્સપીયરના નાટક ‘મર્ચન્ટ ઓફ વેનિસ’નો અનુવાદ વગેરે એમને નામે જમે બોલે છે.

એમના નાટ્યસંગ્રહ પણ પ્રકાશિત થયેલા છે. એમના એક નાટકમાં વિધુર પુરુષ માટે ગંગા સ્વરૂપની તરજ પર હિમાલય સ્વરૂપ જેવો (ગગનવિહારી મહેતાને સૂઝે એવો) પ્રયોગ આ લખતાં સાંભરે છે.

હવે એમના આ લખનારને થયેલ પરોક્ષ પરિચયની એક વાત, અમથી. જયપ્રકાશજીના આદેશ મુજબ 1977-78માં અમે લોકસમિતિ ઝુંબેશ સારુ અમરેલી પહોંચ્યા ત્યારે મળેલો એક શુભેચ્છા સંદેશ અને પ્રતીક ફાળો મુંબઈ બેઠાં હંસાબહેન મહેતાનો પણ હતો – સદ્દગત પતિના મતદાર મંડળ સાથે એમણે એ રીતે સંબંધ જાળવી રાખ્યો હતો.

‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ એક મજાની કોલમ ચલાવે છે – ‘ઓવરલુક્ડ.’ અમે એમને પૂર્વે ઓબિટ આપવાનું ચૂકી ગયાં હતાં, માટે ‘ઓવરલુક્ડ.’ ગયે પખવાડિયે એણે પણ હંસાબહેનને યાદ કર્યા છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 જુલાઈ 2024

Loading

ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે

સોનલ પરીખ|Opinion - Opinion|9 July 2024

દરેક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પ્રિય હોય છે. કદાચ એટલા માટે કે કવિતા માણસની અંદર જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, ખૂલીને કહેવાની અને બધું ખંખેરીને મુક્ત થઈ જવાની તમામ શક્યતાઓને ઊઘડવા દે છે

‘દિન અભી પાની મેં હો, રાત કિનારે કે કરીબ, ન અંધેરા ન ઉજાલા હો, ન રાત ન દિન, જિસ્મ જબ ખત્મ હો ઔર રૂહ કો જબ સાંસ આયે, મુઝ સે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુઝ કો … મૌત તૂ એક કવિતા હૈ’ ગુલઝરની આ પંક્તિઓ મૃત્યુનું વર્ણન એવી ખૂબસૂરતીથી, એવી નજાકતથી કરે છે કે કવિતા અને મૃત્યુ બંનેના પ્રેમમાં પડી જવાય. એમને જ્ઞાનપીઠ ઍવોર્ડ મળ્યાની જાહેરાત થઈ છે. ગુલઝાર એવાં કવિ છે, એવું વ્યક્તિત્વ છે કે ઍવોર્ડ એમને શોભાવે એ કરતાં તેઓ ઍવોર્ડને વધુ શોભાવે. આ સમાચારથી થોડી ક્ષણોમાં એમનો આખો બાયોડેટા નજર સામેથી પસાર થઈ ગયો. નામ – સંપૂર્ણસિંહ કાલરા, ઉપનામ – ગુલઝાર, વતન દીના, જિલ્લો જેલમ, હાલ પાકિસ્તાનમાં, ‘લખવામાં શું મળે?’ એવા પિતાના યક્ષપ્રશ્નનો જવાબ ન મળવાથી મોટરમિકેનિક તરીકે કામ કરતો આ દીકરો પ્રોગ્રેસિવ રાઇટર થવાના છાનાં સ્વપ્ન જોતો અને ટાગોરને આખા ગટગટાવી ગયેલો. રાખી તરફ ખેંચાવાનું એક મહત્ત્વનું કારણ એ પણ ખરું કે તે ટાગોરના દેશની હતી!

