કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની ખેંચતાણ વચ્ચે વિદ્યાર્થીઓનાં હિત જ નહીં જીવની પણ કોઇને પરવા નથી
આપણે ત્યાં જીવવા માટેનાં કારણો આપણને મળે ન મળે પણ માળું મરવું હોય તો કારણ શોધવા નથી જવું પડતું. ક્યાંક હોર્ડિંગ પડી જાય છે તો ક્યાંક કોઇ પૈસાવાળાનો નબીરો દારુ પીને મોંઘી દાટ કાર ચલાવીને તમને મારી નાખી શકે છે, ક્યાંક પૂલ તૂટી પડે છે, ગેઇમિંગ ઝોનમાં આગ લાગી જાય છે તો ક્યાંક ઓવરલોડ થયેલી હોડી પલટી ખાઇ જાય છે. કોચિંગ ક્લાસમાં લાગેલી આગ શું કરી શકે છે એ તો આપણને ખબર છે પણ કોચિંગ ક્લાસ જે બેઝમેન્ટમાં ચાલતા હોય ત્યાં પૂરનાં પાણી ભરાઇ જાય એમાં પણ દેશનું ભવિષ્ય ઘડવા માટે આઇ.એ.એસ. જેવી પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓના જીવ જઇ શકે છે, એ પણ હવે આપણે જાણીએ છીએ. દેશની રાજધાનીમાં આ ઘટના ઘટી છે. બધી જ દુર્ઘટનાઓ રેઢિયાળ તંત્ર, નકરી બેદરકારી અને નિયમોને નહીં જ પાળવાની આપણી માનસિકતાનું પરિણામ છે.
દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારને UPSC કોચિંગનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. આખા દેશમાંથી હજારો ઉમેદવારો અહીં UPSCના કોચિંગમાં પ્રવેશ લઇ IAS અધિકારી બનવાની તૈયારી કરે છે. 27મી જુલાઇએ સાંજે IAS સ્ટડી સર્કલના ભોંયરામાં પાણી ભરાયું અને ત્રણ વિદ્યાર્થીઓ – જે જીવતા રહ્યા હોત તો કદાચ IAS બનત – નાં મોત થયા. આ થયું તેના અઠવાડિયા પહેલાં 26 વર્ષના નિલેશ રાઇને કરંટ લાગ્યો અને તેનું મોત થયું. લોખંડના ગેટ અને લટકતા વાયરો વચ્ચે ચોંટી ગયેલા મૃતદેહની તસવીરથી હજી કળ વળે ત્યાં તો બેઝમેન્ટમાં ભરાયેલાં પાણીએ ત્રણ જણનાં જીવ લીધા. કોચિંગ સેન્ટરના ધંધાની ત્રુટિઓને અત્યાર સુધી અવગણનાર વહીવટી તંત્ર સફાળું જાગ્યું અને કોચિંગ સેન્ટરો સામે પગલાં લેવાની શરૂઆત કરાઇ. દસથી વધારે કોચિંગ ક્લાસિઝને તાળાં લાગ્યા અને બેઝમેન્ટમાં ચાલનારા ક્લાસને મામલે ધરપકડો પણ કરાઇ. વિદ્યાર્થીઓએ અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલ પણ ચલાવી જેથી તંત્રને કડક પગલાં લેવામાં કોઈ ઢીલ મુકવાની ઇચ્છા ન થાય.
જે કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા એ રાવ કોચિંગ સેન્ટર કોર્સિઝ માટે લાખો રૂપિયા ફી વસૂલ કરે છે, પણ સગવડને નામે મિંડુ. બેઝમેન્ટમાં સાંકડ મુકડ ક્લાસરૂમમાં 250-300 વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવવામાં આવે છે. વળી અમુક બેઝમેન્ટમાં તો કોટડી જેવી જગ્યા આપી પી.જી. સર્વિસ પણ ચલાવાય છે. જ્યાં દેશ ચલાવનારા ભાવિ અધિકારીઓની તાલીમ થઇ રહી છે, એવી જગ્યાઓ મોતનાં નોતરા સમાન છે. આવા જ કોઇ ક્લાસમાં ભણીને અધિકારી બની ગયેલા કોઇને પણ એમ નહીં થયું હોય કે એ જે થઇ રહ્યું છે એ ખોટું છે?
હકીકત એ છે કે આપણા દેશમાં કોચિંગ સેન્ટર્સ એક એવો ખુલ્લો ઘા છે જેમાં સડો થતો તો બધાને દેખાય છે પણ મજાલ છે કોઇની કે એની પર કોઇ સવાલ ઉઠાવે? પોતાનાં સંતાનોનું ભવિષ્ય ઘડનારા આ કોચિંગ સેન્ટર્સ જ તેમનો કાળ બની શકે એવી કલ્પના તો કોઈ મા-બાપને નહીં હોય પણ વાસ્તવિકતા એ છે કે ઉજળા ભવિષ્યના રસ્તે ક્યાંક દાઝેલા શરીરો છે, ક્યાં ભાંગેલા હાડકાં છે તો હવે ડુબીને મોતને ભેટલા શરીરો પણ છે. લાખો રૂપિયા લઇને ઘેંટા-બકરાંની માફક વિદ્યાર્થીઓ ઠાંસી ઠાંસીને ભરનારા આ સેન્ટર્સ આ છોકરાંઓની પ્રાથમિક સલામતીની પરવા પણ નથી કરતા. જે બેઝમેન્ટમાં પાણી ભરાવાથી આ દુર્ઘટના થઇ એ જગ્યા તો ખરેખર પાર્કિંગ તરીકેનું સર્ટિફિકેટ ધરાવતી હતી, પણ ત્યાં તો લાઇબ્રેરી ચાલતી હતી. બેઝમેન્ટના દુરુપયોગની ગેરરીતિ પર સવાલ કરવાવાળું કોઇ ન નીકળ્યું. પણ હવે જ્યારે ન થવા જેવું થઇ ગયું છે પછી રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે ‘તું તું મૈં મૈં’ શરૂ થઇ ગયું છે. ધરપકડ થઇ ખરી પણ એમાં એકેય માણસ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી નથી. દિલ્હીમાં AAPની સરકાર હેઠળ જ મ્યુનિસિપલ કોર્પોરેશન આવે છે અને વરસાદ તૂટી પડ્યો એ પહેલાં ‘પ્રિ-મોનસૂન મેકઅપ’ની કામગીરીમાં ન તો સ્ટોર્મ વૉટર ડ્રેનેજની સફાઇ કરાઇ હતી, ન તો પાર્કિંગ માટે અપાયેલા બેઝમેન્ટમાં ગેરકાયદે ચાલતી વ્યવસાયી પ્રવૃત્તિઓને અટકાવવામાં આવી હતી. વહીવટી તંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે દોષનો ટોપલો ફેરવ્યા કરે છે – પણ કોઇ ગંભીરતાથી આ ઘટનાની જવાબદારી સ્વીકારે એવું છે જ નહીં. વિરોધ કરવા બેઠેલા વિદ્યાર્થીઓ નથી ઇચ્છતા કે આ કિસ્સો રાજકીય ખેલનો ભાગ બનીને પતાવી દેવાય અને માટે જ તેમની એક જ માગ છે કે એમ.સી.ડી. – મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી – ના અધિકારી ત્યાં આવે. થોડા મહિના પહેલાં આવા કોચિંગ સેન્ટરમાં તાલીમ લેનારા વિદ્યાર્થીએ કોર્પોરેશનને બેઝમેન્ટમાં ચાલતા ક્લાસિઝ વિશે, ત્યાંની અસલામતી વિશે ફરિયાદ કરી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે કોર્પોરેશનમાં ચાલનારા ભ્રષ્ટાચારને પગલે જ આ બધી ગેરરીતિઓ ચાલી રહી છે પણ સત્તા પર બેઠા પછી કોઇને ય સામાન્ય લોકોની ફરિયાદ કાને નથી પડતી. આ કોચિંગ સેન્ટરો જ્યાં છે ત્યાં પાણી ભરાવું એક સામાન્ય ઘટના છે અને વરસાદ વધે ત્યારે પાણીના પ્રવાહ સામે લડવા અહીં સેન્ટરવાળાઓએ લોખંડી સળિયા વાળા ગેટ લગાડી દીધા છે પણ એ રસ્તેથી પસાર થયેલી એક એસ.યુ.વી.ને પગલે ત્યાં પાણીનો ફોર્સ વધ્યો અને બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયું. ગટરો સાફ નથી થઇ, નાળાં જામ છે, એન્ક્રોચમેન્ટ યથાવત્ છે, બેઝમેન્ટમાં ગેરકાયદે ક્લાસિઝ ચાલે છે પણ વાંક કોનો? રસ્તેથી એસ.યુ.વી. ચલાવીને લઇ જનારા ડ્રાઇવરનો? આનાથી ભદ્દી મજાક બીજી શું હોઇ શકે?