‘ટાગોર’ કાવ્યમાં ગુલઝાર લખે છે, ‘એક ગ્રામીણ માથા પર ગોળનું ભીલું લઈ ચાલ્યો જાય છે. સૂરજ તપે છે, ગોળ પીગળે છે, મીઠાં ટીપાં પડે છે અને ગ્રામીણ તે ચાટતો જાય છે. મીઠી સુગંધથી ખેંચાઇ આવેલી એક ભિનભિન કરતી છત્રી પણ સાથે ચાલે છે : મૈં દેહાતી, મેરે સર પે યે ટૈગોર કી ભેલી કિસને રાખ દી?’ ખેતરમાં પાકેલા ગોળનો અન્ય એક સુંદર સંદર્ભ આવો પણ છે, ‘વહેલી સવારે એક સ્વપ્નના ટકોરાથી બારણું ખોલ્યું. સરહદપારથી થોડા લોકો આવ્યા હતા, આંખો બોલતી હતી, ચહેરા સાંભળતા હતા … મેં તંદુરમાં મકાઈના જાડા રોટલા શેક્યા, મારા મહેમાનો પોટલીમાં ગયા વરસનો ગોળ લાવ્યા હતા’ કાવ્ય આગળ વેદનાભર્યો વળાંક લે છે, ‘સરહદ પે કલ રાત સુના હૈ ચલી હૈ ગોલી, સરહદ પે કલ રાત સુના હૈ કુછ ખ્વાબો કા ખૂન હુઆ હૈ’ વતનની માટી પરના પ્રેમે ગુલઝાર પાસે ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુઝપે દિલ કુરબાન’, ‘કૌન તુઝે પાની પૂછેગા ફસલેં સિંચેગા, કૌન તેરી માટી મેં ઠંડી છાંવ ભીંજેગા, વતના વે, ઓ મેરેયા વતના વે’ અને ‘હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલે, યે ફાંસલે તેરી ગાલિયોં કે હમસે તય ન હુએ, ન જાને કૌન સી મિટ્ટી વતન કી મિટ્ટી હૈ, નઝર મેં ધૂલ જિગર મેં લિયે ગુબાર ચલે’ જેવી પંક્તિઓ લખાવી છે. ભારત-પાકિસ્તાનને ‘અ પૅર ઑફ ટ્વિન્સ બોર્ન અ ડે અપાર્ટ’ બીજું કોણ કહી શકે?

1963માં બિમલ રૉયની ફિલ્મ ‘બંદિની’ના ‘મોરા ગોરા રંગ લઈ લે’થી શરૂઆત કરનાર ગુલઝારે કારકિર્દીની અડધી સદીથી વધુ લાંબી મજલમાં કવિ, લેખક, પટકથાકાર, સંવાદલેખક અને દિગ્દર્શક તરીકે અસંખ્ય ફિલ્મો સાથે સંકળાઈને ‘કિરદાર’, ‘મિર્ઝા ગાલિબ’ જેવી ટેલિવિઝન સિરિયલો આપી છે અને ગૈરફિલ્મી સર્જક તરીકે પણ ગજું બતાવ્યું છે. તમામ સર્જનોને ગુલઝારે નિજી સ્પર્શ આપ્યો છે. તેમણે 50 જેટલી ફિલ્મોનાં ગીતો લખ્યાં છે, જેમાં ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહકતી ખુશબૂ’ જેવી નખશિખ કવિતાથી માંડી ‘જય હો’, ‘કજરારે’ અને ‘બીડી જલાઈ દે’ જેવાં ઍવોર્ડવિનિંગ ટ્રેન્ડી આઇટમ-સોંગ્સ છે. ગીતકાર તરીકે 11 અને સંવાદો માટે ચાર ફિલ્મફેર ઍવોર્ડ ઉપરાંત ગુલઝારે અનેક નેશનલ ઍવોર્ડ, એક અકાદમી અને એક ગ્રામી ઍવોર્ડ સાથે પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ને હવે જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ પરિચય જરૂરી હતો એટલે દોડતે ઘોડે આપી દીધો, આપણું રસકેન્દ્ર તો છે ગુલઝારનું હૃદય એટલે કે તેમનાં કાવ્યો.

ટાગોર બહુવિધ પ્રતિભા ધરાવતા, છતાં પોતાને કવિ તરીકે ઓળખાવવાનું પસંદ કરતા. ગુલઝાર પણ બહુવિધ પ્રતિભા ધરાવે છે, છતાં પોતાને કવિ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. એમણે ટાગોરનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ કરી એક મ્યુઝિક-આલ્બમ બનાવ્યું છે, ‘ગુલઝાર-ઇન કન્વરઝેશન વિથ ટાગોર’. ‘હુતુતુ’(1999) નિષ્ફળ ગયા પછી તેઓ ફિલ્મસર્જનમાંથી નિવૃત્તિ લઈ સર્જનાત્મક લેખન પર કેન્દ્રિત થયા છે. દરેક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પ્રિય હોય છે. કદાચ એટલા માટે કે કવિતા માણસની અંદર જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, ખૂલીને કહેવાની અને બધું ખંખેરીને મુક્ત થઈ જવાની તમામ શક્યતાઓને ઊઘડવા દે છે.