AAP ચાહે તો નૈતીક જવબદારી સ્વીકારી શકે પણ એવું થયું નથી. કોર્પોરેશનના બે એન્જિનિયર્સ સામે પગલાં લેવાયાં પણ તેનાથી ખરેખર પરિસ્થિતિ બદલાઇ જશે? આ બધી ‘ટિક માર્ક’ પ્રવૃત્તિઓ છે જેનાથી કોઇ ફેર પડવાનો નથી. વિદ્યાર્થીઓનો આક્રોશ શમવાનો નથી. આ એ વિદ્યાર્થીઓ છે જે ભવિષ્યમાં દેશ ચલાવવા માગે છે પણ તેમને પણ હવે સમજાઇ રહ્યું છે કે સત્તા અને તંત્રને લગીરેક ફેર પડતો નથી. તેમને આશ્વાસન આપવા માટે પણ કોઇ નથી.
ભા.જ.પા., APP, અને બ્યુરોક્રેટ્સના ખેલમાં ભોગ વિદ્યાર્થીઓનો લેવાય છે. વળી UPSCની પરીક્ષા માટે લોકોને તૈયાર કરનારા ‘ફેન્સી’ શિક્ષક જે ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યા છે તે પણ અત્યારે તો ક્યાં ય નથી સંભળાતા.
દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં, જે પણ એક કોચિંગ હબ છે ત્યાં 2023માં આગના બનાવમાં સાંઇઠ વિદ્યાર્થીઓનો જીવ માંડ બચ્યો હતો. આ ઘટના પછી પણ કોચિંગ સેન્ટરની ગેરરીતિઓ સામે પગલાં લેવાનું કોઇએ ન વિચાર્યું. આ રેઢિયાળ તંત્રનો, નરી અવગણનાનો અને સ્વાર્થી વિચારધારાનો વાંક છે. અહીં કોઇ એક સરકાર પર નહીં પણ માનસિક રીતે પ્રસરેલા નિયમભંગ અને ભ્રષ્ટાચારની આદત પર સવાલ ઉઠાવવાની જરૂર છે.
ફિલ્મો અને વેબ સિરીઝમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંઘર્ષ કરતા, હેરાન થતા વિદ્યાર્થીઓની વાર્તાઓ જોઇને ખુશ થવાને બદલે તેમની આ બદતર હાલત બદલવા માટેની પહેલ ઉઠાવવાની જરૂર છે. સ્ક્રીન પર કોચિંગ ઉદ્યોગનું સત્ય નથી બતાડાતું કારણ કે આવી વાર્તાઓને રોમાંચક બનાવવા પાછળ પૈસા પણ તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જ લાગ્યા હોય છે.
બાય ધી વેઃ
આવી ઘટના માત્ર દિલ્હી સુધી સીમિત નથી. કોટામાં તો વિદ્યાર્થીઓ સાથે એટલી સખતાઇ વર્તવામાં આવે છે કે 2014થી માંડીને અત્યાર સુધીમાં 147 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ક્યાંક શારીરિક બેદરકારી તો ક્યાંક માનસિક ત્રાસ – આ જ રસ્તા છે બાહોશ વિદ્યાર્થીઓને સજ્જ કરવાના? ભારતના યુવાનો બેઝમેન્ટમાં મરી રહ્યા છે. તગડી નોકરી મેળવવાની ભ્રમણામાં જીવતા વિદ્યાર્થીઓ એક એવા ટાઇમ બોમ્બનો શિકાર છે જે ક્યારે અને કેવી રીતે તેમનો કોળિયો કરી જશે તે તેમને પણ નથી ખબર. આજે ભારતના 66 ટકા બેરોજગારો શિક્ષિત છે અને બેરોજગારીનો દર ૩૦ ટકાએ પહોંચ્યો છે. ભારત સૌથી યુવાન દેશ છેના ફાંકા મારવાનું બંધ કરી આ શિક્ષિત બેરોજગારો માટે નોકરીની તકો પૂરી પાડવાની દિશામાં કામ કરવું અનિવાર્ય છે, નહીંતર તેમાં ઘણાં બધા અંતે આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના તંત્રનો ભાગ બનશે, ખોટી દિશા પકડશે, ખોટી દિશા બતાડશે અને જ્યારે કોઇના જીવ જશે ત્યારે તેમની પાસે કંઇ કહેવાનું નહીં હોય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2024