‘આદતન તુમને કર દિયે વાદે, આદતન હમને એતબાર કિયા; તેરી રાહોં મેં હર એક બાર રૂક કે, હમને ખુદ અપના ઇન્તઝાર કિયા; અબ ન માંગેંગે જિંદગી યા રબ, યે ગુનાહ હમને એક બાર કિયા’ શું છુપાયું છે ગુલઝરના શબ્દોમાં? પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગી અને સંબંધોનાં રૂપ, ફૂલની પાંખડી પર નજાકતથી ચમકતી ઝાકળ જેવો રોમાન્સ, આકુળ હૃદયમાંથી વહેતું લોહી, સમજદારી. આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર તેને સ્પર્શે એટલે બધું ખાસ થઈ જાય છે. તેમનાં 14થી વધારે પુસ્તકોમાંના છ કાવ્યસંગ્રહ અને 250થી વધારે ફિલ્મી ગીતો આની પ્રતીતિ આપે છે.

‘હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છૂટા કરતે, વક્ત કી શાખ સે લમહે નહીં ટૂટા કરતે; જિસને પૈરોં કે નિશાં ભી નહીં છોડે અપને, ઉસ મુસાફિર કા પતા ભી નહીં પૂછા કરતે’ – તેમની પંક્તિઓમાં સંબંધોના જુદા જુદા ચહેરા છે – ‘ખામોશી કા હાંસિલ ભી એક લંબી સી ખામોશી હૈ, ઉનકી બાત સુની ભી મૈંને, અપની બાત સુનાઈ ભી’, ‘શામિયાનેં શામોં કે રોજ હી સજાયે થે, કિતને ઉમ્મીદોં કે મહેમાં બુલાયે થે, આ કે દરવાજે સે લૌટ ગયે વો, યું ભી કોઈ આયેગા સોચા તો નહીં થા’, ‘રત્તી રત્તી સચ્ચી મૈંને જાન ગંવાઈ હૈ, અખિયોં કી નીંદ મૈંને ફૂંકો સે ઉડાઈ હૈ, ગિન ગિન તારે મૈંને ઉંગલી જલાઈ હૈ’

‘ચરખા ચલાતી માં, ધાગા બનાતી માં, બુનતી હૈ સપનોં કે ખેસ રી; બેટોં કો દેતી મહલઅટરિયાં બેટી કો દેતી પરદેસ રી; જગ મેં જનમ ક્યોં લેતી હૈ બેટી, આયે ક્યોં બિદાઇવાલી રાત રી’ સાંભળીને કોઇની આંખ કોરી ન રહી શકે અને ‘યે સુબહ સાંસ લેગી ઔર બાદબાં ખુલેગા, પલકેં ઉઠાઓ જાનમ યે આસમાં ખુલેગા’ એવી નજાકતથી પ્રિયતમાને ગુલઝાર સિવાય કોણ જગાડી શકે? શબ્દના સ્વામીને શબ્દ મૂંઝવે પણ ખરો : નઝમ ઉલઝી હુઈ હૈ સીને મેં, મિસરે અટકે હુએ હૈ હોઠોં પર, ઊડતે ફિરતે હૈં તિતલિયોં કી તરહ, લફઝ કાગઝ પે બૈઠતે હી નહીં’

‘હર એક રોજ નયા આસમાન ખુલતા હૈ, ખબર નહીં હૈ કિ કલ દિન કા રંગ ક્યા હોગા’, ‘કૌન ઢૂંઢે જવાબ દર્દો કે, લોગ તો બસ સવાલ કરતે હૈં’, ‘રાહોં સે રાહી કા રિશ્તા કિતને જનમ પુરાના, એક કો ચલતે જાના આગે, એક કો પીછે જાના; મોડ પે મત રૂક જાના બંધુ દો રાહો મેં ફંસ કે’ જિંદગીની જદ્દોજહદનું આ આકલન કેટલું સચોટ છે, ‘ન સમંદર નિગલ સકા ન તવારીખ તોડ પાઇ હૈ; વક્ત કી મૌજ પર સદા બહતા, આદમી બુલબુલા હૈ પાની કા’ – ગુલઝારના શબ્દો એટલે સંવેદનશીલ મનની ભીનાશ અને જિંદગીના જટિલ અનુભવોની ઇબારત …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 માર્ચ  2024

Loading

...102030...751752753754...760770780...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved